બહાદુર શાહ ઝફર

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
છેલ્લા મુઘલ બાદશાહ બહાદુર શાહ ઝફર

બહાદુર શાહ ઝફર (૧૭૭૫-૧૮૬૨) ભારતમાં મુઘલ સામ્રાજ્યના અંતિમ બાદશાહ હતા અને ઉર્દૂ ભાષાના જાણીતા શાયર હતા. તેમણે ૧૮૫૭ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભારતીય સિપાહીઓનું નેતૃત્વ કર્યુ હતું. યુદ્ધમાં હાર્યા પછી અંગ્રેજોએ તેમને બર્મા (હવે મ્યાનમાર) મોકલી દીધા, જ્યાં તેમનું મૃત્યુ થયું.

બહાદુર શાહ ઝફરનો જન્મ ૨૪ ઓક્ટોબર, ૧૭૭૫નાં થયો હતો. તે પોતાનાં પિતા અકબર શાહ દ્વિતીયના મૃત્યુ પશ્ચાત ૨૮ સપ્ટેમ્બર, ૧૮૩૮નાં રોજ દિલ્હીની સલ્તનતના બાદશાહ બન્યા હતા. તેમની માતા લલબાઈ હિંદુ પરિવારનાં હતા. ઇ. સ. ૧૮૫૭માં જ્યારે હિંદુસ્તાનની આઝાદીની ચિનગારી ભડકી તો બધા વિદ્રોહી સૈનિકો અને રાજા-મહારાજાઓએ તેમને હિંદુસ્તાનનાં સમ્રાટ માન્યા અને તેમના નેતૃત્વમાં અંગ્રેજો સામે લડાઇ લડી. અંગ્રેજોની વિરૂધ્ધ ભારતીય સૈનિકોની ચળવળ જોઇ બહાદુર શાહ ઝફરનો ગુસ્સો પણ ફુટી પડ્યો અને તેમણે અંગ્રેજોને હિંદુસ્તાનની બહાર કરવાનું આહ્વાન કર્યું. ભારતીયોએ દિલ્હી અને દેશનાં અન્ય ભાગોમાં અંગ્રેજોને ખરાબ રીતે હરાવ્યા હતા.

શરૂઆતી પરીણામો હિંદુસ્તાની યોદ્ધાઓની તરફેણમાં રહ્યાં, પરંતુ પછીથી અંગ્રેજોના છળ-કપટે પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામની દિશા બદલી અને અંગ્રેજો ચળવળને દબાવવામાં સફળ થયા. બહાદુર શાહ ઝફરે હુમાયૂના મકબરામાં શરણ લીધું પરંતુ મેજર હડસને તેમને તેમના પુત્ર મિર્ઝા મુઘલ અને ખિજર સુલ્તાન તથા પૌત્ર અબૂ બકર સાથે તેમને પકડી લીધા હતા.

અંગ્રેજોએ જુલ્મની તમામ હદો પાર કરી. જ્યારે બહાદુર શાહને ભુખ લાગી તો અંગ્રેજો તેમની સામે થાળીમાં તેમનાં પુત્રનું મસ્તક લાવ્યાં. તેમણે અંગ્રેજોને જવાબ આપ્યો કે હિંદુસ્તાનનાં સપૂતો દેશ માટે માથાં કુરબાન કરી અને પિતા સમક્ષ આ જ અંદાજમાં આવતા રહ્યા છે. આઝાદી માટેના આ સંગ્રામને પૂરી રીતે ખતમ કરી દેવા માટે અંગ્રેજોએ અંતિમ આ મુઘલ બાદશાહને દેશ નિકાલ કરી અને રંગૂન મોકલી દીધાં.

ઉર્દૂ કવિ[ફેરફાર કરો]

બહાદુર શાહ ઝફર ફક્ત એક દેશભક્ત બાદશાહ જ નહીં, પરંતુ ઉર્દૂના જાણીતા કવિ અને શાયર પણ હતા. તેમણે ઘણી મશહુર ઉર્દૂ કવિતાઓ લખી, જેમાંની ઘણી અંગ્રેજો સામેનાં સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન નષ્ટ થઇ ગઇ. તેમના દ્વારા લખાયેલ ઘણી પંકતિઓ પ્રખ્યાત છે, જેમકે,

ગાઝીઓં મેં બૂ રહેગી જબ તલક ઈમાન કી
તખ્ત-એ-લંદન તક ચલેગી તેગ હિંદુસ્તાન કી|

દેશની બહાર રંગુનમાં પણ તેમની ઉર્દૂ કવિતાઓનો દબદબો ચાલુ રહ્યો. ત્યાં તેમને દર વખત હિંદુસ્તાનની ચિંતા જ રહેતી હતી. તેમની અંતિમ ઇચ્છા હતી કે તેઓ પોતાનો અંતિમ શ્વાસ હિંદુસ્તાનમાં લે અને તેમને હિંદુસ્તાનમાં દફનાવવામાં આવે, પરંતુ તેમ થઇ શક્યું નહી.

દેશમાંથી અંગ્રેજોને હટાવવાનું સપનું લઇને ૭ નવેમ્બર, ૧૮૬૨નાં રોજ ૮૭ વર્ષની ઉંમરે તેમનું અવસાન થયું. તેમને રંગુનમાં શ્વેડાગોન પેગોડા નજીક દફનાવાયા. તે સ્થળ આજે બહાદુર શાહ ઝફર દરગાહનાં નામથી ઓળખાય છે. ભારતમાં કેટલીય જગ્યાએ રસ્તાઓનાં નામ તેમનાં નામ પરથી રાખવામાં આવ્યાં છે. પાકિસ્તાનમાં લાહોર શહેરમાં એક માર્ગનું નામ તેમનાં નામ પર રખાયું છે. બાંગ્લાદેશનાં જુના ઢાકા શહેરમાં સ્થિત વિક્ટોરિયા પાર્કનું નામ બદલી બહાદુર શાહ ઝફર પાર્ક કરવામાં આવ્યું છે.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]