લખાણ પર જાઓ

૩ ગુરખા રાઇફલ્સ

વિકિપીડિયામાંથી

૩ ગુરખા રાઇફલ્સ એ ભારતીય ભૂમિસેનાની એક પાયદળ રેજિમેન્ટ છે. તેમાં મુખ્યત્ત્વે નેપાળ મૂળના ગુરખા સૈનિકોને ભરતી કરવામાં આવે છે. તે સૌપ્રથમ અંગ્રેજો દ્વારા ૧૮૧૫માં ઉભી કરવામાં આવી હતી. તેઓ ૧૮૫૭માં દિલ્હીના ઘેરામાં, બંને વિશ્વયુદ્ધમાં તૈનાત હતી અને આઝાદી સમયે ભારત, નેપાળ અને બ્રિટનના ત્રિપક્ષીય કરાર અનુસાર ભારતીય સેનાના ફાળે આવેલી છ ગુરખા રેજિમેન્ટમાંની એક હતી. આઝાદી પહેલાં તે ૩જી રાણી એલેક્ઝાન્ડ્રાની ગુરખા રાઇફલ્સ તરીકે જાણીતી હતી. તેણે આઝાદી બાદ ૧૯૪૭ અને ૧૯૭૧ના યુદ્ધમાં ભાગ લીધો છે.

ઉદ્ભવથી ૧૮૮૫ સુધી[ફેરફાર કરો]

૨૪ એપ્રિલ ૧૮૧૫ના રોજ ગુરખા યુદ્ધ દરમિયાન રેજિમેન્ટ સર રોબર્ટ કોલકુહોન દ્વારા ઉભી કરાઈ અને તે કુમાઉં પલટણ તરીકે ઓળખાઈ.[૧] તેમાં ગુરખા ઉપરાંત કુમાઉં અને ગઢવાલના નિવાસીઓ પણ હતા.

૧૮૫૭ના વિપ્લવ સુધી રેજિમેન્ટને ભારત અને નેપાળની સરહદ પર રક્ષણ કરવાના આશયથી તેનાત રાખવામાં આવી. વિપ્લવને ડામવાના અભિયાનમાં રેજિમેન્ટ સક્રિય હતી. માર્ચથી સપ્ટેમ્બર ૧૮૫૭ સુધી ચાલેલા દિલ્હીના ઘેરામાં તે સામેલ હતી અને તે કાશ્મીરી દરવાજા તરફથી દિલ્હીમાં દાખલ થનાર સેનાનો ભાગ હતી. તેને દિલ્હી ૧૮૫૭ યુદ્ધસન્માન અપાયું હતું.

ત્યારબાદ ૧૮૬૧માં રેજિમેન્ટને બંગાલ સેનાનો ભાગ બનાવાઈ અને તેને ૧૮મી બંગાલ સ્થાનિક સેના નામ અપાયું.તેના થોડા સમયમાં જ તેને ૩જી ગુરખા રેજિમેન્ટ નામ અપાયું અને ભૂતાન ખાતે તૈનાત કરાઈ.

૧૮૭૮માં દ્વિતીય અફઘાન યુદ્ધ શરૂ થયું અને રેજિમેન્ટ કંદહાર કબ્જે કરવાની કાર્યવાહીમાં સામેલ થઈ. ૮ જાન્યુઆરી ૧૮૭૯ના રોજ શહેર પર સફળતાપૂર્વક કબ્જો કરવામાં આવ્યો. ૧૮૮૦માં તેમણે કાબુલ તરફ કૂચનો આરંભ કર્યો. કૂચ દરમિયાન ૧૯ એપ્રિલ ૧૮૮૦ના રોજ ગઝીરી પાસે અહેમદ ખેલના સ્થાનિક આદિવાસીની સેનાએ તેમના પર હુમલો કર્યો. ભીષણ લડાઈમાં ૩જી ગુરખાના સૈનિકોએ પાયદળ ચોરસ રચી અને દુશ્મનોને મારી હટાવ્યા.

૧૮૮૫-૧૯૧૪[ફેરફાર કરો]

૧૮૮૫માં શરૂ થયેલ ત્રીજા બર્માના યુદ્ધમાં ભાગ લીધો. ૧૮૮૭માં બીજી પલટણ ઉભી કરવામાં આવી. તેમાં ગઢવાલી સૈનિકોને ભરતી કરવામાં આવ્યા. બાદમાં તેને રેજિમેન્ટથી અલગ કરી અને ગઢવાલ રેજિમેન્ટમાં ઉમેરવામાં આવી. ૧૮૯૧માં ફરી બીજી પલટણ ઉભી કરવામાં આવી અને રેજિમેન્ટને રાઇફલ રેજિમેન્ટ બનાવવામાં આવી.

વાયવ્યના સરહદી પ્રાંતમાં રેજિમેન્ટની પ્રથમ પલટણ ૨૦ ઓક્ટોબર ૧૮૯૭ના રોજ તીરાહના અભિયાનમાં દારગાઇ હાઇટ્સ ખાતે લડાઈમાં સામેલ થઈ. તે આફ્રિદી અને ઓરાક્ઝાઈ આદિવાસીઓ દ્વારા કરાયેલા વિદ્રોહને દબાવવામાં ભાગરૂપ બની. તે લોકહાર્ટ અને ગુલિસ્તાન કિલ્લાને રાહત પહોંચાડવામાં પણ અગ્રેસર રહી.

૧૮૯૫માં અલમોડા ખાતે ૩જી ગુરખા રાઇફલ્સના સૈનિકો

પ્રથમ વિશ્વયુદ્ધ[ફેરફાર કરો]

ઓગષ્ટ ૧૯૧૪માં પ્રથમ વિશ્વયુદ્ધની શરૂઆતથી જ રેજિમેન્ટ પશ્ચિમી મોરચે અને મધ્ય પૂર્વમાં સક્રિય રહી.

૧૯૧૬માં કારકુની ક્ષતિને કારણે ૩/૪ ગુરખા રેજિમેન્ટને બદલે ૪/૩ ગુરખા નામ આપી દેવાયું આમ રેજિમેન્ટને ૪થી પલટણ મળી. આગામી વર્ષે ૩જી પલટણ પણ ઉભી કરાઈ.

પશ્ચિમી મોરચો[ફેરફાર કરો]

રેજિમેન્ટની ૨જી પલટણને યુદ્ધની શરૂઆતે ૧૯૧૪માં ફ્રાન્સ ખાતે નિયુક્ત કરવામાં આવી.

લા બસ્સી ખાતે ૧૨ ઓક્ટોબરના રોજ લડાઈમાં ભાગ લીધો. નવેમ્બરમાં ફેસ્ટ્યુબર્ટના અને ડિસેમ્બરમાં ગિવેન્ચીના રક્ષણમાં પણ ભાગ લીધો.

પલટણ ૧૯૧૫ના અંત સુધી પશ્ચિમી મોરચે રહી. માર્ચમાં નુવે શાપેલની લડાઈમાં ભાગ લીધો. મે મહિનામાં ફેસ્ટ્યુબર્ટ અને ઔબર્સ ખાતે કાર્યવાહીમાં સામેલ થઈ. સપ્ટેમ્બરમાં લુસની લડાઈમાં પલટણે ભાગ લીધો અને પ્રથમ વિક્ટોરીયા ચંદ્રક મેળવ્યો. ૨૫ સપ્ટેમ્બરના રોજ ફાઉકીસા ગામ નજીક બીજી પલટણના રાઇફલમેન કુલબીર થાપાએ ઉત્કૃષ્ટ વીરતાનું પ્રદર્શન કર્યું અને આ પુરસ્કાર મેળવનાર પ્રથમ ગુરખા સૈનિક બન્યા.[૨] આ લડાઈ પલટણની પશ્ચમી મોરચા પર આખરી લડાઈ હતી અને ડિસેમ્બર ૧૯૧૫માં તેને ઇજિપ્ત ખાતે ખસેડાઈ.

મધ્ય પૂર્વ[ફેરફાર કરો]

નવેમ્બર ૧૯૧૭માં મુઘાર ટેકરીની લડાઈ દરમિયાન મોખરેની ખાઈમાં ગુરખા સૈનિકો

ઇજિપ્તમાં આગમન બાદ ઓટોમાન સામ્રાજ્ય સામેની લડાઈમાં સક્રિય ભાગ ભજવ્યો અને બાદમાં પેલેસ્ટાઈનના અભિયાનમાં પણ ભાગ લીધો. તેણે ગાઝાની લડાઈ, જેરુસાલેમ પર કબ્જો વગેરે લડાઈમાં પણ ભાગ લીધો. યુદ્ધના અંત ભાગમાં મેગિડ્ડો પર હુમલામાં તેણે ભાગ લીધો અને શારોન પર કબ્જો કર્યો. સમગ્ર યુદ્ધ દરમિયાન કાર્યવાહી માટે સાત યુદ્ધ સન્માન એનાયત કરાયાં.

૧૦ એપ્રિલ ૧૯૧૮ના રોજ ઇજિપ્તના અલ કેફ્ર ખાતે કરણબહાદુર થાપાએ ૨જી પલટણ માટે વિક્ટોરિયા ચંદ્રક મેળવ્યો.[૩]

પ્રથમ પલટણે મેસોપોટેમિયાના અભિયાનમાં ભાગ લીધો અને એક યુદ્ધ સન્માન મેળવ્યું. તેણે શરકાતની લડાઈમાં ભાગ લીધો.

૧૯૧૯-૧૯૩૯[ફેરફાર કરો]

પ્રથમ વિશ્વયુદ્ધ બાદ તુરંત જ રેજિમેન્ટએ ૧૯૧૯માં ત્રીજા અફઘાન યુદ્ધમાં ભાગ લીધો. વિશ્વયુદ્ધ વચ્ચેનો ગાળો રેજિમેન્ટે સરહદી પ્રાંત અને બર્મા ખાતે જ નિયુક્તિમાં ગાળ્યો. ૩જી પલટણને ૧૯૨૦માં અને ૪થીને ૧૯૨૨માં વિખેરી નાખવામાં આવી.

દ્વિતીય વિશ્વયુદ્ધ[ફેરફાર કરો]

બીજા વિશ્વયુદ્ધમાં રેજિમેન્ટે મોટા પ્રમાણમાં ભાગ લીધો. ૩જી પલટણ ૧૯૪૦માં અને ૪થી ૧૯૪૧માં ઉભી કરવામાં આવી. રેજિમેન્ટએ ઉત્તર આફ્રિકા, ઈટલી અને બર્મા ખાતે લડાઈમાં ભાગ લીધો. ૨જી પલટણે તોબ્રુક ખાતે લડાઈમાં ભાગ લીધો. લડાઈ દરમિયાન જર્મની ની સેનાએ હુમલો કરી અને તેના ૨૦૦ જેટલા સૈનિકોને યુદ્ધકેદી બનાવ્યા. જોકે આમાનાં મોટા ભાગના પાછળથી ભાગવામાં સફળ રહ્યા.[૪]

સ્વતંત્રતા બાદ[ફેરફાર કરો]

આઝાદી સમયે ભારત, નેપાળ અને બ્રિટન વચ્ચેના ત્રિપક્ષીય કરાર અનુસાર કુલ ૧૦ રેજિમેન્ટમાંની ભારતના ફાળે આવેલ છ રેજિમેન્ટ પૈકીની એક રેજિમેન્ટ ૩જી ગુરખા રેજિમેન્ટ હતી. હાલમાં તેમાં પાંચ પલટણો છે.

૧૯૪૮ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં ઉરી ક્ષેત્રમાં પીરા કાન્થી યુદ્ધ સન્માન અપાયું અને ૧૯૭૧માં કારગિલ ક્ષેત્રમાં શિન્ગો યુદ્ધ સન્માન અપાયું. ૧/૩ ગુરખા પલટણ સ્વતંત્રતા બાદ ૧૯૭૧ના યુદ્ધ દરમિયાન જળથી સ્થળ પર હુમલો કરનાર પ્રથમ પલટણ બની. આ ઉપરાંત ૧/૩ ગુરખાના કર્નલ ચિટણીસ નાગાલેંડ ખાતે મૃત્યુપર્યંત અશોક ચક્રનું બહુમાન પામ્યા.

નોંધ[ફેરફાર કરો]

  1. About the 3rd Gorkha Rifles સંગ્રહિત ૨૦૧૦-૦૬-૨૧ ના રોજ વેબેક મશિન Accessed June 15, 2010.
  2. Parker 2005, pp. 111–112.
  3. Parker 2005, p. 393.
  4. Parker 2005, pp. 161–163.

સંદર્ભ[ફેરફાર કરો]

  • પાર્કર, જ્હોન. (2005). આ Gurkhas: ધ ઇન્સાઇડ સ્ટોરી વિશ્વના સૌથી ભયજનક સૈનિકોછે. હેડલાઇન પુસ્તકો પ્રકાશિત. આઇએસબીએન 978-0-7553-1415-7.

બાહ્ય લિંક્સ[ફેરફાર કરો]