બોરસદ સત્યાગ્રહ

વિકિપીડિયામાંથી

બોરસદ સત્યાગ્રહ એ ગુજરાતના આણંદ જિલ્લામાં આવેલા બોરસદ તાલુકામાં, ઈ.સ. ૧૯૨૨-૨૩માં[૧] અંગ્રેજો દ્વારા લાદવામાં આવેલા અન્યાયી "હૈડિયા વેરા"ના વિરોધમાં યોજવામાં આવેલો સત્યાગ્રહ હતો. આ સત્યાગ્રહની આગેવાની કરવા મહાત્મા ગાંધીએ સરદાર વલ્લભભાઈ પટેલને જણાવ્યું હતું. આ સત્યાગ્રહ ૩૮ દિવસ ચાલ્યો હતો[૨] અને છેવટે સરકારે "હૈડિયા વેરો" નાબુદ કરવો પડ્યો હતો.

પાર્શ્વ ભૂમિ[ફેરફાર કરો]

તે સમયે ચરોતર ક્ષેત્રની બારૈયા અને પાટણવાડિયા જાતિને અપરાધી જાતિઓ ગણવામાં આવતી હતી અને તે જાતિના લોકોને સવાર સાંજ પોલીસ થાણામાં હાજરી નોંધાવવી પડતી હતી.[૨] બોરસદ તાલુકાના ગોલેલ ગામના વતની બાબરા દેવા આ જાતિનો હતો અને તેને પણ સવાર સાંજ પોલીસ થાણામાં હાજરી આપવાની હતી. કોઈ એક સવારે તે હાજરી ન આપી શક્યો અને તેની ધરપકડ કરવામાં આવી. સ્વભાવે પ્રમાણિક એવા બાબરા પર આ ધરપકડની ઊંડી અસર થઈ. તે અટકાયતમાંથી ભાગી છૂટ્યો અને બહારવટે ચડ્યો. તેના સ્થાનની ખબર આપનારા લોકોને તે આકરી સજા કરતો, તેમના નાક વાઢી લેતો, તેમને વૃક્ષ સાથે ખીલે જડી દેતો. પોતાની પત્ની સહિત શંકા જનાર કોઈ પણ વ્યક્તિને તે છોડતો નહિ. બહારવટા દરમ્યાન તેણે ૨૨ ખૂન કર્યા હતા.[૩] તે સમયે અલી (અલિયો) નામના બહારવટીયાની બીજી ટોળી પણ લોકોને રંજાડાતી હતી. લોકો આ બહારવટીયાઓના ભયથી એટલા ત્રાસી ગયા હતા કે અંધારું થયા પછી કોઈ ઘરમાંથી બહાર પણ નીકળતા નહિ.

બાબરા દેવાને પકડવા માટે પોલીસે બીજા બહારવટીયા અલી સાથે સાઠગાંઠ કરી તેને શસ્ત્ર સરંજામ પુરા પાડ્યા અને પોલીસો તેની લૂંટમાં ભાગ પડાવવા લાગ્યા. આ દરમ્યાન અલિની લૂંટ અને ધાડ સામે આંખ આડા કાન કરવા એ મતલબનું એક ગુપ્ત પરિપત્ર પણ પોલીસે તેમના અધિકારીઓ માટે બહાર પાડ્યું હતું. આમ છતાં બાબરો દેવો પકડાયો નહી.[૩]

હૈડિયા વેરો[ફેરફાર કરો]

અંગ્રેજ સરકારનું પોલીસ ખાતું આ બહારવટીયાઓને પકડવામાં નિષ્ફળ રહ્યું અને તેમને લોકો ઉપર ઊલટો આરોપ મુક્યો કે લોકો જ બહારવટીયાઓ સાથે ભળેલા છે. લોકોના સંરક્ષણ માટે રોકાયેલ વધારાની પોલીસનો ખર્ચ સરકારે લોકો પાસેથી એક સમયના શિક્ષાત્મક કર તરીકે વસૂલ કરવાનો ઠરાવ કર્યો. આ કર લોકોમાં "હૈડિયા વેરો" નામે પ્રસિદ્ધ થયો.[૪]

બહારવટીયાઓની ટોળીઓ સામે રક્ષણ માટે અંગ્રેજોએ વધારાના ૪૦૦ પોલીસોની એક ટુકડી બોરસદમાં રાખવાનું ઠરાવ્યું અને તેનો ખર્ચ ૨.૪૦ લાખ રૂપિયા જેટલો આંક્યો.[૪] તેની વસૂલી માટે બોરસદ તાલુકાના ૯૦ ગામ અને આણંદ તાલુકાના ૧૪ ગામ ઉપર આ કર પોલીસ સુપ્રિન્ટેન્ડેન્ટ દ્વારા લગડાવામાં આવ્યો હતો ન કે કલેક્ટર દ્વારા. આ કર સંબધે મામલતદારે અહેવાલમાં લખ્યું હતું કે અહીંના ગામડાં ખૂબ ગરીબ છે, તેઓ આ કર ભરી શકવા સમર્થ નથી. તેણે આગળ એ પણ જણાવ્યું હતું કે ગામડાની સુરક્ષા અર્થે વધારાના પોલીસ અધિકારીઓની સેવા ચાલુ રાખવાની ગામ લોકોની ઈચ્છા નથી. કલેક્ટર મામલતદાર સાથે સહમત થયા અને તે વાત કમિશનરને જણાવી. પરંતુ કમિશનરે બન્નેની વાત અવગણી પોલીસ સુપ્રિન્ટેન્ડેન્ટનો પક્ષ લીધો.[૨] [૩]

સત્યાગ્રહ[ફેરફાર કરો]

આ કરમાંથી સરકારી નોકરો, પાદરીઓ, ગામના મુખી વગેરેને મુક્તિ મળી હતી.[૨] આવા પક્ષપાતી વિરુદ્ધ લોકોમાં ઘણો અસંતોષ ફેલાયો. લોકો ગાંધીજી અને સરદાર પટેલ પાસે આ અન્યાયી કરની ફરિયાદ લઈને પહોંચ્યા. ગાંધીજીના નિર્દેશન હેઠળ સરદાર પટેલે લોકોને તે કર ન ભરવા સૂચના આપી. આ સાથે ૨૦૦ સ્વયં સેવકોની ભરતી કરીને પોતાના ગામડાઓની સુરક્ષા પોતે હાથમાં લેવા માટે પણ પટેલે જણાવ્યું [૪][૫]

સરદાર પટેલે બોરસદ પહોંચી આ લડતનું સુકાન સંભાળ્યું અને ૨ ડિસેમ્બર ૧૯૨૩ના[૨]દિવસે સત્યગ્રહની શરૂઆત થઈ. તેમણે સ્વયંસેવકોને પલટનોમાં વિભાજીત કર્યા. સ્વયંસેવકોએ અહિંસક માર્ગે ગામડાઓનું રક્ષણ કરવાનું હતું. સમય સમય પર પત્રિકાઓ છાપી લોકોનો ઉત્સાહ જાળવવા અને ચળવળ સંબંધે માહિતી લોકોને પહોંચાડવામાં આવતી. કર વસૂલી માટે મિલકતો જપ્ત કરવાના સરકારી દમનનો શાંતિ પૂર્વક મુકાબલો કરવા તેમણે લોકોને ભલામણ કરી.

કર વેરાની વસૂલી માટે મિલકતોનો જપ્ત કરવા માટે મામલતદારે ગંભીર પ્રયત્નો શરૂ કર્યા. પણ સત્યાગ્રહીઓએ તેનો મુકાબલો રમુજી અને નાટ્યાત્મક રીતે કર્યો. બે સ્વયંસેવકો ઝાડ પર ચડી ગામની ચોકી કરતા. મહેસૂલ ખાતાના અધિકારીઓ જપ્તી માટે આવતા દેખાય કે તુરંત તેઓ ઢોલ વગાડતા અને ગામને સાબદું કરતા. તુરંત જ ગામના લોકો પોતાની સ્ત્રીઓ આદિને ઘરમાં પુરી તાળા મારી દેતાં અને પોતે ઢોરને લઈ ગામ બહાર સીમમાં ચરાવવા ચાલ્યાં જતાં જ્યારે અધિકારીઓ ગામમાં આવતાં ત્યારે આખું ગામ ખાલિ રહેતું. તેમની પાછળ ગામના તોફાની બાળકો મસ્તી તોફાન કરતા બૂમો પાડી તેમને ચીડવતા રહેતા. આ સ્થિતી દરેક દિવસે દરેક ગામમાં જોવા મળતી. દિવસે ગામડા નિર્જન રહેતાં અને રાત્રે ધમધમી ઉઠતા. સરકરી નિયમો અનુસાર સૂર્યાસ્ત પછી જપ્તી કરી શકાય નહી, આથી રાત્રે લોકો નિર્ભય પને પોતાની જીવન ક્રિયા ચલાવતા. સ્ત્રીઓ રાત્રે પાણી ભરવા જતી. રાત્રે બજારો ભરાતી વગેરે.[૩]

જપ્ત કરેલી વસ્તુઓ બજારમાંથી ખરીદવી નહિ એવી લોકોને સૂચના અપાઈ અને તેનો ભંગ કરનારે ૫૦ દંડ અને જ્ઞાતિમાંથી બહાર કાઢવાની સજા રખાઈ.[૨]

સરકાર અને અલિ બહારવટિયા વચ્ચે થયેલો છુપો કરાર યંગ ઈંડિયામાં ડિસેમ્બરમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યો.[૨]

આ સાથે સરદાર પટેલે લોકોને પોલીસની કારસ્તાનીઓના ફોટા પાડવા પણ જણાવ્યું જેથી સાબિત થઈ શકે કે જ્યારે બહારવટીયાઓ ત્રાટકતા ત્યારે મુકાબલો કરવાને બદલે પોલીસ બહારથી તાળા વાસીને અંદર સંતાઈ જતા હતા. આવા ફોટાઓ સરકાર સામે રજૂ કરી સરકારને પોલીસોની કાયરતા સરકારને બતાવી અને કહ્યું કે આવા સંજોગોમાં સરકારને જનતા પાસેથી કર વસુલ કરવાનો કોઈ અધિકાર નથી.[૪]

સત્યાગ્રહના નેતાઓ[ફેરફાર કરો]

સત્યાગ્રહના મુખ્ય નેતા સરદાર વલ્લભ ભાઈ પટેલ હતા. આ સાથે લોકોને પ્રેરણા આપવામાં રવિશંકર મહારાજ અને મોહનલાલ પંડ્યાએ ગામડે ગામડે જઈ વાસ્તવિક સ્થિતિ, લોકોને જાગૃતિ આદિનો ક્યાસ કાઢ્યો હતો.[૨] આ સાથે મણિબેન પટેલે સ્ત્રીઓને સત્યાગ્રહમાં જોડાવવા કાર્ય કર્યું હતું.[૬]

પરિણામ[ફેરફાર કરો]

સરકારના બહારવટિયા સાથેની સાંઠગાંઠના આરોપો સાંભળીને ઉદાર મત ધરાવતા તે સમયના ગવર્નર લેસ્લી વિલ્સન વિચલિત થયા. તેમણે તેજ સ્થળે તપાસ માટે મોરિસ હેવર્ડ નામના અધિકારી (હોમ મેમ્બર)ને મોકલ્યા. ૪ જાન્યુઆરી ૧૯૨૪ના દિવસે મોરિસ બોરસદ પહોંચ્યા. તેમણે કમિશનર, કલેક્ટર અને અન્ય અધિકારીઓ સાથે મુલાકાત કરી અને એક ખુલ્લી અદાલત ગોઠવી. તેમાં ઠરાવેલા ૧૫૦ લોકોને બોલાવવામાં આવ્યા. બધી દલીલો સાંભળી, આ લડતના ઉદ્દેશ વિષે ખાતરી થતા તેમણે જપ્તિ લેવા પર તુરંત બંદી મુકાવી. તેઓ મુંબઈ પાછા ફરતા, વધારાની પોલીસનો ખર્ચ સામાન્ય કરવેરામાંથી કઢાશે એવી સરકારે જાહેરાત કરી. આ જાહેરાત થતાં સરદાર પટેલે સત્યાગ્રહ થોભાવવાની ઘોષણા કરી. આમ, ૮ જાન્યુઆરી ૧૯૨૪ના દિવસે આ કર નાબુદ કરવામાં આવી.[૫]

ત્યાર બાદ બાબરદેવા, અલિયો દાભલો ડાહ્યો બારિયો, રાજલો જેવા બહારવટીયાઓની ધરપકડ કરવામાં આવી. ૧૯૨૪ની શરૂઆતમાં અલિયાને અને ૧૯૨૪ના અંતમાં બાબરાને ફાંસીની સજા થઈ. રવિશંકર મહારાજના પ્રયત્નોથી છેવટે બારૈયા અને પાટન વાડીયા જાતિના લોકોને પોલીસ થાણામાં આપવી પડતી હાજરીથી મુક્તિ મળી અને સ્વમાન પાછું મળ્યું.[૨]

જપ્ત કરેલી વસ્તુઓ ખરીદનાર કોઈ ન હતો માત્ર ૨૦,૦૦૦ વસ્તુઓ જ વેચાઇ અને તેની કિંમત વસૂલીના ખર્ચ કરતાં પન ઓછી મળી. કર વસુલીના ઠરાવેલા ૨.૪૦ લાખ રૂપિયા પૈકી માત્ર ૯૦૦ રૂપિયા જ સરકાર દ્વારા વસૂલ થઈ શક્યા.

લોકોએ સત્યાગ્રહની જીતની ઉજવણી ૧૨ જાન્યુઆરીના દિવસે કરી. તેમાં લગભગ ૩૦,૦૦૦ લોકોએ ભાગ લીધો. છેક અમદાવાદ અને મુંબઈથી લોકો આ ઉજવણીમાં ભાગ લેવા આવ્યા. તેમના ભાષણમાં પટેલે જણાવ્યું હતું કે, "આ ટૂંકી લડત દરમ્યાન તમે ઘણા બલિદાન આપ્યા છે. તમે ઘણી બહાદુરી બતાવી, એકતા જાળવી રાખી અને ઘણો ઉત્સાહ બતાવ્યો છે. આપણે આ લડત જીતી શક્યા કારણ કે આપણે એક મહાન સંતના દોરેલા રસ્તા પર ચાલ્યા તે સંત અત્યારે જેલમાં છે."

આ લડતની સફળતા પછી ગાંધીજીએ સરદારને બોરસદના સુબા તરીકે બિરદાવ્યા.[૭]

ગાંધીજી પોતાના યંગ ઈંડિયા નામના પત્રમાં લખ્યું: "ખેડા અને બોરસદમાં મળેલી સફળતા વલ્લભભાઈની આયોજન અને વહીવટી આવડતને આભારી છે. આમ કરતા તેમણે પોતાની આસપાસ તેવી વિચારધારા ધરાવતા અનુયાયીઓની ફોજ ઉભી કરી છે. બોરસદ સત્યાગ્રહ એ લોકો દ્વારા પ્રેરિત અને લોકોએ ચલાવેલ ચળવળનું જ્વલંત ઉદાહરણ છે."

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Chronology of events in life of Sardar Patel". ૧૦ જૂન ૨૦૧૮. મૂળ માંથી 2018-05-30 પર સંગ્રહિત. મેળવેલ ૧૦ જૂન ૨૦૧૮.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ ૨.૪ ૨.૫ ૨.૬ ૨.૭ ૨.૮ Kothari, Rajesh. International Journal of Research in all Subjects inMulti Languages - बोरसद सत्याग्रह की सामाजिक पृष्ठभूम का विमर्श (PDF).
  3. ૩.૦ ૩.૧ ૩.૨ ૩.૩ B. Krishna (૨૦૦૭). India's Bismarck, Sardar Vallabhbhai Patel. Indus Source Books. ISBN 81-88569-14-3.
  4. ૪.૦ ૪.૧ ૪.૨ ૪.૩ (AWGP), All World Gayatri Pariwar. "सरदार पटेल - भारत माता के निर्भय सेनानी - सरदार बल्लभ भाई पटेल :: (All World Gayatri Pariwar)". literature.awgp.org. મેળવેલ ૧૦ જૂન ૨૦૧૮.
  5. ૫.૦ ૫.૧ "INDIA'S REVOLUTION LAB". epaperbeta.timesofindia.com (અંગ્રેજીમાં). મેળવેલ 2018-06-10.[હંમેશ માટે મૃત કડી]
  6. Sushila Nayar, Kamla Mankekar (Editors) (૨૦૦૩). Women Pioneers In India's Renaissance. National Book Trust, India. પૃષ્ઠ 469. ISBN 81-237-3766 1.CS1 maint: extra text: authors list (link)
  7. "Saradar Patel durig Borsad satyagrah - photo". મેળવેલ ૧૦ જૂન ૨૦૧૮.