વાઘેર

વિકિપીડિયામાંથી

વાઘેરભારતના પશ્ચિમી રાજ્ય ગુજરાતના દ્વારકા વિસ્તારના ઓખામંડળ અને હાલારના દરિયા કિનારા આસપાસ વસવાટ કરતી એક જ્ઞાતિ છે. ઓખામંડળના વાઘેરો મુખ્યત્વે હિંદુ છે. જ્યારે હાલારમાં વસતા વાઘેરોમાં કેટલોક ભાગ મુસલમાન વાઘેરનો છે.[૧]

ઇતિહાસ અને મૂળ

કહેવાય છે કે તેઓ કચ્છમાંથી સ્થળાંતર કરી આ વિસ્તારમાં આવેલાં, અને તેઓના પૂર્વજ, ભુજના રાજપૂત, જામ હમીરજી જાડેજાએ એક ગરાસિયા કન્યા સાથે લગ્ન કરેલા. આ રીતે આ સમુદાયમાં ખાંટ જેવા ઘણાં રાજપૂત જૂથનો સમાવેશ થયાનું જણાય છે.[૧]

મૂળ સંસ્કૃત શબ્દ "વાગુરા" પરથી "વાઘેર" થયાનું જણાવાય છે. એમની ઉત્પત્તિ માટે કહેવાય છે કે, કૃષ્ણ ગોમતીમાં જળક્રીડા કરતા ત્યારે તેમને કેશી નામનો અસુર રંજાડતો. કૃષ્ણે તેને જીતી પાતાળમાં ચાંપ્યો અને જે ખાડો પડ્યો તેમાંથી પ્રથમ પુરુષ પ્રગટ્યો તે વાઘેરોનો આદિ પુરુષ ગણાય છે.[૧]

એક માન્યતા પ્રમાણે વાઘને ઘેરનાર", "વાઘના શિકારી", એટલે "વાઘેર" એવો અર્થ પણ કરાય છે. સંસ્કૃત શબ્દ "વાગુરા"નો અર્થ પણ ‘જાળ, ફાંસલો, પાસલો’ એવો થાય છે.[૨] એમ માની શકાય કે મુખ્યત્વે આ અર્થો સમુદાયના શૌર્યનાં ઘોતક છે.

વર્તમાન સ્થિતિ

આ સમુદાય આજે પણ કચ્છી ભાષા બોલે છે અને અંતર્વિવાહી છે. તેઓમાં ઘણાં કુળો છે, મુખ્યત્વે જોઈએ તો, માણેક,વાઘા, કેર, સુમાણીયા, જામ, હાથલ, ભાથડ, બથિયા, ગોહિલ, પરમાર, ગડ, ગિગ્ગ્લા, માપાણી, ટિલાયત અને ભાયડ. આ સમુદાયે સ્વકુળબાહ્ય લગ્ન કરવાની પ્રથા જાળવી રાખી છે. એટલે કે એક જ કુળમાં પરસ્પર લગ્ન થતા નથી. દ્વારકા વિસ્તારનો તે મુખ્યત્વે ખેતીની જમીન ધરાવતો સમુદાય છે. આ સમુદાય મુખ્યત્વે ખેતી કરે છે પણ ગુજરાતની અન્ય જ્ઞાતિઓની જેમ આ જ્ઞાતિએ પણ વ્યવસાય અને કામકાજની શોધમાં ભારતના અન્ય ભાગો અને વિદેશોમાં પણ સ્થળાંતર કરી વસવાટ કરેલો છે. તેઓ ધર્મે હિંદુ છે, પણ તેમાંના એક નાના ભાગે ઇસ્લામ ધર્મ અપનાવી, આ સમુદાયથી અલગ પડી ‘મુસ્લિમ વાઘેર’ એવી ઓળખ મેળવી છે.[૩]

વાઘેરોમાં મૂળુ માણેક અને જોધો માણેક જાણીતા છે. ઈ. સ. ૧૮૧૬માં અંગ્રેજોએ ઓખામંડળ જીતીને ગાયકવાડને સોંપતાં વાઘેરોએ મૂળુ માણેક અને જોધા માણેકની સરદારી હેઠળ અંગ્રેજોને બહાદુરીભર્યું યુદ્ધ આપેલું. ભગવદ્‌ગોમંડળ અનુસાર અગાઉ કેટલાક વાઘેરો વહાણવટા અને ચાંચિયાગીરીનો ધંધો પણ કરતા.[૧]

સંદર્ભો

  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ "વાઘેર - Gujarati to Gujarati meaning, વાઘેર ગુજરાતી વ્યાખ્યા". Gujaratilexicon (અંગ્રેજીમાં). મેળવેલ 2021-03-11.
  2. "વાગુરા - Gujarati to Gujarati meaning, વાગુરા ગુજરાતી વ્યાખ્યા". Gujaratilexicon (અંગ્રેજીમાં). મેળવેલ 2021-03-11.
  3. People of India Gujarat Volume XXI Part Three edited by R.B Lal, P.B.S.V Padmanabham, G Krishnan & M Azeez Mohideen pages 1448-1453