કુબેર ભંડારી

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

કુબેર ભંડારીગુજરાતનાં વડોદરા જિલ્લાનાં ડભોઇ તાલુકાનાં કરનાળી ગામમાં નર્મદા નદીને કિનારે આવેલું એક મંદીર છે. આમ જોવા જઈએ તો આ મંદિર એક આખા મંદિર પરિસરનો ભાગ છે, જેમાં રણછોડજી, મહાકાળી માતા, શીતળા માતા અને બળીયા દેવનાં પણ મંદીરો આવેલાં છે. મંદીર ખુબ રમણીય સ્થળે છે અને નર્મદાના કિનારે પહોંચવા માટે પગથીયાની વ્યવસ્થા છે તથા ઘાટ બનેલો હોવાથી પર્યટન સ્થળ તરિકે પણ તેનો વિકાસ થયેલો છે.

કથા[ફેરફાર કરો]

એક કથા મુજબ, કુબેર રાવણનો ઓરમાન ભાઈ હતો અને રાવણે ભોળાનાથ ભગવાન શંકરનું તપ કરી તેમની કૃપા પ્રાપ્ત કરી અમોઘ શક્તિઓ મેળવી હતી. આ શક્તિઓના બળે તેને પોતાના ભાઈ કુબેર પર આક્રમણ કરી તેને પદભ્રષ્ટ કર્યો અને લંકામાંથી હાંકી કાઢ્યો. કુબેર પણ ભગવાન શંકરનો ભક્ત હતો, તે ફરતો ફરતો નર્મદા કિનારે પહોંચ્યો અને ત્યાં તેણે મહાદેવનું તપ કરવા માંડ્યું. રાવણને જાણ થતાં તેણે કુબેરને અહીં પણ હેરાન કરવા માંડ્યો. છેવતે કુબેર કરનાળી ગામે આવી ત્યાં તેણે મહાકાળીનું શરણું લઈને પોતાની રક્ષાની જવાબદારી તેમને સોંપી. તપ કરતાં તેને શિવજી પ્રસન્ન થયાં અને લંકાનું રાજ પાછું આપવા અસમર્થ હોવાથી, સર્વે દેવી-દેવતાઓનાં ધનનો વહીવટ તેમને સોંપ્યો. તે દિવસથી કુબેર, કુબેર ભંડારી તરિકે ઓળખાયા. ભગવાન શંકરે તેમને પોતાના સમકક્ષ સ્થાન આપ્યું.

આમ કુબેરે જે જગ્યાએ મહાદેવજીનું તપ કર્યું હતું તે સ્થળે ભગવાન સાક્ષાત બિરાજમાન થયાં અને કુબેરેશ્વર તરિકે ઓળખાયા.

મંદીર સંકુલ[ફેરફાર કરો]

મંદીર સંકુલમાં મુખ્ય મંદીર કુબેરેશ્વર મહાદેવનું છે, જેની બાજુમાં કુબેર ભંડારીનો કક્ષ છે. આ ઉપરાંત અહીં રણછોડજીનું પણ નાનું પણ સુંદર મંદીર આવેલું છે. મંદીરથી પગથીયા ઉતરીને નર્મદા નદી પાસે જતાં મહાકાળી માતાનું મંદીર આવે છે. આ ઉપરાંત અન્ય મંદીરો પણ છે.

મંદીરનો વહીવટ 'શ્રી કુબેરેશ્વર સોમનાથ ટ્રસ્ટ' સંભાળે છે અને અહીં આપવામાં આવેલ દરેક દાનની પાવતી ફાડી આપવામાં આવે છે. ખાસ કરીને અહીં ચાંદીની કે સોનાની સેર (ચેઇન) અને કંદોરો કુબેર ભંડારી દાદાને ભેટ રૂપે ધરવામાં આવે છે. ટ્રસ્ટ દ્વારા યાત્રાળુઓ માટે વિનામુલ્યે ભોજનશાળા ચલાવવામાં આવે છે, જેમાં નાત-જાતનાં ભેદભાવ વગર નિયત સમય દરમ્યાન આવનાર દરેક યાત્રાળુને ભોજન પિરસવામાં આવે છે.

માન્યતા અને આસ્થા[ફેરફાર કરો]

આ મંદીરે દર માસની અમાસે દર્શન કરવાનો અનેરો મહિમા છે. આસપાસનાં ગામો અને વડોદરા તથા અન્ય સ્થળોએથી લોકો દર અમાસે અહીં નિયમિત પણે દર્શને આવે છે. વડોદરાથી દર અમાસને દિવસે એસ.ટી.ની ખાસ બસો દોડાવવામાં પણ આવે છે.

મંદીર પુત્રપ્રાપ્તિની ઇચ્છા રાખનાર દંપતિઓમાં સવિશેષ પ્રખ્યાત છે, અહીં પુજા કરીને સોપારી આપવામાં આવે છે, જેનું પુજન કરવાથી નિ:સંતાન દંપતિઓને સંતાનપ્રાપ્તિ થાય છે તેવી માન્યતા છે. આ ઉપરાંત, કેમકે આ મંદીર સ્વર્ગનાં ભંડારના અધિપતી એવા કુબેરનું છે, તેથી તેની પાસે આવનાર દરેક ધનની પણ અપેક્ષા રાખે છે. અનેક લોકો અહીંથી ચોખા લઈ જઈને પોતાનાં ઘરે ધન ભેગા રાખે છે, જેથી તેમનો ભંડાર પણ ખુટે નહી તેવું તેમનું માનવું હોય છે.

માર્ગ દર્શન[ફેરફાર કરો]

ગુજરાત રાજ્ય પરિવહન નિગમ {એસ.ટી.) દ્વારા અમદાવાદ, વડોદરા, ડભોઇ તથા અન્ય સ્થળોએથી બસોની સુવીધા છે. આ ઉપરાંત નજીકનાં અન્ય યાત્રાધામ ચાણોદ (ચાંદોદ)થી હોડી મારફતે પણ પહોંચી શકાય છે. આ માર્ગ ખુબ સુંદર છે. કેમકે નર્મદા નદીમાં બારેમાસ નીર વહેતા હોય છે, આશરે પંદરેક મિનીટની આ નૌકા યાત્રા ખુબ આનંદ દાયી રહે છે. ચાંદોદથી કરનાળી માટેનું હોડીનું રિટર્ન ભાડું પાંચ થી પંદર રૂપિયા વચ્ચે રહે છે, જેમાં યાત્રાળુઓનાં ધસારા અને ચોક્કસ દિવસો કે મહિનાઓ (જેમકે અમાસ, સોમવાર, શ્રાવણ, વિગેરે) પ્રમાણે વધઘટ થતી રહે છે. ચાણોદ અને કરનાળી લગભગ જોડીયા ગામો જેવા હોવાથી, મોટે ભાગે તેમનું નામ પણ ચાણોદ-કરનાળી એમ જોડે જ લેવામાં આવે છે.

વાહનમાર્ગે અહીં પહોંચવા માટે, વડોદરાથી ડભોઇ થઇને, તિલકવાડા જવાનાં રસ્તે આ ગામ આવે છે. રસ્તામાં જ્યાં વળવાનું આવે ત્યાં સ્પષ્ટ પાટીયું મારીને દિશા સુચન કરેલું છે.