લખાણ પર જાઓ

ગાંધી સમાધિ, ગુજરાત

વિકિપીડિયામાંથી
ગાંધી સમાધિ
તકતી

ભારતમાં રાજઘાટ, દિલ્હી બાદ અન્ય એકમાત્ર ગુજરાતમાં ગાંધી સમાધી આવેલી છે. દેશમાં બે જ સ્થળોએ ગાંધી સમાધી છે, જે પૈકીની આ એક છે. તે કચ્છ જિલ્લામાં ગાંધીધામ નગરપાલિકા હેઠળ આવતા આદિપુર ખાતે આવેલી છે.[૧] ગાંધી સમાધીનું સ્થળ ચોતરફ લીલોતરીથી છવાયેલુ અને રમણીય છે. પ્રાર્થના માટે ખાસ વ્યવસ્થા છે. અંદર પ્રવેશવા માટે પગરખા ઉતારીને જવું પડે છે. આ સ્થળની સંભાળ ગાંધીધામની સ્થપક સંસ્થા સિંધુ રિસેટલમેન્ટ કૉર્પોરેશન (એસઆરસી) દ્વારા રાખવામાં આવે છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

મહાત્મા ગાંધીનું દિલ્હી ખાતે અવસાન થયા બાદ રાજઘાટ ખાતે તેમના શરીરને અગ્નિસંસ્કાર આપવામાં આવ્યા હતા. ગાંધીજીના અસ્થિને જુદા-જુદા સ્થળોએ રાખવામાં આવેલા હતાં. તે પૈકી ગાંધીધમના સ્થાપક ભાઇપ્રતાપ અને કેટલાક અન્ય મહાનુભાવો દ્વારા ગાંધીજીના અસ્થિને ગુજરાત લાવવામાં આવ્યા હતા અને આદીપુર ખાતે અસ્થિ પધરાવીને સમાધીમંદિરનું નિર્માણ કરવામાં આવ્યુ હતુ. આ ગાંધી સમાધી આજે પણ હયાત છે અને ભારતમાં રાજઘાટ દિલ્હી બાદ ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની આ એક જ સમાધી છે. ૧૯૯૮ના વાવાઝોડા અને ૨૦૦૧ના ભૂકંપ બાદ ગાંધી સમાધીનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું. ૧૯૯૮માં ભાજપના રાષ્ટ્રીય નેતા લાલકૃષ્ણ અડવાણીના હસ્તે તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તે પછીથી અડવાણી જ્યારે જ્યારે ગાંધીધામ આવે છે ત્યારે આ સ્થળની મુલાકાત લે છે.

મહત્વના મુલાકાતીઓ[ફેરફાર કરો]

ગાંધી સમાધીએ દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરૂ દર્શનાથે આવ્યા હતા. દેશના ચોથા વડાપ્રધાન મોરારજી દેસાઈ, ભાજપના રાષ્ટ્રીય નેતા લાલકૃષ્ણ અડવાણી, કેશુભાઇ પટેલ, અશોક ભટ્ટ સહિતના રાજકીય અગ્રણીઓ ગાંધી સમાધીએ દર્શનાથે ખાસ આવી ચુકયા છે.[૨]

શહેરનું નામકરણ અને ટૂંકો ઇતિહાસ[ફેરફાર કરો]

ગાંધીધામ ભારતની આઝાદી બાદ થયેલા ભાગલાના કારણે વસેલુ શહેર છે અને આ શહેરનું નામકરણ ગાંધી સમાધીના કારણે ગાંધીધામ કરવામાં આવ્યુ છે. આ શહેરને વસાવવામાં પણ ગાંધીજીની ભૂમિકા રહી હતી. હાગલા બાદ ભારતનો સિંધ પ્રાન્ત પાકિસ્તાનમાં જતા સિંધીઓ પોતાના ઘરબાર છોડીને ભારતમાં રહેવા માટે આવ્યા હતા. આ નિર્વાસીતોના પુનર્વસન માટે ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના કહેવાથી કચ્છના મહારાઓ દ્વારા અંજાર નજીક બંજર જમીન સિંધીઓને નવું શહેર વસાવવા માટે આપવામાં આવી હતી. આ માટે સિંધુ રિસેટલમેન્ટ કૉર્પોરેશનની સ્થાપના કરીને ભંડોળ ઊભુ કરવા માટે સંસ્થાના શેર વેચાણ માટે મૂકાયા હતા. જંગલ વિસ્તારમાં રમણીય નગર ઊભુ કરાયુ હતુ જે શહેર આજે ગુજરાતના વિકસિત શહેરો પૈકીનું એક છે. ગાંધી સમાધીના સ્થળ પરથી આ શહેરનું નામ ગાંધીધામ રાખવામાં આવ્યુ હતું.[૩]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. ટાઇમ્સ ઓફ ઇન્ડિયા પર લેખ, પ્રાપ્ય-૨૮ જાન્યુઆરી ૨૦૧૬
  2. રાજ્યકક્ષાની ઊજવણીમાં ગાંધી સમાધી જ ભૂલાઇ ગઇ, દિવ્ય ભાસ્કર, પ્રાપ્ય-૨૮ જાન્યુઆરી ૨૦૧૬
  3. ગાંધીસમાધી વિશે લેખ, પ્રાપ્ય-૨૮ જાન્યુઆરી ૨૦૧૬