શારદાબહેન મહેતા

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

શારદાબહેન મહેતા (૨૬ જૂન, ૧૮૮૨; - ૧૩ નવેમ્બર, ૧૯૭૦) ગુજરાત રાજ્યના એક સમાજસેવિકા અને મહિલા ઉત્કર્ષના અગ્રણી કાર્યકર્તા હતાં.

જીવન[ફેરફાર કરો]

તેમનો જન્મ ઇ.સ. ૧૮૮૨ના જૂન મહિનાની ૨૬મી તારીખે ગોપીલાલ મણિલાલ ધ્રુવ અને બાળાબહેનના ઘરે અમદાવાદમાં આવેલ સરદાર ભોળાનાથ સારાભાઇ દિવેટિયાની હવેલી ખાતે થયો હતો. તેણીએ વર્ષ ૧૮૯૭માં મેટ્રિક અને વર્ષ ૧૯૦૧માં તર્કશાસ્ત્ર (લોજિક) અને નૈતિક તત્ત્વજ્ઞાન (મોરલ ફિલોસોફી)ના વિષયો સાથે સ્નાતકની પદવી પ્રાપ્ત કરી હતી. ગુજરાતની મહિલાઓમાં શારદાબહેન તેમ જ તેમનાં બહેન વિદ્યાબહેને સૌપ્રથમ સ્નાતક સુધીનો અભ્યાસ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો હતો. વર્ષ ૧૮૯૮માં શારદાબહેન વડોદરાના મહારાજા શ્રીમંત સયાજીરાવ ગાયકવાડના અંગત ડોક્ટર એવા બટુકરામ મહેતાના પુત્ર તેમ જ ગુજરાતના આદિ નવલકથાકાર નંદશંકર તુળજાશંકર મહેતાના દોહિત્ર સુમંત મહેતા સાથે લગ્નગ્રંથિથી જોડાયા હતાં.[૧]

તેમના માતા બાળાબહેન સગપણમાં ભોળાનાથ દિવેટિયાના પૌત્રી હતાં.

૧૩મી નવેમ્બર, ૧૯૭૦ના રોજ તેમનું અવસાન થયું હતું.

સમાજસેવા[ફેરફાર કરો]

શારદાબહેન તેમનાં સમાજસુધારણા અને સમાજસેવાના કાર્યની સાથે સાથે સ્વતંત્રતા સૈનિક અને મહિલા ઉત્કર્ષના પ્રણેતા તરીકે પણ ઘણાં કાર્યો કર્યાં હતાં.

વર્ષ ૧૯૧૭માં ગોધરા ખાતે યોજાયેલ નવેમ્બર-૧૯૧૭માં રાજકીય પરિષદની સાથે સંસારસુધારા પરિષદ પણ મળી હતી. આ પરિષદ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સહાયક સંસ્થા તરીકે ગણાતી હતી. આ સંસારસુધારા પરિષદનાં પ્રમુખ શારદાબહેન મહેતા સાથે ગુજરાતના આજીવન સમાજસુધારકો જેમ કે પ્રાણલાલ કીરપાભાઈ દેસાઈ, રમણભાઈ નીલકંઠ, ગટુભાઈ અને દાક્તર સુમન્ત મહેતા ઉપરાંત લગભગ છથી સાત હજાર શ્રોતાઓ હાજર રહ્યા હતા. આ પરિષદની ભૂમિકા આપતા સમાલોચક માસિકમાં નોંધવામાં આવેલ છે કે 'જે પ્રમાણે રાજકીય સુધારાની આવશ્યકતા છે, તે જ પ્રમાણે સામાજિક સુધારાની આવશ્યકતા છે. બંને એકમેકથી જુદા પાડી શકાય તેમ નથી. તેથી તે પ્રસંગનો લાભ લઈને આ બાબતનો વિચાર કરવો, તે હિલચાલને કાંઈક નવીન દિશામાં વાળવા આ સામાજિક પરિષદનો વિચાર કરવામાં આવ્યો છે.'[૨]

બારડોલી સત્યાગ્રહના સમયે અને ૧૯૩૦-૩૨ના મીઠા સત્યાગ્રહ વખતે પણ તેઓએ અગ્રણી નેતાઓની સાથેને રહી કાર્ય કર્યું હતું. તેણીએ વર્ષ ૧૯૩૦માં અમદાવાદ ખાતે ખાદી મંદિરની સ્થાપના કરી હતી તેમ જ શેરથા ખાતે તેમના પતિએ સ્થાપેલા આશ્રમનું સંચાલન કર્યું હતું. શારદાબહેન વર્ષ ૧૯૩૧ થી ૧૯૩૫ દરમિયાન અમદાવાદ મ્યુનિસિપાલટીના સભ્યપદે રહ્યા હતાં. વડોદરા ખાતે તેમણે ચીમનાબાઈ સ્ત્રીસમાજની સ્થાપના[૩] કરી હતી અને મધ્યમ વર્ગની સ્ત્રીઓને સહેલાઇથી આશ્રય મળી શકે તેવી વ્યવસ્થા પણ કરી હતી.

તેમણે વડોદરાના રેલસંકટના સમયમાં, મહાગુજરાત ચળવળમાં[૪], બારડોલીના સત્યાગ્રહમાં કે અન્ય કોઇ પણ સામાજિક કાર્ય વખતે અગ્રેસર રહીને કામ કર્યું. સ્ત્રીઓ અને બાળકોને યોગ્ય કેળવણી મળી રહે તે હેતુથી કેટલીક કૃતિઓનું પણ તેમણે સર્જન કર્યું હતું. જીવનના અંત સુધી ક્ષીણ થતા જતા શરીર સાથે તેણી માનસિક સ્વસ્થતા ટકાવી રાખી સમાજસેવાના કાર્યમાં ઓતપ્રોત રહ્યાં હતાં.

સાહિત્ય[ફેરફાર કરો]

૮૮ વર્ષ જેટલું આયુષ્ય ધરાવતા શારદાબહેન મહેતાએ "જીવન સંભારણા" પુસ્તકની રચના કરી હતી, જેમાં તેમણે તેમના જીવનના સંસ્મરણો લખ્યાં છે. આ પુસ્તકમાંની સ્ત્રીજીવનકથા સમકાલીન સંદર્ભમાં મહત્વપૂર્ણ દસ્તાવેજ બની રહે છે, કારણ કે સાહિત્ય જે-તે સમયની સામાજિક, રાજકીય, સાંસ્કૃતિક પરિસ્થિતિને ઉજાગર કરતું હોય છે. ‘જીવન સંભારણા’ પુસ્તક જીવનકથારૂપે વર્ષ ૧૯૩૮માં પ્રગટ કરવામાં આવી હતી. સંયુક્ત કુટુંબમાં જન્મી ઉછરેલા હોવાથી શારદાબહેન તેમણે મેળવેલા સંસ્કારો વિષે આ પુસ્તકમાં લખ્યું છે કે; “સંયુક્ત કુટુંબના પણ અનેક સારા અંશ છે; જુદા જુદા સ્વભાવના મનુષ્યોના પ્રસંગમાં અવાય છે; સ્વાર્થ ત્યાગવૃતિ કેળવાય છે, બંધુભાવની વૃદ્ધિ થાય છે. અહંમતાથી બચી શકાય છે.”

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "જય જય ગરવી ગુજરાત, દીપે અરુણું પરભાત". દિવ્ય ભાસ્કર. ૩૦ એપ્રિલ ૨૦૧૮. Retrieved ૨ મે ૨૦૧૮. Check date values in: |access-date=, |date= (મદદ)
  2. "પહેલી ગુજરાત રાજકીય પરિષદ — ગોધરા : ૧૯૧૭". ૧૭ નવેમ્બર ૨૦૧૭. Retrieved ૦૧ મે ૨૦૧૮. Check date values in: |accessdate=, |date= (મદદ)
  3. http://www.sahityasetu.co.in/issue24/anita.php સાહિત્યસેતુ ISSN: 2249-2372 વર્ષ-૪, અંક-૬, સળંગ અંક-૨૪, નવેમ્બર-ડિસેમ્બર ૨૦૧૪
  4. "વિદ્યાર્થીનું લોહીલુહાણ- મસ્તક થાળીમાં મૂકી વકીલોને બતાવ્યું". Retrieved ૦૧ મે ૨૦૧૮. Check date values in: |accessdate= (મદદ)

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]