ધરાસણા સત્યાગ્રહ
ધારસણા સત્યાગ્રહ અથવા ધરાસણા સત્યાગ્રહ એ મે, ૧૯૩૦માં ભારતમાં બ્રિટિશ શાસન દરમિયાન લગાવવામાં આવેલા મીઠા પરના વેરાના વિરોધમાં કરવામાં આવેલો સત્યાગ્રહ હતો. દાંડી સત્યાગ્રહની સમાપ્તિ પછી મહાત્મા ગાંધીએ બ્રિટિશ શાસન વિરુદ્ધ આગલી ચળવળ તરીકે ગુજરાતમાં આવેલા ધરાસણાના બ્રિટિશ તાબાના મીઠાના અગરો પર જઈ અહિંસક આંદોલન કર્યું. આ સત્યાગ્રહ કરનાર સેંકડો સત્યાગ્રહીઓને બ્રિટિશ સૈનિકોએ માર માર્યો હતો. આ સમાચારની પ્રસિદ્ધિએ ભારતીય સ્વતંત્રતા ચળવળ તરફ વિશ્વનું ધ્યાન આકર્ષિત કર્યું અને ભારતમાં બ્રિટીશ શાસનની કાયદેસરતા પર પ્રશ્નાર્થ મૂકાયો.[૧]
પૃષ્ઠભૂમિ
[ફેરફાર કરો]૨૬ જાન્યુઆરી, ૧૯૩૦ ના દિવસે ગાંધીજી અને જવાહરલાલ નેહરુની આગેવાની હેઠળ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે જાહેરમાં સ્વતંત્રતાનું જાહેરનામું અથવા પૂર્ણ સ્વરાજ માટેની ચળવળનું એલાન કર્યું.[૨] અમદાવાદથી દાંડી તરફ મીઠાની યાત્રા ૬ એપ્રિલે પૂર્ણ કરી ગાંધીજીએ ગેરકાયદેસર મીઠું પકવી અંગ્રેજોના મીઠા પરના કરની વિરોધમાં દેશવ્યાપી સત્યાગ્રહ ચળવળની શરૂઆત કરી. ૪ મે ૧૯૩૦ ના રોજ, ગાંધીજીએ ભારતના વાઇસરોય લોર્ડ ઇરવિનને પત્ર લખ્યો, જેમાં તેમણે ધરસાણા સોલ્ટ વર્કસ પર દરોડો પાડી મીઠાનો કાયદો તોડવાનો પોતાના ઈરાદો જણાવ્યો. અને તેમની તાત્કાલિક ધરપકડ ધરપકડ કરવામાં આવી. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે નિયોજિત યોજના મુજબ કાર્યવાહી ચાલુ રાખવાનું નક્કી કર્યું. નિર્ધારીત આંદોલનના આગળના દિવસે જવાહરલાલ નહેરુ અને સરદાર વલ્લભભાઇ પટેલ સહિતના ઘણાં કોંગ્રેસના નેતાઓની ધરપકડ કરવામાં આવી હતી.
ધરસાણા કૂચ
[ફેરફાર કરો]આયોજન મુજબ સત્યાગ્રહીઓ ૭૬ વર્ષના નિવૃત્ત ન્યાયાધીશ અબ્બાસ તૈયબજી અને ગાંધીજીના પત્ની કસ્તુરબા સાથે કૂચ કરી આગળ વધ્યા. ધરાસણા પહોંચતા પહેલા બંનેની ધરપકડ કરવામાં આવી હતી અને તેમને ત્રણ મહિનાની જેલની સજા થઈ.[૩] તેમની ધરપકડ પછી, સરોજિની નાયડુ અને મૌલાના અબુલ કલામ આઝાદના નેતૃત્વ હેઠળ શાંતિપૂર્ણ આંદોલન ચાલુ રહ્યું. કોંગ્રેસના કેટલાક નેતાઓએ ગાંધીજીની મહિલાઓને સત્યાગ્રહની કૂચનું નેતૃત્વ આપવાના વિચાર સાથે સહમત ન હતા.[૪] ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સેંકડો સ્વયંસેવકોએ ધરાસણા સોલ્ટ વર્કસ તરફ કૂચ કરવાનું શરૂ કર્યું. સરોજીની નાયડુ અને સત્યાગ્રહીઓ ઘણી વખત મીઠાના અગરો સુધી પહોંચ્યા અને પોલીસે તેમને પાછા ખદેડ્યા. એક તબક્કે તેઓ તે સ્થળે અઠ્યાવીસ કલાક રાહ જોતા બેસી રહ્યા. સેંકડો સત્યાગ્રહીઓની ધરપકડ કરવામાં આવી હતી.[૫]
મારપીટ
[ફેરફાર કરો]સરોજીની નાયડુ જાણતા હતા કે સત્યાગ્રહીઓ વિરુદ્ધ હિંસા એક ખતરો છે અને તેમને સત્યાગ્રહીઓને ચેતવણી આપી, "તમારે કોઈ પણ સંજોગોમાં હિંસાનો ઉપયોગ કરવાનો નથી. તમને માર મારવામાં આવશે પરંતુ તમારે પ્રતિકાર કરવાનો નથી: તમારે મારામારીને ટાળવા માટે હાથ પણ આડો ધરવો નહીં." ૨૧ મેના દિવસે, સત્યાગ્રહીઓએ મીઠાના અગરોને ઘેરતી કાંટાળી તારને ખેંચવાનો પ્રયાસ કર્યો. પોલીસને આદેશ મળ્યો અને તેમણે લોકો પર લાઠી માર કર્યો.[૬]
અમેરિકન પત્રકાર વેબ મિલર આ ઘટનાના સાક્ષી હતા, જેમાં લોખંડના છેડા ધરાવતી લાકડી વડે સત્યાગ્રહીઓને મારવામાં આવ્યા હતા. તેમના આ અહેવાલે આંતરરાષ્ટ્રીય ધ્યાન આકર્ષિત કર્યું.
એક પણ સત્યાગ્રહીએ લાઠીમારથી બચવા માટે હાથ સુદ્ધાં આડો ધર્યો ન હતો. તેઓ દસ-પિનની જેમ નીચે પડ્યા. જ્યાં હું ઊભો હતો ત્યાં મને ખુલ્લા માથા ઉપર પડતી લાકડીના અવાજો આવી રહ્યાં હતાં. દરેક ફટકા પર આ સત્યાગ્રહ જોનારાઓની ભીડ સીસકારા કાઢતી અને સત્યાગ્રહીઓની પીડા સાથે તેમના દરેક શ્વાસોમાં સહાનુભૂતિ હતી.
ઘવાયેલા સત્યાગ્રહીઓ છુટાછવાયા, બેભાન બની પડ્યા હતા. એમની ખોપરી ફૂટી હતી, ખભાથી તૂટ્યા હતાં. બે કે ત્રણ મિનિટમાં જમીન પર તેમના શરીરોની રજાઇ પથરાઇ ગઈ. તેમના સફેદ કપડા પર લોહીના ડાઘાઓ પડ્યાં હતાં. કતાર તોડ્યા વગર બચી ગયેલા લોકો શાંતિથી અને નિયમિત કૂચ કરીને ઘવાઈને પડ્યા ત્યાં સુધી આગળ વધતાં રહ્યાં. જ્યારે પ્રથમ હરોળના સત્યાગ્રહીઓ નીચે પટકાતા ત્યારે સ્ટ્રેચર બેરર્સ દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને હંગામી દવાખાના તરીકે ઊભી કરવામાં આવેલી ઝૂંપડીઓમાં લઈ જવામાં આવ્યાં હતાં.
ઘાયલોને લઈ જવા માટે પૂરતા સ્ટ્રેચર-બેરર્સ નહોતા; મેં જોયું કે અઢાર ઇજાગ્રસ્તોને એક સાથે લઈ જવામાં આવતા હતા, જ્યારે બેતાળીસ હજી ઘવાયેલા જમીન પર લોહી વહેતા પડ્યા હતા. સ્ટ્રેચર્સ તરીકે ઉપયોગમાં લેવામાં આવેલા ધાબળાઓ લોહીથી નીતરતા હતાં.
પ્રતિકાર ન કરનારા સત્યાગ્રહીને પદ્ધતિસર રીતે લોહીલૂહાણ કરી દેવાતા દ્રશ્યે મને અસ્વસ્થ કરી દીધો અને મારે મોઢું ફેરવી લેવું પડ્યું... મને બિનવિરોધ માર સહન કરનારા માટે વર્ણવી ન શકાય તેવા નિ:સહાય ક્રોધની લાગણી થઈ અને નિઃસહાય લોકોને લાકડી મારનાર પોલીસ ઉપર પણ તેટલી જ ઘૃણાની લાગણીનો અનુભવ થયો.
ત્રણ ચારની સંખ્યામાં સત્યાગ્રહીઓના શરીરો માથેથી વહેતા લોહી સાથે ઢળી પડતાં. એક પછી એક આવા જૂથો આગળ આવતાં, બેસી જતાં અને સામે હાથ પણ આડો ધર્યા વિના અસંવેદનશીલોને સમર્પિત થતા. છેવટે બિન-પ્રતિકારથી પોલીસ ગુસ્સે થઈ ગઈ... અને બેઠેલા માણસોને તેમણે ક્રૂરતાપૂર્વક પેટમાં અને પગની વચ્ચે અંડાકોષ પર લાત મારવાનું શરૂ કર્યું. ઇજાગ્રસ્ત માણસો યાતનાની પીડા હેઠળ ચીસો પાડવા લાગ્યા. તેથી પોલીસનો રોષ ભડકાવ્યો... ત્યારબાદ પોલીસે બેઠેલા માણસોને હાથ અથવા પગથી ખેંચીને ઘસડવા માંડ્યા, કેટલાકોને તેમણે સો ગજ સુધી ઘસડીને ખાડામાં ફેંકી દીધા.[૭][૮]
મિલરે જ્યારે આ વાર્તા ટેલીગ્રાફ દ્વારા તેમના પ્રકાશકને લંડન મોકલવા માંડી ત્યારે ભારતના ટેલિગ્રાફ અધિકારીઓએ તેના લખાણનો અમુક ભાગ કાપી નાખવામાં આવ્યો. બ્રિટીશની કપાતની આ વાત જાહેર કરવાની ધમકી આપ્યા પછી જ તેમની વાર્તા ટેલિગ્રાફ મારફતે પસાર થવા દેવાઈ. આ વાર્તા વિશ્વના ૧,૩૫૦ અખબારોમાં છપાઇ હતી અને સેનેટર જ્હોન જે. બ્લેન દ્વારા યુનાઇટેડ સ્ટેટ્સની સેનેટના સત્તાવાર રેકોર્ડમાં તેને વાંચવામાં આવી હતી.[૯]
પરિણામી ઘટનાઓ
[ફેરફાર કરો]વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ વિઠ્ઠલભાઇ પટેલે આ હત્યાકાંડ જોયો હતો અને ટિપ્પણી કરી હતી :
બ્રિટિશ સામ્રાજ્ય સાથે ભારતના સમાધાન કરવાની બધી આશા કાયમ માટે ખોવાઈ ગઈ છે. હું કોઈપણ સરકાર દ્વારા લોકોને કેદમાં લઈ જઈને અને કાયદાના ભંગ બદલ સજા કરવાની વાત સમજી શકું છું, પરંતુ કોઈ પણ સરકાર કે જે પોતાને સાંસ્કૃતિક કહે છે તે બ્રિટિશરોએ આજે સવારે કર્યો એવો અહિંસક, પ્રતિકાર ન કરતા લોકો સાથે ક્રૂર અને નિર્દયતાથી વ્યવહાર કેમ કરી શકે." [૧૦]
આ મારપીટ અને વર્તમાન પત્રોએ આવરેલા સમાચારોના જવાબમાં ભારતના વાઇસરોય લોર્ડ ઇરવિને કિંગ જ્યોર્જને પત્ર લખ્યો :
મહારાજ, ધરાસણામાં સોલ્ટ ડેપો પર થયેલી ગંભીર લડાઇના અહેવાલો વાંચવામાં તેઓ ભાગ્યે જ નિષ્ફળ શકે. પોલીસે ઘણા સમયથી કોઈ પણ કાર્યવાહી ટાળવા પ્રયાસ કર્યો. એક સમય પછી આ અશક્ય બન્યું અને તેઓએ કડક પદ્ધતિઓનો ઉપયોગ કરવો પડ્યો. આમાં ઘણા લોકોને સામાન્ય ઇજાઓ પહોંચી.[૧૧]
મિલેરે પછી લખ્યું હતું કે તે ઇજાગ્રસ્તોની સારવાર કરવામાં આવી રહી હતી તે હોસ્પિટલમાં તેઓ ગયા, અને ૩૨૦ ઘાયલો ગણ્યા, ઘણા લોકો હજી પણ અસ્થિભંગ, ખોપરી ફાટવાને કારણે સાથે બેભાન છે, અન્ય લોકો અંડકોષ અને પેટમાં લાતથી પીડાય છે.... મોટા ભાગના ઇજાગ્રસ્તોને બે કલાક સુધી કોઈ સારવાર નહોતી મળી અને બે લોકો મૃત્યુ પામ્યા હતા."[૧૨]
નોંધો
[ફેરફાર કરો]- ↑ "The legitimacy of the Raj was never reestablished for the majority of Indians and an ever increasing number of British subjects." Johnson, p. 234.
- ↑ "The pledge was taken publicly on January 26, 1930, thereafter celebrated annually as Purna Swaraj Day." Wolpert, 2001, p. 141.
- ↑ Ackerman & DuVall, p. 89.
- ↑ Tanejs, p. 128.
- ↑ Ackerman & DuVall, p. 89
- ↑ Ackerman & DuVall, p. 90
- ↑ Weber, pp. 446-447.
- ↑ Miller, p. 193-195.
- ↑ Miller, p. 198-199.
- ↑ Gandhi & Jack, p. 253.
- ↑ Louis, p. 154.
- ↑ Miller, p. 196.
સંદર્ભ
[ફેરફાર કરો]- Ackerman, Peter; DuVall, Jack (2000). A Force More Powerful: A Century of Nonviolent Conflict. Palgrave Macmillan. ISBN 978-0-312-24050-9.
- Gandhi, Mahatma; Jack, Homer Alexander (1994). The Gandhi Reader: A Sourcebook of His Life and Writings. Grove Press. ISBN 978-0-8021-3161-4.
- Johnson, Richard L. (2005). Gandhi's Experiments With Truth: Essential Writings By And About Mahatma Gandhi. Lexington Books. ISBN 978-0-7391-1143-7.
- Louis, William Roger (1997). Adventures with Britannia: Personalities, Politics, and Culture in Britain. I.B.Tauris. ISBN 978-1-86064-115-2. CS1 maint: discouraged parameter (link)
- Martin, Brian (2006). Justice Ignited. Rowman & Littlefield. ISBN 978-0-7425-4086-6. CS1 maint: discouraged parameter (link)
- Miller, Webb (1936). I Found No Peace. Simon and Schuster. CS1 maint: discouraged parameter (link)
- Tanejs, Anup (2005). Gandhi, Women, and the National Movement, 1920-47. Har-Ananda Publications. ISBN 978-81-241-1076-8. CS1 maint: discouraged parameter (link)
- Weber, Thomas (1998). On the Salt March: The Historiography of Gandhi's March to Dandi. India: HarperCollins. ISBN 978-81-7223-372-3. CS1 maint: discouraged parameter (link)
- Wolpert, Stanley (2001). Gandhi's Passion: The Life and Legacy of Mahatma Gandhi. Oxford University Press. ISBN 978-0-19-515634-8. CS1 maint: discouraged parameter (link)