હુમાયુ

વિકિપીડિયામાંથી
(હુમાયૂ થી અહીં વાળેલું)
નસિર-ઉદ્-દિન મહોમ્મદ હુમાયુ
મુઘલ બાદશાહ
રાજ્યકાળ26 December, 1530 - 17 May, 1540 ; 22 February, 1555 - 27 January, 1556
તાજપોશી30 December, 1530 at Agra
આખું નામAl-Sultan al-'Azam wal Khaqan al-Mukarram, Jam-i-Sultanat-i-haqiqi wa Majazi, Sayyid al-Salatin, Abu'l Muzaffar Nasir ud-din Muhammad Humayun Padshah Ghazi, Zillu'llah
અંતિમ સંસ્કાર સ્થળHumayun's Tomb
પૂર્વગામીબાબર
અનુગામીઅકબર
જીવનસાથીHamida Banu Begum

Bega Begum
Bigeh Begum
Haji Begum
Mah-chuchak
Miveh Jan

Shahzadi Khanum
સંતાનAkbar, son

Mirza Muhammad Hakim, son
Aqiqeh Begum, daughter
Bakshi Banu Begum, daughter

Bakhtunissa Begum, daughter
રાજકુટુંબHouse of Timur
રાજવંશTimurid
પિતાબાબર
માતાMaham Begum
ધાર્મિક માન્યતાSunni Islam

નસિર-ઉદ્-દિન મહોમ્મદ હુમાયુ એ (આખું નામઃ અલ સુલ્તાન અલ-આઝમ વલ ખકાન અલ મુકારમ, જામ-ઇ-સલ્તનત-ઇ-હકીકી વા મજાઝી, સઇદ અલ-સલાતિન, અબુ’લ મુઝફ્ફર નાસિર ઉદ-દિન મહોમ્મદ હુમાયુ પાદશાહ ગાઝી, ઝીલુ’આહ ) (ફારસી: نصيرالدين همايون‎)(17 માર્ચ 1508 – 4 માર્ચ 1556) (OS7 માર્ચ 1508 થી OS 22 ફેબ્રુઆરી 1556) અત્યારે અફઘાનિસ્તાનના નામથી ઓળખાતા પ્રદેશ, પાકિસ્તાન અને ઉત્તર ભારતના વિવિધ ભાગો પર 1530થી 1540 દરમ્યાન અને ફરીવાર 1555થી 1556 દરમિયાન શાસન કરનારો બીજો મુગલ શહેનશાહ હતો. તેના પિતા બાબરની જેમ, તેણે પણ શરૂઆતમાં પોતાનું રાજ્ય ગુમાવી દીધું હતું પણ પર્શિયનોની મદદથી તેણે પોતાનું રાજ આખરે પાછું મેળવ્યું તેમજ સાથે જ, પોતાનું રાજ્ય વિસ્તાર્યું. હુમાયુના મૃત્યુના સમયે મુગલ સલ્તનત દસ લાખ ચોરસ કિલોમીટર વિસ્તારમાં પથરાયેલી હતી.

ભારતમાં હુમાયુએ તેના પિતાનો વારસો 1530માં સંભાળ્યો. જ્યારે તેના સાવકા ભાઈ કામરાન મિર્ઝાએ કાબુલ અને લાહોર પર કબ્જો જમાવી લીધો. કામરાન મિર્ઝા હુમાયુનો પ્રતિસ્પર્ધી હતો અને તેણે પોતાના પિતાના રાજના સૌથી ઉત્તરના પ્રદેશો પર પોતાનો અલગ અધિકાર સ્થાપિત કરી દીધો હતો. હુમાયુએ 22 વર્ષની ઉંમરે જ ગાદી સંભાળી લીધી હતી. સત્તાના સુત્રો સંભાળ્યા ત્યારે તેનો અનુભવ ઓછો હતો.

હુમાયુ પોતાની ભારતીય સત્તા પુશ્તુન ઉમરાવ શેર શાહ સુરી સામે હારી ગયો હતો. 15 વર્ષ પછી પર્શિયન મદદથી તેણે પોતાનો ગુમાવી દીધેલો ભારતીય પ્રદેશ પાછો મેળવ્યો. હુમાયુ પર્શિયાથી પાછો ફર્યો ત્યારે તેની સાથે પર્શિયાના કેટલાક સજ્જનો અને અગ્રણી લોકો પણ આવ્યા. મુગલ દરબાર સંસ્કૃતિમાં બદલાવનો એ સંકેત હતો. કેમ કે, મધ્ય એશિયામાં મૂળ ધરાવતા આ રાજવંશ પર પર્શિયાની કળા, સ્થાપત્ય, ભાષા અને સાહિત્યના પ્રભાવની ઊંડી અસર હતી.

તેની સાથે સાથે, હુમાયુએ બહુ થોડા જ સમયમાં પોતાની સત્તાનો વિસ્તાર કર્યો અને પોતાના દિકરા અકબર માટે તે સારો એવો વારસો મૂકીને ગયો.

પશ્ચાદ્ ભૂમિકા[ફેરફાર કરો]

બાબરે તેના બે દિકરાઓ માટે પોતાના રાજ્યના ભાગ પાડીને તેમને એક એક હિસ્સો રાજ કરવા આપવાનો નિર્ણય કર્યો હતો. ભારતમાં આવો નિર્ણય નવો હતો. પણ ચંગીઝ ખાનના સમયથી મધ્ય એશિયામાં આ પ્રકારનો રિવાજ સામાન્ય બની ગયો હતો. યુરોપિયન રાજાશાહીમાં તો મોટા પુત્રને જ ગાદી પર બેસવાનો વારસાઇ હક મળતો. પણ ચંગીઝખાનના ઉદાહરણ બાદ મુગલો પોતાનું આખું રાજ્ય મોટા પુત્રને સોંપી નહિ. અલબત્ત, આ પદ્ધતિ હેઠળ માત્ર ચિંગીઝીદ જ સાર્વભૌમત્વ અને ખનલ સત્તાની માગણી કરી શકતો, જે તે પેટા શાખાઓમાંથી કોઇપણ પુરુષ ચંગીઝીદ (જેમ કે, તૈમુરિયન) ગાદી માટે એકસરખો હકદાર રહેતો.[૧]. ચંગીઝખાનના મૃત્યુ સમયે તેનું રાજ્ય તેના બે પુત્રો વચ્ચે એકસરખું વહેંચી દેવામાં આવ્યું, લગભગ દરેક ચંગીઝીદે પોતાના રાજ્યના આ રીતે જ ટૂકડા કરીને વહેંચણી કરી.[૨]

તૈમુરે પોતે જ પોતાનું રાજ્ય પીર મહોમ્મદ, મિરાન શાહ, ખલિલ સુલ્તાન અને શાહરૂખ વચ્ચે વહેંચી દીધું હતું. અને તેને પરિણામે કુંટુંબમાં આંતરિક દુશ્મનાવટ ઉભી થઇ હતી.[૧] બાબરના મૃત્યુ પછી હુમાયુના રાજ્યની સરહદો જરાય સલામત નહોતી. બાબરે માત્ર ચાર વર્ષ રાજ કર્યું અને બધા ઉમરાવ હુમાયુને રાજા માટેની એક યોગ્ય પસંદગી માનતા નહોતા. હકીકતમાં, અગાઉ જ્યારે બાબર માંદો પડ્યો ત્યારે કેટલાક ઉમરાવોએ તો હુમાયુના કાકા મહેંદી ખ્વાજાને રાજગાદી પર બેસાડી દેવાનો પ્રયત્ન પણ કર્યો હતો. અલબત્ત, તેઓ સફળ થઇ શક્યા નહોતા, તે સમયથી જ હુમાયુ માટે કપરી પરિસ્થિતિના સંકેતો મળી ગયા હતા.[૩]

વ્યક્તિગત ચરિત્ર[ફેરફાર કરો]

હુમાયુની બહેન ગુલબદન બેગમે લખેલી હુમાયુની આત્મકથા હુમાયુ-નામામાં, હુમાયુને એક અત્યંત નરમ સ્વભાવના અને પોતાને ઉશ્કેરવાના ઇરાદા સાથે કરવામાં આવેલા કારનામાઓને સતત માફ કરી દેનારા રાજા તરીકે ચિતરવામાં આવ્યો હતો. આ જીવનચરિત્રમાં એક ઉદાહરણ આપવામાં આવ્યું છે, જેમાં હુમાયુના નાના ભાઈ હિંદલે હુમાયુના સૌથી વધુ વિશ્વાસુ સલાહકાર એવા એક ઘરડા શેખને મારી નાંખ્યો. અને ત્યારબાદ આગ્રા સુધી લશ્કર લઇને ગયો. હુમાયુ તેનો બદલો લેવાને કે તેને સબક શિખવાડવાને બદલે સીધો જ તેના માતાને ઘરે ગયો, જ્યાં ગુલબદન બેગમ પણ હતી, અને પોતાના નાના ભાઈ માટે કોઇ આક્રોશ ન રાખતા તેને ઘરે પાછો આવવા આગ્રહ કર્યો. દસ્તાવેજોમાંથી મળતી નોંધોમાં જણાવાયેલી તેની ઘણી બધી દયા જાણે તેની નબળાઇઓ અને કંઇ ન કરી શકવાની અક્ષમતામાંથી આવેલી હોય તેવું લાગે છે, પણ તે કોઇ ઉમદા કે ખુબ જ સજ્જન માણસ હોય તેવું તે વખતના માપદંડો પ્રમાણે તો નથી જ લાગતું. તેનામાં તેના પિતાની યુદ્ધ આવડત અને કળા ન હતી. હુમાયુ એક ખુબ જ ખરાબ યોદ્ધા હતો અને સાથે જ તે પાછળ રહેનારો અને આળસુ હતો.

તે સખત અંધશ્રદ્ધાળુ હતો, જ્યોતિષ શાસ્ત્રમાં ખુબ માનતો તથા શુકન-અપશુકન પણ જોતો. તેને જ્યારે પાદશાહ બનાવવામાં આવ્યો ત્યારે તેણે આખા વહિવટીતંત્રને ગુઢ નિયમોને આધારે ફરીથી ગોઠવવાનું શરૂ કર્યું. ચાર તત્વો માટે જાહેર ઓફિસોને ચાર જુદા જુદા જૂથોમાં વહેંચવામાં આવી. જમીનનો વિભાગ કૃષિ અને કૃષિવિજ્ઞાનને હસ્તક આવ્યો, ફાયર વિભાગ મિલિટરી હેઠળ આવ્યો, પાણીને કેનલ અને ગટરોના વિભાગમાં આપવામાં આવ્યો, જ્યારે હવામાન વિભાગ બાકી બધી જ જવાબદારીઓ સંભાળતો. તેની રોજની દિનચર્યા ગ્રહોના હલનચલનના આધારે નક્કી થતી. તેના કપડા પણ ગ્રહો પ્રમાણે જ રહેતા. તે પોતાનો ડાબો પગ પહેલા મૂકીને ઘરમાં ક્યારેય ન પ્રવેશતો. અને જો કોઇ બીજું તેની હાજરીમાં ઘરની અંદર ડાબો પગ પહેલા મૂકે તો તેને બહાર જઇને ફરી અંદર પ્રવેશવાનું કહેવામાં આવતું.

તધકિરાત-અલ-વકિઆતમાં નોંધાયા પ્રમાણે, હુમાયુનો નોકર જોહર આકાશ સામે તીર છોડતો. આ તીર પર હુમાયુનું નામ કે પછી પર્શિયાના શાહનું નામ લખેલું રહેતું. તીર જ્યાં જઇને પડે તે પ્રમાણે બંનેમાંથી કોણ વધારે જોરાવર છે તેનું અર્થઘટન કરાતું. હુમાયુ નશામાં ધૂત રહેતો અને તે અફીણની ગોળીઓ પણ પીતો. ત્યારબાદ તે કવિતાઓ ગણગણવા માટે જાણીતો હતો. હુમાયુને જોકે યુદ્ધનો શોખ ન હતો. તે કોઇ એક યુદ્ધ જીત્યા બાદ તે મહિનાઓ સુધી બહાર કેટલું પણ મોટું યુદ્ધ ચાલતું હોય તો પણ જીતાયેલાં શહેરની બહાર નીકળતો નહીં.

શરૂઆતનું રાજ્ય[ફેરફાર કરો]

બાબરના મૃત્યુ પછી રાજગાદી મળી ત્યારે હુમાયુના મુખ્ય બે દુશ્મનો એવા હતા કે જેઓ તેની સંપત્તિ અને સરહદો હડપ કરી જવા માંગતા હતા. તેમાં દક્ષિણપશ્ચિમે ગુજરાતના સુલતાન બહાદુર અને પૂર્વમાં તે સમયે બિહારમાં ગંગા નદીના તટે સ્થાયી થયેલા શેર શાહ સુરી (શેરખાન) મુખ્ય હતા. હુમાયુનો પહેલો દાવ શેહ ખાન સુરીનો સામનો કરવાનો હતો. શેરશાહ સુરી સામેના પ્રતિ આક્રમણને હુમાયુએ અધવચ્ચે જ ત્યજી દેવું પડ્યું હતું અને પોતાની જાતને બચાવવા માટે ગુજરાત પર ધ્યાન કેન્દ્રિત કરવું પડ્યું. કેમ કે, તેના રાજ્યને ત્યારે એહમદ શાહ તરફથી વધારે ખતરો હતો. તેમાં તે સફળ થયો અને ગુજરાત, માલવા, ચાંપાનેર અને ત્યારબાદ માંડુનો કિલ્લો પોતાના કબ્જામાં લઇ લીધો.

હુમાયુના શાસનના પહેલા પાંચ વર્ષ દરમ્યાન, આ બંને સત્તાધીશોએ પોતાના શાસનનો સારો એવો વિસ્તાર કર્યો હતો. અલબત્ત, સુલતાન બહાદુરને પોર્ટુગીઝો સાથેના છૂટાછવાયાં યુદ્ધને કારણે પુર્વમાંથી ખાસ્સાં દબાણનો સામનો કરવો પડ્યો હતો. મુગલોએ ઓટમેન સામ્રાજ્ય દ્વારા રક્ષણ મેળવી લીધું હતું, તેવા સમયે બહાદુરના ગુજરાતે પોર્ટુગીઝો સાથે શ્રેણીબદ્ધ કરારો ઘડી કાઢીને રક્ષણ મેળવ્યું હતું અને પોર્ટુગીઝોને ઉત્તર-પશ્ચિમી ભારતમાં કેટલાક વ્યૂહાત્મક ઉપસ્થિતિ સ્થાપવાની મંજુરી આપી હતી.[૪]

હુમાયુને એ વાતથી વાકેફ કરાયા હતા કે ગુજરાતના સુલતાન પોર્ટુગીઝોની મદદથી મુગલ સરહદો પર હુમલો કરવાની તૈયારી કરી રહ્યા છે. હુમાયુએ અસામાન્ય નિર્ણયશક્તિ દેખાડવા સાથે લશ્કર ભેગુ કર્યું અને બહાદુર શાહ પર હુમલો કર્યો. તેનો આ હુમલો ખરેખર સુઝ-બુઝ સાથેનો હતો. તેણે એક જ મહિનામાં માંડુનો કિલ્લો અને ચાંપાનેર કબ્જે કરી લીધા. જો કે, બહાદુર શાહની પાછળ પડીને તેને જેર કરવાને બદલે હુમાયુએ આખું યુદ્ધ ત્યાં અટકાવી દીધું અને પોતાના નવા કિલ્લામાં મોજથી રહેવા લાગ્યો. તેનો લાભ લઇને બહાદુર નાસી છૂટ્યો અને પોર્ટુગીઝોના રક્ષણ હેઠળ રહ્યો.[૫]

શેરશાહ સુરી[ફેરફાર કરો]

શેરશાહ સુરી

હુમાયુએ ગુજરાત પર હુમલો કર્યો તેના થોડા જ સમયમાં શેર શાહ સુરીને મુગલોના હાથમાંથી આગ્રાનું આધિપત્ય આંચકી લેવાની એક તક દેખાઇ. મુગલોની રાજધાની આગ્રાને પોતાના જબ્બે કરવા અને બને તેટલી ઝડપથી તેના પર પોતાનો ધ્વજ ફરકાવવા માટે તેણે લશ્કર ભેગુ કરવાની શરૂઆત કરી. આ વાતના સમાચાર જેવા હુમાયુને મળ્યા કે તરત જ તે હુમાયુ પોતાના લાવ-લશ્કર સમેત આગ્રા પાછો ફરી ગયો. અને બહાદુર પોતાની ગુમાવેલી સરહદો અને વિસ્તારો પર ચૂપચાપ પોતાનો કબ્જો પાછો જમાવી શકે તેવી સરળતા હુમાયુએ જ આગ્રા જતા રહીને તેને કરી આપી. જો કે, તેના થોડાક જ સમયમાં બહાદુર મરી ગયો. એક પોર્તુગીઝ વાઇસરોયનું અપહરણ કરવાની યોજનામાં ગોટાળો થતા લડાઇ થઈ જેમાં સુલ્તાન હાર પામ્યો અને માર્યો ગયો.

હુમાયુએ આગ્રાને તો શેર શાહનો હાથ પહોંચે તે પહેલા બચાવી લીધું પણ પોતાના સામ્રાજ્યના બીજા શહેર, બંગાળના વિલાયત ની રાજધાની ગોરને તે બચાવી શક્યો નહીં. પોતાના દળોને આગળથી રક્ષણ આપી શકાય તે માટે ચુનારના કિલ્લો, કે જેને શેર શાહના પુત્રએ પચાવી પાડ્યો હતો, તેને કબ્જામાં લેવામાં હુમાયુના દળોએ વિલંબ કર્યો. હુમાયુના આખા રાજ્યમાં સૌથી મોટો હિસ્સો ગણાતા ગોરમાં જ્યારે તે પહોંચ્યો ત્યારે ત્યાંના ધાનના ભંડારો ખાલી હતા અને રસ્તા પર લાશો અને ખૂન વહેતું હતું.[૬] બંગાળની સંપત્તિ વિશાળ પ્રમાણમાં લૂંટાઇ ગઇ હતી. અને શેર શાહ સુરી પાસે યુદ્ધ લડવા માટે નોંધપાત્ર પ્રમાણમાં પૈસો આવી ગયો હતો.[9]

શેર શાહ સુરી તો લૂંટ ચલાવીને પુર્વમાં જતો રહ્યો પણ હુમાયુએ તેનો પીછો ન કર્યો. તેણે કેટલાય દિવસો પોતાના હરમમાં જ વિતાવ્યા અને ત્યાં દરેક પ્રકારની સુખ-સુવિધાઓ ભોગવી.[૬] હુમાયુના 19 વર્ષના ભાઈ હિંદલે તેને યુદ્ધમાં મદદ કરવાની અને હુમલાથી રક્ષણ આપવાની તૈયારી પણ દર્શાવી. પણ પાછળથી તેણે પોતાની રક્ષક તરીકેની સ્થિતિ બદલી નાંખી અને આગ્રા જઇને પોતાને કાર્યકારી શહેનશાહ જાહેર કરી દીધો. હુમાયુએ તેની સાથે વાત કરવા અને તેને સમજાવવા માટે ઉચ્ચ કોટિના, મુફ્તી શેખ બહલુલને મોકલ્યા પણ તેણે શેખની હત્યા કરી. એટલું ઓછું ન હોય તેમ હિંદલે બળવો પોકારતા કહ્યું કે આગ્રાની મુખ્ય મસ્જિદમાં તેના નામ પર જ ખુત્બા (ઉપદેશ) વાંચવામાં આવે, આ પગલું તેણે સ્વતંત્રતા ધારણ કરવાનો સંકેત હતો.[૫] જ્યારે હિંદલે પોતાના લશ્કરથી હુમાયુને આપેલું રક્ષણ પાછું ખેંચી લીધું કે તરત જ શેર શાહના લશ્કરે પોતાની જગ્યા લઇ લીધી અને હુમાયુને ઘેરી લીધો.[૭]

હુમાયુનો અન્ય એક ભાઈ કામરાન પણ પંજાબની સરહદો પરથી તેની મદદ કરવાનો દેખાડો કરીને આવ્યો. જો કે, તેનું આગમન કપટથી ભરેલું હતું, કેમકે તેનો ઇરાદો હુમાયુના ભાંગી રહેલા સામ્રાજ્યમાં પોતાનો હિસ્સો લેવાનો હતો. તેણે હિંદલ સાથે સોદો કર્યો હતો જેમાં એવી શરત રાખવામાં આવી કે એકવાર હુમાયુનું શાસન ખંડિત થઇ જાય ત્યારબાદ કામરાન જે નવું રાજ ઉભું કરશે તેમાં તે હિંદલને હિસ્સેદાર બનાવશે.[૭]

શેર શાહ અને હુમાયુ વચ્ચે ચૌસામાં બનારસ નજીકના ગંગા નદીના કિનારે યુદ્ધ છેડાયું. આ યુદ્ધમાં પોતપોતાની જગ્યા લેવા માટે બંને શાસકોના લશ્કરોને સારો એવો સમય લાગ્યો. મુગલ લશ્કરના મોટાભાગના સૈનિકો, તોપોના મહત્વના હિસ્સાને હવે ક્યાંય ખસેડી શકાય તેમ ન હતો. આથી હુમાયુએ મહમ્મદ અઝીઝને રાજદુત તરીકે આમાં સામેલ કરીને મુત્સદ્દીગીરીનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું. હુમાયુ શેર શાહને બંગાળ અને બિહાર પર રાજ કરવા દેવા તૈયાર હતો. પણ હુમાયુ નક્કી કરે તેટલા જ પ્રાંતમાં. પોતાને ઉંચા દેખાડવા, બંને શાસકોએ એક બીજો સોદો પણ કર્યો. હુમાયુએ શેર શાહના લશ્કરને સુવિધા પુરી પાડી. તે રીતે બંનેએ પોતપોતાનું માન જાળવ્યું.[૮]

એકવાર હુમાયુના લશ્કરે તે વિસ્તારમાં પોતાનો કબ્જો જમાવી લીધો અને શેર શાહના લશ્કરે પીછે હઠ કરી કે તરત જ મુગલ લશ્કર પાછું પોત પોતાના સ્થળે જતું રહ્યું. અને યુદ્ધના પ્રદેશ પર તેણે પોતાના પુરાં સૈનિકો પણ તહેનાત ન રાખ્યા. મુગલ લશ્કરની આવી સ્થિતિ જોઇને શેર શાહ પોતાના કરાર પરથી ફરી ગયો. તે જ રાત્રે તેના લશ્કરે મુગલ કેમ્પમાં હલ્લો કર્યો અને જોયું કે મુગલ લશ્કર લડવાની સ્થિતિમાં નથી અને મોટાભાગના લોકો સુતા છે, તેણે તરત જ હમલો કર્યો અને તેમાંથી મોટા ભાગનાને મોતને ઘાટ ઉતાર્યા. હુમાયુ ગંગા નદીમાં હવા ભરેલા બલૂનનો ઉપયોગ કરી, તરીને બચી નિકળ્યો અને પાછો આગ્રા આવી ગયો.[૪][૭]

આગ્રામાં[ફેરફાર કરો]

હુમાયુ જ્યારે આગ્રા પાછો આવ્યો ત્યારે તેણે જોયું કે તેના ત્રણેય ભાઈઓ ત્યાં હાજર છે. હુમાયુએ તેની સામે કાવતરા ઘડવા બદલ તેમને માફ તો કર્યા જ, સાથે જ, હિંદલને પણ દગાખોરી બદલ જતો કર્યો. હુમાયુનું લશ્કર અત્યારે થાક ખાઇ રહ્યું હતું ત્યારે શેરશાહ તેના લાવ-લશ્કર સાથે આગ્રા તરફ વધી રહ્યો હતો. આખા કુટુંબ માટે આ એક ગંભીર બાબત હતી. પણ હુમાયુ અને કામરાન કઇ રીતે આગળ વધવું તે અંગે એકમત ન થઇ શક્યા. હુમાયુએ આગળ વધતા દુશ્મન પર અચાનક તરત જ હુમલો કરવાની વાતને નકારી કાઢી. તે ઇચ્છતો હતો કે હુમાયુના નામે ઘણાં બધા લોકોને ભેગા કરીને એક મોટું લશ્કર બનાવી ત્યારબાદ લડાઇ કરાય. આ અંગે મતભેદ થતાં કામરાને યુદ્ધમાં સાથ આપવાનો ઇન્કાર કરી દીધો. તે પોતાના લશ્કર સાથે લાહોર પાછો ફરી ગયો. કામરાન લાહોરપાછો ફર્યો, ત્યારે તેના સૈનિકો પણ તેની સાથે ગયા, ત્યારબાદ હુમાયુ તેના બે ભાઈઓ અસ્કરી અને હિંદલ સાથે શેર શાહને કનોજના યુદ્ધમાં મળવા ગયો, તે સમયે શેર શાહ અગ્રાથી 240 કિલોમીટર (150 માઈલ)ના અંતરે હતો. 17 મે 1540ના રોજ યુદ્ધની શરૂઆત થઇ. આ યુદ્ધમાં પણ હુમાયુએ કેટલીક ભૂલો કરી અને તેના લશ્કરની હાર થઇ. તે અને તેના ભાઈઓ તરત જ આગ્રા પાછા ફર્યા. ગ્રામજનો અને લોકોએ તેની મજાક ઉડાવી અને તેમનું અપમાન કર્યું. તેમણે આગ્રામાં રહેવાનું યોગ્ય ન સમજતાં લાહોર ભણી નજર દોડાવી. શેર શાહે તેમનો પીછો કર્યો. તેણે અલ્પજીવી સુર વંશને ઉત્તર ભારતની નવી રાજધાની તરીકે દિલ્હી આપ્યું.

લાહોરમાં[ફેરફાર કરો]

ચારે ભાઈઓ લાહોરમાં એક સાથે હતા. દર્રોજ તેમને સમાચાર મળતાં કે શેર શાહ લાહોરની નજીક આવી રહ્યો છે. જ્યારે શેર શાહ સરહિંદ પહોંચ્યા ત્યારે હુમાયુએ એક રાજદૂત મોકલીને તેને સંદેશો પાઠવ્યો કે "મેં તારા માટે આખું હિન્દુસ્તાન (ઉદાહરણ તરીકે ઉત્તર પંજાબની જમીન, ગંગાની ખીણો) જતું કર્યું છે. હવે લાહોરને અમારી પાસે રહેવા દો. અને સરહિંદને તમારા અને મારા વચ્ચેની સરહદ બનાવી દો." જો કે, શેર શાહે તેનો જવાબ વાળ્યો કે "મેં તમારા માટે કાબુલ રાખ્યું છે. તમારે ત્યાં જવું જોઇએ." કાબુલ હુમાયુના ભાઈ કામરાન મિર્ઝાના રાજ્યની રાજધાની હતી. તે હુમાયુને પોતાના શાસનનો કોઇપણ પ્રદેશ આપવા તૈયાર ન હતો. ઉલટું, કામરાને શેર શાહનો સંપર્ક કર્યો અને તેને કહ્યું કે તે પોતાના ભાઈ પાસેથી બદલો લેવા માગે છે અને તે શેર શાહને મદદ કરશે. જો શેર શાહ તેને સાથ આપશે તો તે શેરશાહને મોટાભાગનું પંજાબ આપી દેશે. શેર શાહે જોકે, કામરાનની આ અરજને જરૂરી ન સમજીને નકારી દીધી, પણ ધીમે ધીમે લાહોરમાં વાત ફેલાઇ ગઇ અને હુમાયુ તેને મારીને એક ઉદાહરણ બેસાડે તેવી માગ થઇ. હુમાયુએ તે વાત નકારી દીધી અને પોતાના પિતા બાબરના છેલ્લા શબ્દો કહ્યા કે "તારા ભાઈઓ ગમે તેટલું ખોટું અને સજાપાત્ર કરે તો પણ તેમની સામે ન પડતો."[૯]

વધુ પીછેહઠ[ફેરફાર કરો]

હુમાયુએ નક્કી કર્યું કે હજુ વધારે પીછેહઠ કરવી યોગ્ય છે. તેણે સિંધમાં જવાનો નિર્ણય કર્યો અને તેના ભાઈઓને પણ સાથે જોડાવા કહ્યું. અગાઉ બળવા પર ઉતરી આવેલા હિંદલે તેને સાથ આપ્યો, જ્યારે કામરાન અને અસ્કરીએ કાબુલમાં જ રહેવાનું નક્કી કર્યું. આ કુટુંબમાં પડેલા તે નિર્ણાયક ભાગલા બનવાના હતા.

હુમાયુને સિંધના આમિર પાસેથી મદદની અપેક્ષા હતી, જેની તેણે જ નિમણૂંક કરી હતી અને જે તેના પ્રત્યે નિષ્ઠા ધરાવતો હતો. આમિર હુસૈને હુમાયુની ઉપસ્થિતિ ચલાવી લીધી, પણ તેને ખબર પડી કે હુમાયુને લશ્કર ઉભું કરીને શેર શાહ સામે લડવું આખરે ઘાતક સાબિત થશે, તેથી તેણે ખુબ જ સભ્યતા અને માન સાથે હુમાયુની લશ્કર ઉભું કરીને મદદ કરવાની વિનંતીને ફગાવી દીધી. હુમાયુ સિંધમાં હમિદા નામની સ્ત્રીને મળ્યો અને પરણી ગયો. તે 21 ઓગસ્ટ, 1541ના રોજ અકબરની માતા બની. હુમાયુએ ગ્રહોની સ્થિતિ જાણવા માટે નક્ષત્રશાસ્ત્રીઓ સાથે પરામર્શ કર્યા પછી આ તારીખ નક્કી કરી હતી.

રાવ માલદેવ રાઠોડે હારેલા મુગલ લશ્કર સાથે ગઠબંધન કર્યું

1542ના મે મહિનામાં જોધપુરના રાજા રાવ માલદેવ રાઠોડે હુમાયુને શેર શાહ સામે ગઠબંધન રચીને લશ્કર તૈયાર કરવાની તૈયારી બતાવી. તેથી તેને મળવા માટે હુમાયુ રણ વટાવીને આવી રહ્યો હતો. રણની સફર દરમ્યાન રાજાએ હુમાયુના નબળા લશ્કરને જોયું અને શેર શાહ સામે તે ટકી નહીં શકે તે માપી લીધું. તેની સામે શેર શાહ તેને વધારે યોગ્ય શરતો મૂકતો હતો. તેથી તેણે હુમાયુને કહેવડાવી દીધું કે હવે તેમને લશ્કરની જરૂર નથી. ત્યારે હુમાયુ તેમના શહેરથી માત્ર 80 કિલોમીટર (50 માઇલ)ના અંતરે હતો. આ સમાચાર સાંભળીને હુમાયુ અને તેના લશ્કર તથા હુમાયુની ગર્ભવતી પત્નીએ ત્યાંથી જ પાછા ફરવાનો વારો આવ્યો. તે સમય વર્ષનો સૌથી ગરમ સમય હતો. હુમાયુના માણસોએ સંખ્યાબંધ ગાયોને (હિંદુઓનું પવિત્ર પ્રાણી) મારી નાખતા, ત્યાંના આસપાસના રહેવાસીઓએ બધા કુવા રેતીથી ભરી દીધા હતા. તેમની પાસે ખાવા માટે ફળો સિવાય કંઇ ન હતું. હુમાયુની પત્નીનો ઘોડો રસ્તામાં મરી ગયો ત્યારે કોઇએ રાણીને પોતાનો ઘોડો આપવાની તૈયારી ન દર્શાવી. તેથી હુમાયુએ પોતાનો ઘોડો આપ્યો અને તેણે 6 કિલોમીટર (ચાર માઇલ) સુધી ઉંટની સવારી કરી. જો કે, ખાલિદ બેગે ત્યારબાદ ઉંટ પર મૂકવાની ગોદડી આપી. હુમાયુએ વર્ષો પછી આ પ્રસંગને પોતાના જીવનના સૌથી ખરાબ તબક્કામાં ગણાવ્યો હતો. તેણે પોતાના ભાઈ હિંદલને સૂચના આપી કે તે તેના બીજા ભાઈઓ સાથે કંદહાર જતો રહે.

જ્યારે હુમાયુ મુસાફરી કરી રહ્યો હતો ત્યારે સિંધના આમિરે માલદેવના પિતાની હત્યા કરી, જેથી હુમાયુ પ્રત્યેનું પોતાનું મંતવ્ય બદલવા રાજા પ્રેરિત થયો. રણમાં વહેતી મિઠી વિરડી પાસે વસેલા ઉમરકોટમાં તેણે હુમાયુને મળવાનો નિર્ણય કર્યો. તેમને ઘોડા અને હથિયારો પણ અપાયા. તેમણે સાથે મળીને સિંધ સામે લડાઇ છેડી. આ લડાઇ માટેનું મુખ્ય કેન્દ્ર ઉમરકોટ બનવાનું હતું. અને 23 નવેમ્બર 1542ના રોજ 15 વર્ષની હમિદાએ તેના પહેલા પુત્રને જન્મ આપ્યો. તેનું નામ જલાલુદ્દીન(પાછળથી અકબર) રાખવામાં આવ્યું. 34 વર્ષના હુમાયુનો તે વારસ હતો.

કાબુલ પાછા ફર્યો?[ફેરફાર કરો]

સિંધ સામેની લડાઈને લીધે મડાગાંઠની પરિસ્થિતિ ઉભી થઈ હતી, અને તેથી હુસેને આ વિસ્તાર છોડીને જતો રહેવા માટે હુમાયુને લાલચ આપવાનો નિર્ણય કર્યો. 300 ઊંટ (મોટેભાગે જંગલી) અને ઘઉંના 2000 ગુણ સાથે તેણે 11 જુલાઈ, 1543ના રોજ ઈન્દુસ ઓળંગીને પોતાના ભાઈઓ પાસે કંદહાર જવાનું નક્કી કર્યું.

કામરાનના રાજ્યમાં હિંદલને કાબુલમાં નજરકેદ હેઠળ રાખવામાં આવ્યો હતો. કેમકે તેણે કામરાનના નામે ખુત્બા પઢવાનો ઇન્કાર કર્યો. તેના બીજા ભાઈ અસ્કરીને તેણે લશ્કર ઉભું કરીને હુમાયુ પર ચઢાઇ કરવાનું કહ્યું હતું. જ્યારે હુમાયુને આ સમાચાર મળ્યા ત્યારે તેણે લશ્કર સામે લડવાને બદલે અન્ય કોઇ જગ્યાએ જઇને પનાહ લેવાનું નક્કી કર્યું. અકબરને કંદહાર નજીકની એક શિબિરમાં જ રાખવામાં આવ્યો હતો કેમ કે ડિસેમ્બર મહિનામાં સખત ઠંડી હતી અને માત્ર 14 મહિનાના બાળકને હિંદકુશના બરફના પહાડો પરથી લઇ જવો ઘાતક સાબિત થઇ શકે. અસ્કરી જ્યારે શિબિર પહોંચ્યો ત્યારે તેણે અકબરને જોયો અને તેને વ્હાલથી ઉચકી લઇને પોતાની પત્નીને જ તેની સંભાળ રાખવા કહ્યું. તેણે અકબરને પોતાના દિકરાની જેમ રાખ્યો.

પર્શિયામાં શરણ[ફેરફાર કરો]

શાહ તાહમાસપે દેશવટો પામેલા હુમાયુનું સ્વાગત કર્યું.

હુમાયુ ત્યાંથી નીકળીને ઇરાનના સફાવીદ સામ્રાજ્યમાં શરણ લેવા ગયો. ખીણો અને પર્વતો વટાવતો તે પોતાની પત્ની અને 40 માણસોના કાફલા સાથે ત્યાં પહોંચ્યો. ઘણી હેરાનગતિઓની સાથે સાથે ત્યાંના શાસક પક્ષે તેમને ઘોડાનું ઉકાળેલું માસ સૈનિકોના માથે પહેરવાના ટોપામાં મૂકીને ખાવાની પણ ફરજ પાડી. આખો મહિનો આ પ્રકારના અપમાન ચાલુ જ રહ્યા. તેઓ હેરત પહોંચ્યા અને ત્યારબાદ રાહતનો શ્વાસ લીધો. શહેરમાં પહોંચ્યા ત્યારે તેમના લશ્કરનું સ્વાગત એક સશસ્ત્ર ટુકડીએ કર્યું. તેમને એકદમ વૈભવી ખોરાક અને કપડા અપાયા. તેમને સારામાં સારી જગ્યાએ રહેવાની જગ્યા કરી આપવામાં આવી અને તેમના આવતા પહેલા રસ્તા સાફ કરાવી નંખાયા. હુમાયુના પોતાના કુટુંબે ન કર્યું પણ શાહ તાહમાસપે આ મુગલનું સ્વાગત કર્યું અને તેને એક રાજવી મુલાકાતી તરીકેનું સન્માન આપ્યું. હુમાયુએ અહીં ફરવાનું શરૂ કર્યું અને પર્શિયન કળા અને સ્થાપત્ય જોઇને દંગ રહી ગચો. તેમાંથી મોટાભાગનું કામ તૈમુર સુલતાન હુસૈન બાયગરાહ અને તેના વારસદારો રાજકુમારી ગૌહર શાદએ તૈયાર કર્યા હતા. ત્યારબાદ હુમાયુએ પર્શિયન ચિત્રો પણ જોયા. કમલેદ્દીન બેહઝાબાદે તેને પોતાના બનાવેલા નમુનાઓ બતાવ્યા. કમલેદ્દીનના બે વિદ્યાર્થીઓ હુમાયુના દરબારમાં જોડાયા હતા. હુમાયુ તેમના કામથી દંગ રહી ગયો અને તેમને પૂછ્યું કે જો તે હિંદુસ્તાન પર સ્વતંત્રતા પ્રાપ્ત કરે તો શું તેઓ તેના માટે કામ કરશે. તેઓ તૈયાર થયા. આ બધા વચ્ચે હુમાયુ જુલાઇ મહિના સુધી શાહને મળી જ ન શક્યો. પર્સિયામાં આવ્યા પછી છ મહિને તે શાહને મળ્યો. હેરતથી આવ્યા બાદ બંને કાઝવીનમાં મળ્યા અને તેમના આ મેળાવડા માટે મહેફિલ તથા સાજ-શણગાર કરાયા હતા. આ બંને રાજાઓ મળ્યા તે ઘટનાને ચેહેલ સુતોન (40 કોલમ)ના ભિંતચિત્રમાં વણી લેવાઇ. તેને એસ્ફાહાનના રાજમહેલમાં સ્થાન અપાયું.

શાહે વિનંતી કરી કે હુમાયુ સુન્નીમાંથી શિયા ઇસ્લામ ધારણ કરે અને હુમાયુએ ના-ના કરતાં છેવટે સ્વીકાર્યું. જેથી તે અને તેના ઘણા બધા સાથીઓ જીવતા રહી શકે.[૧૦] જો કે, તેની આત્મકથા લખનાર જોહર આ વાતનો ઇન્કાર કરે છે.[સંદર્ભ આપો] હુમાયુએ તેની વાત સ્વીકારી તે સાથે જ શાહ પણ હુમાયુને વધારે મદદ કરવા તૈયાર થયો.[૧૦] હુમાયુના ભાઈ કામરાને શાહને કહ્યું કે હુમાયુને જીવતો કે મરેલો પાછો સોંપે તો તે કંદહાર પર્શિયાને આપી દેવા તૈયાર છે. પણ શાહે આ વાતનો અસ્વીકાર કર્યો. તેના બદલે તેણે હુમાયુ માટે એક મિજબાનીનું આયોજન કર્યું. જેમાં 300 ટેન્ટ હતા, રાજવી પર્શિયન ગાલીચો હતો, 12 સંગીત મંડળી હતી અને દરેક પ્રકારનું માંસ હતું. અહીં શાહે જાહેરાત કરી કે હુમાયુ તેની પસંદગીની 12,000 ટુકડીઓ લઇને કામરાન પર ચઢાઇ કરી શકે છે. શાહ તેને મદદ કરશે. શાહે બદલામાં એટલું માંગ્યું કે જો હુમાયુ જીતશે તો કંદહાર શાહ રાખશે.

કંદહાર અને આગળ[ફેરફાર કરો]

એક આલ્બમમાંથી લીધેલી તસ્વીર જેમાં શાહ જહાં દર્શાવે છે કે હુમાયુ ભારતમાં આવેલા તેના બગીચામાં એક ઝાડ નીચે સુતો છે.

પર્શિયનની આટલી મદદથી હુમાયુએ બે સપ્તાહના હુમલા બાદ અસ્કરી પાસેથી કંદહાર લઇ લીધું. તેણે નોંધ્યું છે કે અસ્કરીની સેવા કરતાં ઉમરાવો કેટલી ઝડપથી તેને પોતાના રાજા તરીકે સ્વીકારી લેતા હતા. "એક સત્ય એ છે કે દુનિયાના મોટાભાગના લોકો ઘેટા જેવા હોય છે, એક ઘેટું જ્યાં જાય ત્યાં જ બધા તેની પાછળ પાછળ જાય છે." કરાર પ્રમાણે જ કંદહાર શાહને આપી દેવાયું. શાહે તેના પુત્ર મુરાદને વાઇસરોય બનાવીને ત્યાં મોકલી આપ્યો. જો કે, મુરાદ થોડા સમયમાં જ મરી ગયો અને હુમાયુએ જાતે જ ત્યાં શાસન સ્થાપ્યું.

હુમાયુ હવે તેના ભાઈનું શાસન ધરાવતા કાબુલ પર કબ્જો કરવા તૈયાર હતો. જો કે, તેના માટે કોઇ યુદ્ધ ખેલવાની જરૂર ન પડી. કામરાનના રાજથી બધા કંટાળેલા. તેથી જેવું હુમાયુંનું પર્સિયન લશ્કર શહેરમાં પ્રવેશ્યું કે હજારો સૈનિકો પક્ષ બદલીને હુમાયુની તરફ થઇ ગયા. કામરાન બહાર જતો રહ્યો અને શહેરની બહાર પોતાની સેના તૈયાર કરવા લાગ્યો. 1545ની નવેમ્બર મહિનામાં હુમાયુ અને હમિદા તેમના દિકરા અકબરને મળ્યા. અને તેના માનમાં મોટી મિજબાની રાખી. પોતાના બાળકની સુન્નતની વિધિના માનમાં પણ તેણે બીજી એક વધુ મોટી મિજબાની રાખી.

હુમાયુ પાસે તેના ભાઈ કરતાં વધારે મોટું લશ્કર અને સત્તા હતી તેમ છતાં તેનો નબળો લશ્કરી નિર્ણય એક કે બે વાર કામરાનને કાબુલ અને કંદહાર ફરીથી જબ્બે કરવા માટેનો દોર આપી બેઠો.તેણે ફરીથી કામરાન પાસેથી સામ્રાજ્ય પાછું લેવું પડ્યું. જો કે, તેમાં તેની મદદે તેના સ્થાનિક લોકો આવ્યા. કેમ કે, ટૂંક સમયમાં જ પ્રજામાં તેના માટે માન જોવા મળ્યું. જ્યારે કામરાનની સત્તા દરમ્યાન પ્રજા પરના અત્યાચારોને કારણે પ્રજા કંટાળી હતી. તેથી તેમણે હુમાયુને ટેકો આપ્યો.

હુમાયુનો નાનો ભાઈ હિંદલ જે તેના બધા ભાઈઓમાં સૌથી વધુ બિનવફાદાર હતો તે તેના માટે લડતાં લડતાં મરી ગયો. તેનો નાનો ભાઈ અસ્કરી હજ દરમ્યાન દમાસ્કસના રણમાં જ મૃત્યુ પામ્યો.

હુમાયુના અન્ય ભાઈ કામરાને વારંવાર હુમાયુને મારવાનો પ્રયત્ન કર્યો. 1552માં તેણે શેર શાહના વારસદાર ઇસ્લામ શાહ સાથે કરાર કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેને એક ગખારે પકડી પાડ્યો. ગખાર એક એવું જૂથ હતું જે મુગલો પ્રત્યે વફાદાર રહેનારા જૂથમાંનું એક હતું. ગખારના સુલતાન આદમે કામરાનને હુમાયુને સોંપી દીધો. હુમાયુ આમ તો તેના ભાઈને માફ કરવા માગતો હતો પણ તે જાણતો હતો કે તેના ભાઈની આવી ભુલોને વારંવાર માફ કરવામાં આવશે તો તેના શાસનમાં જ તેના પ્રત્યે લોકોનો રોષ ઉભો થશે. તેથી તેણે પોતાના ભાઈને મોતની સજા આપવાના બદલે તેના ભાઈને અંધ કરી દીધો. તેણે કામરાનને હજ પર મોકલી દીધો જેથી તેના પાપ ધોવાઇ જાય. પણ તે 1557માં મક્કાના રણમાં જ મૃત્યુ પામ્યો.

ફરી ભારતમાં[ફેરફાર કરો]

શેર શાહ સુરી 1545માં મૃત્યુ પામ્યો. તેનો દિકરો ઇસ્લામ શાહ પણ 1554માં મોતને ભેટ્યો. આ બંનેના મોતને કારણે આખું શાસન અને રાજ્ય નિરાધાર થઇ ગયું. રાજગાદીના ત્રણ હરિફો દિલ્હી પર ચઢાઇ કરવા આવી ગયા. જ્યારે કેટલાક શહેરોમાં નેતાઓએ સ્વતંત્રતા અંગેની માગણીઓ અને દાવાઓ શરૂ કરી દીધા. મુગલો માટે ભારત પાછા ફરવાનો આ શ્રેષ્ઠ સમય અને તક હતી. હુમાયુએ બૈરમ ખાનના કુશળ નેતૃત્વ નીચે લશ્કરને તૈયાર કર્યું અને ભારત ભણી રવાના કર્યું. હુમાયુનું આ એક ખુબ જ યોગ્ય અને વખાણવાલાયક પગલું હતું. બૈરમ પોતે કાવાદાવામાં નિપૂણ સાબિત થવાનો હતો.

ઉલ્વુર રાજ્યનું ગેઝેટીયર

Soon after Babar's death, his successor, Humaiyun, was in A.D. 1540 supplanted by the Pathan Sher Shah, who, in A.D. 1545, was followed by Islam Shah. During the reign of the latter a battle was fought and lost by the Emperor's troops at Firozpur Jhirka, in Mewat, on which, however, Islam Shah did not loose his hold. Adil Shah, the third of the Pathan interlopers, who succeeded in A.D. 1552, had to contend for the Empire with the returned Humaiyun.[સંદર્ભ આપો] In these struggles for the restoration of Babar's dynasty Khanzadas apparently do not figure at all. Humaiyun seems to have conciliated them by marrying the elder daughter of Jamal Khan, nephew of Babar's opponent, Hasan Khan, and by causing his great minister, Bairam Khan, to marry a younger daughter of the same Mewatti.[સંદર્ભ આપો]

બૈરમ ખાને પંજાબમાંથી લશ્કરનો કાફલો પસાર કર્યો પણ ત્યાં કોઇ વિરોધ ન થયો. હુમાયુ પ્રત્યે વફાદાર એવા ગખરોનો ખુરદો બોલાવવા માટે શેર શાહ સુરીએ 1541થી 1543 દરમ્યાન જે રોહતાસનો કિલ્લો બંધાવ્યો હતો તે બૈરમ ખાને ઘેરી લીધો. અને તેના પર કબ્જો કરી લીધો. રોહતાસના કિલ્લાની દિવાલો 12.5 મીટર જાડી અને 18.28 મીટર ઉંચાઇની હતી. તેમણે તેમાં 4 કિલોમીટરનો વધારો કર્યો અને 68 અર્ધગોળાકાર શૈલીના બુરજ બંધાવ્યા. તેના રેતીના પત્થરમાંથી બનેલા જંગી દરવાજાઓ પર મુગલ યુદ્ધ સ્થાપત્યકળાની છાંટ સ્પષ્ટ દેખાતી હતી.

હુમાયુના લશ્કરને મોટું યુદ્ધ જો કોઇ ખેલવું પડ્યું હોય તો તે સરહિંદમાં સિકન્દર સુરી સામે. ત્યાં બૈરમ ખાને એક યુક્તિ અપનાવી. તેણે દુશ્મનોને ખુલ્લા યુદ્ધમાં રચ્યા-પચ્યા રાખ્યા. ત્યારબાદ તરત જ ભયથી પોતાના લશ્કરને પીછેહઠ કરાવી. જ્યારે દુશ્મનનું લશ્કર તેમની પાછળ દોડ્યું ત્યારે અચાનક તેમને ખબર પડી કે સામેના લશ્કરે તો સંરક્ષણાત્મક જગ્યાઓ લઇ લીધી છે અને તેમનું લશ્કર ખુલ્લા મેદાનમાં સરળતાથી નાશ થઈ શકે તેવી રીતે ઉભું છે જ્યાંથી બચવાની કોઇ શક્યતા નથી.

અહીંથી મોટાભાગના દરેક ગામ અને શહેરોએ દિલ્હી ભણી જઇ રહેલા આ લશ્કરનું સ્વાગત કર્યું. 23 જુલાઇ 1555ના રોજ હુમાયુએ ફરીથી દિલ્હીમાં બાબરનું સામ્રાજ્ય સ્થાપ્યું.

ઉત્તર ભારતમાં ફરીથી શાસન[ફેરફાર કરો]

હુમાયુના બાકીના બધા ભાઈઓ મરી પરવાર્યા હોવાથી હવે ફરીથી ગાદી માટે કોઇ લશ્કર લઇને ચડાઇ કરશે એવો ડર ન હતો. હુમાયુ હવે એક જાણીતો રાજા પણ હતો અને તે પોતાના આસપાસના માણસો પર વિશ્વાસ કરી શકે તેમ હતો. હવે પોતાની આ નવી તાકાત સાથે હુમાયુએ લશ્કરો લઇને વિવિધ વિસ્તારો પર ચઢાઇ કરીને તેણે પૂર્વ અને પશ્ચિમ ભારતમાં પોતાનું સામ્રાજ્ય વિસ્તારવાનું શરૂ કર્યું.

તેણે પુર્વ અને પશ્ચિમમાં ઘણાં વિસ્તારો પોતાના રાજ્યમાં ભેળવ્યા. એકાંતવાસમાં રહેવાનો હુમાયુનો સમયગાળો હવે ઘટી ગયો હતો. હવે હુમાયુ કોઇની નકલ કર્યા વગર પર્સિયામાં તેણે જે કંઇ નિરીક્ષણ કર્યું હતું તેના આધારે નિર્ણય લેતો હોવાથી અસરકારક અને ઝડપથી જીતતો જતો હતો.


રાજ્યના વહિવટમાં પણ આ વાત દેખાતી હતી. શાસનની પર્શિયન પદ્ધતિ હુમાયુના શાસનમાં ઉત્તર ભારતમાં દાખલ કરવામાં આવી હતી. કર ઉઘરાવવાની પદ્ધતિથી પર્સિયન અને દિલ્હીની સલ્તનત બંનેને ફાયદો થયો હતો. પર્શિયન કળા પણ ઘણી પ્રભાવિત કરનારી હતી. પર્સિયન પ્રકારના લઘુ ચિત્રો ત્યારબાદ મુગલ અને રાજપુત દરબારોમાં પણ બનાવવામાં આવ્યા. ચગહતાઇ ભાષા કે જેમાં બાબરે પોતાની યાદો જેમાં લખી હતી તે દરબારમાંથી લગભગ નામશેષ થઇ ગઇ. અકબર તે ભાષા બોલી શકતો નહોતો. હુમાયુ પોતાના પાછળના વર્ષોમાં વધારે પડતું પર્શિયન જ બોલતો હતો તેવું કહેવાય છે.

વિશ્વાસુ સેનાપતિઓ[ફેરફાર કરો]

ગુજરાતમાં બહાદુર શાહને જેર કર્યા પછી હુમાયુએ ગુજરાતમાં નીચેના સેનાપતિઓની નિયુક્તિ કરી હતીઃ

  1. મિર્ઝા અસ્કુરી અમદાવાદમાં
  2. યાજર નાસિર પાટણમાં
  3. કાસિમ હુસેન સુલતાન ભરૂચમાં
  4. હિંદુ બેગ બરોડામાં
  5. તારડી બેગ ખાન ચાંપાનેરમાં

જો કે, આ બધા જનરલ્સ ગુજરાતમાં રહીને બળવો ડામી શક્યા નહોતા. તેઓ ગુજરાત છોડીને જતા રહ્યા અને તેને ફરીથી બાહદુર શાહના હાથમાં જવા દીધું.

મૃત્યુ અને વારસો[ફેરફાર કરો]

દિલ્હીમાં હુમાયુની કબર, ભારત.

27 જાન્યુઆરી 1556ના રોજ હુમાયુ તેમના હાથમાં ઘણા પુસ્તકો લઇને પુસ્તકાલયમાંથી સીડી દ્વારા નીચે ઉતરી રહ્યા હતા ત્યારે જ મસ્જિદમાંથી મુઅઝ્ઝીને અઝાન (પ્રાથર્ના માટેનો અવાજ) પોકારી. હુમાયુની એવી આદત હતી કે તે જ્યારે પણ અઝાન સાંભળે ત્યારે તે ગમે ત્યાં હોય, ધાર્મિક આદરભાવ સાથે ઘુંટણથી નીચા નમે. ઘૂંટણિયે પડતી વખતે, તેમનો પગ તેમના કપડામાં ભરાઇ ગયો અને તેઓ ગડથોલું ખાઇને ઘણા પગથિયા નીચે પડ્યાં અને નીચે રહેલા પત્થરની ધાર સાથે તેમનું લમણું અથડાયું. ત્રણ દિવસ પછી તેઓ મૃત્યુ પામ્યા. ત્યારે અકબરની ઉંમર 13 વર્ષ હતી.

હુમાયુને અવકાશશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર ખુબ ગમતા અને તેણે નિરીક્ષણગૃહો પણ બંધાવ્યા હતા જે સદીઓ સુધી ટકી રહ્યાં. તેમનું આખું જીવન તેમની બહેન ગુલબદન બેગમ દ્વારા લખાયેલા પુસ્તક હુમાયુ-નામા માં સ્હેજ ચરિત્રાત્મક શૈલીમાં વર્ણવવામાં આવ્યું છે. હુમાયુના પુત્ર અકબરે વિનંતી કરતાં ગુલબદન બેગમે આ પુસ્તક લખ્યું હતું. તેમનું છેલ્લું સૌથી વધુ અસરકારક અને લાંબા સમય સુધી ગણાનારું કોઇ કામ હોય તો તે ભારતીય શાસનમાં પર્સિયન વિચારોનો ઉમેરો. આ વિચારો તેમના પછીના સાશકોએ પણ અનુસરવાના ચાલુ રાખ્યા. સફાવિદ કળા વડે અંજાયા બાદ તેમણે કળાને ખુબ સહકાર આપ્યો અને પોતાના દરબારમાં ચિત્રકારોને સ્થાન આપ્યું જેમણે મુગલ શૈલીના ચિત્રો વિકસાવ્યા. હુમાયુનું સૌથી શ્રેષ્ઠ સ્થાપત્ય સર્જન હતું દિન-પનાહ (ધર્મની શરણ) દુર્ગ, જે દિલ્હીમાં પુરાના કિલ્લા તરીકે પણ જાણીતો છે. શેર શાહ સુરીએ તેને ધ્વંસ કર્યો હતો. હુમાયુ આજે તેની કબર હુમાયુ કા મકબરા માટે જાણીતો છે. આ મકબરો તેની વિધવાએ તેના મૃત્યુ બાદ 1562થી 1571માં બનાવડાવ્યો હતો. હુમાયુના મકબરાનું ખરેખરું મોડેલ તો સમરકંદમાં આવેલું ગુર-એ-આમિર છે. તાજમહેલની શૈલીની શરૂઆત કરનાર તે ગણાય છે. જો કે, ઘુમ્મટો અને ઇવાનો ની શૈલી અને તેની રચનાને કારણે તે તથા વસ્તુઓના રચનાત્મક ઉપયોગને કારણે તે ભારતમાં મુગલ સ્થાપત્યોમાંનું એક બેનમુન સ્થાપત્ય ગણાય છે.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ શરાફ અલ-દિન: "ઝફર-નામા".
  2. સ્વાત સાઉસેકઃ "એ હિસ્ટરી ઓફ ઇનર ઇંડિયા".
  3. નિઝામુદ્દીન એહમદ: "તબાકત-ઇ-અકબરી".
  4. ૪.૦ ૪.૧ રામ શંકર અવસ્થી: "ધ મુગલ એમ્પરર હુમાયુ".
  5. ૫.૦ ૫.૧ એસ.કે.બેનર્જી: "હુમાયુ બાદશાહ".
  6. ૬.૦ ૬.૧ જોહર: "તધકિરાત અલ-વકિઆત".
  7. ૭.૦ ૭.૧ ૭.૨ બેમ્બર ગેસ્કોઇજન: "ધ ગ્રેટ મુગલ્સ".
  8. બદાયુની: "મુંતખાબ અલ-તવારીખ".
  9. અબુલ-ફઝલ: "અકબર-નામા".
  10. ૧૦.૦ ૧૦.૧ John F. Richards, Gordon Johnson (1996). Cambridge University Press (સંપાદક). The Mughal Empire (illustrated, reprint આવૃત્તિ). પૃષ્ઠ 11. ISBN 0521566037.

વધુ વાંચન[ફેરફાર કરો]

બાહ્ય લિંક્સ[ફેરફાર કરો]