માંડલ ઐતહાસિક નગર છે. ૧૩૪૭માં જ્યારે બાદશાહ મહમદ બિન તખલઘ ગુજરાતમાં વ્યવસ્થા જાળવવા માટે આવ્યો ત્યારે માંડલ અને પાટડીના રાણાઓએ તેની મદદ કરી હતી અને તેમનું પુરસ્કારો વડે સન્માન કરવામાં આવ્યું હતું. ઇ.સ. ૧૩૯૫માં માંડલ ફરીથી મહત્વનું સ્થળ બન્યું હશે જ્યારે ગુજરાત સલ્તનતના મુઝફ્ફર શાહે માંડલ પર આક્રમણ કર્યું અને નિષ્ફળ રહ્યો હતો. થોડા વર્ષો પછી માંડલના ઝાલા સતારસાલજી સુલ્તાન અહમદ શાહ પ્રથમ (૧૪૧૪) સામે બહારવટે ચડેલા સરદારોમાંના એક હતા. ૧૫૩૦ સુધી માંડલ સલ્તનતનો ભાગ બન્યું નહોતું. ૧૭૪૧માં વીરમગામ દેસાઈ વડે નગર ફરીથી સમારકામ અને કિલ્લેબંધ કરાયું હતું. સદીના મધ્યભાગથી ૧૮૧૭ સુધી માંડલ મરાઠાઓના હાથમાં રહ્યું હતું અને ત્યારબાદ બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીને સોંપાયું. ભૂતકાળના મહત્વ દર્શાવતી નાનાં પથ્થરોની બનેલી મસ્જિદ અને કેટલાંક સુંદર મંદિરો જ બાકી રહ્યા હતા.[૧]