લખાણ પર જાઓ

મણિબેન પટેલ

વિકિપીડિયામાંથી
મણિબેન પટેલ
મણિબેન પટેલ, ઑક્ટોબર ૧૯૪૭
જન્મની વિગત૩ એપ્રિલ ૧૯૦૩
કરમસદ, ગુજરાત, ભારત
મૃત્યુની વિગત૧૯૯૦
રાષ્ટ્રીયતાભારતીય
નાગરીકતાભારતીય
ક્ષેત્રસ્વાતંત્ર્ય સેનાની, સાંસદ
વતનભારત
માતા-પિતાવલ્લભભાઈ પટેલ

મણિબેન વલ્લભભાઈ પટેલ (૩ એપ્રિલ ૧૯૦૩, કરમસદ - ૧૯૯૦) એ ભારતીય સ્વતંત્રતા ચળવળના કાર્યકર અને ભારતીય સંસદના સભાસદ હતા.[] તેઓ ભારતીય સ્વાતંત્ર્ય સેનાની અને નેતા સરદાર વલ્લભભાઈ પટેલના પુત્રી હતા. તેમનો અભ્યાસ મુંબઈમાં થયો હતો અને તેમણે ૧૯૧૮માં ગાંધીજીની વિચારધારાનો સ્વીકાર કર્યો હતો. ત્યાર બાદ તેઓ નિયમીત રીતે અમદાવાદના સાબરમતી આશ્રમમાં સેવા આપતા હતાં.

પ્રારંભિક જીવન

[ફેરફાર કરો]

મણિબેનનો જન્મ ૩ એપ્રિલ ૧૯૦૩ના દિવસે ગુજરાતમાં આવેલા કરમસદમાં થયો હતો. તેઓ જ્યારે છ વર્ષના હતા ત્યારે તેમની માતાનું અવસાન થયું હતું. ત્યાર પછી તેમના કાકા વિઠ્ઠલભાઈ પટેલે તેમને ઉછેરીને મોટા કર્યા. તેમણે શરૂઆતનો શાલેય અભ્યાસ મુંબઈની ક્વીન મેરી હાઈસ્કુલમાં કર્યો. ઈ.સ. ૧૯૨૦માં તેઓએ અમદાવાદ સ્થળાંતર કર્યું અને ત્યાં ગાંધીજીએ સ્થાપેલી ગુજરાત વિદ્યાપીઠમાં પોતાનો અભ્યાસ આગળ ચાલુ રાખ્યો. ઈ.સ. ૧૯૨૫માં તેમણે સ્નાતક સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો અને ત્યાર બાદ તેઓ તેમના પિતાના કાર્યમાં મદદ કરવા લાગ્યા.[]

બોરસદ સત્યાગ્રહ

[ફેરફાર કરો]

ઈ.સ. ૧૯૨૩-૨૪માં અંગ્રેજોએ લોકો પર શિક્ષાત્મક કરવેરો લાદ્યો હતો. તે કર ન ભરી શકનાર લોકોની ઢોર, જમીન જેવી અસ્કાયતો સરકાર તાબામાં લેવા લાગી અને લોકો પર જુલમ કરવા લાગી. આ અત્યાચારનો વિરોધ કરવા માટે મણિબહેને ગાંધીજી અને સરદાર પટેલ દ્વારા ચલાવાતી ના-કરની ચળવળમાં જોડાવા માટે સ્ત્રીઓને ઘરથી બહાર નીકળી આગળ આવવાની બોરસદ સત્યાગ્રહમાં જોડાવા પ્રેરણા આપી.[]

બારડોલી સત્યાગ્રહ

[ફેરફાર કરો]

ઈ.સ. ૧૯૨૮માં બારડોલી ખેડૂતો ઉપર સરકારે આકરો કરવેરો મૂક્યો હતો અને તેની વસૂલી માટે ખેડૂતો પર જુલમ ગુજારવામાં આવતો હતો. ગાંધીજીએ સરદાર પટેલને બારડોલી જઇ ત્યાંના સત્યાગ્રહની આગેવાની કરવા જણાવ્યું. ચળવળની શરૂઆતમાં સ્ત્રીઓ તેમાં ભાગ લેવા આગળ આવતી નહી. મણિબહેને મીઠુબેન પેટીટ અને ભક્તિબા દેસાઈ સાથે મળી સ્ત્રીઓને લડતમાં જોડાવા પ્રેરણા આપી. તેમના પ્રયત્નોને પરિણામે સ્ત્રીઓ આગળ આવી અને પુરુષો કરતાં પણ બહોળી સંખ્યામાં સત્યાગ્રહમાં જોડાઈ. તેઓ સરકારે જપ્ત કરેલી જમીનો પર ઝૂંપડીઓ બાંધી તેમાં રહી સત્યાગ્રહ કરતાં.[]

રાજકોટ સત્યાગ્રહ

[ફેરફાર કરો]

ઈ. સ. ૧૯૩૮માં, રાજકોટ રજવાડાના દિવાન દ્વારા થતા અત્યાચારના વિરોધમાં સત્યાગ્રહ કરવામાં આવ્યો. પોતાની નાદુરસ્ત તબિયત છતાં કસ્તુરબા ગાંધી તેમાં જોડાવા આતુર હતા. મણિબેન કસ્તુરબા સાથે ગયા. સરકારે તે બંનેને છૂટા પાડવાનો આદેશ આપ્યો. તેના વિરોધમાં મણિબેન ઉપવાસ પર ઉતર્યા અને તેમને કસ્તુરબા સાથે જ રાખવા સરકારને ફરજ પાડી. []

અસહકારની ચળવળ

[ફેરફાર કરો]
મહાત્મા ગાંધી અને મણિબહેન પટેલ. ૧૯૩૧માં યુરોપના પ્રવાસે જતાં પહેલાં.

મણિબહેન પટેલે અસહાકારની ચળવળ અને મીઠાના સત્યાગ્રહ માં ભાગ લીધો હતો અને તેને કારણે તેમને જીવનનો ઘણો સમય કારાગૃહમાં વિતાવવો પડ્યો હતો. ૧૯૩૦માં તેઓ તેમના પિતાના મદદનીશ બન્યા અને તેમની નિજી જરૂરિયાતોની પણ દેખરેખ રાખવા લાગ્યા. મણિબેને પોતાનું જીવન ભારતની સ્વતંત્રતાને સમર્પિત કર્યું હતું આથી તેઓ ભારત છોડો ચળવળમાં પણ જોડાયા અને ૧૯૪૨થી ૧૯૪૫ સુધી ફરીવાર યરવડા જેલમાં કારાગૃહ ભોગવ્યો. ત્યાર બાદ ૧૯૫૦માં તેમના પિતાના મૃત્યુ સુધી તેમણે તેમની સાર સંભાળ રાખી. ત્યાર પછી તેઓ મુંબઈ આવ્યા અને સરદાર પટેલ મેમોરિયલ ટ્રસ્ટ સહિત અન્ય ઘણી સામાજિક સંસ્થાઓમાં સેવા આપી. ભારતને સ્વતંત્રતા મળી તે પછી તેમણે તેમના પિતાના જીવન અને ભારતીય સ્વતંત્રતાની ચળવળને આવરી લેતું એક પુસ્તક પણ લખ્યું.

રાજકીય કારકિર્દી

[ફેરફાર કરો]

એક સમયે મણિબેન પટેલ ગુજરાત પ્રાંત કોંગ્રેસ કમિટીના ઉપ-પ્રમુખ હતા. ત્યાર બાદ એઓ જવાહરલાલ નેહરુની આગેવાનીમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે પ્રથમ લોકસભા (૧૯૫૨-૧૯૫૭)માં દક્ષિણ ખેડા લોક સભા મતવિસ્તાર અને બીજી લોકસભા (૧૯૫૭-૧૯૬૨)માં આણંદથી ચૂંટાઈ આવ્યા હતા.[] ઈ.સ ૧૯૫૩ થી ૧૯૫૬ સુધી ગુજરાત રાજ્ય કોંગ્રેસના સચિવ (સેક્રેટરી) રહ્યા હતા. ઈ.સ ૧૯૫૭ થી ૧૯૬૪ સુધી ગુજરાત રાજ્ય કોંગ્રેસના ઉપ-પ્રમુખ હતા. તેઓ ઈ.સ. ૧૯૬૪માં રાજ્યસભામાં ચૂંટાઈ આવ્યા અને ૧૯૭૦ સુધી રાજ્ય સભાના સભ્ય રહ્યા હતા. તેઓ કોંગ્રેસના કયા પક્ષના નેતા હતા તે વિષે માહિતી મળતી નથી. તેઓ મુખ્ય કોંગ્રેસ પાર્ટીના સભ્ય હતા કે પછી સ્વતંત્રતા પાર્ટીના સભ્ય હતા કે પછી કોંગ્રેસ (ઓ)ના સભ્ય હતા તે વિષે ચોક્કસ માહિતી નથી. ઈ.સ ૧૯૬૭ થી ઈ.સ. ૧૯૭૧ દરમ્યાન મોરારજી દેસાઈના નેતૃત્વ વાળી કોંગ્રેસ (ઓ) અને સ્વતંત્ર પક્ષ બંને બળવાન હતા. તેઓ ઈંદિરા ગાંધીના નેતૃત્વ હેઠળની કોંગ્રેસ (આઈ) છોડીને કોંગ્રેસ (ઓ)માં જોડાયા હતા. તેમણે કટોકટીનો વિરોધ કર્યો હતો અને જનતા પાર્ટીની ટિકિટ પર ૧૯૭૭માં મહેસાણામાંથી ચૂંટાઈ આવ્યા હતા.[]

તેઓ ઘણી શિક્ષણ સંસ્થાઓ સાથે જોડાયેલા હતા જેમ કે ગુજરાત વિદ્યાપીઠ, વલ્લભ વિદ્યાનગર, બારડોલી સ્વરાજ આશ્રમ અને નવજીવન ટ્રસ્ટ સાથે સંકળાયેલા હતા.

તેમનું અવસાન ૧૯૯૦માં થયું હતું.

ઈ.સ. ૨૦૧૧માં સરદાર વલ્લભભાઈ પટેલ ટ્રસ્ટ અને નવજીવન પ્રકાશને મળીને તેમની ગુજરાતી ડાયરી છાપીને પ્રકાશિત કરી.[][]

  • ઈન્સાઈડ સ્ટોરી ઑફ સરદાર પટેલ: ધ ડાયરી ઓફ મણિબેન પટેલ, ૧૯૩૬-૫૦, મણિબેન પટેલ. આવૃત્તિ. પ્રભા ચોપરા. વિઝન બુક્સ, ૨૦૦૧. ISBN 81-7094-424-4.

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. Joginder Kumar Chopra (૧૯૯૩). Women in the Indian parliament: a critical study of their role. Mittal Publications. પૃષ્ઠ ૧૭૪. ISBN 978-81-7099-513-5.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ Sushila Nayar, Kamla Mankekar (Editors) (૨૦૦૩). Women Pioneers In India's Renaissance. National Book Trust, India. પૃષ્ઠ 469. ISBN 81-237-3766 1.CS1 maint: extra text: authors list (link)
  3. "આર્કાઇવ ક .પિ" (PDF). મૂળ (PDF) માંથી 2014-10-08 પર સંગ્રહિત. મેળવેલ 2018-05-11.
  4. "Lok Sabha Website Members Biodata". મૂળ માંથી 2016-03-11 પર સંગ્રહિત. મેળવેલ ૨ ઓગસ્ટ ૨૦૧૫.
  5. Vashi, Ashish (૮ જૂન ૨૦૧૧). "Knowing Sardar Patel through his daughter's diary". The Times of India. અમદાવાદ. મૂળ માંથી 2012-07-08 પર સંગ્રહિત. મેળવેલ ૨ જૂન ૨૦૧૩.
  6. Datta, V. N. (૩૦ સપ્ટેમ્બર ૨૦૦૧). "Patel's Legacy". ધ ટ્રિબ્યુન, ચંદીગઢ. મેળવેલ ૨ જૂન ૨૦૧૩.