લખાણ પર જાઓ

ભારતનો રાષ્ટ્રધ્વજ

વિકિપીડિયામાંથી
ભારત
નામતિરંગો
વપરાશરાષ્ટ્રીય ધ્વજ
પ્રમાણમાપ૨:૩
અપનાવ્યો૨૨ જુલાઇ ૧૯૪૭
રચનાઆડા ત્રણ રંગના પટ્ટા ધરાવે છે, જેમાં ઉપરનો પટ્ટો ઘેરો કેસરી, વચ્ચે સફેદ અને નીચે લીલો રંગ હોય છે. મધ્યમાં ૨૪ આરા ધરાવતું અશોક ચક્ર હોય છે.
રચનાકારપિંગલી વેંકય્યા[N ૧]

ભારતની આઝાદી (૧૫ ઓગસ્ટ ૧૯૪૭)નાં ચોવીસ દિવસ પહેલા ૨૨ જુલાઇ ૧૯૪૭ના રોજ મળેલ 'બંધારણ સભા'ની બેઠકમાં ભારતનો રાષ્ટ્રધ્વજ નક્કી કરવામાં આવેલો. ભારતીય ગણરાજ્યના રાષ્ટ્રધ્વજ તરીકે ત્રિરંગા (तिरंगा) ધ્વજને પસંદ કરવામાં આવ્યો, જે ભારતનો રાષ્ટ્રધ્વજ તરીકે ઓળખાય છે.

૧૯૪૭માં પસંદ કરાયેલા રાષ્ટ્રધ્વજ, પિંગાલી વેંક્યા દ્વારા રચિત ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ધ્વજના આધારે રચાયેલો. આ ધ્વજ આડા ત્રણ રંગના પટ્ટા ધરાવે છે, જેમાં ઉપરનો પટ્ટો ઘેરો કેસરી, વચ્ચે સફેદ અને નીચે લીલો રંગ હોય છે. કેન્દ્રમાં ઘેરા વાદળી રંગનુ ૨૪ આરા ધરાવતું ચક્ર અવેલું છે, કે જે અશોક ચક્ર તરીકે ઓળખાય છે. આ અશોક ચક્ર સારનાથના સિંહાકૃતિ વાળા અશોક સ્થંભ માંથી લેવામાં આવેલ છે. અશોક ચક્રનો વ્યાસ સફેદ પટ્ટાની પહોળાઇનાં ૩/૪ ભાગ જેટલો હોય છે. આ ધ્વજની પહોળાઇ અને લંબાઇનું પ્રમાણ ૨:૩ નાં ગુણોત્તરમાં હોય છે. આ ધ્વજ ભારતીય સૈન્યનો યુધ્ધ ધ્વજ પણ ગણાય છે અને તમામ સૈનિક છાવણીઓ પર દરરોજ ફરકાવવામાં આવે છે.

આ ધ્વજના પ્રદર્શન અને ઉપયોગ માટે ભારતીય ધ્વજ સંહિતા ઘડવામાં આવેલી છે, જેનું સખતપણે પાલન કરવાનું હોય છે.

રંગોની માહિતી[ફેરફાર કરો]

અહીં રાષ્ટ્રધ્વજ માં વપરાતા રંગોની માહિતી આપેલ છે.

રંગ HTML (વેબ પેજ માટે) CMYK (છાપકામ માટે) Textile color (કાપડ માટે) Pantone (-)
(કેશરી) Saffron #FF9933 0-50-90-0 Saffron (કેશરી) 1495c
(સફેદ) White #FFFFFF 0-0-0-0 Cool Grey (કૂલ ગ્રે) 1c
(લીલો) Green #138808 100-0-70-30 India green (ઇન્ડીયન ગ્રીન) 362c
(ઘેરો ભૂરો) Navy blue #000080 100-98-26-48 Navy blue (ઘેરો ભૂરો) 2755c

ધ્વજ ભાવના[ફેરફાર કરો]

અશોક ચક્ર, "ધર્મનું ચક્ર"

ભારતની આઝાદીનાં થોડા દિવસો પહેલા ખાસ રચાયેલ બંધારણ સભાએ નિર્ણય કર્યો કે રાષ્ટ્રધ્વજ એવો રાખવો જે દરેક પક્ષ અને સમાજને અનુકુળ આવે. આથી અંતે "ત્રિરંગો" તરીકે ઓળખાતો, 'કેશરી','સફેદ' અને 'લીલા' કલરનાં ત્રણ આડા પટ્ટા અને વચ્ચે અશોક ચક્ર ધરાવતો રાષ્ટ્ર ધ્વજ નક્કી કરવામાં આવેલ. ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન, કે જે પછીથી ભારતનાં પ્રથમ ઉપરાષ્ટ્રપતિ બનેલા, તેમણે આ ધ્વજની રચનામાં રહેલ ભાવના વર્ણવતા જણાવેલ કે,

ભગવો અથવા કેશરી રંગ ત્યાગ અને સમર્પણનું પ્રતિક છે, આપણા નેતાઓએ ભૌતિક સુખોનો ત્યાગ અને દેશ તથા પ્રજાની સેવા અને પોતાની ફરજ પ્રત્યે સમર્પણ ની ભાવના રાખવી. સફેદ રંગ પ્રકાશનું કેન્દ્ર છે, જે સત્ય સુધી જવાનો આપણો માર્ગ પ્રકાશિત કરશે. અને લીલો કલર એ આપણો માટી (જમીન) સાથેનો સંબંધ દર્શાવે છે, આપણો વૃક્ષ,છોડ, લીલોતરી સાથેનો સંબંધ દર્શાવે છે, કે જેના પર તમામનાં જીવન આધારીત છે. મધ્યમાં રહેલ અશોક ચક્ર એ ધર્મ ચક્ર છે, સત્ય અને ધર્મ એ બન્ને આ ધ્વજ હેઠળ કામ કરનાર માટે માર્ગદર્શક સિધ્ધાંતો છે. તે ઉપરાંત ચક્ર સતત ગતિશીલતાનું પ્રતિક છે. સ્થિરતા એ મૃત્યુ છે અને ગતિશીલતા એ જીવન છે. ભારતમાં પરિવર્તનને હવે રોકી શકાસે નહીં, તેણે ગતિશીલ બની અને આગળ ધપવુંજ પડશે. ચક્ર ઉર્જાયુક્ત શાંતિપૂર્ણ ફેરફારનું પ્રતીનિધિ બનશે. તે દીવસનાં ૨૪ કલાકનું પણ દર્શક છે."

બહોળા અનધિકૃત અર્થમાં કેશરી રંગ આધ્યાત્મ અને શુધ્ધતા, સફેદ રંગ શાંતિ અને સત્ય, લીલો રંગ ઉત્પાદકતા અને ચક્ર ન્યાય અને અધિકારોનું પ્રતિક મનાય છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

બ્રિટિશ ભારતનો ધ્વજ
બ્રિટિશ ભારતનો નૌસેના ધ્વજ
(કલકત્તા)કોલકાતા ધ્વજ,સુરેન્દ્રનાથ બેનરજીએ ૧૯૦૬માં સૌપ્રથમ વખત (કલકત્તા) કોલકાતામાં લહેરાવેલ
ભિખાયજી કામા દ્વારા ૧૯૦૭ માં બર્લિનમાં લહેરાવાયેલ પ્રથમ ધ્વજ.(વચ્ચે ખરેખરતો વંદેમાતરં લખેલ)
હોમરૂલ ચળવળ દરમિયાન વપરાયેલ ધ્વજ,૧૯૧૭
૧૯૨૧ માં વપરાયેલ ધ્વજ (વચ્ચે ચરખો)
૧૯૩૧ માં સુચવાયેલ ભગવો ધ્વજ,જેમાં આકર્ષક ભૂરો ચરખો છે.
૧૯૩૧ માં અપનાવાયેલ ધ્વજ,જે ભારતીય નૌસેનાનાં યુધ્ધ ધ્વજ તરીકે પણ વપરાયેલ.
આઝાદ હિંદ નો ધ્વજ,જે પ્રથમ વખત નાઝી જર્મનીમાં આઝાદ હિંદ ફોજ માટે ફરકાવાયેલ.
 • ૨૦મી સદીની શરૂઆતમાં બ્રિટિશ શાસનમાંથી મુક્ત થવા માટે આઝાદીની ચળવળ જોર પકડવા લાગી ત્યારે એક રાષ્ટ્રધ્વજ જેવા કોઇ શક્તિશાળી માધ્યમની જરૂર જણાઇ, જે સર્વે દેશભક્તોને એક નેજા હેઠળ લાવી પ્રેરણા પ્રદાન કરે. ૧૯૦૪ માં સિસ્ટર નવેદિતા, સ્વામી વિવેકાનંદનાં શિષ્યાએ પ્રથમ ધ્વજ રજુ કર્યો, જે સિસ્ટર નવેદિતા ધ્વજ (Sister Nivedita's Flag) તરીકે ઓળખાણો. જે લાલ ચોરસ આકારનો વચ્ચે પીળો અને મધ્યમાં સફેદ રંગના કમળમાં વજ્ર નું ચિહ્ન ધરાવતો તથા બંગાળી ભાષામાં વંદેમાતરમ્ ("বন্দে মাতরম") લખાણ કરેલ હતો. જેમાં લાલ રંગ આઝાદીની લડાઇ,પીળો રંગ વિજય અને સફેદ કમળ શુધ્ધતા નાં પ્રતિક હતા.
 • પ્રથમ ત્રિરંગો ધ્વજ ૭ ઓગસ્ટ,૧૯૦૬ નાં રોજ બંગાળના ભાગલા વિરોધી દેખાવો દરમિયાન સચિન્દ્રપ્રસાદ બોઝ અને સુરેન્દ્રનાથ બેનરજી દ્વારા "પારસી બાગાન ચોક" કોલકાતામાં લહેરાવવામાં આવ્યો.જે કલકત્તા(હવે કોલકાતા) ધ્વજ તરીકે જાણીતો થયો.આ ધ્વજમાં એકસરખા પહોળાઇના ત્રણ આડા પટ્ટા,ઉપર નારંગી,વચ્ચે પીળો અને નીચે લીલો હતા. ઉપલા પટ્ટામાં આઠ અડધા ઉઘડેલા કમળ અને નિચલા પટ્ટામાં સુર્ય અને ચાંદ-તારાનું ચિત્ર હતાં. વચ્ચેનાં પટ્ટામાં વંદેમાતરમ્ દેવનાગરી લિપીમાં લખેલ હતું.
 • ૨૨ ઓગસ્ટ,૧૯૦૭ ના રોજ ભિખાયજી કામા એ સ્ટુટગાર્ટ, જર્મની માં એક અન્ય ત્રિરંગો ધ્વજ ફરકાવ્યો. આ ધ્વજમાં ઉપર લીલો ,વચ્ચે કેશરી અને નીચે લાલ રંગ ના પટ્ટા હતા. લીલો રંગ ઇસ્લામ,કેશરી હિન્દુ અને બૌધ્ધ ધર્મના પ્રતિક હતા. આ ધ્વજમાં લીલા પટ્ટામાં રહેલ આઠ કમળ તે સમયનાં બ્રિટિશ ભારતનાં આઠ પ્રાંતોનું પ્રતિનિધિત્વ કરતા હતા. વચલા પટ્ટામાં દેવનાગરી લિપિમાં "વંદેમાતરંમ" લખેલ હતું. નિચલા પટ્ટામાં ધ્વજદંડ બાજુ અર્ધ ચંદ્ર અને સામે છેડે સુર્યનું ચિહ્ન હતાં. આ ધ્વજ ભિખાયજી કામા, વીર સાવરકર અને શ્યામજી કૃષ્ણ વર્મા દ્વારા સંયુક્ત રીતે રચવામાં આવેલ.
 • બાલ ગંગાધર તિલક અને એની બેસન્ટ દ્વારા ૧૯૧૭ માં સ્થપાયેલ હોમરુલ આંદોલન માટે એક નવો ધ્વજ પસંદ કરાયો, જે પાંચ લાલ અને ચાર લીલી આડી પટ્ટીઓ તથા ઉપરનાં ડાબા ચતૃથ ભાગમાં "યુનિયન જેક"(બ્રિટિશ ધ્વજ) ધરાવતો હતો. ઉપલી સામેની બાજુ પર ચાંદ-તારાની સફેદ આકૃતિ અને સફેદ રંગમાં સાત તારાઓ સપ્તર્ષિ આકારમાં ગોઠવાયેલ હતાં. આ ધ્વજ જનસમુદાયમાં લોકપ્રીય બન્યો નહોતો.
 • ૧૯૧૬ ની શરૂઆતમાં મછલીપટ્ટનમ (આંધ્રપ્રદેશ)નાં "પિંગાલી વૈંકય્યા" એ સર્વમાન્ય રાષ્ટ્રધ્વજ બનાવવાનો પ્રયત્ન કર્યો, તેમની તરફ "ભારતીય રાષ્ટ્રધ્વજ અભિયાન" ચલાવતા ઉમર સોબાની અને એસ.બી.બોમનજીનું ધ્યાન દોરાયું,જ્યારે વૈંકય્યાએ મહાત્મા ગાંધીને આ ધ્વજ બતાવ્યો ત્યારે તેમણે સુચન કર્યું કે ધ્વજ પર ચરખાનું ચિત્ર મુકવું.ચરખો ત્યારે ભારતનીં આર્થિક ઉન્નતિનું પ્રતિક બની ગયેલ હતો. "પિંગાલી વૈંકય્યા" લાલ-લીલી પાશ્વભુમીમાં ચરખાનાં ચિત્ર વાળો ધ્વજ બનાવી લાવ્યા, પરંતુ ગાંધીજીને તેમાં સર્વ ધર્મનું પ્રતિનિધિત્વ જણાયુ નહીં.
 • મહાત્મા ગાંધી સમક્ષ અન્ય એક ત્રિરંગો ધ્વજ રજૂ કરવામાં આવ્યો,જેમાં ઉપર સફેદ, વચ્ચે લીલો અને નીચે લાલ રંગના આડા પટ્ટા હતા, જે લઘુમતિ ધર્મો, મુસ્લીમ અને હિન્દુ ધર્મનું પ્રતિનિધિત્વ કરતા હતા. સાથે ત્રણે પટ્ટાઓને આવરતો ચરખો હતો. આ ધ્વજની રૂપરેખા "આયરલેન્ડ"નાં ધ્વજનાં આધારે બનાવાયેલ, કારણકે "આયરલેન્ડ" પણ ત્યારે બ્રિટિશ શાસન સામે આઝાદીની લડાઇ લડતું હતું. આ ધ્વજ પ્રથમ વખત અમદાવાદ માં કોંગ્રેસ પક્ષનાં સંમેલન વખતે ફરકાવાયેલ, જોકે તેને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષનાં અધિકૃત ધ્વજ તરીકે પસંદ કરાયો નહીં. આ ધ્વજ આઝાદીની ચળવળમાં પણ બહોળો વપરાયેલ નહીં.
 • ઘણાં એવા લોકો હતા જે અત્યાર સુધી રજુ થયેલા ધ્વજ દ્વારા વ્યક્ત થતી ધાર્મિક ભાવનાઓથી સંતુષ્ટ નહોતા. ૧૯૨૪ માં કોલકાતામાં મળેલ "અખિલ ભારતીય સંસ્કૃત કોંગ્રેસે" જેમાં વચ્ચે વિષ્ણુની ગદાનું પ્રતિક હોય તેવો ભગવા રંગનો ધ્વજ સુચવ્યો. પછીનાં સમયમાં "ગેરૂ" રંગનું સુચન પણ થયું. જેમાં ગેરૂ રંગ હિન્દુ યોગીઓ અને સન્યાસી તથા મુસ્લિમ ફકિર અને દુર્વેશોનાં પ્રતિકરૂપ ગણાવાયેલ. શીખ સમુદાય દ્વારા પીળા રંગનો સમાવેશ કરવાનું પણ સુચવાયું.
 • આટલી પ્રગતિ બાદ,૨ એપ્રિલ,૧૯૩૧ નાં રોજ "કોંગ્રેસ કાર્યકારી સમિતી" દ્વારા સાત સભ્યોનીં "ધ્વજ સમિતી" ની રચના કરવામાં આવી. આ સમિતીએ એકજ રંગનો, સોનેરી-પીળો (golden-yellow) (કે જે "ગેરૂ" પણ કહેવાય) રંગ અને ઉપરનાં ખુણામાં ચરખાનું ચિત્ર ધરાવતો ધ્વજની ભલામણ કરી. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા આ ધ્વજ કોમી કારણોસર નામંજુર થયો.
 • છેલ્લે, જ્યારે ૧૯૩૧ માં કોંગ્રેસ સમિતી કરાચીમાં મળી ત્યારે રાષ્ટ્રધ્વજ પર આખરી ઠરાવ પસાર થયો, અને "પિંગાલી વૈંકય્યા" નાં ધ્વજનાં આધારે ત્રિરંગો ધ્વજ જેમાં કેશરી, સફેદ અને લીલો ત્રણ આડા પટ્ટા અને વચ્ચે ચરખાનું ચિત્ર હતું.
 • આજ સમયે "ભારતીય રાષ્ટ્રીય સેના" (Indian National Army) દ્વારા આજ પ્રકારનો પરંતુ ઉપર નીચે "આઝાદ-હીંદ" લખેલ અને વચ્ચેનાં પટ્ટામાં તરાપ મારતા વાઘનાં ચિત્ર વાળો ધ્વજ વપરાતો હતો. જેમાં વાઘ સુભાષચંદ્ર બોઝ નાં આઝાદી માટેનાં સશ્સ્ત્ર સંઘર્ષનું પ્રતિક હતો. આ ધ્વજ ભારતનીં ભૂમિ પર પ્રથમ વખત સુભાષચંદ્ર બોઝ નાં હસ્તે મણિપુર માં ફરકાવાયેલ.

ઉત્પાદન પ્રક્રિયા[ફેરફાર કરો]

બેંગલોર, વિધાન સભા ભવન પર રાષ્ટ્ર ધ્વજ અને રાષ્ટ્રીય ચિહ્ન
ધ્વજ પ્રમાણમાપ
માપ મિલીમિટર
૬૩૦૦ × ૪૨૦૦
૩૬૦૦ × ૨૪૦૦
૨૭૦૦ × ૧૮૦૦
૧૮૦૦ × ૧૨૦૦
૧૩૫૦ × ૯૦૦
૯૦૦ × ૬૦૦
૪૫૦ × ૩૦૦
૨૨૫ × ૧૫૦
૧૫૦ × ૧૦૦

૧૯૫૦ મા ભારત ગણતંત્ર બન્યા પછી ૧૯૫૧ માં પ્રથમ વખત ભારતીય માનક સંસ્થા (Bureau of Indian Standards (BIS)) એ રાષ્ટ્રધ્વજ માટે પ્રમાણીત માપદંડ નક્કિ કર્યા, જે ૧૯૬૪ માં ભારતમાં મેટ્રિક પધ્ધતિ દાખલ થઇ ત્યારે સુધારવામાં આવ્યા. આ માપદંડ ૧૭ ઓગસ્ટ,૧૯૬૮ થી લાગુ કરવામાં આવ્યા, આ માપદંડ રાષ્ટ્રધ્વજ ઉત્પાદનનાં તમામ પાસાઓ જેવાકે,માપ,રંગ,ચમક,દોરાઓ,કાપડનો વણાંટ વિગેરે નક્કી કરે છે. આ માર્ગદર્શિકાને તમામ ઉત્પાદકોએ ચોક્કસપણે અનુસરવું ફરજીયાત છે,તેમાં ચુક કરનારને ગંભીર ગુનો ગણી દંડ અથવા કારાવાસ કે બન્ને સાથેની સજા થઇ શકે છે.

ખાદી અથવા હાથવણાટનું કાપડજ રાષ્ટ્રધ્વજ બનાવવા માટે વાપરી શકાય છે.ખાદી બનાવવા માટે કાચામાલ તરીકે સુતર, ઉન અથવા રેશમ જ વપરાયેલ હોવું જોઇએ. આ માટે બે પ્રકારની ખાદી વપરાય છે, ખાદી-બન્ટિંગ થી ધ્વજનો મુખ્યભાગ બને છે,જ્યારે ધ્વજને ધ્વજદંડ સાથે જોડતો ભાગ ત્રણતારનાં વણાટ વાળી ખાદી-ડક વડે બનાવાય છે. આ પ્રકારનું વણાટકામ કરતા બહુ ઓછા કારીગરો મળે છે. આ ઉપરાંત માર્ગદર્શિકા મુજબ એક ચોરસ સે.મી. માં ૧૫૦ દોરા,સાંધા દીઠ ચાર દોરા અને એક ચોરસ ફીટનું વજન બરાબર ૨૦૫ ગ્રામ હોવું જોઇએ.

કાપડ વણાઇ ગયા પછી ભારતીય માનક સંસ્થામાં મોકલવું પડે છે, જ્યાં તે તમામ માપદંડ પર ખરૂં ઉતરે પછી ફરી તેને ઉત્પાદકનાં કારખાને મોકલાય છે. જ્યાં સાફ કરવાનું તથા યોગ્ય રંગોથી રંગી અને ઉપર અશોક ચક્ર ની છાપણી અથવા ભરતકામ કરવામાં આવે છે.ધ્યાન એટલું રાખવાનું કે અશોક ચક્ર બન્ને બાજુથી દેખાતું હોવું જોઇએ.ત્યાર બાદ ફરી એકવખત ચકાસણી પ્રક્રિયામાં થી પસાર થઇ અને વેંચાણ માટે મુકાય છે.

રાષ્ટ્રધ્વજ આચારસંહિતા (flag protocol)[ફેરફાર કરો]

૨૦૦૨ પહેલા ભારતના જનસામાન્ય માટે, નક્કી કરાયેલ રાષ્ટ્રીય તહેવારો સિવાયનાં દિવસોમાં,જાહેરમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવાનું પ્રતિબંધીત હતું. ફક્ત સરકારી કચેરીઓ અને ભવનો માટેજ છુટછાટ હતી. નવીન જિંદાલ (en:Naveen Jindal) નામનાં એક ઉધોગપતિએ દિલ્હી વડી અદાલત માં જનહિતની એક અરજી દાખલ કરી અને આ પ્રતિબંધનો અંત કરાવ્યો. જિંદાલ તેમનાં કચેરી ભવન પર રાષ્ટ્રધ્વજ ફરકાવતા, પરંતુ ત્યારે આ રાષ્ટ્રધ્વજ આચારસંહિતા કાનુનની વિરૂધ્ધ હતું, આથી તેમને જણાવવામાં આવ્યું કે તેમની સામે કાનુની કાર્યવાહી થઇ શકે છે. જિંદાલે દલીલ કરીકે સંપૂર્ણ સન્માન અને વિધીપૂર્વક રાષ્ટ્રધ્વજ ફરકાવવો તે તેમનો નાગરીક અધિકાર છે, અને આ રીતે તે પોતાનો દેશપ્રેમ વ્યક્ત કરી શકે છે. આ દાવો ભારતના ઉચ્ચ ન્યાયાલય (Supreme Court) માં ફેરવવામાં આવ્યો, જ્યાં માન. ઉચ્ચ ન્યાયાલય દ્વારા ભારત સરકારને આ બાબત ઉકેલવા માટે એક સમિતિ રચવાનું કહેવામાં આવ્યું. કેન્દ્રિય મંત્રીમંડળમાં ભારતીય ધ્વજ સંહિતામાં સુધારો કરી, ૨૬ જાન્યુઆરી, ૨૦૦૨ થી જનસામાન્યને રાષ્ટ્રધ્વજની ગરીમા અને સન્માન જળવાય તે રીતે તમામ દીવસોમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવાની છુટ આપવામાં આવી.

રાષ્ટ્રધ્વજનું સન્માન[ફેરફાર કરો]

ભારતીય ધ્વજ સંહિતા-૨૦૦૨, રાષ્ટ્ર્ધ્વજનાં ઉપયોગ અને પ્રદર્શન પર દેખરેખ માટે છે. આ મુજબ રાષ્ટ્ર્ધ્વજ જમીન અથવા પાણીને અડતો હોવો જોઇએ નહીં, ૨૦૦૫ સુધી રાષ્ટ્ર્ધ્વજનો ઉપયોગ ગણવેશ કે પહેરવેશ પર થઇ શકતો નહીં, ૫ જુલાઇ,૨૦૦૫ નાં ભારત સરકારે કરેલા સુધારા મુજબ હવે તેનો ઉપયોગ થઇ શકે છે. પરંતુ કમરથી નીચેનાં કપડાં, આંતરવસ્ત્રોમાં, ગાદી તકિયાનાં કવર કે ગળાનાં સ્કાર્ફમાં ઉપયોગ થઇ શકતો નથી. રાષ્ટ્ર્ધ્વજને ઉંધો (upside down), કશાનીં અંદર ઉંડાઇમાં કે કશું વિંટાળીને (ફરકાવતી વખતે ફુલપાંદડીઓ સીવાય) વાપરી શકાતો નથી. રાષ્ટ્રધ્વજ પર કશું લખાણ થઇ શકતું નથી.

રાષ્ટ્રધ્વજની જાળવણી[ફેરફાર કરો]

રાષ્ટ્રધ્વજ પ્રદર્શીત કરવાનીં સાચી રીત.
રાષ્ટ્રધ્વજ પ્રદર્શીત કરવાનીં સાચી રીત.

રાષ્ટ્રધ્વજની જાળવણી અને પ્રદર્શન વખતે ધ્યાને રાખવા માટેનાં ઘણાં પારંપરીક નિયમો છે. રાષ્ટ્રધ્વજ જ્યારે ખુલ્લામાં ફરકાવવાનો હોય ત્યારે સવારે ધ્વજ ચડાવવાનો અને સાંજે ઉતારવાનો હોય છે. જાહેર ભવનો પર અમુક ચોક્કસ પરીશ્થિતિઓમાં રાષ્ટ્રધ્વજ રાત્રે પણ ફરકતો રખાય છે.

રાષ્ટ્રધ્વજ ક્યારેય પણ ઉંધો (Upside down) ફરકાવી કે પ્રદર્શીત કરી શકાતો નથી. રાષ્ટ્રધ્વજને ફાટેલી કે ગંદી સ્થિતિમાં પ્રદર્શીત કરવો તે અપમાનજનક ગણાય છે. આજ નિયમ ધ્વજદંડ અને દોરીને પણ લાગુ પડે છે, અને તેમનો પણ નિયમાનુસાર રખરખાવ કરવાનો હોય છે.

ભીંત પર પ્રદર્શન[ફેરફાર કરો]

અન્ય દેશોનાં રાષ્ટ્રધ્વજ સાથે[ફેરફાર કરો]

જ્યારે રાષ્ટ્રધ્વજને અન્ય દેશોનાં રાષ્ટ્રધ્વજ સાથે જાહેરમાં ફરકાવવાનો હોય ત્યારે અમુક નિયમો ધ્યાનમાં રાખવાનાં હોય છે.જેમકે રાષ્ટ્રધ્વજ હંમેશા માન ભરી શ્થિતીમાં,અન્ય ધ્વજોથી સંપૂર્ણ જમણી (દર્શકનીં ડાબી)બાજુ રહેવો જોઇએ. અન્ય દેશોનાં ધ્વજ અંગ્રેજી એ.બી.સી.ડી. મુજબ ગોઠવાયેલ હોવા જોઇએ. તમામ ધ્વજો લગભગ એક સરખા માપનાં અને ભારતીય રાષ્ટ્રધ્વજ કરતાં મોટા માપનાં તો નહીંજ એમ હોવા જોઇએ. દરેક દેશનો ધ્વજ અલગ અલગ ધ્વજદંડ પર ફરકતો હોવો જોઇએ. એકજ ધ્વજદંડ પર એક રાષ્ટ્રધ્વજ નીં ઉપર અન્ય રાષ્ટ્રધ્વજ કોઇ સંજોગોમાં ફરકાવાતો નથી.

અમુક સંજોગોમાં ભારતીય રાષ્ટ્રધ્વજને અન્ય રાષ્ટ્રધ્વજો સાથે પંકતિની શરૂઆતમાં, અંતમાં કે અંગ્રેજી વર્ણાક્ષરોનાં ક્રમમાં ફરકાવવાની છુટ અપાય છે. જયારે તમામ ધ્વજોને વર્તુળાકાર ફરકાવવાનાં હોય ત્યારે, રાષ્ટ્ર્ધ્વજને વર્તુળની શરૂઆતનાં સ્થાને અને અન્ય દેશોનાં ધ્વજ તેનાંથી ઘડિયાળનાં કાંટાની દિશામાં, તેમ ગોઠવતા જઇ અંતે છેલ્લો ધ્વજ ફરીથી રાષ્ટ્રધ્વજ પાસે આવે તેમ ગોઠવાય છે. ભારતનો રાષ્ટ્રધ્વજ હંમેશા પહેલો ચડાવાય છે અને છેલ્લો ઉતારાય છે.

જ્યારે ધ્વજોને ત્રાંસા ધ્વજદંડો પર (crossed poles) ફરકાવવાનાં હોય ત્યારે ભારતનાં રાષ્ટ્રધ્વજનો ધ્વજદંડ આગળ રહે અને રાષ્ટ્રધ્વજ જમણી બાજુ (દર્શકનીં ડાબી) રહે તેમ રખાય છે. જ્યારે સંયુક્ત રાષ્ટ્રસંઘ નાં ધ્વજ સાથે એકલા ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો હોય ત્યારે તેની ગમેતે બાજુ ફરકાવી શકાય છે. સામાન્ય રીતે રાષ્ટ્રધ્વજને સામેની બાજુથી સંપૂર્ણ જમણી બાજુ ફરકાવવાનો રીવાજ છે.

રાષ્ટ્રધ્વજ ન હોય તેવા ધ્વજો સાથે[ફેરફાર કરો]

રાષ્ટ્રધ્વજ જ્યારે અન્ય ધ્વજ જેવાકે,વ્યાપારી ધ્વજ અને જાહેરાતનાં બેનરો,વિગેરે સાથે ફરકાવવાનો હોય ત્યારે, નિયમ એવો છેકે,અન્ય ધ્વજો જો અલગ અલગ ધ્વજદંડ પર હોય તો રાષ્ટ્રધ્વજ હંમેશાં વચ્ચેજ રાખવો અથવાતો જોનાર દર્શકની છેક ડાબી તરફ આવે તેમ રાખવો અથવા,ઓછામાં ઓછું એક ધ્વજની પહોળાઇ અન્ય ધ્વજો કરતાં વધારે રાખવી. રાષ્ટ્રધ્વજનો ધ્વજદંડ અન્ય કરતાં આગળ રાખવો,પરંતુ તમામ ધ્વજ જો એકજ ધ્વજદંડ પર ફરકાવાયા હોયતો, રાષ્ટ્રધ્વજ હંમેશા સર્વોચ્ચ ઉંચાઇ (ટોચ પર) પર રાખવો. જો રાષ્ટ્રધ્વજને અન્ય ધ્વજો સાથે સરઘસમાં લઇ જવાનો હોય તો, કુચ કરતા સરઘસમાં સૌથી આગળ રાખવો, જો તમામ ધ્વજો એક આડી લીટીમાં રાખવાનાં હોય તો રાષ્ટ્રધ્વજને કુચની જમણી તરફ રાખીને ચાલવાનું હોય છે.

આંતરીક પ્રદર્શન માટે[ફેરફાર કરો]

જ્યારે રાષ્ટ્રધ્વજને કોઇ સભાખંડમાં કે જાહેર મેળાવળાઓ જેવા પ્રસંગે આંતરીક પ્રદર્શનમાં ફરકાવવાનો હોય ત્યારે,તેને હંમેશા જમણી બાજુ (દર્શકની ડાબી બાજુ) અધિકારક સ્થિતીમાં રાખવો, આથીજ જ્યારે કોઇ પ્રવચન જેવા કાર્યક્રમોમાં રાષ્ટ્રધ્વજ રાખવાનો હોય ત્યારે,વક્તાની જમણી બાજુ પરજ ધ્વજ રાખવો. જો સભાખંડમાં અન્ય કોઇ જગ્યાએ લગાવવાનો હોયતો શ્રોતાઓની જમણી બાજુ પર આવે તે રીતે રાખવો.

ધ્વજ સંપૂર્ણ ફેલાયેલી સ્થિતીમાં અને કેશરી પટ્ટો ઉપર આવે તેમ લગાવવો. જો મંચ પાછળ ઉભી સ્થિતીમાં લટકાવવાનો હોય તો,કેશરી પટ્ટો જોનારની ડાબી બાજુ અને ધ્વજદોરી ઉપર રહે તેમ રાખવો.

પરેડ અને સમારોહ[ફેરફાર કરો]

વાહનો પર પ્રદર્શન[ફેરફાર કરો]

ફ્લેગ કોડના ભાગ-IIIના સેક્શન IXમાં ઉલ્લેખિત મહાનુભાવો જેવા કે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન, રાજ્યપાલ વગેરે સિવાય કોઈએ પણ વાહન પર ધ્વજ લહેરાવવો જોઈએ નહીં.

અડધી કાઠીએ[ફેરફાર કરો]

નિકાલ કરવાનાં નિયમ[ફેરફાર કરો]

નોંધ[ફેરફાર કરો]

 1. હાલનો ધ્વજ પિંગાલી વેંક્યાના ધ્વજ પર આધારિત છે, પણ સામાન્ય રીતે તેઓ ધ્વજના રચનાકાર કહેવાય છે.

સંદર્ભ[ફેરફાર કરો]


બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

 • "National Flag". National Portal of India. ભારત સરકાર. મૂળ માંથી 26 January 2010 પર સંગ્રહિત. મેળવેલ 8 February 2010.
 • "History of Indian Tricolour". National Portal of India. ભારત સરકાર. મૂળ માંથી 9 August 2010 પર સંગ્રહિત. મેળવેલ 15 August 2010.
 • "Flag Code of India" (PDF). Ministry of Home Affairs (India). મૂળ (PDF) માંથી 19 October 2017 પર સંગ્રહિત. મેળવેલ 26 July 2016.