લખાણ પર જાઓ

જહાજ વૈતરણા (વીજળી)

વિકિપીડિયામાંથી
SS વૈતરણા જહાજ, ગ્રેંજમથ ડોકયાર્ડ ખાતે, ૧૮૮૫

વૈતરણા જહાજ, જે વીજળી અથવા હાજી કાસમની વીજળી તરીકે જાણીતું હતું, એ. જે. શેફર્ડ અને કુાં, મુંબઈની માલિકીનું જહાજ હતું. આ જહાજ ૮ ડિસેમ્બર ૧૮૮૮ ના રોજ ગુજરાતના સૌરાષ્ટ્ર નજીક વાવાઝોડાંમાં માંડવીથી મુંબઈ જતી વખતે ખોવાઈ ગયું હતું. આ દુર્ઘટનામાં ૭૪૦થી વધુ લોકો ખોવાઈ ગયા હતા. આ ઘટનાને કારણે ઘણાં દરિયાઈ કાવ્યો અને લોકગીતો રચાયા છે.

નામ[ફેરફાર કરો]

આ જહાજને વૈતરણા નામ મુંબઈ વિસ્તારની વૈતરણા નદી પરથી અપાયું હતું. જહાજનું હુલામણું નામ વીજળી હતું, કારણ કે જહાજ વીજળીના ગોળાઓ વડે પ્રકાશિત હતું. જહાજને ઘણીવાર "ગુજરાતના ટાઈટેનિક" તરીકે ઓળખવામાં આવે છે, જોકે ટાઈટેનિક તેનાં ૨૪ વર્ષ પછી ડૂબ્યું હતું.[૧][૨][૩][૪][૫]

બાંધકામ[ફેરફાર કરો]

વૈતરણા ગ્રેંજમથ ડોકયાર્ડ કાું. લિ. દ્વારા ૧૮૮૫માં બનાવવામાં આવેલું વરાળથી ચાલતું અને સ્ટીલથી બનેલું જહાજ હતું. તેને બનતા ત્રણ વર્ષ લાગ્યા હતા. તેમાં ત્રણ મજલા, પચ્ચીસ ઓરડા હતા અને બે જહાજસ્થંભો હતા.[૬] તેની વજન ક્ષમતા ૨૯૨ ટન હતી જેમાં ૨૫૮ ટન તૂતકની નીચે હતી. વરાળ એન્જિનને બે સિલિન્ડર હતા, જેનો વ્યાસ ૨૧" હતો અને જે ૪૨" અને 30" ના હડસેલા વડે ૭૩ હોર્સપાવર શક્તિ ઉત્પાદન કરતા હતાં. આ એન્જિનનું ઉત્પાદન ડુન્સમુર એન્ડ જેક્સન, ગ્લાસગોએ કર્યું હતું. જહાજની લંબાઈ ૧૭૦.૧ ફીટ, પહોળાઈ ૨૬.૫ અને ઊંડાઈ ૯.૯ ફીટ હતી.[૭][૮][૯]

સફર અને દુર્ઘટના[ફેરફાર કરો]

વૈતરણાનો કપ્તાન, હાજી કાસમ

જહાજ માંડવી, કચ્છ (તે સમયનું કચ્છ રજવાડું) અને મુંબઈ વચ્ચે મુસાફરો અને માલ-સામાન લઇને આવન-જાવન કરતું હતું. ૮ રૂપિયાના દરે આ જહાજ માંડવીથી મુંબઈની સફર ૩૦ કલાકમાં પૂરી કરતું હતું.[૨] આ વિસ્તારનાં જહાજો તોફાનોનો સામનો કરવા માટે બનાવેલા નહોતા કારણ કે સામાન્ય રીતે જહાજો બંદરોથી બંદર પર શાંત વાતાવરણમાં સફર કરતાં હતાં અને તોફાનો દરમિયાન બંદરો પર લાંગરેલા રહેતા હતા.[૧૦][૧૧]

વૈતરણા માંડવી બંદર પર ગુરૂવાર, ૮ નવેમ્બર ૧૮૮૮ (વિક્રમ સવંત ૧૯૪૫ની કારતક સુદ પાંચમ)ના રોજ બપોરે લાંગર્યું હતું અને ૫૨૦ પ્રવાસીઓને લઈને દ્વારકા માટે રવાના થયું. દ્વારકા પહોંચ્યા બાદ વધુ પ્રવાસીઓ લીધા બાદ સંખ્યા ૭૦૩ પર પહોંચી. તે પોરબંદર માટે રવાના થયું. લોકવાયકા મુજબ, પોરબંદર બંદરના સંચાલક લેલીએ કપ્તાનને સમુદ્રમાં સફર કરવાની ના પાડી હતી પણ પછી થયેલા સંશોધનો મુજબ આ વાત ખોટી હતી. ખરાબ હવામાનને કારણે જહાજ પોરબંદર પર રોકાયું નહી અને સીધું મુંબઈ જવા રવાના થયું. સાંજ પડતાં તે માંગરોળના દરિયા કિનારે દેખાયું હતું અને કેટલાંક લોકોએ તેને માધવપુર (ઘેડ) નજીક ભારે તોફાનમાં તૂટેલું દેખાયું હોવાનો દાવો કર્યો હતો. બીજા દિવસે જહાજને ખોવાયેલું જાહેર કરવામાં આવ્યું હતું.[૨][૩][૮][૯]

જાનહાનિ[ફેરફાર કરો]

તૂટેલા જહાજનો કોઈ ભાગ અથવા કોઇ મૃતદેહો મળ્યાં નહી. જહાજ મોટાભાગે અરબી સમુદ્રના તોફાનમાં તૂટી ગયેલ માની લેવાયું.[૧૨][૧૩] લોકવાયકા મુજબ ૧૩૦૦ લોકો મૃત્યુ પામ્યા હતા પરંતુ જહાજ પર ૭૪૬ લોકો (૭૦૩ પ્રવાસીઓ અને ૪૩ જહાજના કર્મચારીઓ) સવાર હતા.[૨][૪][૮][૧૪][૧૫] બીજા અહેવાલો મુજબ ૭૪૧[૧૬] (૩૮ જહાજી કર્મચારીઓ અને ૭૦૩ પ્રવાસીઓ)[૧૭] અને ૭૪૪[૫]લોકોનો સમાવેશ થાય છે. જહાજમાં ૧૩ જાનના જાનૈયાઓ અને ડિસેમ્બરમાં મુંબઈ યુનિવર્સિટીની મેટ્રીકની પરીક્ષા આપવા માટે જતાં સંખ્યાબંધ વિદ્યાર્થીઓ સામેલ હતા.[૨][૩]

કાસમ ઇબ્રાહિમ અથવા હાજી કાસમ જહાજનો કપ્તાન હતો. તે બોરિવલી અને દહીંસર વચ્ચેની જમીનનો જમીનદાર હતો. તેનું કાર્યાલય અબ્દુલ રહેમાન સ્ટ્રીટ પર આવેલું હતું અને તે મલબાર હીલમાં રહેતો હતો. કોઇ ફકીરે તેને આશીર્વાદ આપ્યા હતા કે તે ૯૯ જહાજોનો માલિક થશે અને વીજળી તેનું છેલ્લું જહાજ હશે. મુંબઈ સેન્ટ્રલ વિસ્તારની હાજી કાસમ ચાલનું નામ તેના પરથી પડેલું છે.[૩][૪]

તપાસ[ફેરફાર કરો]

જહાજની દુર્ઘટના પછી, મુંબઈ પ્રેસિડેન્સીએ આ મામલાની તપાસ માટે એક સમિતિની સ્થાપના કરી.[૪] તપાસમાં એવું તારણ નીકળ્યું કે વૈતરણા જહાજ સલામતીની દ્રષ્ટિએ સજ્જ નહોતું. તેમાં પૂરતી સંખ્યામાં જીવનરક્ષક નૌકાઓ અને પોષાકો નહોતાં. ભારે તોફાનને કારણે જહાજ ડૂબી ગયું હતું. વૈતરણા પ્રકારના જહાજોમાં તપાસ કરતાં તેમાં ખરાબીઓ જોવા મળી હતી.[૧૮][૧૯] મુંબઈ પ્રેસિડેન્સી અને અન્ય જહાજી કંપનીઓએ જહાજનો કાટમાળ શોધવાનો પ્રયાસ કર્યો પણ તે અસફળ નીવડ્યો.[૨]

સાંસ્કૃતિક પ્રભાવ[ફેરફાર કરો]

આ ઘટનાને કારણે ઘણી દરિયાઈ લોકવાયકાઓ, દંતકથાઓ અને ગીતોની રચના થઇ અને ગુજરાતમાં લોકપ્રિય અને જાણીતી બની. લોકગીતોમાં આ જહાજને વીજળી તરીકે ઓળખાયું અને તેના કપ્તાન હાજી કાસમ ઇબ્રાહિમ સાથે જાણીતું બન્યું. પોરબંદરમાં શેફર્ડ કંપનીના બૂકિંગ એજન્ટનું નામ પણ હાજી કાસમ નૂર મહંમદ હતું.[૨][૩]

જહાજના ખોવાયાં પછી, જામનગરના કવિ, દુર્લભરાય વી. શ્યામજી ધ્રુવે વિજળી વિલાપ નામના ગીતોનો સંગ્રહ પ્રગટ કર્યો. ભીખારામ સાવજી જોષીએ પણ આ નામનું બીજું પ્રકાશન પ્રગટ કર્યું. ઝવેરચંદ મેઘાણીએ આ પ્રકારના લોકગીતો ભેગા કરીને સંગ્રહ, રઢિયાળી રાત, માં "હાજી કાસમ, તારી વીજળી રે મધદરિયે વેરણ થઈ" હેઠળ પ્રકાશિત કર્યું. ગુજરાતી લેખક ગુણવંતરાય આચાર્યહાજી કાસમ તારી વીજળી (૧૯૫૪) ના નામે આ ઘટના પરથી નવલકથા લખી હતી.[૩][૮][૨૦]

ધોરાજીના સંશોધક વાય. એમ. ચિતલવાલાએ આ ઘટનાના અભ્યાસ પરથી વીજળી હાજી કાસમની નામનું દસ્તાવેજી પુસ્તક તૈયાર કર્યું જે દર્શક ઈતિહાસ નિધિ દ્વારા ૨૦૧૦માં પ્રકાશિત કરવામાં આવ્યું છે.[૨][૪][૮]

પૂરક વાચન[ફેરફાર કરો]

 • India. Native Passenger Ships Commission (૧૮૯૧). Report of the Native Passenger Ships Commission: Appointed in November 1890, Under the Orders of His Excellency the Governor General in Council : with Proceedings and Appendices. Office of the Superintendent of Government Print., India.

સંદર્ભ[ફેરફાર કરો]

 1. "Vignettes of maritime history Ancient sea route maps, sketches of coastlines, architecture, textiles and rare pictures of legendary vessels are lined up for public viewing at an exhibition called 'Gujarat and the sea' at NID. The exhibition, which will be open on Saturday and Sunday, was inaugurated on Friday. One of the major attractions is a photo of the legendary vessel built in 1885 called Vaitarna or popularly known as Vijli because of its electric lights which was a rare sight those days. It capsized on November 8, 1888, drowning 1,300 people". epaper.timesofindia.com. નવેમ્બર ૨૦, ૨૦૧૦. મૂળ માંથી ઑગસ્ટ 13, 2017 પર સંગ્રહિત. મેળવેલ ૫ જૂન ૨૦૧૫. Check date values in: |archive-date= (મદદ)
 2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ ૨.૪ ૨.૫ ૨.૬ ૨.૭ Vashi, Ashish (૬ મે ૨૦૧૦). "Gujarat saw a Titanic in 1888". The Times of India. મેળવેલ ૩ જૂન ૨૦૧૫.
 3. ૩.૦ ૩.૧ ૩.૨ ૩.૩ ૩.૪ ૩.૫ "ગુજરાતની ટાઈટેનિક એટલે 'હાજી કાસમની વીજળી (Vijli was the Titanic of Gujarat)". m.divyabhaskar.co.in. ૧૪ એપ્રિલ ૨૦૧૧. મેળવેલ ૫ જૂન ૨૦૧૫.
 4. ૪.૦ ૪.૧ ૪.૨ ૪.૩ ૪.૪ Khambhayata, Lalit (૩ એપ્રિલ ૨૦૧૨). "સવાસો વર્ષ પહેલાં ડૂબેલી ગુજરાતી 'ટાઈટેનિક'હાજી કાસમની વીજળી!". સંદેશ. મૂળ માંથી 2015-09-29 પર સંગ્રહિત. મેળવેલ ૫ જૂન ૨૦૧૫.
 5. ૫.૦ ૫.૧ "હાજી કાસમની વીજળીના બે નામ હતા". ગુજરાત સમાચાર. મૂળ માંથી 2015-06-10 પર સંગ્રહિત. મેળવેલ ૫ જૂન ૨૦૧૫. સંગ્રહિત ૨૦૧૫-૦૬-૧૦ ના રોજ archive.today
 6. "SS Vaitarna". મૂળ માંથી 2015-09-29 પર સંગ્રહિત. મેળવેલ ૪ જૂન ૨૦૧૫. સંગ્રહિત ૨૦૧૫-૦૯-૨૯ ના રોજ વેબેક મશિન
 7. "Vaitarna SS (+1888) document". Wrecksite. ૧૮૮૮.
 8. ૮.૦ ૮.૧ ૮.૨ ૮.૩ ૮.૪ રામાવત, શિશિર (૧૩ નવેમ્બર ૨૦૧૩). "ટેક ઓફ : હાજી કાસમ તારી વીજળી વેરણ થઈ". સંદેશ. મૂળ માંથી 2015-09-29 પર સંગ્રહિત. મેળવેલ ૩ જૂન ૨૦૧૫.
 9. ૯.૦ ૯.૧ "હાજી કાસમની વીજળી... - ઝવેરચંદ મેઘાણી, ગુણવંતરાય આચાર્ય, રાજેન્દ્ર દવે". Aksharnaad.com. ૨૨ ઓક્ટોબર ૨૦૧૨. મેળવેલ ૫ જૂન ૨૦૧૫.
 10. "Vaitarna SS (+1888) document". Wrecksite. ૧૮૮૮.
 11. Bombay Chamber of Commerce (૧૯૧૫). Report of the Bombay Chamber of Commerce. પૃષ્ઠ 556.
 12. "Hand-Book of Cyclonic Storms in the Bay of Bengal: For the Use of Sailors". Forgotten Books. પૃષ્ઠ 2–3. મૂળ માંથી 2015-09-29 પર સંગ્રહિત. મેળવેલ ૫ જૂન ૨૦૧૫.
 13. India. Meteorological Dept (૧૮૯૦). Report on the Meteorology of India. Office of the Superintendent of Government, India. પૃષ્ઠ 103.
 14. Journal of the Royal Statistical Society. Edward Stanford. ૧૮૯૨. પૃષ્ઠ ૨૨૮.
 15. Pathak, Maulik (૧૩ ઓગસ્ટ ૨૦૧૨). "Old man and the sea". મેળવેલ ૫ જૂન ૨૦૧૫.
 16. "Freedom fighter's kin keen on making Indian Titanic". mid-day. ૧૫ ઓગસ્ટ ૨૦૧૦. મેળવેલ ૩ જૂન ૨૦૧૫.
 17. "Otago Daily Times - 10 April 1889 - SHIPPING". Papers Past. મેળવેલ ૫ જૂન ૨૦૧૫.
 18. "Hand-book of cyclonic storms in the Bay of Bengal. For the use of sailors ." Internet Archive. પૃષ્ઠ ૩૪. મેળવેલ ૩ જૂન ૨૦૧૫.
 19. Sir John Eliot (૧૯૦૦). Hand-book of Cyclonic Storms in the Bay of Bengal: For the Use of Sailors. superintendent of government printing, India.
 20. Shah, Praful. "આ જહાજ નથી, દરિયામાં તરતું લોઢાનું ગામ છે ગામ". મુંબઈ સમાચાર. મૂળ માંથી 2015-09-30 પર સંગ્રહિત. મેળવેલ ૫ જૂન ૨૦૧૫. સંગ્રહિત ૨૦૧૫-૦૯-૩૦ ના રોજ વેબેક મશિન