ખેડા સત્યાગ્રહ

વિકિપીડિયામાંથી
ખેડા સત્યાગ્રહ
ખેડા સત્યાગ્રહ (૧૯૧૮)ના સમયમાં ગાંધીજી
અંગ્રેજી નામKheda Satyagraha
તારીખ૧૯૧૮
સ્થાનખેડા જિલ્લો, ગુજરાત, ભારત
સંચાલકગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, ઇન્દુલાલ યાજ્ઞિક, શંકરલાલ બેંકર, મહાદેવભાઈ દેસાઈ, નરહરી પરીખ, મોહનલાલ પંડ્યા અને રવિશંકર વ્યાસ

ખેડા સત્યાગ્રહ એ ગુજરાતના ખેડા જિલ્લામાં મહાત્મા ગાંધીની આગેવાની હેઠળ બ્રિટીશ રાજ વિરૂદ્ધનો એક સત્યાગ્રહ છે. આ આંદોલન ભારતીય સ્વતંત્રતા સંગ્રામનો એક પ્રમુખ વિદ્રોહ છે. ચંપારણ સત્યાગ્રહ અને અમદાવાદ મિલ હળતાલ બાદનું આ ત્રીજું મહત્ત્વનું આંદોલન છે.[૧] ખેડા જિલ્લાના ખેડૂતો પાક નિષ્ફળ જવાના કારણે તથા પ્લેગનો રોગચાળો ફાટી નીકળવાના કારણે અંગ્રેજ સરકાર દ્વારા નાખવામાં આવેલો ઊંચો કર ભરી શકે તેમ નહોતા આથી ગાંધીજીએ ખેડૂતોના સમર્થનમાં આ આંદોલન કર્યું હતું.[૨][૩][૪]

નેતૃત્ત્વ[ફેરફાર કરો]

ગુજરાતમાં ચાલેલી આ ચળવળમાં ગાંધીજી મુખ્યત્ત્વે આધ્યાત્મિક અને નૈતિક આગેવાન હતાં. તેમના મુખ્ય સેનાપતિ તરીકે સરદાર વલ્લભભાઈ પટેલ અને અન્ય ગાંધીવાદી નેતાઓ જેવા કે, નરહરી પરીખ, મોહનલાલ પંડ્યા, રવિ શંકર વ્યાસ મુખ્ય હતા. તેમણે ગ્રામ્ય ક્ષેત્રોની મુલાકાત લઈ લોકોને સંઘર્ષ માટે તૈયાર કર્યા તથા તેમની લડતને રાજનૈતિક નેતૃત્ત્વ, પીઠબળ અને દિશાનિર્દેશ આપ્યાં હતાં.[૪]ગુજરાતના અમદાવાદ અને વડોદરા શહેરના ઘણાં લોકો આ ચળવળમાં જોડાયાં હતા પરંતુ ગાંધીજી અને સરદાર પેટેલ આ આંદોલનને ગુજરાતીઓની સ્થાનીક ચળવળ બનાવી રાખવા ઈચ્છતા હોવાથી તેમણે દેશના અન્ય પ્રાંતોમાંથી લોકોનો આ વિદ્રોહમાં જોડાવાનો વિરોધ કર્યો.

સંઘર્ષ[ફેરફાર કરો]

પટેલ અને તેમના સહયોગીઓએ કર વિરોધી આંદોલનનુ આયોજન કર્યું તેમાં ખેડા જિલ્લાના સર્વ જ્ઞાતિ–સમુદાયના લોકોએ સહભાગ આપ્યો. ખેડૂતોએ ચાલુ વર્ષે અતિવૃષ્ટીની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી પાક નિષ્ફળ જવાના કારણે કરવેરો માફ કરવા માટેની એક અરજી પર હસ્તાક્ષર કરી કોર્ટમાં એક મુકદ્દમો દાખલ કર્યો. મુંબઈ સરકારે આ અરજી ફગાવી દીધી. સાથે જ સરકારે ચેતવણી આપતા જણાવ્યું કે જે પણ ખેડૂતો કરવેરો નહિ ભરે તેમની જમીન તથા અન્ય સંપતિ જપ્ત કરવામાં આવશે તથા કોઇપણ રીતે પાછી આપવામાં આવશે નહિ. જોકે સરકારની આ ચેતવણી છતાં ખેડૂતો પોતાની માંગ પર અડીખમ રહ્યાં.

કર જમા ન થતાં સરકારે કલેક્ટર અને ઠેકેદારોને ખેડૂતોની જમીન તથા ઢોર જપ્ત કરવાના આદેશ આપ્યા. પોલીસને ખેતીવાડીની જમીનો તથા તથા અન્ય સંપતિ જપ્ત કરવાના આદેશ આપ્યા. ખેડૂતોએ પોલીસ દ્વારા થતી અટકાયતો તેમજ બળપ્રયોગનો કોઇ પણ જાતનો વિરોધ ન કર્યો.

આ ચળવળમાં એકતા અને શિસ્તનું અજોડ પ્રદર્શન થયું. તેમનાં ઘર, જમીન, ઢોર તથા આજીવિકાના અન્ય સ્રોત છીનવી લેવા છતાં મોટા ભાગના ખેડૂતો શાંત રહ્યાં અને સરદાર પટેલને મજબૂત ટેકો આપ્યો. દેશના અન્ય ભાગમાં રહેતાં ગુજરાતીઓએ વિદ્રોહ પ્રત્યે સહાનૂભૂતિ દર્શાવતાં સરકાર સમક્ષ વિરોધ નોંધાવ્યો અને ચળવળમાં ભાગ લેનારા ખેડૂતોના પરિવારોને ખોરાક, રહેવાની સગવડો કરી આપી.

પરિણામ[ફેરફાર કરો]

આંદોલનના પરિણામે સરકાર કર માફ કરવા બાધ્ય બની. તેણે ચાલુ તથા આગામી વર્ષનો કરવેરો માફ કર્યો તથા કરના દરમાં કરેલો વધારો પાછો ખેંચ્યો. સાથે જ લોકોની જપ્ત કરાયેલી સંપતિ પરત આપવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો.

લોકોએ જપ્ત જમીનોને તેમના મૂળ માલિકોને પરત કરવાના કાર્યમાં એકતા દર્શાવી.[૨]

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "100 years of Kheda Satyagraha and Gandhi's journey from Mohandas to Mahatma | India News". મેળવેલ 2018-10-30.
  2. ૨.૦ ૨.૧ Basu, Vipu; Singh, Jasmine Dhillon, Gita Shanmugavel, Sucharita. History And Civics. Pearson Education India. ISBN 9788131763186.
  3. Rai, Ajay Shanker (2000). Gandhian Satyagraha : An Analytical And Critical Approach. Concept Publishing Company. ISBN 9788170227991.
  4. ૪.૦ ૪.૧ Sarkar, Sumit. Modern India 1886-1947. Pearson Education India. ISBN 9789332540859.

સંદર્ભ સૂચિ[ફેરફાર કરો]