લખાણ પર જાઓ

જે.બી.કૃપલાની

વિકિપીડિયામાંથી
જીવતરામ ભગવાનદાસ કૃપલાની
૧૯૮૯ની ટપાલ ટિકિટ પર કૃપલાની
જન્મની વિગત(1888-11-11)11 November 1888
હૈદરાબાદ, સિંધ પ્રાંત, પાકિસ્તાન
મૃત્યુ19 March 1982(1982-03-19) (ઉંમર 93)
રાષ્ટ્રીયતાભારતીય
વ્યવસાયરાજનેતા
રાજકીય પક્ષભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ,
પ્રજા સોશિયાલીસ્ટ પાર્ટી
ચળવળભારતીય સ્વતંત્રતા આંદોલન
જીવનસાથીસુચેતા કૃપલાની

જીવતરામ ભગવાનદાસ કૃપલાની (૧૧ નવેમ્બર ૧૮૮૮ – ૧૯ માર્ચ ૧૯૮૨) એ આચાર્ય કૃપલાની નામથી જાણીતા ભારતીય રાજનેતા, પ્રખર દેશભક્ત, સ્વાતંત્ર્યસેનાની હતા.[૧]તેઓ ૧૯૪૭માં સત્તા હસ્તાંતરણ દરમિયાન ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ તરીકે વિખ્યાત છે. ભારતના પ્રથમ મહિલા મુખ્ય પ્રધાન સુચેતા કૃપલાની તેમના પત્ની હતા.

તેઓ ગાંધીજીની ખૂબ જ નજીક હતા અને એક સમયે તેમના પ્રબળ અનુયાયી હતા. કૃપલાનીએ લગભગ એક દશક સુધી કોંગ્રેસના મહાસચિવ તરીકે કાર્ય કર્યું. તેમને શિક્ષણ ક્ષેત્રે કામ કરવાનો અનુભવ હતો અને કોંગ્રેસના પુનર્નિર્માણ માટે અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. પ્રક્રિયાત્મક મુદ્દાઓ પર પક્ષ અને સરકાર વચ્ચે વિવાદને કારણે સરકારમાં રહેલા સહયોગીઓ સાથેના તેમના સંબંધો પ્રભાવિત થયા હતા.[૨] કૃપલાની ૧૯૨૦ના દશકના અસહયોગ આંદોલનોથી લઈને ૧૯૭૦ના દશકની કટોકટી સુધી રાષ્ટ્રનિર્માણની પ્રક્રિયામાં સક્રિય ભૂમિકા ભજવતા રહ્યા હતા.

પ્રારંભિક જીવન

[ફેરફાર કરો]

જે. બી. કૃપલાનીનો જન્મ ૧૧ નવેમ્બર ૧૮૮૮માં હૈદરાબાદના સિંધમાં એક ક્ષત્રિય પરિવારમાં થયો હતો. તેમના પિતા સરકારી નોકરી કરતાં હતા. તેમના આઠ બાળકોમાં કૃપલાની છઠ્ઠા ક્રમે હતા. તેમનું પ્રાથમિક શિક્ષણ સિંધની સ્થાનિક શાળામાં થયું.[૩] તેમણે વિલ્સન કૉલેજ, મુંબઈ, ડી. જે. કૉલેજ, કરાંચી અને ફર્ગ્યુસન કૉલેજ પુણેમાં શિક્ષણ મેળવ્યું હતું. તેઓએ વ્યક્ત કરેલ બંગભંગ આંદોલન પ્રત્યેની સહાનુભૂતિ માટે તેમને વિલ્સન કોલેજમાંથી બરતરફ કરાયા હતા. તેમને સિંઘ કોલેજમાંથી પણ આચાર્યએ કરેલા હિન્દી ભાષા પરના અઘટિત શબ્દોના ઉચ્ચારના વિરૂદ્ધમાં કરેલ હડતાળ માટે કાઢી મૂકવામાં આવ્યા હતા. ૧૯૧૨માં તેઓ એમ.એ. પૂર્ણ કર્યા પછી સરકારી કૉલેજ, મુઝફ્ફરપુર (બિહાર) માં પ્રાધ્યાપક તરીકે જોડાયા હતા. ૧૯૧૭માં તેમણે ચંપારણ સત્યાગ્રહમાં ગાંધીજીને મદદ કરી હતી. ઈ.સ. ૧૯૧૯-૨૦ના સમયગાળામાં તેઓએ બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક તરીકે સેવા આપી હતી. અસહકાર આંદોલનની શરૂઆતમાં તેઓ ગાંધીજીએ અમદાવાદમાં સ્થાપેલ ગુજરાત વિદ્યાપીઠના આચાર્ય બન્યા (૧૯૨૩) અને ત્યાં ૧૯૨૭ સુધી કાર્ય કર્યું. જ્યાં તેઓએ આચાર્ય કૃપલાની તરીકેની પ્રસિદ્ધિ મેળવી.[૧] તેમણે ગુજરાત અને મહારાષ્ટ્રમાં ગાંધીજી દ્વારા સ્થાપેલ આશ્રમોમાં સામાજિક સુધાર અને શિક્ષણ માટે કામ કર્યું હતું. બાદમાં તેઓ બિહાર અને ઉત્તર પ્રદેશ રવાના થયા હતા જ્યાં તેમણે નવા આશ્રમોને વ્યવસ્થિત કરવાનું તેમજ શિક્ષણ સંબંધિત કાર્યમાં પોતાનું યોગદાન આપ્યું હતું. સવિનય અવજ્ઞા આંદોલન તેમજ અન્ય કેટલાક પ્રસંગે વિરોધ પ્રદર્શનો આયોજીત કરવા બદલ અને બ્રિટીશ શાસન વિરુદ્ધ વિદ્રોહી સામગ્રી પ્રકાશિત કરવા બદલ ઘણી વાર તેમની ધરપકડ કરવામાં આવી હતી.

રાજકીય કારકિર્દી

[ફેરફાર કરો]

કોંગેસી નેતા

[ફેરફાર કરો]

કૃપલાની કોંગ્રેસની કેન્દ્રીય નિર્ણાયક સભા તરીકે કાર્યરત અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિમાં જોડાયા અને ૧૯૨૮–૨૯માં તેના મહાસચિવ બન્યા. તેઓ એક દશકથી પણ વધુ સમય સુધી કોંગ્રેસ પક્ષના મહત્ત્વના મુદ્દાઓમાં સહભાગી હતા. તેમણે દાંડી કૂચ તથા હિંદ છોડો આંદોલન સહિતની સ્વાતંત્ર્ય સંઘર્ષની ચળવળોમાં સંગઠનાત્મક ભૂમિકા ભજવી હતી. તેઓ ભારતની અંતરિમ સરકાર (૧૯૪૬–૧૯૪૭) તથા બંધારણ સભાનો હિસ્સો રહ્યા હતા. આ દરમિયાન તેમણે અબુલ હાશિમ અને શરત બોઝ દ્વારા રજૂ કરવામાં આવેલા સંયુક્ત બંગાળના પ્રસ્તાવને ફગાવી પંજાબ અને બંગાળના વિભાજનનું સમર્થન કર્યું હતું.[૪][૫]

કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી (૧૯૫૦)

[ફેરફાર કરો]

વલ્લભભાઈ પટેલ અને જવાહરલાલ નહેરુ સાથે વૈચારિક મતભેદો હોવા છતાં ૧૯૪૭માં ભારતીય સ્વતંત્રતાની આસપાસના મહત્ત્વપૂર્ણ વર્ષોમાં કોંગ્રેસ અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા. જાન્યુઆરી ૧૯૪૮માં ગાંધીજીની હત્યા બાદ વડાપ્રધાન નહેરૂએ, તમામ નિર્ણયોમાં કોંગ્રેસ પક્ષનો મત મેળવવાની તેમની માંગને ફગાવી દીધી હતી. નહેરુએ જણાવ્યું કે પક્ષને વ્યાપક સિદ્ધાંતો અને દિશા નિર્દેશિત કરવાનો અધિકાર છે, પરંતુ સરકારની રોજબરોજની કામગીરીમાં હસ્તક્ષેપની અનુમતિ ન આપી શકાય. આ પરંપરા બાદના દશકોમાં પણ સરકાર અને સત્તારૂઢ પાર્ટીઓના પારસ્પરિક સંબંધોનું કેન્દ્રીય તત્ત્વ બની રહી.

૧૯૫૦માં કોંગ્રેસના અધ્યક્ષીય પદ માટેની ચૂંટણીમાં કૃપલાનીને જવાહરલાલ નહેરૂનું સમર્થન પ્રાપ્ત થયું, પરંતુ સરદાર પટેલ જૂથના ઉમેદવાર પુરુષોત્તમ દાસ ટંડન સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ચૂંટણીમાં પોતાની હારથી વ્યથિત થયેલા કૃપલાનીએ પોતે કલ્પેલા ગાંધીવાદી આદર્શોથી મોહભંગ પામી કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપી દીધુ અને પ્રફુલ્લચંદ્ર ઘોષ તથા ટંગટુરી પ્રકાશમ સાથે મળી કિસાન મજદૂર પ્રજા પાર્ટીની સ્થાપના કરી.

સંસદીય ઉમેદવારી

[ફેરફાર કરો]

લોકસભાની સામાન્ય ચૂંટણીમાં (૧૯૬૨) તેમણે તત્કાલીન રક્ષા મંત્રી વી.કે. કૃષ્ણ મેનન સામે ઉમેદવારી નોંધાવી હતી. આ બેઠક પરના ચૂંટણી જંગે લોકોનું ખાસ્સું ધ્યાન આકર્ષિત કર્યું હતું. સન્ડે સ્ટાન્ડર્ડએ તેનું અવલોકન કરતા લખ્યું કે, ભારતમાં કોઈ પણ રાજનૈતિક અભિયાન આટલું કડવું અને ઉલ્લેખનીય નથી રહ્યું. એક સમયના મેનનની વિદેશનીતિના સમર્થક કૃપલાનીને આ રાજકીય જંગમાં હારનો સામનો કરવો પડ્યો.

સોશીયાલીસ્ટ પાર્ટી

[ફેરફાર કરો]

કોંગ્રેસ પક્ષ છોડ્યા બાદ કૃપલાની તેમના શેષ જીવનમાં વિપક્ષમાં જ રહ્યા. તેઓ ૧૯૫૨, ૧૯૫૭, ૧૯૬૩ અને ૧૯૬૭માં પ્રજા સોશિયાલીસ્ટ પાર્ટીના સભ્ય તરીકે લોકસભામાં ચૂંટાયા. સંસદમાં તેમણે સત્તાધારી પક્ષની આલોચના દ્વારા દેશના લોકતાંત્રિક માળખાને મજબૂત કરવા માટેનું રચનાત્મક યોગદાન આપ્યું. હિન્દુ વિવાહ અધિનિયમની સંસદીય ચર્ચામાં તેમણે આપેલું પ્રવચન તેમના યાદગાર ભાષણો પૈકીનું એક છે.

કૃપલાનીએ ૧૯૬૨ના ભારત-ચીન યુદ્ધના તુરંત બાદ ઓગસ્ટ ૧૯૬૩માં લોકસભામાં પ્રથમ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો.

શેષ જીવન

[ફેરફાર કરો]

સામાજીક અને પર્યાવરણ સંબંધિત કાર્યો કરવાની સાથે તેઓ નહેરૂની નીતિઓ અને પ્રશાસનના આલોચક રહ્યા. રાજનીતિમાં સક્રિય રહેવાની સમાંતરે જ તેઓ સમાજવાદીઓના આધ્યાત્મિક નેતા બની ગયા. તેમને ગાંધીવાદી નેતા વિનોબા ભાવેના જૂથના માનવામાં આવતા હતા.

૧૯૭૨–૭૩માં તેમણે તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના આપખુદ શાસન સામે આંદોલન કર્યું. કૃપલાની અને જયપ્રકાશ નારાયણને લાગ્યું કે શ્રીમતી ગાંધીનું શાસન સરમુખત્યાર અને લોકતંત્ર વિરૂદ્ધ થઈ રહ્યું છે. આ દરમિયાન કોર્ટ દ્વારા શ્રીમતી ગાંધીને ચૂંટણીમાં સરકારી મશીનરીના દૂરઉપયોગ બદલ દોષિત ઠેરવી સજા ફરમાવવામાં આવતા તેમની વિરુદ્ધનો રાજનૈતિક વિરોધ તીવ્ર બન્યો. જયપ્રકાશ નારાયણ અને રામ મનોહર લોહિયા સાથે મળીને કૃપલાનીએ અહિંસક વિરોધ અને સવિનય અવજ્ઞાનો આગ્રહ કરતાં સમગ્ર દેશનો પ્રવાસ કર્યો. તેઓ દેશમાં કટોકટીની ઘોષણા સાથે જ ૨૫ જૂન ૧૯૭૫ની રાત્રે ધરપકડ કરાયેલા પ્રમુખ વિપક્ષી નેતાઓમાં પૈકીના એક હતા.

લગ્નજીવન

[ફેરફાર કરો]

તેમના શરૂઆતના વર્ષમાં તેઓ એક જહાલવાદી નેતા તરીકે જાણીતા હતા. ૧૯૩૬માં તેમના લગ્ન એસ. એન. મજૂમદારની પુત્રી પ્રધ્યાપિકા સુચેતા સાથે થયા.[૧] તેમના પત્ની જીવનપર્યંત કોંગ્રેસ પાર્ટીને વફાદાર રહ્યા. તે સમય દરમિયાન તેમણે વિવિધ હોદ્દાઓ સંભળ્યા. તેઓ ઉત્તર પ્રદેશના પ્રથમ મહિલા મુખ્યમંત્રી બન્યા.

સાહિત્યિક કાર્યો

[ફેરફાર કરો]

તેમણે ‘ભારતવર્ષ કી વિભૂતિયાં’ પુસ્તકની રચના કરી હતી અને વિજિલ નામના સાપ્તાહિકનું સંપાદન પણ કર્યું હતું. તેમણે લખેલા પુસ્તકો ‘નોન વાયોલેન્ટ રિવોલ્યુશન’, ‘ધ ગાંધીયન વે’, ‘ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ’, ‘ધ ફેટફૂલ ઇયર્સ’, ‘ ધ પોલિટીક્સ ઓફ ચરખા’, ‘ધ ફ્યુચર ઓફ ધ ચરખા’, ‘ધ ગાંધીયન ક્રિકિટ’ વગેરે છે.[૧]

તેમની આત્મકથા માય ટાઈમ તેમના અવસાનના ૨૨ વર્ષ પછી ૨૦૦૪માં પ્રકાશિત થઈ હતી.[૩]

૧૯ માર્ચ ૧૯૮૨ના રોજ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે તેમનું અવસાન થયું.[૬]

સન્માન

[ફેરફાર કરો]

ભારતીય ટપાલ વિભાગ દ્વારા તેમની ૧૦૧મી વર્ષગાંઠ નિમિત્તે ૧૧ નવેમ્બર ૧૯૮૯ ના રોજ એક સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી છે.[૭]

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ગાંધી, બી.એન. (૧૯૯૨). ગુજરાતી વિશ્વકોશ. 4. અમદાવાદ: ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૭૯૭-૭૯૮.
  2. Kochanek, Stanley A. (2015). The Congress Party of India: The Dynamics of a One-Party Democracy (અંગ્રેજીમાં). Princeton University Press. ISBN 978-1-4008-7576-4. મેળવેલ 4 December 2019.
  3. ૩.૦ ૩.૧ "J. B. Kripalani Biography - Childhood, Life Achievements & Timeline".
  4. Kabir, Nurul (1 September 2013). "Colonialism, politics of language and partition of Bengal PART XVI". The New Age. The New Age. મેળવેલ 14 August 2016.
  5. Bose, Sugata (1987). Agrarian Bengal: Economy, Social Structure and Politics: 1919–1947. Hyderabad: Cambridge University Press, First Indian Edition in association with Orient Longman. પૃષ્ઠ 230–231.
  6. Bhavana Nair and Sudha Sanjeev, સંપાદક (1999). "J.B. Kripalani". Remembering Our Leaders. Vol. 9. Children Book Trust. ISBN 81-7011-842-5. |volume= has extra text (મદદ)
  7. "J. B. Kripalani". Indianpost.com. 19 March 1982. મેળવેલ 21 January 2012.

પૂરક વાચન

[ફેરફાર કરો]
  • આચાર્ય કૃપલાનીની આત્મકથા. પારેખ, નગીનદાસ વડે અનુવાદિત (પ્રથમ આવૃત્તિ). અમદાવાદ: ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય. ૧૯૯૪.