રામપ્રસાદ શુક્લ
રામપ્રસાદ મોહનલાલ શુક્લ | |
---|---|
જન્મ | રતિલાલ મોહનલાલ શુક્લ ૨૨ જૂન ૧૯૦૭ ચુડા ,વઢવાણ રજવાડું |
મૃત્યુ | ૧૪ એપ્રિલ ૧૯૯૬ અમદાવાદ |
રાષ્ટ્રીયતા | ભારતીય |
નોંધપાત્ર પુરસ્કારો | ૧૯૯૩ : ઉશનસ્ પુરસ્કાર, ૧૯૯૧ : ધનજી કાનજી ગાંધી સુવર્ણચંદ્રક |
રામપ્રસાદ મોહનલાલ શુક્લ (૨૨ જૂન ૧૯૦૭ – ૧૪ એપ્રિલ ૧૯૯૬) એ એક ગાંધીયુગના ગુજરાતી કવિ અને વિવેચક હતા.
જીવન
[ફેરફાર કરો]તેમનો જન્મ ૨૨ જૂન ૧૯૦૭ના દિવસે ચુડા ખાતે થયો હતો, તે સમયે ચુડા વઢવાણ રજવાડાનો ભાગ હતો. તેમનું જન્મ સમયનું નામ રતિલાલ હતું. તેમણે પોતાનો પ્રાથમિક અને માધ્યમિક અભ્યાસ જામખંભાળિયામાં કર્યો હતો. ઉચ્ચ શિક્ષણ મેળાવવા તેમણે અમદાવાદની ગુજરાત કૉલેજમાં પ્રવેશ લીધો અને સંસ્કૃત વિષય સાથે તેમણે ૧૯૨૮માં બી.એ. ની પદવી મેળવી હતી. ત્યાર બાદ ઈડર રજવાડામાં શિક્ષક અને પછી નિરીક્ષક તરીકે કાર્ય કર્યું હતું. ૧૯૪૪માં તેમણે ગુજરાતી મુખ્ય વિષય સાથે એમ.એ.ની પદવી પણ મેળવી અને સી. એન. વિદ્યાલયમાં શિક્ષક તરીકે જોડાયા હતા. ત્યાર બાદ તેમણે અમદાવાદની એલ. ડી. આર્ટ્સ કૉલેજમાં ગુજરાતી વિભાગના અધ્યક્ષ તરીકે લગભગ સત્તરેક વર્ષ સુધી સેવા આપી હતી. તેમણે અમદાવાદની મહિલા કૉલેજમાં આચાર્ય તરીકે પણ લાંબા સમય કાર્ય કર્યું હતું. સાહિત્ય ઉપરાંત પુરાતત્ત્વ, વિજ્ઞાન, ભૂગોળ, ખગોળ, અધ્યાત્મ જેવા વિવિધ વિષયો પણ તેમના રસના વિષય હતા. ઉમાશંકર જોશી અને સુંદરમ્ તેમના ખૂબજ સારા મિત્રો હતા, આઝાદીની લડતના સમયે તેઓ કુમાર સામાયિકના કાર્યાલય પર રાતવાસો કરી પોતાની કવિતાઓ પર ચર્ચા કરતા.[૧] તેમની મિત્રતા પર ઉમાશંકરે ત્રિઉર નામનું કાવ્ય રચ્યું હતું. ૧૪ એપ્રિલ ૧૯૯૬ના દિવસે અમદાવાદ મુકામે તેમનું અવસાન થયું.[૨]
લેખન
[ફેરફાર કરો]તેમણે ગઝલો, ગીત, ભજન, ગરબી, રાસ, મુક્તક, દુહા અને કેટલીક દીર્ઘરચનાઓ જેવી ઘણા પ્રકારની કવિતાઓ લખી પણ સૉનેટ પ્રકારની કવિતાઓ ઉપર તેમનું વિશેષ પ્રભુત્વ હતું. નિરંજન ભગત તેમની કવિતાઓને બુદ્ધિપૂત ઊર્મિની કવિતા કહેતા. કવિતા ઉપરાંત તેમણે પ્રવાસવર્ણનો અને વિવેચનો પણ લખ્યા છે. ગુજરાત સાહિત્ય સભા તરફથી પ્રગટ થતી વાર્ષિક ગ્રંથસમીક્ષાઓમાં તેમની રચનાઓની નોંધ લેવામાં આવી હતી.[૨]
કાવ્ય સંગ્રહ
[ફેરફાર કરો]અન્ય
[ફેરફાર કરો]- સરિતાઓના સાન્નિધ્યમાં (નિબંધ સંગ્રહ - ૧૯૯૩)[૨]
- આપણું સાહિત્ય (સાહિત્યના ઇતિહાસલેખન)[૨]
- સાહિત્ય સ્વાધ્યાય [૩]
બિન્દુ એ તેમનો પ્રથમ કાવ્ય સંગ્રહ હતો, તેમાં તેમના ૬૦ સૉનેટ છાપવામાં આવ્યા હતા. બિન્દુના પ્રકાશન બાદ લાંબા અંતરાલ પછી ઈ. સ. ૧૯૯૩માં સમય નજરાયો નામે તેમનો એક અન્ય કાવ્ય સંગ્રહ પ્રસિદ્ધ થયો. તેમણે કુમાર સામાયિકમાં નદીઓની પદયાત્રા શીર્ષક હેઠળ લેખમાળા લખી હતી આ લેખમાળા ૧૯૯૩માં સરિતાઓના સાન્નિધ્યમાં નામે પુસ્તક સ્વરૂપે છાપવામાં આવી હતી. આ નિબંધોમાં સૌરાષ્ટ્રની નદીઓનાં પ્રકૃતિ સૌંદર્યો વર્ણવવામાં આવ્યા છે આ સાથે તેમાં નદીઓ સંબંધિત ભૌગોલિક, ઐતિહાસિક અને પુરાતાત્ત્વિક માહિતી પણ ઉમેરવામાં આવી છે. સમૂળી ક્રાંતિ, વસંતવિલાસ, ન્હાનાલાલનાં ઊર્મિકાવ્યો જેવાં તેમના અભ્યાસલેખો હજી પ્રકાશિત થયા નથી. તેમણે મૃચ્છકટિક, સંસ્કૃત નાટ્ય-સાહિત્ય, વેદાન્ત વિચારધારા, વિવેચન-સહૃદયતાની કેળવણી જેવા મનનીય લેખો સામાયિકોમાં લખ્યા હતા.[૨]
સન્માન
[ફેરફાર કરો]સમય નજરાયો પુસ્તકને ગુજરાત સાહિત્ય અકાદમીનું પ્રથમ પારિતોષિક મળ્યું હતું. ૧૯૯૦–૯૧માં ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા આપવામાં આવતો ઉશનસ્ સાહિત્યિક પુરસ્કાર પણ આ પુસ્તકને મળ્યો હતો.[૪] ગુજરાત સાહિત્ય સભાએ તેમને ધનજી કાનજી ગાંધી સુવર્ણચંદ્રક એનાયત કર્યો હતો.[૨]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Budh Sabha | owlapps". www.owlapps.net. મૂળ માંથી 2021-10-05 પર સંગ્રહિત. મેળવેલ 2021-10-05.
- ↑ ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ ૨.૪ ૨.૫ ૨.૬ ૨.૭ "શુક્લ, રામપ્રસાદ મોહનલાલ – Gujarati Vishwakosh – ગુજરાતી વિશ્વકોશ" (અંગ્રેજીમાં). મેળવેલ 2021-10-05.
- ↑ "SAHITYA SVADHYAY: Buy SAHITYA SVADHYAY by RAMPRASAD SHUKLA at Low Price in India". Flipkart.com (અંગ્રેજીમાં). મૂળ માંથી 2021-10-05 પર સંગ્રહિત. મેળવેલ 2021-10-05.
- ↑ "Ushnas Prize - Wikiwand". www.wikiwand.com. મેળવેલ 2021-10-05.