લખાણ પર જાઓ

રવિશંકર વ્યાસ

વિકિપીડિયામાંથી
(રવિશંકર મહારાજ થી અહીં વાળેલું)

રવિશંકર વ્યાસ
જન્મની વિગત૨૫ ફેબ્રુઆરી, ૧૮૮૪
(વિ.સં. ૧૯૪૦, મહા વદ ચૌદશ (મહા શિવરાત્રિ))
રઢુ, ખેડા જિલ્લો
(બ્રિટિશ રાજ સમયનું માતર તાલુકાનું ગામ)
મૃત્યુની વિગત૧ જુલાઇ, ૧૯૮૪
બોરસદ
રહેઠાણસરસવણી
રાષ્ટ્રીયતાભારતીય
હુલામણું નામરવિશંકર મહારાજ, કરોડપતિ ભિખારી, મુઠ્ઠી ઊંચેરો માનવી, ગુજરાતના બીજા ગાંધી, મૂક સેવક વગેરે
અભ્યાસપ્રાથમિક - છ ધોરણ
ક્ષેત્રસમાજ સેવા, સ્વતંત્રતા સેનાની
વતનસરસવણી
રાજકીય પક્ષભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
જીવનસાથીસૂરજબા
માતા-પિતાનાથીબા, પિતાંબર શિવરામ વ્યાસ
હસ્તાક્ષર

રવિશંકર વ્યાસ (૧૮૮૪–૧૯૮૪) એ ગુજરાતના ભારતીય સ્વાતંત્ર્ય સેનાની અને સમાજ સુધારક હતાં. તેમના સમાજપયોગી કાર્યોને કારણે તેઓ પૂજ્ય રવિશંકર મહારાજ તરીકે ઓળખાયા. તેઓ મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલના શરૂઆતી કાળના અંતેવાસી હતાં. ૧૯૨૦ અને ૧૯૩૦ ના દશકમાં તેમણે નરહરી પરીખ અને મોહનલાલ પંડ્યા જેવા સહયોગીઓ સાથે મળીને ગુજરાતમાં ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામનું આયોજન કર્યું હતું.

રવિશંકર વ્યાસનો જન્મ ૨૫ ફેબ્રુઆરી ૧૮૮૪ (વિક્રમ સંવત ૧૯૪૦ની મહા વદ ચૌદશના રોજ ખેડા જિલ્લાનાં રઢુ ગામમાં ઔદિચ્ય (ટોળકીયા) બ્રાહ્મણ કુટુંબમાં પિતાંબર શિવરામ વ્યાસ અને નાથીબાને ત્યાં થયો હતો. તેમના કુટુંબનું વતન મહેમદાવાદ નજીકના સરસવણી હતું. છઠ્ઠા ધોરણનું શિક્ષણ મેળવ્યા પછી તેમણે તેમના પિતાને ખેતીમાં મદદ કરવા માટે અભ્યાસ અધૂરો મૂક્યો હતો.[][] તેમના લગ્ન સુરજબા સાથે થયા હતા. તેઓ જ્યારે ૧૯ વર્ષના હતા ત્યારે તેમના પિતા અને ૨૨ વર્ષના થયા ત્યારે તેમની માતાનું અવસાન થયું હતું.[]

તેઓએ આજીવન સમાજસેવામાં પોતાનું જીવન સમર્પિત કરી દીધું. સતત ચાલતા રહેલા સાચા સંત, મુઠ્ઠી ઊંચેરો માનવી, કરોડપતિ ભિખારી, ગુજરાતના બીજા ગાંધી, મૂક સેવક વગેરે ઉપનામોથી તેમને નવાજવામાં આવ્યા છે.

નાની ઉંમરથી જ ગાંધીજીના પ્રભાવમાં આવી તેઓ દેશ અને સમાજ સેવામાં જોડાયા. વિનોબા ભાવેની ભુદાન અને સર્વોદય યોજનાઓમાં પાયાનું કામ કર્યું અને એ ઉપરાંત પાટણવાડીયા, બારૈયા કોમો અને બહારવટીયાઓને સુધારવાનું કામ જાનના જોખમે કર્યું હતું.

૧૯૨૦માં પગરખાં ચોરાયા ત્યારથી પગરખાંનો ત્યાગ કર્યો હતો. તે જ વર્ષે સુણાવમાં રાષ્ટ્રીય શાળાની સ્થાપના કરી, આચાર્યથી માંડી પટાવાળા સુધીની ફરજ બજાવતા. તે પછીના વર્ષે મકાન અને જમીન વેચીને રાષ્ટ્રસેવામાં આપવા પત્ની સંમત ન થતાં મિલકત પરના બધા હક છોડી જીવન દેશને સમર્પિત કરી દીધું. ૧૯૨૩માં બોરસદ સત્યાગ્રહ, હૈડીયા વેરા નહીં ભરવાની ગામે ગામ ઝુંબેશ શરૂ કરી. ભારત છોડો ચળવળમાં ભાગ અને અમદાવાદમાં કોમી હુલ્લડોમાં રચનાત્મક ભાગ ભજવ્યો હતો. જેલવાસ દરમ્યાન જેલમાં ગામઠી ગીતા સમજાવતા, આઝાદી મળ્યા બાદ સમાજ સુધારણાના કામોમાં કાર્યરત થઈ ગયા. ૧૯૫૫થી ૧૯૫૮ ના ત્રણ વર્ષ દરમ્યાન ૭૧ વર્ષની ઉંમરે ભૂદાન માટે ૬,૦૦૦ કિલોમીટર ચાલ્યા હતા. આખી જિંદગી જમવામાં માત્ર એક જ ટંક ભોજન લેતા અને તે પણ માત્ર લુખ્ખી ખીચડી. પોતાને માટે રૂપીયો પણ ન વાપરનાર આ વ્યક્તિએ કરોડો રૂપીયા અને કિંમતી જમીનોના દાન મેળવ્યા હતા અને તે કારણે જ 'કરોડપતિ ભિખારી' જેવું ઉપનામ પણ તેમને મળ્યું.

૧ જુલાઇ ૧૯૮૪ના દિવસે ૧૦૦ વર્ષની ઉંમરે બોરસદ ખાતે તેમનું અવસાન થયું.

સન્માન

[ફેરફાર કરો]

ભારત સરકારે તેમના માનમાં ૧૯૮૪માં ટપાલ ટિકિટ બહાર પાડી હતી. વિકસતી જાતિ કલ્યાણ ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન ­દાન કરનાર વ્યક્તિને સામાજીક કાર્ય માટે ૧ લાખનો રવિશંકર મહારાજ પુરસ્કાર ગુજરાત સરકારના સમાજ કલ્યાણ વિભાગ દ્વારા તેમના સન્માનમાં અપાય છે.[]

સાહિત્યમાં

[ફેરફાર કરો]

રવિશંકર મહારાજના સમાજ સુધારણા કાર્ય પર ગુજરાતી લેખક ઝવેરચંદ મેઘાણીએ માણસાઈના દીવા નામની નવલકથા લખી હતી[][], જેને ગુજરાતી વાચકોએ ખૂબ પસંદ કરી હતી. પન્નાલાલ પટેલે પણ તેમના જીવન પર જેને જીવી જાણ્યું (૧૯૮૪) નવલકથા લખી છે.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. Lal (૧૯૯૨). Encyclopaedia of Indian Literature: Sasay to Zorgot. Sahitya Akademi. પૃષ્ઠ ૪૬૦૭–૪૬૦૮. ISBN 978-81-260-1221-3.
  2. M. V. Kamath (૧૯૯૬). Milkman from Anand: the story of Verghese Kurien. Konark Publishers. પૃષ્ઠ ૨૪.
  3. "પ.પૂ.રવિશંકર મહારાજ". WebGurjari. ૧ મે ૨૦૧૪. મૂળ માંથી 2017-05-11 પર સંગ્રહિત. મેળવેલ ૨૪ ડિસેમ્બર ૨૦૧૬.
  4. Justice, Department of Social. "બીસીકે-૨૯૯ : પૂ. રવિશંકર મહારાજ એવોર્ડ". Department of Social Justice, Government of Gujarat. મૂળ માંથી 2016-12-24 પર સંગ્રહિત. મેળવેલ ૨૪ ડિસેમ્બર ૨૦૧૬.
  5. "Jhaverchand Meghani". મૂળ માંથી 2012-02-27 પર સંગ્રહિત. મેળવેલ ૬ માર્ચ ૨૦૧૬.
  6. Nalini Natarajan; Emmanuel Sampath Nelson (૧૯૯૬). Handbook of Twentieth-century Literatures of India. Greenwood Publishing Group. પૃષ્ઠ ૧૧૪. ISBN 978-0-313-28778-7.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]