કસ્તુરબા

વિકિપીડિયામાંથી
કસ્તુરબા ગાંધી
કસ્તુરબા, ૧૯૧૫માં
જન્મની વિગત
કસ્તુરબાઈ ગોકુળદાસ કાપડિયા

(1869-04-11)11 April 1869
મૃત્યુ22 February 1944(1944-02-22) (ઉંમર 74)
આગા ખાન પેલેસ, પુણે
અન્ય નામોકસ્તુર મોહનદાસ ગાંધી
કસ્તુરબા
વ્યવસાયસ્વતંત્રસેનાની
જીવનસાથી
સંતાનો

કસ્તુરબા અથવા કસ્તુર મોહનદાસ ગાંધી (૧૧ એપ્રિલ ૧૮૬૯ –૨૨ ફેબ્રુઆરી ૧૯૪૪), જેમને પ્રેમથી બધા "બા" કહેતા, તેઓ મહાત્મા ગાંધીના ધર્મપત્ની હતા. તેમના લગ્ન ૧૩ વર્ષની ઉંમરે થયા હતા. લગ્ન સમયે તેઓ નિરક્ષર હતા, બાદમાં ગાંધીજીએ તેમને લખતા-વાંચતા શીખવ્યું.

જીવન[ફેરફાર કરો]

કસ્તુરબાનો જન્મ ગુજરાતના પોરબંદરમાં એપ્રિલ ૧૮૬૯માં થયો હતો. ગાંધીજી પોતાના પત્નીને બા તરીકે સંબોધતા એટલે કસ્તુરબાઈ ‘કસ્તુરબા’ તરીકે પ્રખ્યાત થયાં. એમના પિતાનું નામ ગોકુળદાસ અને માતાનું નામ વ્રજકુમારી હતું. માત્ર ૧૩ વર્ષની ઉંમરે એમનું લગ્ન મોહનદાસ ગાંધી સાથે થયું હતું. ગાંધીજી કરતાં ઉંમરમાં એ ૬ મહિના મોટા હતા.

વિવાહ સમયે કસ્તુરબાને અક્ષરજ્ઞાન ન હતું. ગાંધીજીના પ્રેમાગ્રહને લીધે કસ્તુરબાએ ભણવાની વ્યક્તિગત પ્રવૃત્તિ સહિતની અનેકવિધ રાષ્ટ્રીય પ્રવૃત્તિઓમાં પણ ખભેખભો મિલાવીને સહકાર આપ્યો. ગાંધીજીએ કંઈકેટલીય બાબતોમાં કસ્તુરબાને પોતાના ગુરુ તરીકે સ્વીકાર્યા છે. સત્યાગ્રહના જે અહિંસક શસ્ત્રથી ગાંધીજીએ ભારતને સ્વતંત્ર કરાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી એ સત્યાગ્રહના પાઠ એમને કસ્તુરબાએ જ ભણાવ્યા હતા. દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહની લડત દરમિયાન બાએ મહિલા સત્યાગ્રહીઓનું નેતૃત્ત્વ પણ કરેલું. જ્યારે ૯ જાન્યુઆરી ૧૯૧૫ના રોજ ભારત પરત આવ્યા પછી બાપુએ સ્થાપેલા સાબરમતી આશ્રમની વ્યવસ્થા બાએ જ સંભાળી હતી. ગાંધીજીએ નોંધ્યું છે કે, એમનામાં એક ગુણ સૌથી સારો હતો કે જે દરેક હિન્દુ પત્નીમાં ઓછાવત્તા અંશે હોય જ છે- ઈચ્છા કે અનિચ્છાએ અથવા જાણે-અજાણ્યે એ મારા પદચિહ્નો પર ચાલવામાં ધન્યતા અનુભવતા હતા.

ગાંધીજીએ ભારતની સ્વતંત્રતા માટે જે કોઈ પણ આંદોલનો શરુ કર્યા એમાં કસ્તુરબાએ પણ એક સજ્જ સૈનિક તરીકે ભાગ લીધો. દક્ષિણ આફ્રિકાથી પરત આવ્યા પછી ગાંધીજીએ સ્થાપેલા આશ્રમ અને એના રસોડાની જવાબદારી એમણે સ્વીકારી લીધી. સભા સરઘસમાં ભાગ લેવાને લીધે જેલવાસ પણ ભોગવ્યો. ૯ ઓગસ્ટ ૧૯૪૨ના રોજ ભારત છોડો આંદોલનમાં ગાંધીજીની સાથે ૭૩ વર્ષની જૈફ વયના કસ્તુરબાને પણ પૂનાની આગાખાન જેલમાં બંદી બનાવવામાં આવ્યા. ત્યાં એમનું સ્વાસ્થ્ય વધુ કથળ્યું. આખરે બાવીસમી ફેબ્રુઆરી ૧૯૪૪ના રોજ ૭૫ વર્ષીય કસ્તુરબાનું અવસાન થયું.