કરમચંદ ઉત્તમચંદ ગાંધી

વિકિપીડિયામાંથી
કરમચંદ ઉત્તમચંદ ગાંધી
કરમચંદ ગાંધી
જન્મની વિગત૧૮૨૨
પોરબંદર, ગુજરાત, બ્રિટીશરાજ
મૃત્યુનવેમ્બર ૧૬, ૧૮૮૫
જીવનસાથીપુતળીબાઈ ગાંધી (લગ્ન: ૧૮૫૯)
સંતાનો

કરમચંદ ઉત્તમચંદ ગાંધી (૧૮૨૨ - ૧૬ નવેમ્બર ૧૮૮૫)[૧] જેને કબા ગાંધી તરીકે પણ ઓળખવામાં આવતા હતા, તેઓ પોરબંદરના રાજકીય વ્યક્તિ હતા. તેમણે પોરબંદર, રાજકોટ અને વાંકાનેરના દિવાન તરીકે સેવા આપી હતી. તેઓ મહાત્મા ગાંધીના પિતા હતા.

ગાંધી પરિવાર કુતિયાણા ગામમાંથી ઉદ્ભવ્યો હતો, જે તે સમયે કુતિયાણા જૂનાગઢ રજવાડાનો ભાગ હતો.[૨] ૧૭ મી સદીના અંતમાં અથવા ૧૮ મી સદીની શરૂઆતમાં, લાલજી ગાંધી પોરબંદર ગયા અને તેના શાસક, રાણાની સેવામાં પ્રવેશ કર્યો. કરમચંદના પિતા ઉત્તમચંદના પૂર્વજોએ પણ રજવાડાનું કારભારું કર્યું હતું. પોરબંદરના રાણા ખીમોજીરાજ હેઠળ ૧૯ મી સદીની શરૂઆતમાં કરમચંદ દિવાન બન્યા હતા. ઈ. સ. ૧૮૩૧ માં, રાણા ખીમોજીરાજીનું અચાનક અવસાન થયું અને તેમના પછી તેમનો ૧૨ વર્ષનો એકમાત્ર પુત્ર, વિકમતજી ગાદી એ આવ્યો. પરિણામે, રાણા ખીમોજીરાજજીની વિધવા, રાણી રૂપાલીબા, તેમના પુત્રના વાલી (રિજેન્ટ) બન્યા. તેમની ઉત્તમચંદ સાથે ખટપટ થવાથી તેમને જુનાગઢમાં તેમના વતનમાં પાછા ફરવાની ફરજ પડી. જૂનાગઢમાં, ઉત્તમચંદ ત્યાંના નવાબ સમક્ષ હાજર થયા અને તેમણે જમણાને બદલે ડાબા હાથ વડે સલામ કરી, તેનો જવાબ તેમણે એ આપ્યો કે તેમનો જમણો હાથ પોરબંદરની સેવામાં વચનબદ્ધ છે. ૧૮૪૧ માં, વિકમતજીએ સિંહાસન સંભાળ્યું અને તેમણે ઉત્તમચંદને ફરી તેમના દિવાન બનાવ્યા. તેમના પિતા ઉત્તમચંદ ગાંધીની જેમ, કરમચંદ પણ પોરબંદરના સ્થાનિક શાસક રાજકુમારના દરબારના કારભારી અથવા મુખ્ય પ્રધાન બન્યા હતા. કરમચંદની ફરજોમાં પોરબંદરના રાજવી પરિવારને સલાહ આપવી અને અન્ય સરકારી અધિકારીઓની ભરતી શામેલ હતી.

કરમચંદનું ઔપચારિક શિક્ષણ ખૂબ જ ઓછું હતું, પરંતુ તેમના જ્ઞાન અને અનુભવને આધારે તેઓ સારા સંચાલક બન્યા. તેઓ દયાળુ અને ઉદાર હોવાનું કહેવાતું હતું, પણ તેમનો ગુસ્સો પણ ખરાબ કહેવાતો હતો.[૩] તેઓ પિતાનું કામ જોઈને અને ધાર્મિક કાર્યક્રમોમાં હાજરી આપીને અનુભવમાંથી કારભારું શીખ્યા. તેમણે ભૂગોળ અને ઇતિહાસ સહિત ક્યારેય વધારે જ્ઞાન મેળવ્યું ન હતું. તેમ છતાં, કરમચંદે પોરબંદરમાં મુખ્ય પ્રધાનપદે શ્રેષ્ઠ કામગીરી બજાવી હતી.[૪]

તેમની નોકરીમાં કરમચંદ સફળ હોવા છતાં, તેમને સંપત્તિ એકઠી કરવાના રસ્તાઓ મળ્યા નહીં. ગાંધીઓને આદરણીય સેવકો અને ફર્નિચરના થોડા સરસ નમુના મળ્યા હતા, પરંતુ તેઓ કોઈ પણ રીતે શ્રીમંત નહોતા. કરમચંદ જે કમાણી લાવતા તેનાથી ઘરના ખર્ચ ચલાવાતો.[૫]

કરમચંદે ચાર વાર લગ્ન કર્યા. તેમના પ્રથમ ત્રણ લગ્ન તેમની પત્નીઓના મૃત્યુ સાથે સમાપ્ત થયાં; જે પૈકી બે પત્નીઓ પુત્રીઓને જન્મ આપ્યા પછી તરત જ મૃત્યુ પામ્યા હતા. પાછળથી તેમણે ૧૮૫૯ માં પુતળીબાઈ ગાંધી (૧૮૪૪ - ૧૫ જૂન ૧૮૯૧) સાથે લગ્ન કર્યા, તેમના આ લગ્ન ૧૮૮૫ થી લઈને તેમના મૃત્યુ સુધી ચાલ્યા. આ લગ્નથી ચાર સંતાનો પેદા થયા - ત્રણ પુત્રો લક્ષ્મીદાસ ગાંધી (૧૮૬૦ - ૯ માર્ચ ૧૯૧૪), કરસનદાસ ગાંધી (૧૮૬૬ - ૨૨ જૂન ૧૯૧૩) અને મોહનદાસ ગાંધી (૨ ઓક્ટોબર ૧૮૬૯ - ૩૦ જાન્યુઆરી ૧૯૪૮) અને રળિયાતબહેન (૧૮૬૨ - ડિસેમ્બર ૧૯૬૦) નામની એક પુત્રી. મહાત્મા ગાંધી તેમના સૌથી નાના બાળક હતા. તેમના જીવનકાળ દરમિયાન તેમના બધા બાળકોના લગ્ન થયા.

૧૮૮૫માં માં, કરમચંદને ભગંદરનો એક ગંભીર હુમલો આવ્યો હતો પુતળીબાઈ અને તેના બાળકો (ખાસ કરીને મોહનદાસ) તેમની સંભાળ રાખતા. તેમની હાલત દિવસે દિવસે બગડવાની શરૂઆત થઈ, તેમ છતાં ડોકટરોએ વિવિધ પ્રકારની સારવારનો પ્રયાસ કર્યો, પણ તેનો કોઈ ફાયદો થયો નહીં. પાછળથી તેમણે તે માટે એક શસ્ત્રક્રિયા કરવા સૂચવ્યું, પરંતુ તેમના પારિવારીક વૈદ્યે તેમ કરવાની ના પાડી. કરમચંદની હાલત વધુ બગડતી જ રહી, આખરે, ૧૬ નવેમ્બરના રોજ ૬૩ વર્ષની વયે તેમનું અવસાન થયું. તેમના પુત્ર મોહનદાસ (મહાત્મા ગાંધી) પાછળથી તે રાતના પ્રસંગો યાદ કરતા લખે છે:

"તે રાત્રે, તેમના કાકા તુલસીદાસ (કરમચંદના નાના ભાઈ) તેમના ઘરે આવ્યા. જોકે મૃત્યુ નિકટ હતું, પરંતુ કોઈએ એ હકીકત સ્વીકારી નહીં કે તે (કરમચંદની) છેલ્લી રાત હશે. જ્યારે તુલસીદાસ તેમના માંદા મોટા ભાઈને મળવા આવતા ત્યારે દિવસ દરમિયાન તે તેમની પાછળ બેસતા. તે રાત્રે, લગભગ ૧૦:૩૦ અથવા ૧૧ ની આસપાસ, જ્યારે તે સમયે ૧૬ વર્ષિય મોહનદાસ તેમના પિતાના પગની માલિશ કરી રહ્યા હતા, ત્યારે તુલસીદાસ ત્યાં આવ્યા અને તેમને જવા કહ્યું. તે ખુશીથી તેના પલંગ પર ગયા, જ્યાં તેમની પત્ની કસ્તુરબા સૂઈ રહી હતી. થોડીવારમાં જ તેમના સેવકે તેમને બોલાવ્યા અને જણાવ્યું કે કરમચંદની હાલત ગંભીર છે. પરંતુ, પહેલાથી જ દરેકને સમજાયું હતું કે તેમની સ્થિતિ ગંભીર છે, તેથી તેઓને અંદાજ આવ્યો કે તે અવશાન પામ્યા છે."

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Karamchand Uttamchand Gandhi
  2. Gandhi before India. Vintage Books. 16 March 2015. પૃષ્ઠ 19–21. ISBN 978-0-385-53230-3.
  3. "All about the Father of the Nation - Mahatma Gandhi". મૂળ માંથી 2014-08-19 પર સંગ્રહિત. મેળવેલ 2020-11-29.
  4. The Story of Gandhi (Complete Book Online)
  5. "Growing up in India"