લખાણ પર જાઓ

ચંદ્રશેખર આઝાદ

વિકિપીડિયામાંથી
ચંદ્રશેખર આઝાદ
ચંદ્રશેખર આઝાદ, ૧૯૮૮ની ટપાલ ટિકિટ પર.
જન્મની વિગત
ચંદ્ર શેખર તિવારી

(1906-07-23)23 July 1906
ભારવા, અલિરાજપુર, સેન્ટ્રલ ઇન્ડિયા એજન્સી[૧][૨]
મૃત્યુ27 February 1931(1931-02-27) (ઉંમર 24)
રાષ્ટ્રીયતાભારતીય
અન્ય નામોઆઝાદ
વ્યવસાયક્રાંતિકારી, સ્વતંત્ર સેનાની, રાજકીય કાર્યકર
સંસ્થાહિંદુસ્તાન રિપબ્લિકન એશોશિએશન (પછીથી હિંદુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન એશોશિએશન)
પ્રખ્યાત કાર્યભારતીય સ્વતંત્રતા ચળવળ

ચંદ્રશેખર આઝાદ (૨૩ જુલાઈ ૧૯૦૬ – ૨૭ ફેબ્રુઆરી ૧૯૩૧) એ ભારતીય ક્રાંતિકારી હતા. ૧૯૨૨માં મહાત્મા ગાંધી દ્વારા અસહયોગ આંદોલન અચાનક રોકી દેવાતાં તેમની વિચારધારામાં પરિવર્તન આવ્યું અને તે ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં જોડાઈને હિંદુસ્તાન રિપબ્લીકન એસોશીએશનના સક્રિય સભ્ય બન્યા. આ સંગઠનના માધ્યમથી તેમણે રામ પ્રસાદ બિસ્મિલના નેતૃત્ત્વમાં ૧ ઓગસ્ટ ૧૯૨૪ના રોજ અંગ્રેજ સરકારનો ખજાનો લૂંટવા માટેની યોજના (કાકોરી કાંડ)ને અંજામ આપી ફરાર થઈ ગયા હતા. ૧૯૨૭માં રામ પ્રસાદ બિસ્મિલ, રોશન સિંહ, રાજેન્દ્રનાથ લાહિડી અને અશફાક ઊલ્લા ખાનના બલિદાન બાદ તમામ ક્રાંતિકારી જૂથોને એક કરી હિંદુસ્તાન સોશીયાલીસ્ટ રિપબ્લીકન આર્મી (HSRA)ની રચના કરી હતી.

પ્રારંભિક જીવન[ફેરફાર કરો]

ચંદ્રશેખર આઝાદનો જન્મ ૨૩ જુલાઈ ૧૯૦૬ના રોજ મધ્ય પ્રદેશના અલિરાજપુર જિલ્લાના ભારવા ગામે થયો હતો. તેમનું જન્મ સમયનું નામ ચંદ્રશેખર તિવારી હતું. તેમના પૂર્વજો કાનપુર (વર્તમાન ઉન્નાવ જિલ્લો) પાસેના બદરકા ગામના હતા. તેમના પિતાનું નામ સીતારામ તિવારી હતું. તેમની માતા જગરાની દેવી ઇચ્છતા હતા કે તેમનો પુત્ર એક મહાન સંસ્કૃત વિદ્વાન બને આ માટે તેમણે પુત્ર ચંદ્રશેખરને કાશી વિશ્વવિદ્યાલયમાં અભ્યાસ માટે મોકલવાનું નક્કી કર્યું.

ડિસેમ્બર ૧૯૨૧માં જ્યારે મહાત્મા ગાંધીએ અસહકાર આંદોલન શરૂ કર્યું ત્યારે ૧૫ વર્ષની ઉંમરના વિદ્યાર્થી ચંદ્રશેખર પણ તેમાં જોડાયા. આ આંદોલનમાં તેમની ધરપકડ થઈ. ન્યાયાધીશ સમક્ષ ઉપસ્થિત કરવામાં આવ્યા ત્યારે તેમણે પોતાનું નામ આઝાદ, પિતાનું નામ સ્વતંત્રતા અને જેલને ઘર તરીકે ઓળખાવ્યા.[૩]

ક્રાંતિકારી પ્રવૃત્તિઓ[ફેરફાર કરો]

સોન્ડર્સની હત્યા બાદ બલરાજના છદ્મ નામે હસ્તાક્ષરવાળું HSRAનું ચોપાનિયું

૧૯૨૨માં મહાત્મા ગાંધી દ્વારા અસહયોગ આંદોલન અચાનક રોકી દેવાતાં તેમની વિચારધારામાં પરિવર્તન આવ્યું અને તે ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં જોડાઈને હિંદુસ્તાન રિપબ્લીકન એસોશીએશનના સક્રિય સભ્ય બન્યા અને સંગઠન માટે ફાળો એકત્ર કરવાનું કામ કરવા લાગ્યા. ફાળો મુખ્યત્ત્વે સરકારી ખજાનાની લૂંટ કરીને મેળવવામાં આવતો. તેઓ ૧૯૨૫ની કાકોરી ટ્રેન લૂંટમાં સામેલ હતા. ૧૯૨૬માં વાઇસરોયની ટ્રેનને ઉડાવી દેવાની યોજનામાં તથા લાલા લાજપતરાયની હત્યાનો બદલો લેવા માટે જે. પી. સોન્ડર્સની હત્યાના કાવતરામાં પણ સામેલ હતા.

કોંગ્રેસના સભ્ય હોવા છતાં પણ મોતીલાલ નહેરૂ નિયમિતરૂપે આઝાદના સમર્થનમાં પૈસા આપતા હતા.[૪]

ઝાંસીમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ[ફેરફાર કરો]

આઝાદે કેટલાક સમય માટે ઝાંસીને પોતાની સંગઠન પ્રવૃત્તિઓનું કેન્દ્ર બનાવ્યું હતું. ઝાંસીથી પંદર કિલોમીટર દૂર ઓરછાના જંગલોમાં પોતાના સહયોગીઓ સાથે નિશાનેબાજીનો અભ્યાસ કરતા. પોતે વિશેષજ્ઞ નિશાનેબાજ હોવાને કારણે તેઓ અન્ય સાથીઓને પણ પ્રશિક્ષિત કરતા. તેઓ સતાર નદીને કિનારે એક ઝૂંપડી બાંધીને રહેતા અને પંડિત હરિશંકર બ્રહ્મચારીના છદ્મ નામે બાળકોનું અધ્યાપન કાર્ય પણ કરતા હતા.

અવસાન[ફેરફાર કરો]

તેઓનું અવસાન ફેબ્રુઆરી ૨૭, ૧૯૩૧ નાં રોજ ઉત્તર પ્રદેશનાં અલ્હાબાદ ખાતે આલ્ફ્રેડ બાગમાં અંગ્રેજો સામેની લડાઇ દરમિયાન થયું હતું.[૫] તેમના વિદ્રોહી સાથી વીરભદ્ર તિવારીની બાતમીના આધારે અંગ્રેજ પોલીસે તેમને આલ્ફ્રેડ ઉદ્યાનમાં ઘેરી લીધા હતા. પોતાની તેમજ સાથી સુખદેવ રાજની બચાવ પ્રતિક્રિયામાં તેમણે ત્રણ પોલીસ કર્મીઓને મારી નાખ્યા હતા અને અન્ય કેટલાંકને ઘાયલ કરી સુખદેવ રાજને ભાગી છૂટવામાં મદદ કરી હતી. પોલીસથી ઘેરાયેલા આઝાદે પોતાનો દારુગોળો ખતમ થતાં બચવાનો કોઈ વિકલ્પ ન રહેતાં પોતાને જ ગોળી મારી દીધી હતી. કહેવાય છે કે અંગ્રેજો દ્વારા પકડાઇ જવાની સ્થિતિમાં પોતાની હત્યા માટે તેઓ એક ગોળી અલગ રાખતા હતા. ચંદ્રશેખર આઝાદની પિસ્તોલ અલ્હાબાદ સંગ્રહાલયમાં પ્રદર્શન માટે રાખવામાં આવેલી છે.[૬]

સામાન્ય જનતાને સૂચના આપ્યા વિના જ તેમના મૃતદેહને અગ્નિસંસ્કાર માટે રસુલાબાદ ઘાટ પર મોકલી દેવામાં આવ્યો હતો. બાદમાં જ્યારે લોકોને જાણકારી મળી ત્યારે તેમણે બાગને ઘેરી લીધો હતો અને તેમણે બ્રિટીશ શાસન વિરુદ્ધ અને આઝાદની પ્રશંસામાં નારા લગાવ્યા હતા.[૬]

ચિત્ર ઝરૂખો[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Chandra Shekhar Azad (1906-1931)
  2. Bhawan Singh Rana (૧ જાન્યુઆરી ૨૦૦૫). Chandra Shekhar Azad (An Immortal Revolutionary Of India). Diamond Pocket Books (P) Ltd. પૃષ્ઠ 10. ISBN 978-81-288-0816-6. મેળવેલ ૧૧ સપ્ટેમ્બર ૨૦૧૨.
  3. Rana, Bhawan Singh (2005). Chandra Shekhar Azad (An Immortal Revolutionary of India). Diamond Pocket Books. પૃષ્ઠ 22–24. ISBN 9788128808166.
  4. Mittal, S. K.; Habib, Irfan (June 1982). "The Congress and the Revolutionaries in the 1920s". Social Scientist. 10 (6): 20–37. JSTOR 3517065.
  5. Bhattacherje, S. B. (1 May 2009). Encyclopaedia of Indian Events & Dates. Sterling Publishers Pvt. Ltd. પૃષ્ઠ B–19. ISBN 9788120740747. મેળવેલ 24 March 2014.
  6. ૬.૦ ૬.૧ Khatri, Ram Krishna (1983). Shaheedon Ki Chhaya Mein. Nagpur: Vishwabharati Prakashan. પૃષ્ઠ 138–139.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]