દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય એ કચ્છના અખાતમાં આવેલો એક જૈવિક વિવિધતા માટેનો સુરક્ષિત વિસ્તાર છે જે કચ્છના અખાતના દક્ષિણ છેડે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલું છે. આ સુરક્ષિત વિસ્તારને રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય એમ બંનેનો દરજ્જો મળ્યો છે. ૧૯૯૦માં, ઓખાથી લઈને જોડીયા સુધી ના ૨૭૦ ચો કિમી ક્ષેત્રને દરિયાઈ અભયારણ્ય જાહેર કરાયું. તે પહેલાં, ૧૯૮૨માં, ૧૧૦ ચો કિમી કેન્દ્રીય ક્ષેત્રને વન્યજીવ (સંરક્ષણ) કાયદા અંતર્ગત આરક્ષિત ક્ષેત્ર જાહેર કરાયું હતું. આ ભારતનું સર્વ પ્રથમ દરિયાઈ ઉદ્યાન છે. આ દરિયાઈ ઉદ્યાનમાં જામનગર કિનારે ૩૦ થી ૪૦ ટાપુઓ છે જે કરાડ દ્વારા ઘેરાયેલ છે. આમાંથી સૌથી પ્રખ્યાત ટાપુ પીરોટન છે.[૧] અહીંની પ્રાણી સૃષ્ટિમાં પરવાળા, ડ્યૂગોંગ અને પક્ષરહીત પોર્પસનો સમાવેશ થાય છે.
આ રાષ્ટ્રીય ઉદ્યાન અત્યંત નાજુક પર્યાવરણ ધરાવે છે. હાલના વર્ષોમાં આ ઉદ્યાનની જીવ વિવિધતા ઘણા પડકારોનો સામનો કરી રહી છે જેમ કે, પરવાળાનું નિરંતર ક્ષપણ, સિમેંટ ઉદ્યોગ દ્વારા ઠલવાતી રેતી, પાણીમાં વધતી જતી ડહોળાઈ, તેલ શુદ્ધીકરણ કારખાનાં, રસાયણ ઉદ્યોગ અને યાંત્રિક માછીમારી.[૧]