લાલા હરદયાળ

વિકિપીડિયામાંથી
લાલા હરદયાળ
૧૯૮૭ની ટપાલ ટિકિટ પર લાલા હરદયાળ
૧૯૮૭ની ટપાલ ટિકિટ પર લાલા હરદયાળ
જન્મહર દયાળસિંહ માથુર
(1884-10-14)14 October 1884
દિલ્હી, દિલ્હી વિભાગ, પંજાબ પ્રાંત, બ્રિટીશ ભારત
(હાલ ભારત)
મૃત્યુ4 March 1939(1939-03-04) (ઉંમર 54)
ફિલાડૅલ્ફિયા, પેન્સિલવેનિયા, અમેરિકા
નોંધપાત્ર સર્જનોઅવર નેશનલ પ્રોબ્લેમ્સ, થોટ્સ ઓન એડ્યુકેશન્સ, હીંટ ફોર સેલ્ફ કલ્ચર, બૌદ્ધ સંસ્કૃત સાહિત્યમાં વિશ્વ ધર્મ અને બોધિસત્ત્વના સિદ્ધાંતો પરની ઝલક

લાલા હરદયાળ (Punjabi: ਲਾਲਾ ਹਰਦਿਆਲ; ૧૪ ઓક્ટોબર ૧૮૮૪ – ૪ માર્ચ ૧૯૩૯) ભારતીય સ્વાતંત્ર્ય સેનાની અને ક્રાંતિકારી હતા.[૧] તેમણે ભારતીય સિવિલ સેવાની નોકરી ઠુકરાવી દીધી હતી. તેમની સરળ રહેણી–કરણી અને બૌદ્ધિક કૌશલ્યે અમેરિકા અને કેનેડામાં રહેનારા ઘણા પ્રવાસી ભારતીયોને પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટીશ સામ્રાજ્યવાદ સામે લડવા માટે પ્રેરીત કર્યા હતા.

જીવન[ફેરફાર કરો]

પ્રારંભિક જીવન[ફેરફાર કરો]

તેમનો જન્મ ૧૪ ઓક્ટોબર ૧૮૮૪ના રોજ દિલ્હીના એક હિંદુ માથુર કાયસ્થ પરિવારમાં થયો હતો. હરદયાળ માથુર એ ભોલી રાની અને ગૌરી દયાળ માથુરના સાત સંતાનો પૈકી એક (છઠ્ઠા) હતા. તેમના પિતા જિલ્લા ન્યાયાલયમાં રીડર હતા. લાલા એ કાયસ્થ સમુદાયની ઉપજાતિ નહોતી પરંતુ સામાન્ય રીતે તે પંડિત શબ્દની જેમ જ લેખકો માટે વપરાતું એક સન્માનજનક મથાળું હતું. નાની ઉંમરે જ તેઓ આર્ય સમાજથી પ્રભાવિત થયા હતા. તેઓ શ્યામજી કૃષ્ણ વર્મા, વિનાયક દામોદર સાવરકર અને ભિખાઈજી કામા સાથે સંકળાયેલા હતા. તેઓ મેજીની, કાર્લ માર્ક્સ અને મિખાઇલ બાકુનીનથી પણ પ્રભાવિત હતા.

તેમણે કેમ્બ્રીજ મિશન સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. નવી દિલ્હી સ્થિત સેન્ટ સ્ટીફન કોલેજમાંથી સંસ્કૃત વિષયમાં સ્નાતકની અને પંજાબ વિશ્વવિદ્યાલયમાંથી અનુસ્નાતકની પદવી મેળવી હતી. સંસ્કૃતમાં ઉચ્ચ અભ્યાસ માટે એમને ઓક્સફોર્ડ યુનિવર્સિટીની બે શિષ્યવૃત્તિઓ મળી હતી. બોડેન શિષ્યવૃત્તિ ૧૯૦૭ અને કેસ્બર્ડ એક્ઝીબીશનર.[૨] ૧૯૦૯માં તેઓ પેરીસ ચાલ્યા ગયા અને ત્યાં વંદે માતરમના સંપાદક બન્યા. પેરીસ અનુકૂળ ન આવતાં તેઓ અલ્જીરીયા ચાલ્યા ગયા. અહીં પણ તેઓ અસંતુષ્ટ હતા અને જાપાન કે ક્યુબા જવાનું વિચારી રહ્યા હતા. છેવટે તેઓ ફ્રાન્સના એક ટાપુ પ્રદેશ માર્ટિનિક ગયા જ્યાં તેમણે તપસ્વી જીવન વિતાવ્યું.

હરદયાળ સીધા કેલીફોર્નિયાથી બોસ્ટન ગયા જ્યાં તેમણે જીવનવૃતાંત લખ્યું. ત્યારબાદ તેઓ હોનોલુલુ ચાલ્યા ગયા. અહીં તેમણે કેટલોક સમય વાઇકીકી બીચ પર ધ્યાન કરવામાં ગાળ્યો. પ્રવાસ દરમિયાન તેમનો પરીચય કેટલાક જાપાની બૌદ્ધો સાથે થયો. તેમણે કાર્લ માર્ક્સના વિચારોનું અધ્યયન કર્યું. તેમણે ભારતમાં સમકાલીન વિચારોના કેટલાંક ચરણ લખ્યાં અને આધુનિક સમીક્ષામાં પ્રકાશિત કર્યા.

અમેરિકામાં અરાજકતાવાદી સક્રીયતા[ફેરફાર કરો]

ગુરુ ગોવિંદ સિંહ સાહેબ શૈક્ષણિક શિષ્યવૃત્તિની માહિતી પુસ્તિકા

તેઓ ૧૯૧૧માં અમેરિકા ચાલ્યા ગયા અને ઔદ્યોગિક સંઘવાદમાં જોડાયા. અહીં તેમણે ઈન્ડસ્ટ્રીયલ વર્કર્સ ઓફ ધ વર્લ્ડ (IWW)ની સાનફ્રાન્સિસ્કો શાખાના સચિવ તરીકે કાર્ય કર્યું. IWW છોડ્યા બાદ તેઓ જર્મનીના સામ્યવાદી પક્ષ સાથે જોડાયા. લાલ ઝંડાની બિરાદરીના સિદ્ધાંતોને રેખાંકિત કરતાં એક વક્તવ્યમાં તેમણે જણાવ્યું કે, "સામ્યવાદની સ્થાપના તથા ઔદ્યોગિક સંગઠન અને હળતાળના માધ્યમથી ભૂમિ અને પૂંજીમાં ખાનગી માલિકીની સંપતિને સમાપ્ત કરવી એ સરકારી સંગઠનોનું અંતિમ ઉન્મૂલન હશે." એક વર્ષ જેટલા સમય બાદ આ સંગઠનને ૬ એકર જમીન અને ઓકલૅન્ડમાં એક ઘર આપવામાં આવ્યું જ્યાં તેમણે બાકુનીન ઇન્સ્ટીટ્યુટ ઓફ કેલીફોર્નિયાની સ્થાપના કરી જેને તેઓ અરાજકતાનો પ્રથમ મઠ તરીકે વર્ણવે છે.[૩]

સંગઠને નિર્વાસિત મેક્સીકન રિકાર્ડો ફ્લોરેસ મેગોન અને એનરિક ફ્લોરેસ મેગોન દ્વારા સ્થાપિત રિજનરેસિઓન આંદોલન સાથે ગઠબંધન કરી લીધું. લાલા હરદયાળ સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં ભારતીય દર્શન અને સંસ્કૃત વિષયના વ્યાખ્યાતા હતા પરંતુ અરાજકતાવાદી આંદોલનમાં તેમની પ્રવૃત્તિઓને કારણે તેમને રાજીનામું આપવું પડ્યું હતું.

એપ્રિલ ૧૯૧૪માં અમેરિકન સરકારે અરાજકતાવાદી સાહિત્યના પ્રચાર–પ્રસાર કરવાના ગુના હેઠળ તેમની ધરપકડ કરી. જામીન પર છૂટકારો મળતાં જ અમેરિકા છોડી સ્વિત્ઝરલૅન્ડમાં જીનીવા ચાલ્યા ગયા. ત્યાં વંદે માતરમ નામનું સમાચારપત્ર ચાલુ કર્યું. ત્યારબાદ તેઓ જીનીવાથી બર્લિન (જર્મની) ચાલ્યા ગયા જ્યાં તેમણે ઇન્ડિપેન્ડેન્સ કમિટીની રચના કરી. કામા ગાટા મારું જહાજમાંના ભારતીયોને બળવામાં મદદરૂપ બન્યા. જર્મન સરકારે દોઢ વર્ષની કેદની સજા કરતાં બ્રિટીશ સામ્રાજ્ય વિરૂદ્ધની તેમની રાજકીય વિચારધારામાં પરિવર્તન આવ્યું. તેમને સમજાયું કે રાષ્ટ્રમાં રહીને જ બ્રિટીશ શાસન સામે સ્વરાજ મેળવવું જોઇએ. ત્યારબાદ તેમણે ક્રાંતિકારી પ્રવૃતિઓનો ત્યાગ કર્યો અને હોમરુલ આંદોલનના હિમાયતી બન્યા.[૪]

તેઓ સ્વીડનમાં દસ વર્ષ રહ્યાં. ૧૯૩૦માં લંડન વિશ્વવિદ્યાલય ખાતેની સ્કૂલ ઓફ ઓરિએન્ટલ ઍન્ડ આફ્રિકન સ્ટડીઝ દ્વારા ધ બોધિસત્ત્વ ડૉક્ટ્રીન ઇન બુદ્ધિસ્ટ સંસ્કૃત લીટરેચર વિષય પરના શોધ નિબંધ માટે પીએચ.ડી.ની પદવી એનાયત કરવામાં આવી. પોતાના દાર્શનિક અને બૌદ્ધિક વિચારોને હિન્ટ્સ ફોર સેલ્ફ કલ્ચરનામે પ્રકાશિત કર્યો.

અવસાન[ફેરફાર કરો]

૪ માર્ચ ૧૯૩૯ના રોજ ફિલાડેલ્ફિયામાં તેમનું અવસાન થયું. તેમનું મૃત્યુ થયું તે દિવસની સંધ્યાએ તેમને આપેલા વ્યાખ્યાનમાં તેમને જણાવ્યું કે, "હું દરેકની સાથે શાંતિમાં છું." લાલા હરદયાળના અંગત મિત્ર અને ભારત માતા સોસાયટીના સહસંસ્થાપક લાલા હનુમંત સહાય હરદયાળના મોતને કુદરતી ન લેખાવતાં ઝેર અપાયાની આશંકા વ્યક્ત કરે છે.[૫]

સન્માન[ફેરફાર કરો]

 • ભારતીય ટપાલ વિભાગ દ્વારા ભારતની આઝાદી માટે સંઘર્ષ શ્રેણી અંતર્ગત ૧૩ ફેબ્રુઆરી ૧૯૮૭ના રોજ એક સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી.[૬]

સંદર્ભ[ફેરફાર કરો]

 1. Brown, Emily C. (1975). Har Dayal: Dalit Revolutionary and Rationalist. Tucson: University of Arizona Press. ISBN 0-8165-0422-9.
 2. "Making of Britain". Open University. મેળવેલ 24 October 2013.
 3. Avrich, Paul (1988). Anarchist Portraits. Princeton: Princeton University Press. પૃષ્ઠ 30. ISBN 0-691-00609-1.
 4. શુક્લ, જયકુમાર ર. (જાન્યુઆરી ૨૦૦૮). "લાલા હરદયાળ". માં ઠાકર, ધીરુભાઈ (સંપાદક). ગુજરાતી વિશ્વકોશ. ખંડ ૧૮ (૧લી આવૃત્તિ). અમદાવાદ: ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૬૧૧-૬૧૩. OCLC 552367195.
 5. Dr.'Krant', M.L.Verma (2006). Swadhinta Sangram Ke Krantikari Sahitya Ka Itihas (Vol-2). New Delhi-110002 (India): Praveen Prakashan. પૃષ્ઠ 452. ISBN 81-7783-120-8.CS1 maint: location (link)
 6. Jain, Manik (2018). Phila India Guide Book. Philatelia. પૃષ્ઠ 114.

પૂરક વાંચન[ફેરફાર કરો]

 • Ghadar Movement: Ideology, Organisation and Strategy by Harish K. Puri, Guru Nanak Dev University Press, 1983
 • Har Dayal: Hindu Revolutionary and Rationalist by Emily C. Brown, The University of Arizona Press, 1975
 • Har Dayal: Hindu Revolutionary and Rationalist, review by Mark Juergensmeyer. The Journal of Asian Studies, 1976
 • The Bodhisattva Doctrine in Buddhist Sanskrit Literature by Har Dayal, 1932; Motilal Banarsidass Publishers, 1970
 • Pandit Vardachari Thoughts On Education by L. Har Dayal 1969 New Delhi-110024 India Vivek Swadhyay Mandal.