લખાણ પર જાઓ

બહાદુરભાઈ વાંક

વિકિપીડિયામાંથી
બહાદુરભાઈ વાંક
જન્મબહાદુરભાઈ જગાભાઈ વાંક
૧૩ મે ૧૯૩૭
જેતપુર , કાઠી, સૌરાસ્ટ્ર, ગુજરાત
રાષ્ટ્રીયતાભારતીય
નોંધપાત્ર પુરસ્કારોગુજરાત સાહિત્ય અકાદમી પુરસ્કાર, કુમાર સુવર્ણ ચંદ્રક, ધૂમકેતુ નવલિકા પુરસ્કાર

બહાદુરભાઈ જગાભાઈ વાંક(૧૩ મે ૧૯૩૭) એ એક ગુજરાતી વાર્તાકાર, ચિત્રકાર છે.

તેમનો જન્મ ૧૩ મે ૧૯૩૭ના દિવસે જેતપુર, કાઠી, રાજકોટ ખાતે થયો હતો. તેમનું મૂળ વતન ખારચિયા, વાંકના, જૂનાગઢ હતું. તેમના પિતા સરકારી નોકરીમાં વહીવટદાર હતા. નબળી આર્થિક સ્થિતિને કારણે તેમણે મોડેથી શાળામાં પ્રવેશ મેળવ્યો હતો. તેમની કુમાર-અવસ્થામાં તેઓ સ્લેટ પર કે ધૂળ પર ચિત્રાંકન કરતાં. તેમને બાળવાર્તાઓનું ખૂબ આકર્ષણ રહેતું. ૧૯૫૮માં તેમણે એસ.એસ.સી.ની પરીક્ષા પાસ કરી અને સંસ્કૃતમાં સાહિત્ય રત્નની પદવી મેળવી હતી. તેમણે કાર્ટૂનિંગ કૅરિકેચરનો ડિપ્લોમા અને દહેરાદૂન ગ્રાફૉલોજી ઇન્સ્ટિટ્યૂટના હસ્તાક્ષરશાસ્ત્રનું પ્રમાણપત્ર પણ મેળાવ્યું છે.

૧૯૫૮માં તેમણે એસ.ટી. ખાતામાં સામાન્ય નોકરી મેળાવી. ૧૯૬૨માં તેમના લગ્ન મંજુલ બહેન સાથે થયા હતા.[] નોકરીમાં બઢતી મેળવતા તેઓ સિનિયર ક્લાર્કના પદ સુધી પહોંચ્યા હતા. ૧૯૮૮માં ત્યાંથી તેમણે સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી હતી. આ સમય દરમ્યાન તેઓએ પોતાનું લેખન કાર્ય ચાલુ રાખ્યું હતું અને તેમની વાર્તાઓ પ્રસિદ્ધ થતી હતી. વાર્તા લેખન ઉપરાંત તેઓ ચિત્રકાર, ફોટોગ્રાફર, જ્યોતિષી, રમતગમત, વૉલીબૉલ આદિનો પણ શોખ ધરાવે છે. તરણેતરના મેળામાં તેમણે લીધેલા માલધારીના છાયાચિત્રોનું ગુજરાત રાજ્ય મ્યુઝિયમ ડિપાર્ટમેન્ટ દ્વારા તે વિષેની પુસ્તિકા પ્રકાશિત કરી પ્રદર્શન પણ યોજ્યું હતું.[][] તેમણે આકાશવાણી પર ઘણા કાર્યક્રમો આપ્યા છે.[]

ચિત્રકલા

[ફેરફાર કરો]

ચિત્રકલામાં એમણે કોઈ શાસ્ત્રીય શિક્ષણ લીધું ન હતું. એ એમની કુદરતી બક્ષીસ છે. ૧૯૭૦માં અમદાવાદમાં એક ચિત્ર પ્રદર્શન જોતાં તેમને અંતઃપ્રેરણા ઉદ્ભવી અને તેમણે ચિત્રો દોરવાના શરૂ કર્યા હતા. ચિત્રકલા વિશે જૂનાગઢના ચિત્રકાર વૃંદાવન સોલંકી પાસે તેમણે મૂળભૂત વાતો જાણી ચિત્રકાળામાં પોતાનો હાથ અજમાવ્યો અને સફળ રહ્યા. તેમણે જાણીતા ચિત્ર કલાકારોનાં પુસ્તકોનો અભ્યાસ કર્યો અને ૧૯૭૬ થી ૧૯૮૬ દરમિયાન ચિત્રો દોર્યાં. શરૂઆતમાં ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમીના પ્રદર્શનમાં એમનાં ‘બ્લૅક ગાર્ડ’, ‘અસ્તિત્વવાદી’ ‘ડિસ્ટૉર્શન ઑફ વિઝન’ જેવા ચિત્રો દર્શાવવામાં આવ્યાં. ૧૯૮૨માં આબુમાં યોજાયેલા આર્ટિસ્ટ કૅમ્પમાં પણ તેઓ પસંદગી પામ્યા હતા. તેમણે દોરેલા પોતાના સ્કૅચની રવિશંકર રાવળે પ્રશંસા કરી હતી. એમના એકલ પ્રદર્શનો મુંબઈની જહાંગીર આર્ટ ગૅલેરીમાં તેમજ અમદાવાદ, અલ્લાહાબાદ, ભુજ, રાજકોટ આદિ સ્થળોએ પણ યોજાયા છે. ૧૯૭૮માં દિલ્હીના આંતરરાષ્ટ્રીય ચિત્ર-પ્રદર્શનમાં એમનાં ચિત્રોને વિશિષ્ટ ગુણવત્તાનું પ્રમાણપત્ર મળ્યું હતું. ક્ષણે ક્ષણે બદલાતી માનવીય ચેતના, હતાશા, પીડા, વિડંબનાનું પ્રતીકાત્મક નિરૂપણ એમની ચિત્રકલાનો મુખ્ય વિષય રહ્યો છે.[]

૧૯૮૨માં તેમને આંખોમાં ઝામરની[] આનુવાંશીક સમસ્યા નિર્માણ થઈ અને તબીબોએ તેમને ચિત્રકળા છોડવાની સલાહ આપી હતી. ૧૯૮૪-૮૫માં તેમણે ‘પ્રયાગરાજ તીર્થસંમેલન’ માટે પાંડુરંગ શાસ્ત્રીના ચિત્રો દોર્યાં. આગળ જતાં આંખની તકલીફ વધતા તેમણે શસ્ત્રક્રિયા કરાવી હતી પણ તેથી એકજ આંખમાં માત્ર પાંચ-દસ ટકા દ્રષ્ટિ આવી હતી. આથી તેમણે ચિત્રકલાને વિરામ આપી લેખન કાર્ય હાથમાં લીધું.[]

મોદીનું બિલ નામની તેમની પહેલી ટૂંકી વાર્તા મે ૧૯૬૩માં ચાંદની સામાયિકમાં છપાઈ હતી.[] ૧૯૬૫ પછી તેઓ ચિત્રકલા તરફ વળ્યા હતા ને ફરી ૧૯૮૬માં ગુજરાતી સાહિત્ય પરિષદના અમરેલી જ્ઞાનસત્રમાં કોઈએ બહાદુરભાઈના અંધાપા વિશે ટકોર કરી હતી કે "તે તો હવે આંધળા થઇ ગયા, તે શું લખી શકવાના ?"[] જે સહન ન થતા ટકોરના પ્રત્યુત્તરમાં ૧૯૮૭માં હૉસ્પિટલમાં જ દૃષ્ટિવિહીન અવસ્થામાં તેમણે કાગળ પર ફૂટપટ્ટીથી માપ લઈને સંખ્યાબંધ વાર્તાઓ લખી હતી.[]

ઈ. સ. ૧૯૮૬માં હોનારત નામની તેમની લઘુકથા પ્રકાશિત થઈ હતી. ૧૯૮૮માં તેમનો પીછો નામે વાર્તાસંગ્રહ પ્રકાશિત થયો હતો. અલ્પદૃષ્ટિ છતાં તેમણે સાતેક હજાર પાનાંનું લખાણ લખ્યું, તેમાંથી ૧૯૯૩માં વિનાયક વિષાદ યોગ અને ૧૯૯૫માં રાફડો નામે બે વાર્તા સંગ્રહો પ્રસિદ્ધ થયા. ઈશ્વર નામની તેમની લઘુકથા ૧૯૯૩માં પ્રગટ થઈ હતી. ૨૦૦૯માં જંગલેશ્વર નામનું મહાવિદ્યાલય નામે અન્ય વાર્તા સંગ્રહ પ્રકાશિત થયો હતો. પરંતુ તે શીર્ષક અનુકૂળ ન લાગતા તે વાર્તા સંગ્રહની પાંચ વાર્તાઓને સુધારા કરી ૨૦૧૪ના નવા વાર્તા સંગ્રહ નીચે નહીં ધરતી ઉપર નહીં આકાશમાં સમાવી લેવામાં આવી હતી.[] તેમણે સર્જનાત્મક નિબંધો, સમીક્ષાત્મક લેખો, ઝેનકથાઓ જેવી ધ્યાનકથાઓ લખી છે જે ઘણાં સામયિકોમાં પ્રસિદ્ધ થઈ હતી. કુમારમાં બાર વર્ષથી આ ઝેનકથાઓ પ્રસિદ્ધ થઈ છે. એમની ઘણી ધ્યાનકથાઓના એમણે જ કરેલા અંગ્રેજી અનુવાદ સૌરાષ્ટ્રના અંગ્રેજી સાપ્તાહિકોમાં પ્રકાશિત થયા છે.[]

સન્માન

[ફેરફાર કરો]

વિનાયક વિષાદ યોગ અને રાફડો આ બંને વાર્તા સંગ્રહોને ગુજરાત સાહિત્ય અકાદમીના પ્રથમ પુરસ્કારો મળ્યા હતા. રાફડોને ધૂમકેતુ નવલિકા પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.[] તેમણે લખેલી ધ્યાનકથાને ૨૦૦૫માં કુમાર સુવર્ણ ચંદ્રક મળ્યો હતો.[]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ "બહાદુરભાઇ વાંક, Bahadurbhai Vaank". ગુજરાતી પ્રતિભા પરિચય. 2007-03-21. મેળવેલ 2021-10-09.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ ૨.૪ ૨.૫ "વાંક, બહાદુરભાઈ જગાભાઈ – Gujarati Vishwakosh – ગુજરાતી વિશ્વકોશ" (અંગ્રેજીમાં). મેળવેલ 2021-09-28.
  3. ૩.૦ ૩.૧ ૩.૨ ૩.૩ દેસાઈ, પારુલ (નવેમ્બર ૨૦૧૮). ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ. ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ. ISBN 978-81-939074-1-2.