સત્યના પ્રયોગો અથવા આત્મકથા

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
સત્યના પ્રયોગો અથવા આત્મકથા  
લેખક મોહનદાસ કરમચંદ ગાંધી
મૂળ શિર્ષક સત્યના પ્રયોગો અથવા આત્મકથા
દેશ ભારત
ભાષા ગુજરાતી
વિષય આત્મકથા
પ્રકાશક નવજીવન પ્રકાશન મંદિર,અમદાવાદ
પ્રકાશન તારીખ ૧૯૨૭
ISBN India – ISBN 81-7229-008-X


સત્યના પ્રયોગો કે સત્યના પ્રયોગો અથવા આત્મકથા પુસ્તક ગાંધીજીએ પોતાના જીવનમાં કરેલા પ્રયોગો અને મેળવેલા અનુભવો વિશે લખેલી કથા છે. જેમાં તેમના બાળપણથી લઈને ૧૯૨૦ સુધીની એમની જિંદગીને પ્રયોગો સ્વરૂપે વર્ણવી લીધી છે. નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ દ્વારા સૌ પ્રથમ ૧૯૨૭માં આ પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું હતું. કેમકે ગાંધીજીએ પોતે પોતાના જીવનના પ્રસંગો વર્ણવ્યા છે, આ એક સામાન્ય પુસ્તક ન રહેતા તેમની આત્મકથા બની છે.

જેરામદાસ,સ્વામી આનંદ જેવા નિકટના સાથીઓની માંગણીઓને આખરે માન આપીને, ગાંધીજી એ દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ પૂરો કર્યા પછી આ કથા લખવાનો અવસર આરંભ્યો. તેમણે ઘણી સ્પષ્ટતાઓ પણ કરી હતી આ કથા વિશે. તેમણે એમ જણાવ્યું કે તેમના દરેક પ્રકરણના મૂળમાં એક જ અવાજ છે, "સત્યનો જય થાઓ". આ કથા તેમણે કુલ ૫ ભાગ અને તે ૫ ભાગમાં થઈને કુલ ૧૭૭ પ્રકરણમાં લખી છે.

આત્મનિરીક્ષણ અને આત્મપરીક્ષણની બેવડી ધારે ચાલતું નિરુપણ, નિર્વ્યાજ સરલતા અને સહૃદયતાથી ઊઘડતી જતી વાત, વિનોદ અને નર્મવૃત્તિનો વિવેકપુરસ્સર વિનિયોગ, સુરુચિની સીમાને ક્યારેય ન અતિક્રમતી અભિવ્યક્તિ – આ બધાં વડે શ્રેષ્ઠ આત્મકથાનો આદર્શ અહીં સ્થાપિત થયો છે. જગતભરની ઉત્તમ આત્મકથાઓમાં આનું મોખરે સ્થાન છે.

ભારતીય ગ્રંથસ્વામીત્વના કાયદા, ૧૯૫૭ મુજબ દરેક પ્રકારના દસ્તાવેજ, અધિકૃત લેખ કે પુસ્તકો લેખકના મૃત્યુના ૬૦ વર્ષ પછી જાહેર ક્ષેત્રમાં વાપરી શકવા માટે કાયદાકીય હકદાર બની જાય છે. તેથી કરીને વિકિસ્રોત પર સંપૂર્ણ પુસ્તક ગુજરાતી ભાષામાં ઉપલબ્ધ છે.

વિકિસ્રોત