હીરવિજયસૂરી

વિકિપીડિયામાંથી
હીરવિજયસૂરી
અંગત
જન્મ૧૫૨૬
મૃત્યુ1595 (aged 68–69)
ધર્મજૈન ધર્મ
પંથશ્વેતાંબર

હીરવિજયસૂરી (૧૫૨૬–૧૫૯૫) અથવા મુનિ હિરવિજયજીજૈન શ્વેતાંબર પરંપરાના તપ ગચ્છ સમુદાયના સર્વોચ્ચ ધર્મગુરુ હતા. તેઓ મોગલ બાદશાહ અકબરને જૈન દર્શનની રજૂઆત કરવા અને શાકાહાર તરફ વાળવા માટે જાણીતા છે.

પ્રારંભિક જીવન અને સાધુપર્યાય[ફેરફાર કરો]

હીરવિજયનો જન્મ ગુજરાતના પાલનપુરમાં એક જૈન ઓશવાળ પરિવારમાં ૧૫૨૭ માં થયો હતો.[૧] જ્યારે તે હજી બાળક હતા ત્યારે તેમના માતાપિતા મૃત્યુ પામ્યા અને તેમની બે મોટી બહેનો દ્વારા તેમને ઉછેરવામાં આવ્યા હતા. તેઓ ૧૩ વર્ષની વયે ૧૫૪૦માં જૈન સાધુ, વિજયદાન સૂરીના શિષ્ય બન્યા, અને તેમને એક નવું નામ હીરહર્ષ આપવામાં આવ્યું. વધુ શિક્ષણ માટે તેમને તે દિવસોના સંસ્કૃત શિક્ષણના કેન્દ્ર - દેવગિરિ લઈ જવામાં આવ્યા. તેમણે ક્રમશ: ૧૫૫૦ માં "પંડિત", ૧૫૫૪માં ઉપાધ્યાય અને ૧૫૫૩માં "સૂરી"ની પદવીઓ મેળવી. આ છેલ્લું બિરુદ તેમણે સિરોહી ખાતે મેળવ્યું. આથી આગળ તેઓ હીરવિજય સૂરી તરીકે જાણીતા બન્યા. ૧૫૫૬ માં જ્યારે તેમના ગુરુનું અવસાન થયું, ત્યારે ગુજરાતના શ્વેતાંબર તપ ગચ્છ સમુદાયે તેમને આચાર્ય (મંડળના વડા) તરીકે પસંદ કર્યા. તે સમયે તેમની નીચે લગભગ ૨ હજાર વિદ્યાર્થીઓનો મોટો સમુદાય અભ્યાસ કરતો હતો. [૨]

અકબર પર પ્રભાવ[ફેરફાર કરો]

૧૫૮૨ માં સમ્રાટ અકબરે હીરવિજયને જૈન ધર્મના સિદ્ધાંતો સમજાવવા આમંત્રણ આપ્યું.[૩] તેમણે પહેલા અબુલ ફઝલ અને બાદમાં અકબર સાથે ધર્મ અને દર્શનના વિવિધ પાસાઓની ચર્ચા કરી. સમ્રાટ હીરવિજયથી એટલા પ્રભાવિત થઇ ગયા કે તેમણે તેમને જગદ્‌ગુરુ શીર્ષકથી નવાજ્યા હતા.[૨] [૪] જૈન સાધુ દ્વારા ઉપદેશિત અહિંસાના ધર્મથી અકબર એટલો પ્રભાવિત થયો કે તે મોટાભાગના દિવસોમાં શાકાહારી રહેતો, પ્રાણીઓ અને પક્ષીઓની કતલ પર તેણે પ્રતિબંધ મૂક્યો, કેદીઓને છૂટા કર્યા અને માછીમારી અને શિકાર છોડી દીધા, જે તેની પ્રિય મનોરંજન ક્રીડા હતી.[૫][૬] હીરવિજયે નોંધ્યું છે કે તેમણે અકબરને કહ્યું: "માણસનું પેટ પ્રાણીઓની કબર કેવી રીતે હોઈ શકે?" જૈન ધર્મ પ્રત્યેના આદરથી, અકબરે પર્યુષણ અને મહાવીર જન્મ કલ્યાણક (મહાવીરનો જન્મદિવસ) જેવા જૈન તહેવારો દરમિયાન પ્રાણીઓની હત્યા પર પ્રતિબંધ મુકતું ફરમાન (શાહી હુકમનામું) જાહેર કર્યું. તેણે પાલિતાણા જેવા જૈન તીર્થ સ્થળોએથી જઝિયા કર હટાવ્યો. આ ઉપરાંત, તેમણે ગુજરાતમાં છ મહિના સુધી પશુઓની કતલ પર પ્રતિબંધ, મૃત વ્યક્તિઓની સંપત્તિ જપ્ત કરવાનો કાયદો અને સુજીજા કર (જઝિયા) અને સુલકા (સંભવત: તીર્થયાત્રાળુઓ પરનો કર) નાબૂદ કરવા માટે પણ ફરમાન જારી કર્યા હતા.[૭]

ભારતવિદ્ અને અકબરનું જીવનચરિત્ર લખનાર, વિન્સેન્ટ સ્મિથ નોંધે છે: "માંસનો સંપૂર્ણ ત્યાગ કરવા અને તે માટે કડક નિષેધ જાહેર કરવા, અશોકની જેમ પ્રાણીજીવની હત્યા માટે સાંકડી મર્યાદા રાખવાના ફરમાનો કરવામાં ચોક્કસપણે તેમના જૈન માર્ગદર્શકોનો હાથ હતો" [૫] અકબરે જૈન વિચારધારા માં એટલો રસ દાખવ્યો કે તેણે હીરવિજયને વારંવાર એક પછી એક પોતાનો વિહાર કાર્યક્રમ મોકલવાની વિનંતી કરી.[૮] બાદશાહની વિનંતીથી તેમણે પોતાના તેજસ્વી શિષ્ય શાંતિચંદ્રને સમ્રાટ પાસે મૂક્યા, જેમણે તેમના શિષ્યો ભાનુચંદ્ર અને સિદ્ધિચંદ્રને રાજદરબારમાં મૂક્યા. અકબરે હીરવિજયના અનુગામી વિજયસેનને ફરીથી તેના દરબારમાં આમંત્રિત કર્યા, જેણે ૧૫૯૩ અને ૧૫૯૪ વચ્ચે તેમની મુલાકાત લીધી હતી.

સાહિત્યમાં ઉલ્લેખ[ફેરફાર કરો]

આઈ-ન-એ-અકબારીમાં, અબુલ ફઝલ અકબરના સમયમાં ૧૪૦ પ્રભાવશાળી વિદ્વાન વ્યક્તિઓની સૂચિ આપે છે. આમાંથી, તે ૨૧ વ્યક્તિઓને "બંને વિશ્વના રહસ્યો સમજનાર" તરીકે ઉચ્ચ વર્ગમાં સ્થાન આપે છે. તેણે હીરવિજય સુરીને મોગલ સામ્રાજ્યના એકવીસ સૌથી વિદ્વાન વ્યક્તિઓની સૂચિમાં સ્થાન આપ્યું છે.[૧] તેમના પ્રખર શિષ્યો દેવવિમલ ગણીએ હીરા સૌભાગ્ય કાવ્યની રચના કરી હતી અને બીજા શિષ્ય પદ્મસાગરે તેમના માનમાં જગત્‌ગુરુ કાવ્યની રચના કરી હતી. સંસ્કૃતમાં લખાયેલી બંને કવિતાઓની રચનાઓ ૧૫૯૦માં કરવામાં આવી હતી.[૨]

સંદર્ભ[ફેરફાર કરો]

 1. ૧.૦ ૧.૧ Roy, A. K. (1984) p. 140
 2. ૨.૦ ૨.૧ ૨.૨ Mehta, Shirin (1992) p. 55
 3. Bakshi, S. R. (2005) p. 200
 4. Sharma, S. R. (1999) p. 292
 5. ૫.૦ ૫.૧ Jaini, Padmanabh (1998) p. 284
 6. Mehta, Shirin (1992) pp. 58-59
 7. Vashi, Ashish (2009-11-23). "Ahmedabad turned Akbar veggie". The Times of India. મૂળ માંથી 2012-10-25 પર સંગ્રહિત. મેળવેલ 2009-11-23. સંગ્રહિત ૨૦૧૨-૧૦-૨૫ ના રોજ વેબેક મશિન
 8. Mehta, Shirin (1992) p. 56

ગ્રંથસૂચિ[ફેરફાર કરો]

 • Bakshi, S. R. (2005), Early Aryans to Swaraj, Sarup & Sons, ISBN 81-7625-537-8 
 • Jaini, Padmanabh (1998), The Jaina Path of Purification, Motilal Banarsidass, ISBN 81-208-1578-5 
 • Mehta, Shirin, Akbar as Reflected in the Contemporary Jain Literature in Gujarat 
 • Roy, Ashim Kumar (1984), A history of the Jainas, Gitanjali Pub. House 
 • Sharma, S. R. (1999), Mughal Empire In India : (A Systematic Study Including Source Material), Vol. 1, Revised Ed, Atlantic Publishers & Distributors, ISBN 81-7156-817-3