લખાણ પર જાઓ

ઉષા મહેતા

વિકિપીડિયામાંથી
ઉષા મહેતા
જન્મની વિગત(1920-03-25)March 25, 1920
સરસ (ઓલપાડ), ગુજરાત ભારત
મૃત્યુની વિગતઓગસ્ટ ૧૧, ૨૦૦૦ (ઉંમર ૮૦)
વ્યવસાયસત્યાગ્રહી
ખિતાબપદ્મવિભૂષણ
ખ્યાતનામીગાંધીવાદી અને સ્વાતંત્ર્ય સેનાની

ઉષા મહેતા (૨૫ માર્ચ ૧૯૨૦ – ૧૧ ઑગસ્ટ ૨૦૦૦) એ એક ગાંધીવાદી સ્વાતંત્ર્ય સેનાની અને સમાજ સેવિકા હતા. ઈ.સ ૧૯૪૨ ના ભારત છોડો આંદોલન સમયે તેમણે રાષ્ટ્રીય મહાસભા (કોંગ્રેસ)ના છૂપા કે ભૂમિગત રેડિયો ચલાવવામાં યોગદાન આપ્યું હતું. ઈસ. ૧૯૯૮માં ભારત સરકારે તેમને ભારતનો બીજો સૌથી ગૌરવશાળી પુરસ્કાર, પદ્મવિભૂષણનો ખિતાબ આપ્યો હતો.

બાળપણ[ફેરફાર કરો]

ઉષા મહેતાનો જન્મ નવસારી જિલ્લાના સરસ (ઓલપાડ) ગામમાં થયો હતો. તેમણે તેમની ૫ વર્ષની ઉંમરે ગાંધીજીને અમદાવાદ આશ્રમમાં જતા જોયા હતા. ત્યાર બાદ અમુક સમય પછી, તેમના ગામ નજીક ગાંધીજીએ એક શિબિર યોજી હતી, તેમાં ઉષા મહેતાએ ભાગ લીધો હતો અને થોડું કાંતણ શીખ્યા હતા.

ઈ.સ ૧૯૨૮માં તેમણે સાયમન કમિશન વિરોધી પદયાત્રામાં ભાગ લીધો અને "સાયમન પાછો જા" નો ઘોષ કર્યો. તેઓ અન્ય બાળકો સાથે પ્રભાતફેરી અને દારૂની દુકાન સામે પિકેટિંગ કરવામાં ભાગ લેતા. આવા એક વિરોધ પ્રદર્શન સમયે ભારતીય ધ્વજ ધરીને ચાલતી એક બાલિકાને પોલીસે લાઠી મારતા તે ધ્વજ સહિત પડી ગઈ. આ વાત બાળકોએ તેમના માતા-પિતાઓને કહી. માતા પિતાઓએ બાળકોને ત્રિરંગા ધ્વજના વસ્ત્રો પહેરાવી ફેરીઓમાં મોકલ્યા. આ રંગના વસ્ત્રો પહેરી બાળકોએ પોલીસને પડકાર ફેંક્યો કે "પોલીસ, તમે તમારી લાઠીઓ મારી શકશો પણ મારા ધ્વજને નીચે નહીં ઉતારી શકો."

ઉષા મહેતાના પિતાજી બ્રિટિશ રાજ્યના ન્યાયાલયમાં ન્યાયાધીશ હતા. આથી તેમણે ઉષાના સ્વતંત્રતાની ચળવળમાં ભાગ લેવાને ઉત્તેજન ન આપ્યું. પણ ૧૯૩૦માં પિતાજી સેવા નિવૃત થતા આ મર્યાદા સમાપ્ત થઈ. ઈ.સ. ૧૯૩૨માં ઉષાબેનનું કુટુંબ મુંબઈમાં સ્થાયી થયું આથી તેમને સ્વતંત્રતાની ચળવળમાં ભાગ લેવાના વધુ અવસરો મળ્યા. તેઓ અન્ય બાળકો સાથે મળી ગુપ્ત ચોપાનિયાઓ વહેંચતા, જેલવાસી સ્વાતંત્ર્ય સેનાનીઓના સગા વહાલાંઓને મળવા જતાં અને તેમન સુધી સંદેશાઓ પહોંચાડતા.

ઉષાના જીવન પર ગાંધીજીનો ઘણો જ પ્રભાવ હતો આથી આગળ જતાં તેઓ ગાંધીવાદી બન્યા. તેમણે શરૂઆતમાં જ આજીવન બ્રહ્મચારી રહીને સંયમી જીવન જીવવાનો નિર્ણય લીધો. તેમણે ગાંધી જીવન ચર્યા અપનાવી અને તેઓ હંમેશાં ખાદી પહેરતા અને તેમણે સર્વ વૈભવ વિલાસ ત્યાગ કર્યો હતો. સમય જતાં તેઓ પ્રખર ગાંધીવાદી વિચારધારાના સમર્થક તરીકે ઉભરી આવ્યા.

ઉષાબેનનો શરૂઆતી શાળાકીય અભ્યાસ ખેડા અને ભરૂચમાં થયો ત્યાર બાદનો અભ્યાસ તેમણે ચંદારામજી હાઈસ્કુલ, મુંબઈમાં કર્યો. તેઓ અભ્યાસમાં સામાન્ય વિદ્યાર્થીની હતા. ૧૯૩૫ની મેટ્રિક્યુલેશનની પરીક્ષામાં તેઓ તેમના વર્ગના ટોચના ૨૫ વિદ્યાર્થીઓમાં સ્થાન પામ્યા હતા. તેમણે મુંબઈની વિલ્સન કૉલેજમાં અભ્યાસ ચાલુ કર્યો અને ૧૯૩૯માં પ્રથમ વર્ગમાં તત્વજ્ઞાન વિષયમાં સ્નાતક થયા. ત્યાર બાદ તેમણે કાયદાનો અભ્યાસ ચાલુ કર્યો, પણ ૧૯૪૨માં ભારત છોડો ચળવળમાં ભાગ લેવા તે અભ્યાસ છોડી દીધો. ૨૨ વર્ષની ઉંમરે તેઓ ભારતની સ્વતંત્રતાની ચળવળમાં સંપૂર્ણ રીતે સક્રીય બન્યા.

સ્વતંત્રતાની લડતમાં કાર્યભાર[ફેરફાર કરો]

ગાંધીજી અને કોંગ્રેસે જાહેરાત કરી હતી કે ૯ ઑગસ્ટ ૧૯૪૨ના દિવસે ગોવાલિયા ટેંક મેદાનથી અંગ્રેજો વિરૂદ્ધ 'ભારત છોડો' ચળવળ ચાલુ થશે. તે દિવસ પહેલાં જ ગાંધીજી અને અન્ય નેતાઓની ધરપકડ કરવામાં આવી. તેમ છતાં તે દિવસે ઘણી મોટી માનવ મેદની ગોવાલિયા ટેંક મેદાનમાં જમા થઈ. લોકોને ઉદ્દેશીને ભાષણ કરવા અને ધ્વજ ફરકાવવાની જવાબદારી કાર્યકરો અને નાના નેતાઓ પર આવી પડી. ૯ ઑગસ્ટ ૧૯૪૨ના દિવસે જેમણે ત્યાં ધ્વજ ફરકાવ્યો તેમાં ઉષા મહેતા પણ એક હતાં. પાછળથી તે મેદાનનું "ઑગસ્ટ ક્રાંતિ મેદાન" રાખવામાં આવ્યું.

૧૪ ઑગસ્ટ ૧૯૪૨ના દિવસે ઉષા મહેતા અને તેમના અમુક સાથીઓએ ભૂમિગત કોંગ્રેસ રેડિયો શરૂ કર્યો. આ રેડિયો પર તેમણે પ્રથમ શબ્દો ઉચ્ચાર્યા હતા કે: "૪૨.૩૪ (વેવલેન્થ)પર ભારતના અમુક સ્થળેથી પ્રદર્સ્થિત થતો આ કોંગ્રેસ રેડિયો છે." વિઠ્ઠલભાઈ ઝવેરી, ચંદ્રકાંત ઝવેરી, બાહુભાઈ ઠક્કર અને શિકાગો રેડિયોના માલિક નાન્કા મોટવાણી (તકનીકી સહયોગ પૂરા પાડનાર) તેમના સાથીઓ હતા. અન્ય કોંગ્રેસી નેતાઓ જેમ કે ડૉ રામ મનોહર લોહીયા, અચ્યુતરાવ પટવર્ધન અને પુરુષોત્તમ ત્રિકમદાસ આદિએ રેડિયોને માર્ગદર્શન આપ્યું. રેડિયો પરથી મહાત્મા ગાંધી અને અન્ય જાણીતા ભારતીય નેતાઓના સંદેશાઓ પ્રસારીત કરવામાં આવતા. સત્તાધીશો ને થાપ આપવા આ રેડિયોન અપ્રસારણનું સ્થાન રોજ બદલવામાં આવતું. છેવટે ૧૨ નવેમ્બર ૧૯૪૨માં પોલીસે તેમને પકડી પાડ્યા અને ઉષા મહેતા સહીત અન્ય આયોજકોની ધરપકડ કરવામાં આવી. અને સૌને જેલ થઈ.

ભારતીય પોલીસની સી.આઇ.ડી.એ છ મહિના સુધી તેમની પુછ પરછ કરી. આ સમય દરમ્યાન તેમને ચળવળ સંબંધી ગુપ્ત માહિતી આપવા વિદેશમાં અભ્યાસ આદિ પ્રલોભનો આપવામાં આવ્યા. પરંતુ તેઓ ચુપ રહ્યા અને હાઈ કોર્ટના ખટલા વખતે તેમણે ન્યાયાધીશને પૂછ્યું શું તેમને તે જવાબ આપવા જ પડશે. જ્યારે ન્યાયધીશે કહ્યું કે તે જરૂરી નથી ત્યારે તેમણે કહ્યું કે તેઓ પોતાને બચાવવા ખાતર પણ મોં નહી ખોલે. ખટલા પછી તેમને ચાર વર્ષની (૧૯૪૨-૧૯૪૬) સજા થઈ. તેમના બે સાથીઓને પણ સજા થઈ. ઉષા મહેતાને પુનાની યરવાડા જેલમાં રાખવામાં આવ્યા હતાં. તેમની તબિયત બગડાતા તેમને મુંબઈની જે. જે, હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. હોસ્પિટલમાં તેમની ઉપર સતત ચાર પોલીસનો પહેરો રહેતો. તેમની તબિયત સુધરતા તેમને ફરી યરવાડા જેલમાં લઈ જવાયા. ઈ.સ. મુંબઈમાં મોરારજી દેસાઈ જ્યારે અંતરિમ ગૃહરાજ્ય મંત્રી બન્યા ત્યારે તેમના આદેશથી માર્ચ ૧૯૪૬માં મુક્તિ પામનાર ઉષા મહેતા પ્રથમ રાજદ્વારી કેદી હતા.

કોંગ્રેસ રેડિયો જોકે ત્રણ જ મહીના ચાલ્યો, પણ તે સમય દરમ્યાન અંગ્રેજ સરકાર દ્વારા છુપા રાખવામાં આવતા સમાચારો આ રેડિયો પર પ્રસારિત થતા ચળવળને ઘણી મદદ મળી. આ રેડિયોને કારણે નેતાઓ જનતાના સંપર્કમાં રહ્યા. તે દિવસોને યાદ કરતાં ઉષા મહેતા કહે છે કે, એ તેમના સૌથી સુંદર દિવસોમાંના એક હતા, પણ એ સાથે તેમની માટે તે દિવસો દુઃખમય પણ રહ્યા કેમકે તેમાંના એક તકનીક સહાયક ફૂટી ગયો અને સરકારને જાણ કરી દીધી હતી.

સ્વતંત્રતા બાદ[ફેરફાર કરો]

કથળતી તબિયતને કારણે ઉષા મહેતા રાજનીતિ કે સમાજ સેવામાં સક્રીય રહી શક્યા નહી. સ્વતંત્રતા મળી તે દિવસે ઉષા મહેતા પથારીવશ હતા આથી તેઓ દિલ્હીમાં સ્વતંત્રતા સમારંભમાં ભાગ લઇ શક્યા નહી. ત્યાર બાદ તેમણે પોતાનો અભ્યાસ ફરી શરૂ કર્યો અને મુંબઈ યુનિવર્સિટીમાંથી ગાંધીજીના સામાજિક અને રાજનૈતિક વિચારો એ વિષય પર પીએચ.ડી. કરી ડૉક્ટરેટની પદવી મેળવી. મુંબઈ યુનિવર્સિટી સાથે એક વિદ્યાર્થીની, સંશોધક, પ્રાધ્યાપક, વ્યાખ્યાતા અને નાગરિક શાસ્ત્ર અને રાજનીતિ વિભાગના મુખ્ય પ્રાધ્યાપિકા રહ્યા. તેઓ ૧૯૮૦માં સેવા નિવૃત્ત થયા.

ભારતની સ્વતંત્રતા પછી પણ ઉષા બહેન ખાસ કરીને ગાંધીવાદી વિચારધારાના પ્રસાર કાર્યમાં સક્રીય રહ્યા. તેમણે ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં ઘણાં લેખો અને પુસ્તકો લખ્યા. ગાંધી વારસાની જાળવણી કરતા ગાંધી સ્મારક નીધિના તેઓ પ્રમુખ ચુંટાયા હતા. આ નીધિએ સરદાર વલ્લભભાઇ પટેલની દીકરી મણિબેનના નિવાસસ્થાન (મુંબઈ રોકાણ દરમ્યાન જ્યાં ગાંધીજી હંમેશા ઉતરતા)ને ગાંધી સ્મારકમાં ફેરવ્યું. તેઓ ગાંધી પિસ ફાઉન્ડેશન, નવી દીલ્હીના સભ્ય હતા.તેઓ ભારતીય વિદ્યા ભવનના કાર્યો સાથે પણ જોડાયેલા હતા. સ્વતંત્રતાની ૫૦મી વર્ષગાંઠના ઘણાં કાર્યક્રમોમાં ભારત સરકારે તેમને શામિલ કર્યા.

ઈ.સ. ૧૯૯૮માં ભારત સરકારે તેમને પદ્મવિભૂષણનો ખિતાબ અપ્યો. જે ભારતનું બીજું સર્વોચ્ચ સન્માન છે.

પાછલા વર્ષો[ફેરફાર કરો]

સમય જતાં ઉષા બહેન સામાજિક અને રાજનીતિના ક્ષેત્રોમાં થયેલા ફેરફારોથી દુઃખ રહેતા. એક વખત ઇન્ડિયા ટુડે ને આપેલા સાક્ષાતકારમાં તેમણે જણાવ્યું હતું કે: "અમે જે આઝાદી માટે લડ્યા તે આવી તો ન હતી." તેમણે આગળ જણાવ્યું હતું કે તેમના સમવયસ્ક સ્વતંત્રસેનાનીઓ માનતા કે "જો વ્યક્તિના હાથમાં સત્તા આવે તો સડો દાખલ થાય જ છે." જો કે તેમના શબ્દોમાં, "અમે ધાર્યું નહોતું કે સડો આટલો જલ્દી ઘર કરી જશે." જોકે, સ્વતંત્રતા બાદ ભારતે કરેલા વિકાસને પણ તેમણે વણદેખ્યું ન કર્યું હતું: "ભારતમાં લોકશાહી સફળ રહી અને ઔદ્યોગિક ક્ષેત્રે પણ ભારતે સારી પ્રગતિ કરી," તેમણે કહ્યું "તેમ છતાં પણ અમારા સપનાઓનું ભારત નથી".

ઑગસ્ટ ૨૦૦૦ની સાલમાં તબિયત નાદુરસ્ત હોવા છતાં પણ દર વર્ષની જેમ તેમણે ઑગસ્ટ ક્રાંતિ મેદાનમાં થતી ભારત છોડો ઉજવણીમાં ભાગ લીધો. તેઓ ઘરમાં ખૂબ થાકેલા પહોંચ્યા. તે પછી બે દિવસે ૧૧ ઑગસ્ટ ૨૦૦૦ના દિવસે તેમણે શાંતિ પૂર્વક, ૮૦ વર્ષની વયે, પ્રાણ ત્યાગ કર્યો. તેમની પાછળ તેમના મોટા ભાઈ અને બે ભત્રીજા છે. એમનો એક ભત્રીજો કેતન મહેતા જાણીતા ફીલ્મ નિર્માતા છે. તેમનો અન્ય ભત્રીજા, ડૉ યતીન મહેતા જાણીતા એનસ્થેટીસ્ટ છે અને ગુરગાંવમાં તબીબી ક્ષેત્રે કાર્યરત છે.

આ પણ જુઓ[ફેરફાર કરો]

પૂરક વાચન[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]