કુમાઉં રેજિમેન્ટ

વિકિપીડિયામાંથી

કુમાઉં રેજિમેન્ટભારતીય ભૂમિસેનાની એક પાયદળ રેજિમેન્ટ છે. તેનો ઉદ્ભવ ૧૮મી સદીના બ્રિટિશ ભારતીય સૈન્યમાં ગણી શકાય. ઉદ્ભવથી હાલ સુધીમાં તેણે તમામ મોટી લડાઈઓમાં ભાગ લીધો છે. કુમાઉંમાં સૈનિકો ઉત્તરાખંડના કુમાઉં વિસ્તાર અને મેદાન પ્રદેશના આહિરોમાંથી લેવામાં આવે છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

અમેરિકા સાથેના સૈન્ય યુદ્ધ અભ્યાસ દરમિયાન વોશિંગ્ટન ખાતે ૬ઠ્ઠી કુમાઉંના સૈનિકો, ૨૦૧૫

કુમાઉં વિસ્તારના લોકો માટે સૈનિકનો વ્યવસાય હંમેશા મહત્ત્વનો રહ્યો છે. આ પ્રદેશને પડોશી રાજ્યો સાથે યુદ્ધનો લાંબો ઇતિહાસ રહ્યો છે જેમાં ગઢવાલી અને ગુરખાઓ સામેલ છે.[૧] દિલ્હીની સલ્તનત દ્વારા કુમાઉં લોકો ક્યારેય સંપૂર્ણ કબ્જામાં આવ્યા નહોતા. તેઓ અવારનવાર ભાડૂતી સૈનિકો તરીકે સેવા આપતા અને એન્ગલો-નેપાલી યુદ્ધ દરમિયાન તેઓ અંગ્રેજો તેમજ ગુરખા એમ બંને પક્ષે રહીને લડ્યા હતા.

કુમાઉંના લોકો બ્રિટિશ ભારતીય સેનામાં ૧૯મી સદીથી હતા. આ ઉપરાંત તેઓ અન્ય રજવાડાંઓ અને પ્રદેશોમાં પણ તેમની લશ્કરી સેવાઓ આપતા જેમાં હૈદરાબાદના નિઝામ પણ સામેલ હતા.

નિઝામનું સૈન્ય જ્યારે તત્કાલીન ગવર્નર જનરલ લોર્ડ વેલેસ્લીએ ભારતમાંથી ફ્રેન્ચોને હાંકી કાઢવાનું નક્કી કર્યું ત્યારે ઉભું કરવામાં આવ્યું. આ સેનાને ચોથા અંગ્રેજ-મૈસુર યુદ્ધમાં શ્રીરંગપટ્ટમના યુદ્ધમાં ઉપયોગમાં લેવાઈ હતી.[૨]

૧૮૧૩માં નિઝામના દરબારના બ્રિટિશ રેશિડેન્ટ દ્વારા શરૂઆતમાં બે પલટણ ઉભી કરવામાં આવી અને બાદમાં ચાર વધુ પલટણો ઉભી કરવામાં આવી જે બેરાર પાયદળ તરીકે ઓળખાઈ. આ પાયદળમાં હિંદુ અફસરો હેઠળના સૈનિકો ઉત્તર પ્રદેશ વિસ્તારમાંથી ભરતી કરવામાં આવતા હતા જ્યારે અંગ્રેજ અફસર હેઠળના સૈનિકો કુમાઉં વિસ્તારમાંથી લેવામાં આવતા હતા. બંનેના પગાર નિઝામ દ્વારા ચૂકવાતા હતા.[૩]

૧૮૫૩માં નિઝામ અને અંગ્રેજો વચ્ચેની સંધિ સમયે નિઝામ હેઠળ આઠ પલટણો હતી. જે હૈદરાબાદ સેના તરીકે ઓળખાઈ અને બ્રિટિશ ભારતીય સેનાનો ભાગ બની. બાદમાં તેને ૧૯મી હૈદરાબાદ રેજિમેન્ટ નામ અપાયું અને તેમાં સૈનિકો કુમાઉં અને આહિર લોકોમાંથી લેવામાં આવ્યા.

પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન ૨૩ ઓક્ટૉબર ૧૯૧૭ના રોજ રાણીખેત ખાતે કુમાઉંની પ્રથમ પલટણ ઉભી કરવામાં આવી. તેને નામ ૧લી પલટણ, ૫૦મી કુમાઉં રાઇફલ્સ આપવામાં આવ્યું અને બીજી પલટણ પણ ઉભી કરવામાં આવી. ૧૯૨૩માં આ પલટણોને ૧૯મી હૈદરાબાદ રેજિમેન્ટમાં વિલીન કરવામાં આવી. ૧લી પલટણ, ૫૦મી કુમાઉં રાઇફલ્સ બાદમાં ૧લી કુમાઉં રાઇફલ્સ બની અને સ્વતંત્રતા બાદ ૩જી પલટણ, કુમાઉં રેજિમેન્ટ બની. બેરાર પાયદળની કેટલીક પલટણો પ્રથમ વિશ્વયુદ્ધ બાદ વિખેરી નાખવામાં આવી. જોકે, હૈદરાબાદ રેજિમેન્ટને દ્વિતીય વિશ્વયુદ્ધ સમયે ફરીથી વિસ્તારવામાં આવી.

દ્વિતીય વિશ્વયુદ્ધ બાદ ઓક્ટોબર ૨૭, ૧૯૪૫ના દિવસે ૧૯મી હૈદરાબાદ રેજિમેન્ટને ૧૯મી કુમાઉં રેજિમેન્ટ નામ અપાયું અને આઝાદી બાદ તે માત્ર કુમાઉં રેજિમેન્ટ બની.

બે રજવાડાંની પલટણો, અનુક્રમે ૪થી ગ્વાલિયર અને ઈન્દોર પાયદળ કુમાઉં રેજિમેન્ટ હેઠળ આવી અને તે ૧૪ કુમાઉં (ગ્વાલિયર) અને ૧૫ કુમાઉં (ઇન્દોર) બની.

કુમાઉં રેજિમેન્ટે ત્રણ ભારતીય સેનાધ્યક્ષ આપ્યા છે: જનરલ એસ એમ શ્રીગણેશ (૪ કુમાઉં), જનરલ કે એસ થિમૈયા (૪ કુમાઉં) અને જનરલ ટી એન રૈના (૧૪ કુમાઉં)[૪]

જોડાણ[ફેરફાર કરો]

૧લી કુમાઉં જે માર્ચ ૧૮૧૩માં ઉભી કરાઈ હતી અને તે ૧૯૪૬માં હવાઈદળમાં પરિવર્તિત કરવામાં આવી. ૧૯૪૭-૪૮માં ભારત-પાકિસ્તાન યુદ્ધમાં તેણે ૧લી કુમાઉં (પેરા) તરીકે ઉત્કૃષ્ટ કામગીરી કરી. ૧૯૫૨માં તેને છત્રીદળ રેજિમેન્ટમાં ૩જી પલટણ તરીકે વિલીન કરી દેવામાં આવી. ૨૦૦૦ની સાલમાં તેને ખાસ દળમાં બદલવામાં આવી અને ૩જી પલટણ (ખાસ દળ) નામ અપાયું.

૧ નવેમ્બર ૧૯૭૦ના રોજ નાગા રેજિમેન્ટ ઉભી કરવામાં આવી અને તેને કુમાઉં રેજિમેન્ટ સાથે જોડવામાં આવી. આ રેજિમેન્ટની પલટણો નાગા, કુમાઉં અને આહિર લોકો ધરાવે છે.

સરહદી વિસ્તારમાં સ્કાઉટ્ની કામગીરી માટે એક કુમાઉં સ્કાઉટ્ પણ ઉભી કરાઈ.

૧૪મી કુમાઉં (ગ્વાલિયર)ને યાંત્રિક પાયદળમાં ફેરવવામાં આવી અને યાંત્રિક પાયદળ રેજિમેન્ટની ૫મી પલટણ તરીકે તેમાં વિલીન કરાઈ.

યુદ્ધ[ફેરફાર કરો]

પ્રથમ વિશ્વયુદ્ધ[ફેરફાર કરો]

પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન માત્ર કુમાઉં પ્રદેશના સૈનિકો ધરાવતી રેજિમેન્ટ ઉભી કરવામાં આવી. ૧લી પલટણ મેગિડ્ડોની લડાઈમાં તૈનાત હતી. હૈદરાબાદની સેના જેમાં પણ કુમાઉં સૈનિકો હતા તેણે યુદ્ધમાં ઉત્કૃષ્ટ કામગીરી કરી.

દ્વિતીય વિશ્વયુદ્ધ[ફેરફાર કરો]

૧૯૩૯માં હૈદરાબાદ રેજિમેન્ટ ચાર પલટણો ધરાવતી હતી; ૧લી અથવા રસેલ, ૨જી અથવા બેરાર અને ૪થી તથા કુમાઉં રાઇફલ્સ પલટણ. યુદ્ધ દરમિયાન વધુ આઠ પલટણો ઉમેરવામાં આવી. આ પલટણો મધ્ય પૂર્વ, ઉત્તર આફ્રિકા, પર્શિયા, મલાયા, સિંગાપુર અને બર્મા ખાતે લડી.

કુમાઉં રાઇફલ્સ જે હોંગકોંગ ખાતે તૈનાત હતી તેને યુદ્ધ શરૂ થયાં મધ્ય પૂર્વ ખાતે ખસેડાઈ. ૧૯૪૧માં ઈરાન પરના અંગ્રેજ-સોવિયેત આક્રમણમાં તે સામેલ હતી. બાકીના યુદ્ધ દરમિયાન તે ત્યાં જ ફરજ પર રહી.[૫]

૪થી પલટણ ડિસેમ્બર ૧૯૪૧માં જ્યારે જાપાન દ્વારા હુમલો કરાયો ત્યારે મલાયા ખાતે હતી. તેણે લડતાં લડતાં પીછેહઠ કરવામાં બહુ મહત્ત્વનો ભાગ ભજવ્યો. પરંતુ, ૭ જાન્યુઆરી ૧૯૪૨ના રોજ સ્લિમ નદીની લડાઈમાં તે મોટાભાગે ખુવારી સહન કરવાને કારણે નાશ પામી. કેટલાક જીવિત બચેલા સૈનિકોને સિંગાપુર લવાયા અને તે પણ જ્યારે જાપાની કબ્જામાં ગયું ત્યારે તેમણે શરણાગતિ સ્વીકારી.

૧૯૬૨નું ભારત-ચીન યુદ્ધ[ફેરફાર કરો]

વાલોંગની લડાઈ[ફેરફાર કરો]

આ યુદ્ધની એકમાત્ર લડાઈ હતી જેમાં ભારતીય સેનાએ ચીન પર હુમલો કર્યો. નવેમ્બર ૧૪, ૧૯૬૨ના રોજ, ૬ઠી કુમાઉં એ એકલા હાથે વાલોંગ ક્ષેત્રમાં ચીનની ચોકીઓ પર હુમલો કરી અને કબ્જો મેળવ્યો. અરુણાચલ પ્રદેશમાં કરવામાં આવેલી આ કાર્યવાહી ભારતીય વાયુસેના કે તોપખાનાની મદદ નહોતી લેવામાં આવી.[૬]

ચીની સૈન્યએ ક્ષેત્ર પર ફરી કબ્જો જમાવવા અનેક સૈનિક અને તોપખાનાં વડે હુમલા કર્યા. કુમાઉં સૈનિકો સંખ્યાબળમાં ૧૦ની સામે એક જ હતા તોપણ તેમણે દરેક હુમલા ખાળ્યા અને જ્યાં સુધી ગોળીઓ હતી લડતા રહ્યા. ત્યારબાદ હાથોહાથની લડાઇ શરૂ થઈ, તેઓ છેલ્લી ગોળી અને છેલ્લા સૈનિક સુધી લડ્યા. આ લડાઈમાં જેટલા ભારતીય સૈનિકો મર્યા હતાં તેના કરતાં આશરે પાંચ ગણા ચીની સૈનિકો મર્યા હતા. જ્યારે એકપણ કુમાઉં સૈનિક ન બચ્યો ત્યારે ચીની સેના ક્ષેત્ર પર કબ્જો જમાવવામાં સફળ થઈ.

આ કાર્યવાહી માટે પલટણને પાંચ વીર ચક્ર એનાયત કરાયાં. પલટણ ૧૪ નવેમ્બરને વાલોંગ દિવસ તરીકે ઉજવે છે.

રેઝાંગ લાની લડાઈ[ફેરફાર કરો]

૧૮ નવેમ્બર ૧૯૬૨ના રોજ ચીની સેના સામે 'સી' કંપની, ૧૩મી કુમાઉં પલટણે મેજર સૈતાન સિંઘના નેતૃત્વ હેઠળ રેઝાંગ લા નામના ઘાટ ખાતે આખરી લડાઈ લડી.[૭]

તેમની ચોકી ૫,૦૦૦ મિટરની ઉંચાઈ પર હતી. તેમની કંપનીનો વિસ્તાર ત્રણ પ્લાટુન સંભાળી રહી હતી અને આજુબાજુનો વિસ્તાર અને ભુપૃષ્ઠ તેમને મુખ્ય પલટણથી અલગ પાડતું હતું. અડચણરૂપ પહાડને કારણે ભારતીય તોપખાનાના કાર્યક્ષેત્રની બહાર તે રહેતી હતી. તેને કારણે તેઓએ મોટી તોપોની મદદ વગર જગ્યાનું રક્ષણ કરવાનું હતું. રેઝાંગ લા પરનો અપેક્ષિત ચીની હુમલો ૧૮ નવેમ્બરની સવારમાં આવ્યો.

આ લડાઈમાં કુલ ૧૨૩ કુમાઉ સૈનિકોમાંથી ૧૦૯ શહીદ થયા. જીવિત બચેલા ૧૪માંથી ૯ ગંભીર રીતે ઘાયલ હતા. ૧,૭૦૦ ચીની સૈનિકો મૃત્યુ પામ્યા અથવા ઘાયલ થયા. રેવારી, હરિયાણા ખાતે આ પલટણના સૈનિકોની યાદમાં એક સ્મારક ઉભું કરવામાં આવ્યું છે.[૮]

આ સમગ્ર કાર્યવાહી માટે મેજર સૈતાન સિંઘને મૃત્યુપર્યંત પરમવીર ચક્ર એનાયત કરાયું. કુમાઉં રેજિમેન્ટ માટે પરમવીર ચક્ર મેળવનાર તેઓ બીજા સૈનિક હતા. પ્રથમ મેજર સોમ નાથ શર્મા હતા. આ જ લડાઈમાં નાયક હુકુમ ચંદ (મૃત્યુપર્યંત), નાયક ગુલાબ સિંઘ યાદવ, લાન્સ નાયક રામ સિંઘ (મૃત્યુપર્યંત), સુબેદાર રામ કુમાર અને સુબેદાર રામ ચંદરને વીર ચક્ર અપાયું.

ભારત-પાકિસ્તાન યુદ્ધ-૧૯૬૫[ફેરફાર કરો]

કુમાઉં ટેકરીની લડાઈ[ફેરફાર કરો]

૨૧ સપ્ટેમ્બર ૧૯૬૫ના રોજ કુમાઉંની બે કંપનીઓએ ૨૩ આઝાદ કાશ્મીર પલટણ અને સ્પેશિયલ સર્વિસ ગ્રુપને કુમાઉં ટેકરી પરથી ખદેડી મૂક્યા. આ કાર્યવાહી માટે કેપ્ટન સુરેન્દ્ર શાહ અને નાયક ચંદર સિંઘને વીર ચક્ર અપાયું.[૯]

રામબન પુલની લડાઈ[ફેરફાર કરો]

૧૫ સપ્ટેબર ૧૯૬૫ના રોજ રાજૌરી વિસ્તારમાં ૩જી કુમાઉં પલટણને આશરે ૬૦૦ શીખ રેજિમેન્ટના સૈનિકો અને એક બેટરી તોપખાનાની મદદ વડે પાકિસ્તાનની સેનાને ખદેડી મુકવાની જવાબદારી સોંપાઈ. આ પાકિસ્તાની સૈન્ય સંવેદનશીલ રામબન પુલ પર હુમલાની તૈયારી કરવા લાગ્યા. તે પાકિસ્તાની સેના ગઝનવી સેના તરીકે ઓળખાતી અને તેનું નેતૃત્વ સુભાષ ચંદ્ર બોઝની આઝાદ હિંદ ફોજમાં રહી ચૂકેલા મેજર મુનાવર સંભાળી રહ્યા હતા. મેજર મુનાવર અંગ્રેજો સામે લડતાં ઘાત લગાવીને હુમલો કરવા માટે જાણીતા હતા. મેજરે તેમના નિશાનબાજ સૈનિકોને નાળામાં તૈનાત કર્યા જેમણે ૩જી પલટણ ના સૈનિકો પર ઘાત લગાવીને હુમલો કર્યો અને તેમણે ૩જી કુમાઉંના સૈનિકોને લડતાં લડતાં પીછો કરવા ઉત્સાહિત કર્યા. આગળ મેજરે તેમના માટે જાળ બિછાવી રાખી હતી જ્યાં ત્રણ તરફ પથ્થરો હતા. આ સ્થળે જ્યારે ૩ કુમાઉંના સૈનિકો આવ્યા ત્યારે તેમના પર પાકિસ્તાને હુમલો કર્યો અને મોટા પ્રમાણમાં જાનહાનિ સર્જિ.

છામ્બની લડાઈ[ફેરફાર કરો]

ઓગસ્ટ ૧૯૬૫ના અંતમાં કુમાઉં રેજિમેન્ટની એક પલટણને મન્ડીયાલાની ટેકરીઓ પર તૈનાત કરવામાં આવી. ૧ સપ્ટેમ્બર વહેલી સવારે પાકિસ્તાની સેનાએ ભારે તોપમારો કર્યો અને બે ડિવિઝનએ તેમના પર હુમલો કર્યો. દોઢ દિવસ સુધી પલટણે ચોકીઓ જાળવી રાખી અને ચાર પાકિસ્તાની રણગાડી નષ્ટ કર્યા બાદ તેમને પાછળ હટવા હુકમ મળ્યો.

૧૯૭૧નું ભારત-પાકિસ્તાન યુદ્ધ[ફેરફાર કરો]

કુમાઉંની પલટણો પશ્ચિમ અને પૂર્વ બંને યુદ્ધ ક્ષેત્રમાં તૈનાત હતી અને યુદ્ધમાં ભાગ લીધો.[૧૦]

ઓપરેશન મેઘદૂત[ફેરફાર કરો]

સિઆચીન હિમનદી પર કબ્જો જાળવી રાખવાની કાર્યવાહીમાં કુમાઉં રેજિમેન્ટ અને લદ્દાખ સ્કાઉટ્સ પણ સામેલ હતા. મેજર સન્ધુ અને કેપ્ટન સંજય કુલકર્ણીના નેતૃત્વ હેઠળની સૈનિક ટુકડીઓએ નોંધપાત્ર યોગદાન આપ્યું અને બિલાફોન્ડ લા પર કબ્જો જમાવનાર પ્રથમ ટુકડી બની.[૧૧]

ઓપરેશન પવન[ફેરફાર કરો]

કુમાઉં પલટણો ઓપરેશન પવન દરમિયાન શ્રીલંકા ખાતે તૈનાત કરવામાં આવી હતી. કુમાઉંની પલટણ જાફના ખાતે પલાલી વિમાનમથક પર ઉતરનાર પ્રથમ ટુકડી હતી. તેણે સફળતાપૂર્વક કોકુવેલી વિસ્તારમાંથી આતંકવાદીઓને દૂર કર્યા અને અનેક તમિળ ઉગ્રવાદીઓને માર્યા અથવા કબ્જે કર્યા.

બીજી પલટણ કુમુરુપિદ્દિ અને ઈરાકાંડી વિસ્તાર ખાતે તમિળ ઉગ્રવાદીઓના તાલીમ કેન્દ્ર શોધી અને દૂર કરવાની જવાબદારી સોંપાઈ.

કારગિલ યુદ્ધ[ફેરફાર કરો]

કુમાઉં પલટણો ઓપરેશન વિજય દરમિયાન કારગિલ વિસ્તારમાં તૈનાત કરવામાં આવી. રેજિમેન્ટે અનેક ચોકીઓ કબ્જે કરી અને અનેક વીરતા પુરસ્કાર મેળવ્યા.

પલટણો[ફેરફાર કરો]

 • 2 બટાલિયન(બેરાર)
 • 3 જી બટાલિયન
 • 4 થી બટાલિયન
 • 5 બટાલિયન
 • 6 ઠ્ઠી બટાલિયન
 • 7 બટાલિયન
 • 8 બટાલિયન
 • 9 બટાલિયન
 • 11 બટાલિયન
 • 12 બટાલિયન
 • 13 બટાલિયન
 • 15મી બટાલિયન - (ઈન્દોર)
 • 16 બટાલિયન
 • 17 બટાલિયન - (ભૂતપૂર્વ 31 બટાલિયન)
 • 18 બટાલિયન
 • 19 બટાલિયન
 • 20 બટાલિયન
 • 21 બટાલિયન
 • કુમાઉ સ્કાઉટ્સ

નાગા રેજિમેન્ટ જ્યારે ઉભી કરવામાં આવી ત્યારે તેની સાથે ત્રણ પલટણ નાગા રેજિમેન્ટની જોડવામાં આવી હતી. આ ઉપરાંત બે પલટણ સ્થાનિક પાયદળની, એક નૌસેનાનું યુદ્ધજહાજ અને એક વાયુદળ સ્ક્વોડ્રન પણા જોડાયેલ છે.

વધુમાં, નીચેની પલટણો પણ રેજિમેન્ટ સાથે જોડાયેલી હતી:

 • 1 લી બટાલિયન - હવે 3 જી પેરા (S. F.) : પેરાશૂટ રેજિમેન્ટ
 • 10 બટાલિયન
 • 14 બટાલિયન - હવે 5મું પલટણ - યાંત્રિક પાયદળ રેજિમેન્ટ

યુદ્ધ સન્માનો[ફેરફાર કરો]

કુમાઉં રેજિમેન્ટને મળેલા યુદ્ધ સન્માનો નીચે મુજબ છે:[૧૨]

પ્રથમ વિશ્વયુદ્ધ પહેલાં[ફેરફાર કરો]

નાગપુર, મહેદીપુર, નોવાહ, મધ્ય ભારત, બર્મા ૧૮૮૫-૮૭, ચીન, અફઘાનિસ્તાન

પ્રથમ વિશ્વયુદ્ધ[ફેરફાર કરો]

નુવે શાપેલ, ફ્રાન્સ, સુએઝ નહેર, ઇજિપ્ત, ગાઝા, જેરુસાલેમ, મેગિડ્ડો, શેરોન, નાબ્લુસ, પેલેસ્ટાઈન, ટાઇગ્રિસ, ખાન બગદાદી, મેસોપોટેમિયા, પર્શિયા, સુવલા, સુવલા ખાતે ઉતરાણ, સિમિટાર ટેકરી, ગેલિપોલિ, મેસેડોનિયા, પૂર્વ આફ્રિકા, સરહદી પ્રાંત

દ્વિતીય વિશ્વયુદ્ધ[ફેરફાર કરો]

ઉત્તર મલાયા, સ્લિમ નદી, મલાયા, કાંગવ, બિશનપુર, બર્મા

આઝાદી બાદ[ફેરફાર કરો]

શ્રીનગર, રેઝાંગ લા, લદ્દાખ, સાંજોઇ-મીરપુર, જમ્મુ અને કાશ્મીર, પંજાબ, ભદુરીયા, શમશેર નગર, પૂર્વ પાકિસ્તાન, જમ્મુ અને કાશ્મીર, પંજાબ, ગદરા શહેર, સિંધ

પુરસ્કાર[ફેરફાર કરો]

રેજિમેન્ટ, બે પરમવીર ચક્ર, ૪ અશોક ચક્ર, ૧૦ મહાવીર ચક્ર, ૬ કીર્તિ ચક્ર, ૨ ઉત્તમ યુદ્ધ સેવા ચંદ્રક, ૭૮ વીર ચક્ર, ૨૩ શૌર્ય ચક્ર, ૧ યુદ્ધ સેવા ચંદ્રક, ૧૨૭ સેના ચંદ્રક, ૮ પરમ વિશિષ્ટ સેવા ચંદ્રક, ૨૪ અતિ વિશિષ્ટ સેવા ચંદ્રક મળી ચૂક્યા છે.

મેજર સોમનાથ શર્મા, ૪થી કુમાઉં પલટણ, પરમવીર ચક્ર મરણોપરાંત મેળવાનર પ્રથમ સૈનિક હતા.

અશોક ચક્ર[ફેરફાર કરો]

 • મેજર ભુકાંત મિશ્રા (મરણોત્તર), 15 કુમાઉ, જૂન 1984, ઓપરેશન બ્લુ સ્ટાર, અમૃતસર, પંજાબ[૧૩][૧૪]
 • નાયક નિર્ભય સિંહ (મરણોત્તર), 15 કુમાઉ, જૂન 1984, ઓપરેશન બ્લુ સ્ટાર, અમૃતસર, પંજાબ[૧૩]
 • સુબેદાર સુજ્જન સિંઘ (મરણોત્તર), 13 કુમાઉ, 1994, ઓપરેશન રક્ષક,ઝલુરાહ, કુપવાડા, જમ્મુ અને કાશ્મીર
 • નાયક રામબીર સિંઘ તોમર (મરણોત્તર), 15 કુમાઉ (પ્રતિનિયુક્તિ પર 26 રાષ્ટ્રીય રાઇફલ), ડોડા, જમ્મુ અને કાશ્મીર[૧૩][૧૪]

મહા વીર ચક્ર[ફેરફાર કરો]

 • લેફ્ટનન્ટ કર્નલ ધરમ સિંહ,
  ભારત પાકિસ્તાન યુદ્ધ ૧૯૪૭
 • સિપાય માન સિંહ (મરણોત્તર), ભારત-પાકિસ્તાન યુદ્ધ 1947[૧૩]
 • નાયક નાર સિંહ (મરણોત્તર), ભારત-પાકિસ્તાન યુદ્ધ 1947[૧૩]
 • સિપાય  સિંહ, ભારત-પાકિસ્તાન યુદ્ધ 1947[૧૩]
 • મેજર મલિકિઅત સિંહ બ્રાર (મરણોત્તર), ભારત-પાકિસ્તાન યુદ્ધ 1947[૧૩]
 • બ્રિગેડિયર (પાછળથી જનરલ) ટપીશ્વર નારાયણ રૈના, ૧૯૬૨નું ભારત-ચીન યુદ્ધ

સંદર્ભ[ફેરફાર કરો]

 1. Sharma, Gautam (૧ જાન્યુઆરી ૧૯૯૦). Valour and Sacrifice: Famous Regiments of the Indian Army. Allied Publishers. પૃષ્ઠ ૨૬૫-૨૭૦. ISBN 978-81-7023-140-0.
 2. "History of the Kumaon Regiment". Globalsecurity.org. મેળવેલ ૨૧ મે ૨૦૦૯.
 3. "Brief History of the Kumaon Regiment". Indian Army website. મેળવેલ ૬ એપ્રિલ ૨૦૧૪.
 4. "The Kumaon Regiment". Bharat-Rakshak.com. મૂળ માંથી 2014-02-19 પર સંગ્રહિત. મેળવેલ ૬ એપ્રિલ ૨૦૧૪.
 5. Gardner, Brian. "Orders of Battle.com". મૂળ માંથી 2009-10-07 પર સંગ્રહિત. મેળવેલ ૨૧ મે ૨૦૦૯.
 6. "Official Website of Indian Army". મેળવેલ ૨૬ નવેમ્બર ૨૦૧૪.
 7. Mohan Guruswamy. "Don't forget the heroes of Rezang La". The Hindu. મેળવેલ ૨૬ નવેમ્બર ૨૦૧૪.
 8. "'Nobody believed we had killed so many Chinese at Rezang La. Our commander called me crazy and warned that I could be court-martialled'". મેળવેલ ૨૬ નવેમ્બર ૨૦૧૪.
 9. "Official Website of Indian Army". મેળવેલ ૨૬ નવેમ્બર ૨૦૧૪.
 10. "Official Website of Indian Army". મેળવેલ ૨૬ નવેમ્બર ૨૦૧૪.
 11. "Official Website of Indian Army". મેળવેલ ૨૬ નવેમ્બર ૨૦૧૪.
 12. Singh, Sarbans (૧૯૯૩). Battle Honours of the Indian Army 1757 - 1971. New Delhi: Vision Books. પૃષ્ઠ 327. ISBN 8170941156. Cite has empty unknown parameter: |coauthors= (મદદ)CS1 maint: discouraged parameter (link)
 13. ૧૩.૦ ૧૩.૧ ૧૩.૨ ૧૩.૩ ૧૩.૪ ૧૩.૫ ૧૩.૬ "Official Website of Indian Army". મેળવેલ ૨૬ નવેમ્બર ૨૦૧૪.
 14. ૧૪.૦ ૧૪.૧ "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2010-12-31 પર સંગ્રહિત. મેળવેલ 2016-06-10. સંદર્ભ ત્રુટિ: અયોગ્ય <ref> ટેગ; નામ "euttaranchal.com" અલગ માહિતી સાથે એકથી વધુ વખત વ્યાખ્યાયિત થયું છે

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]