લખાણ પર જાઓ

ગળતેશ્વર મંદિર

વિકિપીડિયામાંથી
ગળતેશ્વર મંદિર
ગળતેશ્વર મહાદેવ મંદિર
ધર્મ
જોડાણહિંદુ
દેવી-દેવતાશિવ
સ્થાન
સ્થાનસરનાલ, ગળતેશ્વર તાલુકો, ખેડા જિલ્લો, ગુજરાત
ગળતેશ્વર મંદિર is located in ગુજરાત
ગળતેશ્વર મંદિર
ગુજરાતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ22°47′06″N 73°16′39″E / 22.7850416°N 73.2774858°E / 22.7850416; 73.2774858
સ્થાપત્ય
સ્થાપત્ય શૈલીમાળવા અસર સાથેનું ચૌલુક્ય (સોલંકી) સ્થાપત્ય
પૂર્ણ તારીખ૧૨મી સદી (સોલંકી વંશ સમયગાળો)
મંદિરો

ગળતેશ્વર મંદિર પ્રાચીન શિવ મંદિર છે, જે ગુજરાતના ખેડા જિલ્લાના ડાકોર નજીક ગળતેશ્વર તાલુકાના સરનાલ ગામ નજીક આવેલું છે.[] ૧૨મી સદીનું આ મંદિર તેની વિશિષ્ટ શૈલી માટે જાણીતું છે, જે મધ્ય ભારતની માળવા શૈલીમાં પરમાર સ્થાપત્યની અસર વગર અને ચૌલુક્ય (સોલંકી) સ્થાપત્યની અસર હેઠળ બંધાયેલું છે. તે ચોરસ ગર્ભગૃહ અને અષ્ટકોણીય મંડપ ધરાવે છે.

આ મંદિર બે નદીઓ, મહી નદી અને ગળતી નદીના સંગમ પર સરનાલ ગામની નજીક આવેલું છે.[] ગળતી નદી પરથી મંદિરનું નામ પડ્યું છે.[]

ઇતિહાસ

[ફેરફાર કરો]

હસમુખ સાંકળિયાએ આ મંદિરને તેના ગોળાકાર ગર્ભગૃહ અને મંડપના ગોખો અને કોતરણી પરથી ચાલુક્ય વંશના સ્થાપત્યની અસર હેઠળનું ગણાવ્યું હતું.[] મધુસૂદન ઢાંકીએ આ અનુમાનનું ખંડન કર્યું અને શિખર, પાયા અને દિવાલ પરની કોતરણીઓ પરથી આ મંદિર ગુજરાતી સ્થાપત્ય શૈલીનું હોવાનું ગણાવ્યું હતું. ઢાંકીએ મત આપ્યો કે મંદિર એવી વ્યક્તિ દ્વારા બાંધવામાં આવ્યું હતું કે જેને માળવાની ભુમિજા શૈલીની સીધી માહિતી ન હોય પણ ભુમિજા શૈલી વિશેના કોઈ ગુજરાતી ગ્રંથના આધારે મંદિરની રચના કરી. ૧૨મી સદીનો અપરાજતાપ્રચ્છ આવો જ એક ગ્રંથ છે, જે માળવાના સમરાંગણ સુત્રધાર પર આધારિત છે. આથી એવું અનુમાન બાંધી શકાય કે આ મંદિર ૧૨મી સદીમાં બાંધવામાં આવ્યું હશે. આ મંદિરની કોતરણી, મૂર્તિઓ સોમનાથના કુમારપાળ મંદિર જેવી જ જણાય છે, જે સોલંકી (ચૌલુક્ય) વંશના રાજા કુમારપાળના શાસન દરમિયાન ૧૨મી સદીમાં બંધાયું હતું.[]

આ મંદિર પુરાણકથાઓમાં વર્ણવાયેલા ગાલવ ઋષિ અને રાજા ચંદ્રહાસની સાથે સાંકળવામાં આવે છે.[][]

ગળતેશ્વર મંદિર પુરાતત્વ ખાતા દ્વારા રાષ્ટ્રીય મહત્વનું સ્મારક જાહેર (ક્રમાંક: N-GJ-144) કરાયું છે.[]

સ્થાપત્ય

[ફેરફાર કરો]

ગળતેશ્વરનું મંદિર ભુમિજા શૈલીનું છે, જે ગુજરાતમાં લગભગ જોવા મળતી નથી. આ શૈલી માળવાના શાસન હેઠળના વિસ્તારોમાં પ્રચલિત હતી. મંદિર બહુ ઓછી પ્રચલિત અષ્ટભદ્ર અથવા અષ્ટશાલા યોજનાનું ભુમિજા મંદિર છે, જે જવલ્લે જ જોવા મળે છે, દા.ત. મધ્ય ભારતનું આરંગ જૈન મંદિર. મંદિર સંપૂર્ણ રીતે પરમાર શૈલીથી મુક્ત છે. મંદિર નિરંધારા પ્રકારનું છે જે ગર્ભગૃહ અને મંડપ ધરાવે છે.[][]

ગર્ભગૃહ

[ફેરફાર કરો]

મંદિરનું ગર્ભગૃહ મંડપ કરતા નીચું છે અને અંદરની બાજુથી ચોરસ છે. બહારની દીવાલ ગોળાકાર છે અને અનેક ખૂણાઓ સાથે ૨૪ ફીટનો વ્યાસ ધરાવે છે. આ ખૂણાઓમાં સાત ગોખલા છે જેમાં આઠ દિક્પાલો (દિશાના રક્ષક દેવો)પૈકી સાતની મૂર્તિઓ છે. ગર્ભગૃહની આગળની દિવાલ કોતરણી ધરાવે છે, જેમાં શિવના વિવિધ રૂપો દર્શાવેલ છે અને તે લગભગ નષ્ટ પામેલ છે. ગર્ભગૃહના દ્વાર પર આબુ શૈલીના રૂપસ્થંભની કોતરણી કરેલ છે.[][] આ શિલ્પો અને કોતરણીઓમાં ગાંધર્વો, ઘોડેસ્વારો, હાથીસવારો, રથ, જીવનથી મૃત્યુની ઘટમાળો વગેરેનો સમાવેશ થાય છે.[]

મંડપના સ્થંભો
ગોળાકાર છત

ગુજરાતના અન્ય ચૌલુક્ય મંદિરો જેવા કે મોઢેરાનું સૂર્ય મંદિર, સોમનાથ મંદિર અને સેજકપુર મંદિરની જેમ આ મંદિરમાં પણ મંડપ અષ્ટકોણીય છે જેનો એક ભાગ લંબાવેલ છે. પાછળની બાજુએ તેમાં સામાન્ય રીતે જોવા મળતી બે ભુજાઓની જગ્યાએ ત્રણ ભુજાઓ છે.[][]

મંડપની છત કેન્દ્રીય આઠ મોટા અને એની ફરતે સોળ નાના થાંભલાઓ પર ટકેલી છે. આ થાંભલા ચોરસ પાયો ધરાવે છે અને તેમાં બે નાના ખાંચાઓ છે. આ થાંભલા સૌથી નીચે ચોરાસકારે બે તૃતીયાંશ ઉંચાઈ સુધી, ત્યારબાદ અષ્ટકોણીય આકારે અડધી ઉંચાઈ સુધી, ત્યારબાદ સોળ ખૂણા સાથે અને ત્યારબાદ ગોળાકારે એમ ક્રમશ: ઘડેલ છે. આ ગોળાકાર ભાગમાં કીર્તિમુખોની કોતરણીની પંક્તિ છે. આ થાંભલાઓની સૌથી ઉપરના ભાગે ફૂલદાનીમાંથી નીકળતા પર્ણ કોતરેલો હોય એવી મથોટી છે જે નીચેના થાંભલાથી ખાંચ વડે અલગ પડે છે. છતને ટેકો આપતા કાટખુણીયા પોખરા ઉપર વામન અને કીર્તિમુખો કોતરેલા છે. જો કે આ કોતરણીમાં પદ્મશીલા તરીકે ઓળખાતી કોતરણીનો અભાવ છે.[][]

શિખર અને મંડપનો ભાગ ૧૯૦૮માં નષ્ટ પામ્યો હતો.[] શિખર પણ ગુજરાતી ભૂમિજા શૈલીમાં હતું જે તેની કુટસ્થંભિકા અને શૃંગ જેવા કોતરણીના આકારો પરથી નક્કી કરી શકાય છે. ભુમિજા શૈલીમાં સુરસેનક તરીકે ઓળખાતા કોતરણીના આકાર પણ આ શિખરમાં જોવા મળે છે પણ તે પરમાર શૈલી કરતા અલગ છે.[]

દર વર્ષે જન્માષ્ટમી અને શરદ પૂર્ણિમાના દિવસે ગળતેશ્વરમાં મેળો ભરાય છે. મહાશિવરાત્રીએ પણ અહીં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે.[]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "ગળતેશ્વર શિવાલય ખાતે શ્રધ્ધાળુઓનું કીડીયારુ ઉભરાયું". મેળવેલ ૭ જૂન ૨૦૧૭.
  2. Bharat Sevashram Sangha, Hyderabad Branch (૧૯૭૭). Hindu Regeneration. પૃષ્ઠ ૩૧૩.
  3. India. Superintendent of Census Operations, Gujarat (૧૯૬૪). District Census Handbook. Director, Government Print. and Stationery, Gujarat State. પૃષ્ઠ ૫૦.
  4. ૪.૦ ૪.૧ ૪.૨ ૪.૩ ૪.૪ ૪.૫ Sankalia, Hasmukh (૧૯૪૧). "III. Architecture. Section III. Medieval Period.". The Archaeology of Gujarat: Including Kathiawar. Part II. Natwarlal & Company. પૃષ્ઠ ૧૧૩–૧૧૫. મૂળ માંથી ૨૦૧૫ પર સંગ્રહિત.
  5. ૫.૦ ૫.૧ ૫.૨ ૫.૩ ૫.૪ ૫.૫ ઢાંકી, મધુસૂદન એ. (૧૯૬૧). Deva, Krishna (સંપાદક). "The Chronology of the Solanki Temples of Gujarat". Journal of the Madhya Pradesh Itihas Parishad. ભોપાલ: Madhya Pradesh Itihas Parishad. : ૬૧–૬૨, ૭૯–૮૦.
  6. ૬.૦ ૬.૧ "Galteshwar, Shiva Temple, Dakor". www.gujarattourism.com (અંગ્રેજીમાં). મૂળ માંથી 2018-02-02 પર સંગ્રહિત. મેળવેલ ૩૧ જાન્યુઆરી ૨૦૧૮.
  7. ૭.૦ ૭.૧ Gujarat (૧૯૭૭). Gujarat State Gazetteers: Kheda District. Directorate of Government Print., Stationery and Publications, Gujarat State. પૃષ્ઠ ૮૨૫.
  8. Census of India, 1991: Kheda. Government Photo Litho Press. ૧૯૯૨. પૃષ્ઠ ૩૦.