ચૈતન્ય મહાપ્રભુ
ચૈતન્ય મહાપ્રભુ | |
---|---|
![]() Chaitanya Mahaprabhu at Jagannath, painting form 1900 | |
જન્મ | ૧૪૮૬ ![]() |
મૃત્યુ | ૧૫૩૪ ![]() |
જીવન સાથી | Vishnupriya ![]() |
ચૈતન્ય મહાપ્રભુ (બંગાળી: চৈতন্য মহাপ্রভূ) (૧૪૮૬-૧૫૩૪)નો જન્મ હાલનાં પશ્ચિમ બંગાળમાં નવદ્વીપ મંડળ તરીકે ઓળખાતા પ્રદેશનાં નાદિયા ગામમાં શક સંવત, ૧૪૦૭ ફાગણ સુદ પૂનમનાં દિવસે થયો હતો. તેઓને ઇતિહાસમાં એક સંત/સંન્યાસી અને તે સમયના બંગાળ (હાલના પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશ) તથા ઓરિસ્સાના એક સમાજ સુધારક ગણવામાં આવે છે. પરંતુ ગૌડીય વૈષ્ણવો તેમને સ્વયં ભગવાન કૃષ્ણજ રાધા રાણીના ભાવ અને રૂપમાં માને છે.
તેમની માતાનું નામ શચીદેવી હતું તથા પિતાજીનું નામ જગન્નાથ મિશ્ર હતું. કહેવાય છે કે, રાધાજી જેમ કૃષ્ણ વિરહમાં રાત-દિવસ રડતાં હતાં, તેવી જ રીતે ચૈતન્ય મહાપ્રભુ પણ કૃષ્ણ વિરહમાં ચોધાર આંસુએ રડતા, કયારેક નાચવા લાગતાં, કયારેક દોડવા લાગતાં, કયારેક મૂર્છા ખાઈને જમીન પર ઢળી પડતા. મહાપ્રભુને કૃષ્ણ વિરહમાં રડતા જોઈને મોટા-મોટા પંડિતો પણ શ્રીકૃષ્ણની ભકિતમાં લીન થઈ જતાં. કેટલાય દુરાચારીઓ પણ મહાપ્રભુના સંગમાં આવીને કૃષ્ણભકત બની ગયા. મહાપ્રભુ ન્યાય, વેદાંતના પ્રખર પંડિત હતા. તેઓ ચોવીસ વર્ષ સુધી સંસારમાં રહ્યા. તેમની પહેલી પત્નીનું નામ ‘લક્ષ્મીદેવી’ હતું જેના મૃત્યુ પછી તેમણે ‘વિષ્ણુપ્રિયા’ સાથે લગ્ન કર્યાં.
ભારતના સંન્યાસીઓને કૃષ્ણની ભકિતમાં તથા પરમ વૈરાગ્યનાં માર્ગે વાળવા માટે ચોવીસ વર્ષની ઉંમરે ‘કેશવ ભારતીજી’ પાસે સંન્યાસ દીક્ષા ગ્રહણ કરી સંસારનો ત્યાગ કર્યો. અનેક તીર્થોમાં ભ્રમણ કર્યું. શ્રી ચૈતન્ય મહાપ્રભુએ કેટલાય ભકતોને ચતુર્ભુજ રૂપે, દ્વિભુજ રૂપે, છડ્ભુજ રૂપે કૃષ્ણ સ્વરૂપનાં દર્શન કરાવ્યાં હતાં. તેમણે અનેક ચમત્કારો પણ કર્યા હતા. કેટલાક રોગી, કોઢીઓને રોગમુકત કર્યા હતા. દક્ષિણમાં એક તળાવના પાણીને ‘મધ’ બનાવ્યું હતું. આજે પણ તે તળાવ ‘મધુ પુષ્કરિણી’નામે દક્ષિણમાં પ્રખ્યાત છે. તેઓ પોતાના ભકતોને કહેતા, સર્વ શાસ્ત્રોનો સાર કૃષ્ણ નામનો જપ કરવામાં છે. તેમણે ભકતોને મહામંત્ર આપ્યો ‘હરે કૃષ્ણ! હરે કૃષ્ણ! કૃષ્ણ, કૃષ્ણ હરે હરે! હરે રામ હરે રામ! રામ, રામ! હરે હરે!’ જેને મહા મંત્ર અથવા હરે કૃષ્ણ મંત્ર તરિકે લોકો વધુ સારી રીતે જાણે છે. ડોંગરેજી મહારાજ તેમની કથામાં જયારે આ ધૂન બોલાવતા ત્યારે કથામંડપમાં હજારો ભકતોની આંખોમાં આંસુ છલકાઇ જતાં. નગર સંકીર્તનની શરૂઆત કરનાર મહાપ્રભુ છે. કેટલીક વાર જગન્નાથપુરીની ગલીઓમાં કૃષ્ણ નામનો નાદ કરતા ગલીએ ગલીએ ફરતા. તેમની આ પરંપરા આજે પણ ચાલુ છે. તેમણે લખેલું કૃષ્ણભકિતનું અષ્ટક (શિક્ષાષ્ટક) તેમનાં હૃદયનાં શુદ્ધ ભાવ પ્રગટ કરે છે.
ચૈતન્ય મહાપ્રભુનાં નામો[ફેરફાર કરો]
- ૧ શ્રી કૃષ્ણ ચૈતન્ય મહાપ્રભુ
- ૨ ગૌર ચાંદ
- ૩ વિશ્વંભર
- ૪ ગૌર હરિ
- ૫ શચિસુત
- ૬ નિમાઈ