લખાણ પર જાઓ

ભક્તિબા દેસાઈ

વિકિપીડિયામાંથી
ભક્તિબા દેસાઈ

ભક્તિલક્ષ્મી ગોપાળદાસ દેસાઈ અથવા ભક્તિબા એ એક ભારતીય સ્વાતંત્ર્ય સેનાની હતાંં. ભારત સાથે સ્વેચ્છાએ અને બિનશરતી વિલિનીકરણમાં સહમતી આપનાર ૫૫૦ રજવાડામાંના પહેલા રાજા એવા ગાંધીવાદી ગોપાળદાસ અંબઈદાસ દેસાઈના તેઓ ધર્મપત્ની હતાંં.[]

શરૂઆતનું જીવન

[ફેરફાર કરો]

તેમનો જન્મ ૧૬ ઑગસ્ટ ઈ.સ.૧૮૯૯માં ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ગામે થયો હતો.[][]તેઓ લીંબડીના દીવાન ઝવેરભાઈ અમીન અને દીવાળીબેનના પુત્રી હતાં. બાળપણથી તેમનામાં સ્વામિનારાયણ ધર્મના સંસ્કારો પડ્યા હતા. ઈ.સ ૧૯૧૩માં તેમના લગ્ન વસોના દરબાર ગોપાળદાસ અંબઈદાસ દેસાઈ સાથે થયાં. []

સ્વતંત્રતાની ચળવળમાં સહભાગ

[ફેરફાર કરો]

ઈ.સ. ૧૯૨૧ના રાષ્ટ્રીય મહાસભા(કોંગ્રેસ)ના અમદાવાદ અધિવેશનમાં તેમણે સક્રિય ભાગ ભજવ્યો હતો. ઈસ. ૧૯૨૩ના બોરસદ સત્યાગ્રહ અને નાગપુરના ધ્વજ સત્યાગ્રહમાં તેમણે જનતા સાથે ભાગ લીધો હતો.[] ઈ.સ. ૧૯૨૮ના બારડોલી સત્યાગ્રહમાં શરૂઆતમાં સ્ત્રીઓ આગળ આવવા શરમાતી હતી. ભક્તિબાએ મણિબેન પટેલ અને મીઠુબેન પેટીટ સાથે મળી તેમને આગળ આવવા પ્રેરણા આપી અને આગળ જઈ સ્ત્રીઓની સંખ્યા પુરુષોથી પણ વધી ગઈ.[] તેમણે નડિયાદ બોરસદ આદિ સ્થળોએ દારૂના પીઠા અને પરદેશી માલ વેચનારી દુકાનો સામે પીકેટીંગ કરતાં તેમને જેલ થઈ હતી. ઈ.સ. ૧૯૩૧માં તેઓ ૨૧ મહિના માટે જેલ ગયા હતાંં. ઈ.સ. ૧૯૪૧માં તેમને ૧૧ વર્ષની જેલ થઈ હતી.[]

સ્વતંત્રતા ચળવળ પછીના સમયમાં સમાજ સેવા

[ફેરફાર કરો]

ઈ.સ. ૧૯૪૨ની આઝાદીની લડત પછી દરબાર દંપતી રાજકોટમાં આવ્યા અને સમાજ સેવા કરવા લાગ્યાં. તેમણે કન્યા કેળાવળી ક્ષેત્રે કાર્ય હાથ ધર્યું અને તેમના માર્ગદર્શનમાં પૂતળીબા ઉદ્યોગ મંદિર(રાજકોટ), વલ્લભ કન્યા કેળવણી મંદિર અને વિઠ્ઠલ કન્યા વિદ્યાલય(નડિયાદ) તેમની દેખરેખમાં તૈયાર થયા. તેઓ ખેડા જીલ્લાના સ્કૂલ બોર્ડમાં સભ્ય હતાંં. ઈ.સ. ૧૯૫૧માં તેમના પતિ ગોપાળદાસ અંબઈદાસ દેસાઈના અવસાન બાદ પણ તેમણે સમાજ સેવાના કાર્યો ચાલુ રાખ્યાંં. ઈ.સ. ૧૯૫૪માં તેમણે સાતેક માસનો આફ્રિકાનો પ્રવાસ કરી સાડા ત્રણ લાખનું ભંડોળ સમાજ સેવા માટે એકત્ર કર્યું. ઉછરંગરાય નવલશંકર ઢેબર - ઢેબરભાઈ પોતાને દરબાર સાહેબના છઠ્ઠા પુત્ર તરીકે ઓળખાવતા. ઈ.સ. ૧૯૫૪માં ઢેબરભાઈ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ બન્યા અને દિલ્હી ગયા, તેમની સંભાળ લેવા ભક્તિબા પણ દિલ્હી ગયાંં.[]

તેમનું જીવન સૂત્ર:

આપણે લાખોને મદદરૂપ થઈ શકીએ એવી આપણી સ્થિતિ નથી, પરંતુ લાખોને માટે કામ કરનાર વ્યક્તિને મદદરૂપ થઈ શકીએ તો લાખોને સાચવ્યા બરાબર છે. []

તેઓ ૧૪ માર્ચ, ૧૯૯૪ના દિવસે વસો ખાતે અવસાન પામ્યાંં.[]

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. McLeod, John (૧૯૯૯). Sovereignty, Power, Control: Politics in the State of Western India, 1916–1947. Netherlands: Brill. પૃષ્ઠ 235. ISBN 9789004113435.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ શુક્લ, ડો જયકુમાર (૧૯૯૮). ગુજરાતના સ્વાતંત્ય સૈનિકો - માહિતીકોષ. અમદાવાદ: ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટ. પૃષ્ઠ ૧૪૦.
  3. ૩.૦ ૩.૧ ૩.૨ ૩.૩ ૩.૪ ઠાકર, ડો ધેરુભાઈ (૨૦૦૨). ગુજરતિ વિશ્વકોષ. અમદાવાદ: ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટ. પૃષ્ઠ 858.
  4. Sushila Nayar; Kamla Mankekar, સંપાદકો (2003). Women Pioneers In India's Renaissance. National Book Trust, India. પૃષ્ઠ 469. ISBN 81-237-3766 1.