ઇમામુદ્દીન મુર્તુઝાખાન બાબી

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

ઇમામુદ્દીન મુર્તુઝાખાન બાબી (ઉપનામ: રૂસવા) આઝાદી પહેલા જુનાગઢ જિલ્લાનાં પાજોદ ગામના દરબાર હતા. તેમનો જન્મ ૧૧ ડિસેમ્બર ૧૯૧૫ના રોજ પાજોદમાં થયો હતો.

જીવન[ફેરફાર કરો]

ઇમામુદ્દીનનાં બાળપણમાં જ તેઓનાં માતા-પિતાનું અવસાન થતાં તેમનો ઉછેર મામા અહમદમિયાંએ કર્યો. તેઓનાં ચરિત્ર ઘડતરમાં મામા અને રાજકુમાર કોલેજના મેજર હાર્વે અને તેમનાં પત્નીનો મોટો ફાળો હતો. યુવાનીમાં પ્રવેશતાં તેઓ આદર્શ જાગીરદાર થવું, ઉત્તમ શાયર થવું, ધર્મ અને અંધશ્રધ્ધાની દિવાલ તોડવી, વિગેરે જેવા આદર્શો કેળવતા થયાં અને ખેલકુદમાં પણ પાછા ન પડતાં તેમણે અભ્યાસકાળ દરમ્યાન રાજકોટમાં ‘પાજોદ પેન્થર્સ’ નામે હોકીની ટીમ બનાવી.

આઝાદી પૂર્વે તેઓ પાજોદ ગામના દરબાર હતા. ગુજરાતી ગઝલકાર અમૃત ઘાયલ ઇ.સ. ૧૯૩૯ થી ઇ.સ. ૧૯૪૯ દરમ્યાન એમના રહસ્યમંત્રી રહી ચુક્યા હતા. યુવાન થતાં તેઓ પાજોદમાં શાયરી, સંગીત, વોલીબોલ, ઘોડેસ્વારી અને શિકારમાં ચકચૂર થયાં. ભારતને સ્વતંત્રતા મળ્યા બાદ કાઠીયાવાડના નવાબો પાકિસ્તાનમાં જોડાવાના સ્વપ્ના સેવતા હતા ત્યારે ભારત સંઘમાં જોડાવા હસ્તાક્ષર કરી આપનાર તેઓ પહેલા નવાબ હતા. મુસલમાનને ઘેર ન ખાનાર હિંદુને ઘેર જમવા ગયા ત્યારે તેમના એક મંત્રી ન જમ્યા તે માટે તેમને નોકરીમાંથી રૂખસદ આપીને તેમણે ધર્મ નિરપેક્ષતાનું ઉત્તમ ઉદાહરણ સ્થાપિત કર્યું, એટલું જ નહી, તે કાળમાં પાજોદમાં વૈષ્ણવ સંપ્રદાયના ઉત્સવોમાં કોઇ છોછ વગર ભાગ લેતા અને યથાશક્તિ મદદ પણ કરતા. પ્રજા સહિષ્ણુ પણ એટલા જ હતાં, જ્યારે દૂર બહારગામ જવાનું થાય ત્યારે કોઇને કોઇ ઘેર જમવા જતા અને તેને બક્ષીસ આપી પાઘડી પહેરાવતા.

પાછલું જીવન[ફેરફાર કરો]

દરબારપણું ગયા બાદ માંગરોળ, સુરત, મુંબઇ, વિગેરે ઘણી જગ્યાઓએ રહ્યા અને ઘણા સંઘર્ષો વેઠ્યા, ઘ્ણી નોકરીઓ પણ કરી. પણ શાયરી સાથે મુહબ્બત ટકાવી રાખી.

તેમનું અવસાન ૧૪ ફેબ્રુઆરી, ૨૦૦૮ના રોજ થયું હતું.

યોગદાન[ફેરફાર કરો]

પાજોદમાં ગુર્જરી ગઝલશાળાની આધારશિલા સ્થાપી એમાંથી પ્રગટેલા બે રત્નો, ‘શૂન્ય’ પાલનપુરી અને અમૃત ‘ઘાયલ’ આધુનિક સમયનાં ખુર ગુજરાતી ગઝલકારો છે. તેઓએ જુનાગઢમાં ‘મિલન’ સાહિત્યની સંસ્થાની પણ સ્થાપના કરી હતી. તેમના પૂજ્ય ધાર્મિક સંત મઝલૂમ શાહની યાદમાં ઉપનામમાં ‘મઝલૂમી’ ઉમેરે છે.

રચનાઓ[ફેરફાર કરો]

  • ઉર્દૂ ગઝલો - મીના, તિરનગી
  • ગુજરાતી ગઝલો - મદિરા
  • ગદ્ય કાવ્ય - ઢળતા મિનારા
  • અનુભૂતિ આધારિત નવલિકા - સ્મ્રુતિ બિંબ, સ્મૃતિબિંબ, તિકડમ, સૂકાં ફૂલ બોરસલ્લીનાં, કૌતુક, આંખોની પાંખે, હૃદયના રંગની વાતો
  • ચરિત્ર - આવી પહોંચી ઘાયલની સવારી, સાથે રહ્યાનું સુખ (ઘાયલ વિશે), તમારા પ્રતાપે બધા ઓળખે છે (શૂન્ય વિશે)

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]