લખાણ પર જાઓ

શીખ રેજિમેન્ટ

વિકિપીડિયામાંથી

શીખ રેજિમેન્ટ એ ૧૯ પલટણ ધરાવતી ભારતીય ભૂમિસેનાની એક રેજિમેન્ટ છે. તેમાં મોટાભાગના રંગરૂટ શીખ સમુદાયના છે. તે ભારતીય સેનાની સૌથી વધુ પુરસ્કૃત રેજિમેન્ટ છે અને એક સમયે બ્રિટિશ સામ્રાજ્યની સૌથી વધુ પુરસ્કૃત રેજિમેન્ટ હતી. ઓગષ્ટ ૧, ૧૮૪૬ના રોજ રેજિમેન્ટની પ્રથમ પલટણ ઉભી કરવામાં આવી. રેજિમેન્ટનું મુખ્યાલય ઝારખંડના પાટનગર રાંચીથી ૩૦ કિમી દૂર રામગઢ ખાતે આવેલું છે. અગાઉ તે ઉત્તર પ્રદેશના મેરઠ ખાતે હતું.

હાલની શીખ રેજિમેન્ટનો ઉદ્ભવ બ્રિટિશ ભારતીય સેનાની ૧૧મી શીખ રેજિમેન્ટમાં છે. જ્યારે તેને ભગિની રેજિમેન્ટની જેમ ભારતીય સેનાને સોંપાઈ ત્યારે આગળનો ક્રમાંક દૂર કરાયો અને જરૂરત પ્રમાણે વધારાની પલટણો ઉમેરાઈ, દૂર કરાઈ અને બદલી કરાઈ. રેજિમેન્ટ શરૂઆતમાં માત્ર બે પલટણ ધરાવતી હતી અને આજે તે ૧૯ પલટણો ધરાવે છે અને વધુમાં બે અનામત પલટણ ધરાવે છે.

રેજિમેન્ટનો ઇતિહાસ

[ફેરફાર કરો]

બ્રિટિશ અને શીખ સામ્રાજ્ય વચ્ચે બે યુદ્ધો થયાં. પ્રથમ યુદ્ધ (૧૮૪૫-૪૬) દરમિયાન મુડકી અને ફિરોઝશહર ખાતે બે ભીષણ લડાઇઓ થઈ. તેમાં અંગ્રેજોને મોટા પ્રમાણમાં જાનહાનિનો સામનો કરવો પડ્યો. લડાઇઓ દરમિયાન અંગ્રેજો શીખ સૈનિકોની નિડર બહાદુરી અને સાહસના સાક્ષી બન્યા. બીજા યુદ્ધ (૧૮૪૯)માં પણ ચિલિઆવાલા અને ગુજરાત ખાતે લડાઈઓ થઈ અને તમામ લડાઈઓમાં ચિલિઆવાલાની લડાઈ એકમાત્ર એવી લડાઈ હતી જેમાં શીખો કાબેલ નેતૃત્વ હેઠળ લડ્યા અને ઉચ્ચ અફસરો વચ્ચે દગો ફટકો ન થયો.

તે લડાઈમાં અંગ્રેજોની હાર થઈ, શીખ ઘોડેસવાર સેનાએ અંગ્રેજોએ પર અનેક હુમલા કર્યા.

અંગ્રેજોએ બીજા શીખ યુદ્ધ પહેલાં જ બે પલટણો ઉભી કરવાનું નક્કી કર્યું હતું અને ૧૯૪૬માં જ ફિરોઝપુર શીખ અને લુધિયાણા શીખ નામે તે ઉભી કરી હતી. ૧૮૫૬માં રાત્રેય શીખ નામની ત્રીજી પલટણ ઉભી કરી. શરૂઆતમાં ત્રીજી પલટણ સેના પોલીસ તરીકે ઉભી કરી હતી અને બાદમાં તેને પાયદળ સેના તરીકે ફેરવી દેવાઈ. શરૂઆતમાં તેમાં શીખો, રાજપૂત અને મુસ્લિમ સૈનિકો હતા.

૧૮૫૭નો વિપ્લવ

[ફેરફાર કરો]

૧૮૫૭ના બળવા દરમિયાન ત્રણે પલટણો અંગ્રેજો તરફ રહી અને બળવાને દબાવવાની કાર્યવાહીમાં જોડાઈ હતી. ફિરોઝપુર શીખ લખનૌ ખાતે મદદ પહોંચાડવામાં જોડાઈ. તે કાર્યવાહીમાં અનેક લડાઈઓ પલટણે લડી. નાના ઇમામબારા પરનો હુમલો સૌથી વધુ નોંધનીય હતો. આ લડાઈ બાદ પલટણને બહાદુરીના નિશાન તરીકે લાલ પાઘડી પહેરવાની છૂટ આપવામાં આવી. હાલમાં તે સંપૂર્ણ શીખ રેજિમેન્ટના ગણવેશનો ભાગ છે. અન્ય લાભ તરીકે સંપૂર્ણ પલટણને એક પદવી ઉપરની આપવામાં આવી. લુધિયાણા શીખ બનારસ ખાતે હતી અને આસપાસની લડાઈમાં તેણે ભાગ લીધો અને એક અંગ્રેજ સૈનિક વિક્ટોરિયા ક્રોસ પામ્યો. રાત્રેય શીખબિહારમાં હતી અને તેણે ૨૫ થી ૩૦ લડાઈમાં ભાગ લીધો અને આરાની લડાઈ સૌથી ઉલ્લેખનીય હતી. અહીં શીખ સૈનિકોની નાની ટુકડીએ અંગ્રેજ નાગરિકોના એક જૂથને ૨,૫૦૦ લોકોના ટોળાં સામે રક્ષણ આપ્યું અને બચાવ્યું.

આ વફાદારી અને લડવાની ક્ષમતા શીખો માટે લાભદાયી નીવડ્યો અને તે બ્રિટિશ ભારતીય ફોજમાં કરોડરજ્જુ તરીકે દક્ષિણ ભારતીયોના સ્થાને આવ્યા.

બીજું અફઘાન યુદ્ધ

[ફેરફાર કરો]

વિપ્લવ બાદ ત્રણે પલટણોએ બીજા અફઘાન યુદ્ધમાં ભાગ લીધો. ચિત્રાલ ખાતે ફિરોઝપુર શીખના ૮૮ સૈનિકો અને કાશ્મીર રજવાડાંના ૩૦૦ સૈનિકોએ ૪૬ દિવસ સુધી કિલ્લાનું રક્ષણ કર્યું. કિલ્લામાં રહેલ તમામ સૈનિકોને છ મહિનાનો પગાર બોનસ તરીકે અપાયો અને ૧૪ વીરતા પુરસ્કાર એનાયત કરાયા. આ બાદ પલટણોએ પૂર્વ આફ્રિકા, ચીનસુદાન અને ઇજિપ્ત ખાતે પણ ફરજ બજાવી. ૧૮૮૭માં બે વધુ પલટણો ઉભી કરવામાં આવી.

સારાગઢીની લડાઈ

[ફેરફાર કરો]

સારાગઢીની લડાઈ શીખ પલટણે વાયવ્ય પ્રાંતમાં લડી હતી. સપ્ટેમ્બર ૧૨, ૧૮૯૭માં આશરે ૧૦,૦૦૦ આફિદી અને ઓરાકઝાઈ આદિવાસીઓએ સારાગઢી પર હુમલો કર્યો અને બીજા જૂથએ આસપાસના કિલ્લાઓ સાથે ચોકીનો માર્ગ રોકી લીધો. આગલા છ કલાક સુધી હવાલદાર ઇશર સિંઘના નેતૃત્વ હેઠળ ૨૨ સૈનિકોએ ચોકી સંભાળી અને તમામ હુમલાખોરોને મારી હટાવ્યા. સમય સાથે સૈનિકો ઘટવા લાગ્યા અને ગોળીઓ પણ ખૂટવા લાગી. પરંતુ શીખ સૈનિકો લડતા રહ્યા. દુશ્મનો બહારની દિવાલમાં બાકોરું પાડવામાં સફળ રહ્યા અને શીખો છેલ્લા સૈનિકો સુધી લડ્યા. જ્યારે લડાઈના સમાચાર લંડન પહોંચ્યા ત્યારે સંસદે તેમને ઉભા થઈ અને સન્માન આપ્યું અને તમામ સૈનિકોને તે સમયનો સર્વોચ્ચ લશ્કરી પદક એનાયત કર્યો.

પ્રથમ વિશ્વયુદ્ધ

[ફેરફાર કરો]

પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન શીખ પલટણો ઇજિપ્ત, પેલેસ્ટાઈન, મેસોપોટેમિયા, ગેલિપોલી અને ફ્રાન્સ ખાતે લડી.

યુદ્ધ વચ્ચેના સુધારા

[ફેરફાર કરો]

૧૯૨૨માં પાયદળમાં રેજિમેન્ટલ વ્યવસ્થા દાખલ કરવામાં આવી અને બધી જ પલટણોને ફરીથી ક્રમાંક આપવામાં આવ્યા. શીખ રેજિમેન્ટ વરિષ્ઠતામાં ૧૧મા ક્રમાંક પર હોવાને કારણે તેની પલટણોને ૧/૧૧, ૨/૧૧ વગેરે ક્રમાંક આપવામાં આવ્યા. આઝાદી બાદ ૧૧ ક્રમાંક રદ કરી દેવામાં આવ્યો અને નામ શીખ રેજિમેન્ટ રહેવા દેવામાં આવ્યું.

 • 14 ફિરોઝપુર શીખ - 1 લી બટાલિયન 11 મી શીખ રેજિમેન્ટ અથવા 1/11 શીખ,
 • 15મી લુધિયાણા શીખ - 2જી બટાલિયન 11 મી શીખ રેજિમેન્ટ અથવા 2/11 શીખ,
 • 45મી Rattray શીખ - 3 જી બટાલિયન 11 મી શીખ રેજિમેન્ટ અથવા 3/11 શીખ,
 • 36 શીખ બટાલિયન - 4 થી બટાલિઅન શીખ રેજિમેન્ટ અથવા 4/11 શીખ,
 • 47મી શીખ - 5મી બટાલિયન 11 મી શીખ રેજિમેન્ટ અથવા 5/11 શીખ અને
 • 35 મી શીખ - 10 બટાલિયન 11 મી શીખ રેજિમેન્ટ અથવા 10/11 શીખ

બીજું વિશ્વયુદ્ધ

[ફેરફાર કરો]

સૈનિકોની તત્કાલીન જરૂરિયાતને ધ્યાનમાં લેતાં છ નવી પલટણ ઉભી કરવામાં આવી. બે પલટણ બર્મા ખાતે, ત્રણ આરબ દેશોમાં લડી અને ૪થી શીખ ૧૯૪૧માં સિદ્દિ બર્રાની અને અલ અલામિન ખાતે લડી. જ્યારે અલ અલામિનમાં જર્મન સેનાએ હુમલો કર્યો ત્યારે પલટણે વિખેરાઈ જવું પડ્યું. ૫૦૦ સૈનિકો યુદ્ધકેદી તરીકે પકડાઈ ગયા. પલટણ ફરીથી ઉભી કરાઈ અને ઇટલી ખાતે કાર્યવાહીમાં જોડાઈ.

બર્મા-મલાયાની લડાઈમાં ૫મી શીખ એપ્રિલ ૧૯૪૧માં મલાયા પહોંચનારી પ્રથમ પલટણ હતી. જાપાન સાથે તેઓ બહાદુરીપૂર્વક લડ્યા પરંતુ પલટણે વિખેરાવું પડ્યું અને આશરે ૨૦૦ સૈનિકો સિંગાપુર પહોંચ્યા જ્યારે અન્ય સૈનિકોને બીજી પલટણના સૈનિકો સાથે જોડી અને ૫મી શીખ ફરી રચવામાં આવી. ફેબ્રુઆરી ૧૯૪૨માં સિંગાપુરના રક્ષણમાં નિષ્ફળ જતાં બાકીના ૫મી શીખના સૈનિકો પણ પકડાઈ ગયા. તેમાંના આશરે ૯૦% સૈનિકો આઝાદ હિંદ ફોજમાં જોડાયા.

૧૫મી શીખને ફ્રાન્સમાં આવતા દર્શાવતું ફ્રેન્ચ પોસ્ટકાર્ડ
ઓપરેશન ક્રુસેડર
એક શીખ સૈનિક જર્મનીની શરણાગતિ બાદ નાઝી ધ્વજ સાથે

બીજા વિશ્વયુદ્ધ બાદ

[ફેરફાર કરો]

બીજા વિશ્વયુદ્ધ બાદ, રેજિમેન્ટ ભારતના ફાળે આવી. પાકિસ્તાનના ફાળે ગયેલી પંજાબ રેજિમેન્ટ અને ફ્રન્ટિયર ફોર્સ રેજિમેન્ટમાં મોટી સંખ્યામાં શીખ સૈનિકો હતા જે ભારત આવી ગયા અને તેમને સેનામાં જગ્યા આપવા ત્રણ નવી પલટણ ઉભી કરવામાં આવી. તેને ૧૬મી, ૧૭મી અને ૧૮મી શીખ તરીકે નામ અપાયું.

૧૯૪૭-૪૮માં જમ્મુ અને કાશ્મીરમાં કાર્યવાહી

[ફેરફાર કરો]

૨૭મી ઓક્ટોબર ૧૯૪૭ના રોજ લેફ્ટ કર્નલ દિવાન રણજીત રાયના નેતૃત્વ હેઠળ ભારતીય વાયુસેનાના વિમાનમાં શ્રીનગર ખાતે મોકલાઈ.

પલટણની મુખ્ય જવાબદારી હુમલાખોરોને વિમાનમથક અને નાગરિક રેડિયો પર કબ્જો કરતા રોકવાની હતી. અફસર પાસે બે વિકલ્પ હતા જેમાં એક સૈનિકોને વિમાનમથક પર ગોઠવી અને હુમલાખોરોની રાહ જોવાનો હતો અને બીજો હુમલાખોરો પર હુમલો કરી અને તેમને વિમાનમથકથી દૂર રાખવાનો હતો. શ્રીનગર પહોંચ્યા બાદ સ્થાનિકો અને રજવાડાંની સરકાર દ્વારા જાણકારી મળી કે હુમલાખોરો બારામૂલા નહોતા પહોંચ્યા. આ જાણી લેફ્ટ કર્નલ રાયએ 'સી' કંપનીને બારામુલ્લા તરફ રવાના કરી અને બાકીના સૈનિકોને વિમાનમથક સુરક્ષિત કરવા તૈનાત કર્યા. 'સી' કંપનીને માર્ગમાં જ જાણ થઈ કે બારામુલ્લા પર હુમલાખોરોએ કબ્જો કર્યો હતો. કંપનીએ એક ટેકરી પર સૈનિકોને તૈનાત કર્યા અને તુરંત જ હુમલાખોરો જોડે લડાઈ શરૂ થઈ. આ પરિસ્થિતિ જોઈ અને બારામુલ્લાથી મોટાપ્રમાણમાં હુમલાખોરો કંપની પર હુમલો કરવા આગળ વધ્યા. કંપની પરના તમામ હુમલા નિષ્ફળ રહ્યા પરંતુ કંપનીનો બાકીની પલટણ સાથે સંપર્ક કપાઈ જશે તેમ લાગતાં સંગરામ ખાતે પાછળ હઠવા આદેશ મળ્યો. રાય પાછળ હટવામાં સૌથી છેલ્લા હતા અને તે સમયે તેમને ગોળી વાગી અને તેઓ શહીદ થયા. તેઓ આઝાદ ભારતના સૌપ્રથમ અફસર હતા જેઓ પલટણનું નેતૃત્વ કરતાં શહીદ થયા અને મહાવીર ચક્ર મેળવનાર પણ સૌપ્રથમ અફસર હતા.

ત્યારબાદ પલટણનું નેતૃત્વ મેજર હરવંત સિંઘના હાથમાં આવ્યું અને તેમણે પલટણને પટ્ટન ખાતે તૈનાત કરી અને ત્રણ દિવસ સુધી હુમલાખોરોને આગળ વધતા રોક્યા. તે કટોકટીના સમયનો લાભ મળવાને કારણે ૧લી અને ૪થી કુમાઉં રેજિમેન્ટને લડાઈમાં સામેલ કરી શકાઈ. આ ત્રણે પલટણોએ નવેમ્બર ૭ ના રોજ શાલાતેંગની લડાઈ લડી અને તેણે હુમલાખોરોનું સૈન્ય જે શ્રીનગર તરફ આગળ વધતું હતું તેને રોક્યું અને નવેમ્બર ૮ના રોજ બારામુલ્લાને કબ્જે કરાયું. પલટણે ૧૦૦ કરતાં વધુહિંદુ, મુસ્લિમ અને શીખ અનાથ બાળકોને દત્તક લીધાં અને શીખ રેજિમેન્ટ મુખ્યાલય ખાતે ઉછેર્યાં.

ત્યારબાદ પલટણ ઉરી તરફ આગળ વધી અને તેને હુમલાખોરો પાસેથી પરત મેળવ્યું. એક ચોકી નાલવા નામે ઉરી પર નજર રાખી શકાય તે રીતે જેલમ નદીના સામા કાંઠે ઉભી કરી. પાકિસ્તાનીઓએ આ ચોકી કબ્જે કરવા અનેક પ્રયાસો કર્યા જે તમામ નિષ્ફળ બનાવવામાં આવ્યા. એક આવા હુમલા દરમિયાન નાયક ચાંદ સિંઘને મરણોપરાંત મહાવીર ચક્ર મળ્યું.

ડિસેમ્બર ૧૨ના રોજ ઉરી ખાતેથી ૧લી શીખ એ એક ચોકિયાત ટુકડી મોકલી. તેના પર મોટી સંખ્યામાં પાકિસ્તાની સૈનિકોએ ભટગિરાન ગામ આગળ હુમલો કર્યો. ભીષણ લડાઈમાં પલટણે મોટી સંખ્યામાં સૈનિકો ગુમાવ્યા. શીખ પલટણના ૬૨ સૈનિકો શહીદ થયા અને ૬૦ ઘાયલ થયા. જેમાં અફસરો, જુનિયર અફસરો અને સૈનિકો હતા. તેમાં જેમાદાર નંદ સિંઘ પણ હતા જેમને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બર્મા ખાતે વિક્ટોરીયા ક્રોસ એનાયત કરાયો હતો. પાકિસ્તાન તરફે ૩૦૦ સૈનિકો માર્યા ગયા. શીખ પલટણને બે મહાવીર ચક્ર (સુબેદાર બિશન સિંઘ અને જેમાદાર નંદ સિંઘ) અને બે વીર ચક્ર (સુબેદાર ગુરચરણ સિઘ અને જેમાદાર માલ સિંઘ). પલટણને બાદમાં શ્રીનગર ખાતે ખસેડાઈ અને ફેબ્રુઆરી ૧૯૪૮માં તેણે હન્દવારા, કુપવાડા અને ત્રેહગામ પરત મેળવ્યાં. તે તિથવાલને પરત કબ્જે કરવાની કાર્યવાહીમાં પણ સામેલ હતી. ઓક્ટોબર ૧૩, ૧૯૪૮ના રોજ લાન્સ નાયક કરમસિંહ તિથવાલ ક્ષેત્રમાં રીંછમાર ગલી ખાતે ત્રણ સૈનિકો સાથે એક ચોકી સંભાળી રહ્યા હતા. તે સમયે મોટા પ્રમાણમાં દુશ્મનોએ હુમલો કર્યો તેમણે કંપની કમાંડરને જાણ કરી અને દુશ્મન પર ગોળીબાર કરવા લાગ્યા. દુશ્મનોએ તેમની ચોકી પર અનેક હુમલા કર્યા અને તેઓ બે વખત ઈજાગ્રસ્ત પણ થયા. આખરી હુમલા દરમિયાન તેઓ ચોકીમાંથી બહાર આવી અને બે દુશ્મનોને સંગીન વડે મારી નાખ્યા. તેમના એકમાત્ર ઇજા વિહોણા સાથીની મદદથી બંને ઘાયલ સૈનિકોને સલામત સ્થળે પહોંચાડ્યા અને કાર્યવાહી માટે તેમને પરમવીર ચક્ર અપાયું. સમગ્ર કાશ્મીરના યુદ્ધ દરમિયાન પલટણને એક પરમવીર ચક્ર, ચાર મહાવીર ચક્ર, ૨૨ વીર ચક્ર અને ૩૨ સન્માનીય ઉલ્લેખો મળ્યા.

આ યુદ્ધ દરમિયાન ૭મી શીખ પલટણ પણ હંદવારા અને કુપવાડા ખાતે લડી હતી અને બાદમાં તિથવાલ ક્ષેત્રમાં તૈનાત હતી.

ઓપરેશન પોલો

[ફેરફાર કરો]

૧૯૪૮માં ૨જી શીખહૈદરાબાદને કબ્જે કરવાની પોલિસ કાર્યવાહીમાં સામેલ હતી. તે નાલદુર્ગ કિલ્લાના વિસ્તારમાં હતી. ૧૭મી શીખ ઔરંગાબાદ અને ત્રીજી શીખ જાલના વિસ્તાર પર કબ્જો કરવામાં સામેલ હતી. જાલના વિસ્તારમાં કાર્યવાહીમાં સામેલ હવાલદાર જોગીન્દર સિંઘને પાછળથી ૧૯૫૬માં નાગાલેંડ ખાતે આતંકવાદીઓ સાથે લડતાં મરણોપરાંત અશોક ચક્ર અપાયું હતું.

૧૯૬૨નું ભારત-ચીન યુદ્ધ

[ફેરફાર કરો]

આ યુદ્ધમાં ૧લી શીખ તવાંગ વિસ્તાર અને ૪થી શીખ વાલોન્ગ વિસ્તારમાં તૈનાત હતી. સુબેદાર જોગીન્દર સિંહની આગેવાની હેઠળ ૨૩ સૈનિકો તોંગપેન્ગ લા ખાતે તૈનાત હતા. આ ભીષણ લડાઈમાં પ્લાટુનના ત્રણ સૈનિકો જે લડાઈના અંત ભાગમાં ગોળીઓ ખતમ થવાથી તે લેવા પલટણના મુખ્યાલય ખાતે મોકલાયા હતા તે જીવિત બચ્યા. તે પ્લાટુન છેલ્લી ગોળી અને છેલ્લા સૈનિક સુધી લડી. છેલ્લે સંગીન વડે બચેલા સૈનિકોએ કરેલા હુમલાને પાસેના પહાડ પર તૈનાત આસામ રાયફલ્સના સૈનિકોએ નિહાળ્યો હતો. તે બાદ સુબેદાર જોગીન્દર સિંઘ મરણોતોલ હાલતમાં ચીનના યુદ્ધકેદી બન્યા જેણે સારવાર આપી પરંતુ તેઓ શહીદ થયા. તેમના અસ્થિઓ ચીને સંભાળીને રાખ્યા અને યુદ્ધ બાદ ભારતને સોંપ્યા.

ચીની સૈનિકો આગળ વધ્યા અને જોગીન્દર સિંઘની જ કંપની સાથે લડાઈમાં ઉતર્યા જે કેપ્ટન હરિપાલ કૌશિકના નેતૃત્વ હેઠળ હતી. કંપનીએ પોતાની ચોકીઓ જાળવી રાખી અને ચીનીઓને પાછા હટાવ્યા. ચીની સૈનિકોએ તેમની ચોકીઓથી દૂર રહી આગળ વધવા પ્રયાસ કર્યો. તે દરમિયાન સમગ્ર તવાંગ વિસ્તારમાંથી સેનાને પાછા હટવા આદેશ મળ્યો હતો.

૧૯૬૫નું ભારત પાકિસ્તાન યુદ્ધ

[ફેરફાર કરો]

૧૯૬૫માં રેજિમેન્ટ ૧૦ પલટણ ધરાવતી હતી. પાકિસ્તાનીઓ દ્વારા થતી ઘૂસણખોરી રોકવા ૧લી શીખ તે તિથવાલ ક્ષેત્રમાં હતી તેણે પાકિસ્તાની ચોકીઓ પર હુમલો કર્યો અને રીછમાર ટેકરીઓ અને પીર સાહેબા કબ્જે કર્યા. પીર સાહેબા ખાતેથી ભારતીય સૈનિકો મોટા વિસ્તારમાં પાકિસ્તાનીઓની હિલચાલ જોઈ શકતા હતા. પાકિસ્તાને આ ચોકી પરત મેળવવા અનેક હુમલા કર્યા પણ તેઓ નિષ્ફળ રહ્યા. ૭મી શીખ 'ઓપી હિલ' કબ્જે કરવાની કાર્યવાહીમાં ડોગરા રેજિમેન્ટ અને શીખ લાઇટ્ ઇન્ફન્ટ્રી ત્રણ પલટણમાંની એક હતી.

૧૯૭૧નું યુદ્ધ

[ફેરફાર કરો]

આ યુદ્ધમાં શીખ પલટણોએ મોટી સંખ્યામાં ભાગ લીધો જેમાંની મોટાભાગની પશ્ચિમિ ક્ષેત્રમાં હતી. ૮મી પલટણ પુંચ અને ૯મી તંગધર ખાતે હતી.

પુંચ ખાતે પિકેટ ૪૦૫ અને ૪૦૬ મહત્ત્વના હતા અને પાકિસ્તાની સેનાએ મોટી સંખ્યામાં તેના પર હુમલો કર્યો. તેમનું લક્ષ્યાંક પુંચ પર કબ્જો કરવાનું હતું અને તે માટે આ ચોકી પર કબ્જો જરૂરી હતો. બે દિવસની ભીષણ લડાઈ બાદ શીખોએ પાકિસ્તાનીઓને મારી હટાવ્યા. આ દરમિયાન ૮મી જાટ રેજિમેન્ટના સૈનિકોને તેમની મદદ માટે મોકલાયા હતા.

૫મી શીખ છામ્બ વિસ્તારમાં હતી અને તે ૫મી આસામ રેજિમેન્ટ અને ૧લી ગુરખા રાઇફલ્સની વચ્ચેના વિસ્તારમાં તૈનાત હતી. ૪થી ડિસેમ્બરે પાકિસ્તાની વાયુસેના અને તોપખાનાએ તે વિસ્તારમાં હુમલાઓ કર્યા. ત્રણ દિવસ સુધી આ ત્રણે પલટણો પર પાકિસ્તાની પાયદળ અને વાયુસેના તેમજ તોપખાના વડે હુમલા થતા રહ્યા. આ પલટણો તમામ હુમલા ખાળવામાં સફળ રહી. શીખ પલટણે ૪૧ સૈનિકો ગુમાવ્યા અને તેને બે મહાવીર ચક્ર, બે વીર ચક્ર એનાયત કરાયાં.

૮૦નો તોફાની દાયકો

[ફેરફાર કરો]

દાયકાની શરૂઆતમાં જ ૧૯૭૯માં ૧લી શીખને કે જે બ્રિટિશ કોમનવેલ્થની સૌથી વધુ પુરસ્કૃત પલટણ હતી તેને યાંત્રિક રેજિમેન્ટની ૪થી પલટણ તરીકે બદલવામાં આવી. પલટણના રંગરૂટોના પસંદગીના ધોરણ પણ બદલવામાં આવ્યા. રેજિમેન્ટના મુખ્યાલયને રામગઢ ખાતે બદલવામાં આવ્યું.

૭મી, ૧૬મી, ૧૭મી અને ૨૨મી એમ ચાર શીખ પલટણોએ શ્રીલંકા ખાતે શાંતિ સેનામાં ભાગ લીધો. તેમણે ચાર વીર ચક્ર મેળવ્યાં.

કારગિલ યુદ્ધ

[ફેરફાર કરો]

૧૯૯૯ના કારગિલ યુદ્ધમાં ૮મી અને ૧૪મી શીખ કાર્યવાહીમાં જોડાઈ હતી. ૮મી શીખ ટાઈગર હિલને કબ્જે કરવાની કાર્યવાહીમાં સામેલ હતી જેમાં તેના ૩૫ સૈનિકો શહીદ થયા અને ત્રણ વીર ચક્ર અને આઠ સેના મેડલ મેળવ્યા.

૧૪મી શીખ ચોરબટ લા વિસ્તારમાં કાર્યવાહીમાં સામેલ હતી. તેમણે પોઇન્ટ ૫૬૨૦, ૫૫૧૨, ૫૨૩૨, ૫૩૧૦ અને ૬૦૪૧ કબ્જે કર્યા. નાયબ સુબેદાર જસબીર સિંઘે ૧૯,૦૦૦ ફિટની ઉંચાઈ પર ચોકી સ્થાપી.

રંગરૂટો પંજાબ અને આસપાસના રાજ્યોમાં વસતા શીખ સમુદાયમાંથી જ લેવામાં આવે છે. અફસરો કોઈપણ રાજ્ય અને સમુદાયમાંથી આવી શકે છે.

૧૩મી શીખ પલટણની ચાર કંપનીઓ શરૂઆતમાં અલગ અલગ સમુદાયની ઉભી કરાઈ હતી જેમાં શીખ, ડોગરા, ગઢવાલી અને દક્ષિણ ભારતીયો હતા. જોકે પાછળથી તેને શીખ માત્ર કરી દેવાઈ હતી.

 • 2 બટાલિયન
 • 3 જી બટાલિયન
 • 4 થી બટાલિયન
 • 5 બટાલિયન
 • 6 ઠ્ઠી બટાલિયન
 • 7 બટાલિયન
 • 8 બટાલિયન
 • 10 બટાલિયન
 • 11 બટાલિયન
 • 13 બટાલિયન
 • 14 બટાલિયન
 • 16 બટાલિયન
 • 17 બટાલિયન
 • 18 બટાલિયન
 • 19 બટાલિયન
 • 20 બટાલિયન
 • 21 બટાલિયન
 • 22 બટાલિયન
 • 23 બટાલિયન
 • 124 પાયદળ Bn પ્રાદેશિક સેના (શીખ)
 • 152 પાયદળ Bn પ્રાદેશિક સેના (શીખ)
 • 157 પાયદળ Bn પ્રાદેશિક સેના (શીખ)

અન્ય

 • 1 લી બટાલિયન હવે 4 થી યાંત્રિક પાયદળ છે.[૧]
 • 9 બટાલિયન વિખેરી નાખવામાં આવી 1984માં

પુરસ્કારો

[ફેરફાર કરો]

રેજિમેન્ટને કુલ ૧૬૫૨ વીરતા પુરસ્કાર મળ્યા છે જેમાં:[૨][૩]

આના વધારામાં:

 • 73 યુદ્ધ સન્માન

સંદર્ભો

[ફેરફાર કરો]
 1. [ વૈશ્વિક સુરક્ષા |http://www.globalsecurity.org/military/world/india/army-equipment-mech.htm ]
 2. [ સંરક્ષણ સમીક્ષા|http://mod.nic.in/samachar/18/html/ch8.htm ]
 3. [શીખ સમીક્ષા|http://www.sikhreview.org/pdf/october1996/pdf-files/gallantry.pdf સંગ્રહિત ૨૦૧૧-૦૭-૧૮ ના રોજ વેબેક મશિન ]

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]