લખાણ પર જાઓ

સ્વામી ભારતીકૃષ્ણ તીર્થ

વિકિપીડિયામાંથી

'જગદગુરુ શંકરાચાર્ય સ્વામી ભારતીકૃષ્ણ તીર્થ અથવા સ્વામી ભારતીકૃષ્ણ તીર્થ કે જગદગુરુ સ્વામી ભારતીકૃષ્ણ તીર્થ ( ૧૪મી માર્ચ, ૧૮૮૪ - બીજી ફેબ્રુઆરી, ૧૯૬૦) પહેલા દ્વારકા મઠ અને પછી પુરી મઠના શંકરાચાર્ય હતા. શાસ્ત્રોક્ત અષ્ટાદશ વિદ્યાઓના જ્ઞાતા, અનેક ભાષાઓના પ્રખર પંડિત તથા દર્શનના અધ્યેતા પુરીના શંકરાચાર્ય સ્વામી ભારતીકૃષ્ણ તીર્થ મહારાજ વૈદિક ગણિતની શોધ માટે જાણીતા છે.[] તેઓ એક એવા અનોખા ધર્માચાર્ય હતા કે જેમણે શિક્ષણના પ્રસારથી લઇને સ્વદેશી, સ્વાધીનતા તથા સામાજિક ક્રાંતિમાં અનોખું યોગદાન કરી સમસ્ત સંસારમાં ખ્યાતિ મેળવી હતી.

૧૪મી માર્ચ ૧૮૮૪ના દિવસે તિરુન્નિવલ્લી ખાતે ડેપ્યુટી કલેક્ટર પી. નૃસિંહ શાસ્ત્રીના ઘરે પુત્રના રૂપમાં જન્મેલા વેંકટરમણ જન્મજાત અસાધારણ પ્રતિભાના સ્વામી હતા. એમણે ઇ. સ. ૧૯૦૪ના વર્ષમાં એકી સાથે સાત વિષયોમાં એમ.એ. સુધીનું શિક્ષણ પૂર્ણ કર્યું હતું. સાહિત્ય, ભૂગોળ, ઇતિહાસ, સંગીત, ગણિત, જ્યોતિષ જેવા વિષયોમાં એમની અત્યંત ઊંડી પકડ હતી.

જે દિવસોમાં તેઓ વડોદરાની કોલેજમાં વિજ્ઞાન તથા ગણિત વિષયોના પ્રાધ્યાપક હતા, ત્યારે એ જ કૉલેજમાં મહર્ષિ અરવિંદ દર્શનશાસ્ત્ર વિષયનું અધ્યાપન કરતા હતા. તેઓ બંન્ને એકબીજાના સંપર્કમાં આવ્યા તથા રાષ્ટ્રીય ચેતના જાગૃત કરી દેશને સ્વાધીન કરાવવાને માટેની યોજના બનાવવા લાગ્યા. ઇ. સ. ૧૯૦૫ના વર્ષમાં બંગાળમાં સ્વદેશી આંદોલને જોર પકડ્યું હતું. વેંકટરમણ શાસ્ત્રી તથા મહર્ષિ અરવિંદ બંન્નેએ કલકત્તા પહોંચીને એમણે આ ચળવળને ગતિ પ્રદાન કરી. એમના ઓજસ્વી તથા તર્કપૂર્ણ ભાષણોના કારણે બંગાળનું પ્રશાસન કાંપી ઉઠ્યું હતું. વેંકટરમણ શાસ્ત્રીની રુચિ આધ્યાત્મ તરફ વધતી ગઇ તથા એમણે શૃંગેરીના મઠના જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સચ્ચિદાનંદ શિવાભિનવ નૃસિંહ સરસ્વતીજી મહારાજના સાનિધ્યમાં કઠોર યોગ સાધના આદરી. ગોવર્ધનપીઠ, પુરીના શંકરાચાર્ય સ્વામી મધુસૂદન તીર્થે એમને સંન્યાસ દીક્ષા આપીને વેંકટરમણ નામ બદલીને સ્વામી ભારતી કૃષ્ણતીર્થ એવું નામકરણ કર્યું.

ઇ. સ. ૧૯૨૧માં એમને શંકરાચાર્ય પદ પર અભિષિક્ત કરવામાં આવ્યા. એ જ વર્ષમાં એમને અખિલ ભારતીય કોંગ્રેસ મહાસમિતિની કાર્યકારિણીના સદસ્ય તરીકે પણ જાહેર કરવામાં આવ્યા હતા. આ દિવસોમાં સ્વામીજીએ રાજધર્મ ઔર પ્રજાધર્મ વિષય પર એક ભાષણ આપ્યું, જેને સરકારે પ્રજાને રાજદ્રોહ માટે ભડકાવવાના અપરાધ હેઠળ એમને ગિરફ્તાર કરી કરાંચીની જેલમાં બંધ કરી દિધા હતા. ત્યારબાદ સ્વામીજી કોંગ્રેસના ચર્ચિત અલી બંધુઓની સાથે બિહારની જેલમાં પણ રહ્યા હતા.

કારાગારના એકાંતવાસમાં જ સ્વામીજીએ અથર્વવેદનાં સોળ સૂત્રો આધાર તરીકે લઇ તેના પર ગણિત વિષયક અનેક પ્રવૃત્તિઓનું સમાધાન તથા અનુસંધાન મેળવવાનું કાર્ય કર્યું. તેઓ બીજગણિત, ત્રિકોણમિતિ આદિ ગણિતશાસ્ત્રની જટિલ ઉપપ્રશાખાઓનું સમાધાન વેદમાં શોધવામાં સફળ રહ્યા. જેલમાંથી બહાર આવ્યા બાદ એમણે અનેક વિશ્વવવિદ્યાલયોમાં ગણિત પર વ્યાખ્યાન આપ્યાં. થોડા જ સમયમાં દેશ - વિદેશમાં એમના શોધકાર્યની ચર્ચા થવા લાગી હતી.

સ્વામીજીએ અંગ્રેજી ભાષામાં લગભગ પાંચ હજાર પૃષ્ઠો ધરાવતો એક બૃહદ ગ્રંથ ‘વંડર્સ ઑફ વૈદિક મૈથેમેટિક્સ’ લખ્યો હતો. સ્વામીજીના આ ગ્રંથનું વૈદિક ગણિત એવા નામથી હિંદી અનુવાદ પણ કરવામાં આવ્યો છે. સ્વામીજીએ વૈદિક ગણિત સિવાય બ્રહ્માસૂત્ર ભાષ્યમ, ધર્મ વિધાન તથા અન્ય અનેક ગ્રંથોનું પણ સર્જન કર્યું હતું. બ્રહ્માસૂત્રના ત્રણ ખંડોનું પ્રકાશન કલકત્તા વિશ્વવિદ્યાલય તરફથી કરવામાં આવ્યું હતુ. ઇ. સ. ૧૯૫૩ના વર્ષમાં એમણે વિશ્વપુનર્નિર્માણ સંઘની સ્થાપના કરી હતી. એમનો મત એવો હતો કે આધ્યાત્મિક મૂલ્યોના માધ્યમ દ્વારા જ વિશ્વશાંતિ સ્થાપિત કરી શકાશે.

સ્વામી ભારતી કૃષ્ણતીર્થ આદિ શંકરાચાર્યજી દ્વારા સ્થાપિત મઠોના શંકરાચાર્યની શૃંખલામાં એક એવા અનોખા ધર્માચાર્ય હતા, જેમના વ્યક્તિત્વમાં બહુમુખી પ્રતિભા તથા વિભિન્ન વિધાઓનો અનુપમ સંગમ થયો હતો. અનોખા જ્ઞાનથી પરિપૂર્ણ હોવા છતાં તેઓ પરમ વિરક્ત તથા પરમહંસ કોટિના સંન્યાસી હતા. તેઓ અસ્વસ્થ થયા ત્યારે એમના ભક્તોની ઇચ્છા હતી કે એમને અમેરિકા લઇ જઇ ત્યાં એમની ચિકિત્સા કરાવવી. એમણે ૨જી (બીજી) ફેબ્રુઆરી ૧૯૬૦ના દિવસે નિર્વાણ પ્રાપ્ત કર્યું તેના એક સપ્તાહ પૂર્વે જ કહી દિધું હતું કે સંન્યાસીએ નશ્વર શરીરની ચિંતા નહીં કરવી જોઇએ, જ્યારે ભગવાનનું તેડું આવે તેણે પરલોક ગમન કરવા માટે તૈયાર રહેવું જોઇએ.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "Understanding ancient Indian mathematics". The Hindu. India. 26 December 2011.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]