લખાણ પર જાઓ

મૂળરાજ સોલંકી

વિકિપીડિયામાંથી
મૂળરાજ સોલંકી
સોલંકી વંશના સ્થાપક
શાસનc. ૯૪૧ – c. ૯૯૬ ઇ.સ.
પુરોગામીવનરાજ ચાવડા (દ્વીતીય) (ચાવડા વંશ)
અનુગામીચામુંડરાજ
વંશસોલંકી વંશ

મૂળરાજ સોલંકી અથવા મૂળરાજ ૧લો (શાસનકાળ: ઈ.સ. ૯૪૧-૯૯૬)[] એ ભારતના સોલંકી વંશના સ્થાપક હતા. ગુજરાતના ચાલુક્ય અથવા સોલંકી તરીકે ઓળખાતા આ રાજવંશે હાલના ગુજરાતના કેટલાક ભાગોમાં શાસન કર્યું હતું. ચાવડા વંશના છેલ્લા રાજા સામંતસિંહ ચાવડાને હરાવીને ઈ.સ. ૯૪૦-૯૪૧માં અણહિલવાડ પાટણમાં તેમનું સ્વતંત્ર સામ્રાજ્ય સ્થાપ્યું હતું.[][] તેઓ શૈવ રાજા હતા અને બ્રહ્મ તથા વૈદિક પરંપરા મુજબ રાજધર્મ નિભાવતા હતા. તેમણે દિગંબર પંથ માટે મૂળવસ્તિકા (મૂળનું નિવાસસ્થાન) મંદિર અને શ્વેતાંબર પંથ માટે મૂળનાથ-જિનદેવ (જિન જે મૂળના ભગવાન છે) મંદિરો બંધાવ્યા હતા.[] સિદ્ધપુરના રુદ્રમહાલય બંધાવવાની શરૂઆત મૂળરાજ સોલંકીએ કરી હતી.

મૂળરાજના સમયના જૈન લેખકો મૂળરાજને, વેદ અને બ્રાહ્મણોના રાજા, તરીકે વર્ણવે છે સાથોસાથ તેમને જૈન ધર્મને રાજ્યાશ્રય આપતો પણ વર્ણવામાં આવ્યા છે.[]

૧૩મી સદીના બ્રાહ્મણ, સોમેશ્વર કૃત સુરતોત્સવ, મૂળરાજને વૈદિક પરંપરા મુજબનો રાજા વર્ણવે છે.[]

ઉદ્‌ગમ

[ફેરફાર કરો]
નકશો
મૂળરાજના શાસન દરમિયાનના લખાણો મળી આવેલા સ્થાન[]
કડીમાંથી મળી આવેલા તામ્રપત્રમાં મૂળરાજનો ઉલ્લેખ

૧૦મી સદીના મધ્યમાં મૂળરાજ સોલંકીએ ચાવડા વંશના છેલ્લા શાસકને હરાવી સોલંકી વંશની સ્થાપના કરી હતી.[] મેરુતુંગની દંતકથા મુજબ, મૂળરાજે યોદ્ધા તરીકે ખ્યાતિ મેળવી હતી. તેમના મામા સામંતસિંહ ઘણીવાર નશામાં હોય ત્યારે તેને રાજા તરીકે નિયુક્ત કરતા અને શાંત થઈ જાય ત્યારે તેને પદભ્રષ્ટ કરી દેતા. એક મહત્ત્વાકાંક્ષી વ્યક્તિ તરીકે મૂળરાજ આ રીતે નિયમિત પણે નિરાશ થતા હતા. એક દિવસ જ્યારે નશામાં ધૂત સામંતસિંહે તેમને રાજા તરીકે નિયુક્ત કર્યા ત્યારે મૂળરાજે તેના મામાની હત્યા કરી અને કાયમી રાજા બન્યો. જોકે, મેરુતુંગની દંતકથા સુસંગત જણાતી નથી. તેનો દાવો છે કે સામંતસિંહે ૭ વર્ષ સુધી શાસન કર્યું હતું. જો સામંતસિંહની બહેને પોતાના શાસનકાળ દરમિયાન લગ્ન કર્યા હોત તો સામંતસિંહના મૃત્યુ વખતે મૂળરાજની ઉંમર સાત વર્ષથી ઓછી હોત. આ વિચિત્રતા અને અન્ય પુરાવાઓ સાથે જ્યોર્જ બુહલર જેવા કેટલાક વિદ્વાનોને મેરુતુંગની દંતકથાને બિનઐતિહાસિક ગણાવીને નકારી કાઢી છે.[]

મૂળરાજના પોતાના એક શિલાલેખમાં જણાવવામાં આવ્યું છે કે તેમણે સરસ્વતી નદીના પાણીવાળા પ્રદેશ પર વિજય મેળવ્યો હતો. વડનગર પ્રશસ્તિ તરીકે ખ્યાત શિલાલેખમાં તેનો વંશજ કુમારપાળ સોલંકી જણાવે છે કે તેમણે ચાપોટકાટાના રાજકુમારોને બંધક બનાવ્યા હતા. બુહલરે એવી દલીલ કરી કે મૂળરાજ એક બહારની વ્યક્તિ હતા જેમણે સામંતસિંહનું રાજ્ય કબજે કર્યું હતું. જોકે, અશોક મજુમદારના મત મુજબ તે ખરેખર રાજાના સંબંધી હતા. વડનગર શિલાલેખ તેમજ હેમચંદ્રાચાર્યનાં લખાણો સૂચવે છે કે મૂળરાજે નાગરિકો પરનો કરબોજ ઘટાડ્યો હતો. શિલાલેખમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે તેમણે ચાપોટકાટા રાજાઓની સંપત્તિ પોતાના સંબંધીઓ, બ્રાહ્મણો, ચારણો અને સેવકોમાં વહેંચી હતી. મજમુદાર દલીલ કરે છે કે જો મૂળરાજે ચાપોટકાટા રાજ્ય પર સૈન્યથી કબજો જમાવી લીધો હોત તો તેમને આ પ્રકારના તૃષ્ટિકરણનો આશરો લેવાની જરૂર ન પડી હોત. તેથી, મજુમદાર કહે છે કે મૂળરાજે ખરેખર પોતાના કાકાની હત્યા કરી હતી અને પછી કરવેરાના બોજમાં ઘટાડો અને સંપત્તિની વહેંચણી જેવા 'નરમ' પગલાં સાથે પોતાની સત્તા મજબૂત કરી હતી.[]

જૈન લેખકો મુળરાજને વૈદિક ધર્મ અને રાજાશાહીના બ્રાહ્મણ વિચારો સાથે રજૂ કરે છે અને સાથે સાથે દર્શાવે છે કે તેઓ રાજવી નીતિ તરીકે જૈનોને વ્યાપક ટેકો આપે છે.[૧૦] તે શૈવ મત ધરાવતા હોવા છતાં તેમણે દિગંબર માટે મુલવસ્તિકા (મુલાનું નિવાસસ્થાન) મંદિર અને મૂળનાથ-જિનદેવ મંદિર શ્વેતામ્બર માટે બાંધ્યું હતું.[]

તેરમી સદીના બ્રાહ્મણ 'સોમેશ્વર'ના 'સુરતોત્સવ' અનુસાર વૈદિક 'વજપેયા'ના બલિદાનના દ્વારા મુળરાજને પવિત્ર રાજા તરીકે પૂજવામાં આવે છે.[]

શ્રીસ્થલ ખાતેનું મૂળ રુદ્ર મહાલય મંદિર (હવે સિદ્ધપુર) પરંપરાગત રીતે કોતરવામાં આવ્યું છે. કડી તામ્રપત્ર મુજબ, ઈ.સ. ૯૮૭માં રૂદ્ર મહાલય પહેલેથી જ ત્યાં હાજર હતું. તેમણે અણહિલવાડ પાટણમાં મુંજાલદેવસ્વામી અને ત્રિપુરુષપ્રસાદ મંદિરોનું નિર્માણ કર્યું હતું. ઉપરાંત સિદ્ધપુરમાં મુલનારાયણપ્રસાદ પણ બાંધ્યું હતું. મૂળવસાહિકા જૈન મંદિર પણ તેમણે બાંધ્યું હોવાના પુરાવા છે. જિનપ્રભામાં મુલાનાથજી દેવનું મંદિર છે, જેની બાંધણી મુંજાલદેવસ્વામી જેવી જ છે. ઈ.સ.૯૫૪માં મંત્રી કુંકણાએ ચંદ્રવતી ખાતે જૈન મંદિરનું નિર્માણ કર્યું હતું, જેનું સર્વદેવસૂરી દ્વારા પૂજન કરવામાં આવ્યું હતું. મૂળરાજે બંધાવેલ પાટણના મૂલવસ્તિકા મંદિરનો ઉલ્લેખ ભીમદેવ બીજાના શાસનના સંવત ૧૨૫૦ના દાયકામાં દિગંબર જૈન શિલાલેખમાં પણ કરવામાં આવ્યો છે. મેરુતુંગના 'પ્રબંધ-ચિંતામણીમાં મંડલી (હવે માંડલ) ખાતે મુલેશ્વર મંદિરના નિર્માણનો ઉલ્લેખ છે જે કડી તામ્રપત્રમાં ઉલ્લેખ કરવામાં આવેલા મુલાનાથદેવ મંદિર જેવું જ છે. ઈ.સ.૯૮૭ પહેલા બાંધવામાં આવેલું આ છેલ્લું મંદિર છે.[૧૧]

તેમણે કદાચ સોમનાથમાં વિશાળ મંદિરનું પુનઃનિર્માણ કર્યું હતું. હરિપ્રસાદ શાસ્ત્રી અને મધુસુદન ધાકીએ લિપિ શૈલીના પુરાવાઓને આધારે આ તારણ કાઢ્યું હતું. તેણે બ્રાહ્મણોને ઉત્તર ભારતમાંથી વડનગરમાં સ્થાયી કર્યા હતા અને કદાચ તેમના માટે હાટકેશ્વરમંદિરનું નિર્માણ કર્યું હશે, પરંતુ ૧૯મી સદીમાં મોટા નવીનીકરણ બાદ મૂળ મંદિરની સ્થાપત્યશૈલી અસ્પષ્ટ છે.[૧૧]

થાનગઢ નજીક આવેલું મુનિ બાવા મંદિર આ સમયગાળાનું એક ઉત્કૃષ્ટ મંદિર છે. વડનગરમાં આદિનાથ મંદિરનો જૂનો ભાગ અને કંથકોટ ખાતે ખોખરા-ડેરાના ખંડેરો તેમના શાસનકાળના ઉત્તરાર્ધમાં બાંધવામાં આવ્યા હતા. શામળાજી માં હરિશ્ચંદ્રની ચોરીનું મંદિર પણ આ સમયગાળાનું છે.[૧૧]

  1. Asoke Kumar Majumdar 1956, p. 23.
  2. Sailendra Nath Sen 2013, p. 28-29.
  3. ૩.૦ ૩.૧ John E. Cort ૧૯૯૮, p. ૮૭.
  4. John E. Cort 1998, p. ૮૭.
  5. John E. Cort ૧૯૯૮, p. ૮૬.
  6. Asoke Kumar Majumdar 1956, p. 498.
  7. ૭.૦ ૭.૧ ૭.૨ John E. Cort 1998, p. 87.
  8. Asoke Kumar Majumdar 1956, pp. 23-24.
  9. Asoke Kumar Majumdar 1956, pp. 23-25.
  10. John E. Cort 1998, p. 86.
  11. ૧૧.૦ ૧૧.૧ ૧૧.૨ Dhaky, Madhusudan A. (1961). Deva, Krishna (સંપાદક). "The Chronology of the Solanki Temples of Gujarat". Journal of the Madhya Pradesh Itihas Parishad. Bhopal: Madhya Pradesh Itihas Parishad. 3: 20–23, 73.

સંદર્ભ

[ફેરફાર કરો]