માધવપુર ઘેડ

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
માધવપુર ઘેડ
—  ગામ  —
માધવપુર ઘેડનુ

ગુજરાત અને ભારતમાં સ્થાન

અક્ષાંશ-રેખાંશ 21°15′13″N 69°57′55″E / 21.253542°N 69.965343°E / 21.253542; 69.965343
દેશ ભારત
પ્રદેશ સૌરાષ્ટ્ર {પ્રદેશ}
રાજ્ય ગુજરાત
જિલ્લો પોરબંદર
નજીકના શહેર(ઓ) પોરબંદર
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)

માધવપુર ઘેડ ગામ ભારત દેશનાં પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજયનાં પોરબંદર જિલ્લાનાં પોરબંદર તાલુકામાં આવેલું મહત્વનું દરિયાકાંઠાનું ગામ છે.

સ્થળ[ફેરફાર કરો]

આ ગામ પોરબંદર શહેરથી આશરે ૬૦ કિ.મી.નાં અંતરે પાકા ડામર માર્ગે જોડાયેલ છે. જયાં પહોંચવા માટે એસ.ટી.બસ અથવા ખાનગી વાહન દ્વારા જઈ શકાય છે. તેનાં આજુબાજુનાં પંથકને ઘેડ પ્રદેશ તરીકે ઓળખાય છે. આ ભુમિ ખાસ તો ભગવાન શ્રીકૃષ્ણની લગ્નભુમિ તરીકે વધારે પ્રખ્યાત છે. આ ગામમાં આંગણવાડી, તાલુકા પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, દુધની ડેરી, બસ સ્ટેશન, હોસ્પીટલ વગેરે સગવડો આવેલી છે. અહીંના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, પશુપાલન, માછીમારી, બેલાની ખાણ તેમજ ટ્રાન્સપોર્ટનો છે. માધવપુર ઘેડ કાંપવાળો ફળદ્રુપ પ્રદેશ હોવાને લીધે વસ્તીની સઘનતા છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

રાજાશાહીના સમયમાં માધવપુર ગામ ઉપર પોરબંદરના જેઠવા રાજપુતોનું રાજ હતું. તેઓને "મહારાજા રાણાસાહેબ" નો ખિતાબ પણ મળેલ હતો. જેથી તેઓ રાણા તરીકે પણ ઓળખાય છે. સૌરાષ્ટ્રમાં પ્રાચીન દ્વારકા જે કેટલાક સ્થળોએ હોવાનો દાવો થાય છે. તેમાં માધવપુર પણ એક છે. ઘેડપંથકની ઘણી જગ્યાએ એક હજાર વર્ષ પહેલાનાં અવશેષો મળી આવે છે.

ઘેડ પ્રદેશ[ફેરફાર કરો]

ચોમાસામાં નદીઓના પાણી ઘેડમાં ભરાઈ રહે છે. ચોમાસુ ઉતરતા અહીં વાવણી શરૂ થાય છે. જેથી વાવણી પછી પાકને પાણી ઓછુ પાવુ પડે છે. અહીં કાંપનાં ભેજને કારણે મોલ પાકે છે. જે માધવપુર ઘેડ પંથકની એક આગવી ખાસિયત છે.

માધવપુર ગામની આજુબાજુનો વિસ્તાર ઘેડ તરીકે ઓળખાય છે, તેની પણ એક અલગ વિશેષતા છે. સામાન્ય રીતે કોઈ પણ નદીનાં મુળથી મુખ સુધીમાં ત્રણ ભાગ હોય છે. જે ગિરિપ્રદેશ, મેદાન પ્રદેશ અને મુખ પ્રદેશ. જેમાં મુખ પાસે નદીનો વેગ ધોમો હોય છે. તેમાં કાંપને ઘસડી જવાની શક્તિ નથી હોતી. આથી મુખ પાસે કાંપ એકત્ર થતો જાય છે. નદીના આવા ભાગને ઘેડ કહે છે. સૌરાષ્ટ્રમાં દ્વારકાથી સોમનાથ સુધીના વિસ્તારમાં બે ઘેડ મુખ્ય છે. એક બરડાઘેડ અને બીજો સોરઠઘેડ. સાની, સોરઠી અને વરતુનો ઘેડ તે બરડાઘેડ, પોરબંદર, કુતિયાણા, કેશોદ અને માંગરોલ, જૂનાગઢ જિલ્લો તાલુકાનાં નીચાણવાળા પ્રદેશમાં ભાદર નદી, ઓઝત નદી અને મધુવંતી નદીના ઘેડ પ્રદેશ આવેલા છે. પશ્ચિમ કાંઠાનો આ સૌથી મોટો ઘેડ છે.

ભાદર નદીથી બનતા ઘેડને ભાદરકાંઠો તથા ઓઝત નદી અને મધુવંતી નદીથી બનતા ઘેડને ઘેડ કહેવાય છે. ઘેડનો વિસ્તાર જયાંથી પુરો થાય, ત્યાંથી અલગ પડતા પ્રદેશને નાઘેડ કહેવાય છે.

ધાર્મિક સ્થળો[ફેરફાર કરો]

આ પ્રદેશનાં મુખ્ય સંપ્રદાયો રામદેવપીર, સ્વામિનારાયણ સંપ્રદાય અને વૈષ્ણવ છે. ઘણા વૈષ્ણવ કવિઓ આ પંથકે પકવ્યા છે. વેલાબાવા અને રામૈયા જેવા સંતો ઘેડની નિપજ છે. મેર જ્ઞાતિમાંથી આઈ લીરબાઈમાં જેવા સ્ત્રીસંત પણ ઘેડમાં જન્મયા છે. અમરપુરી, મોતીગર, તપસી મહારાજ, યોગી વસનગર, રામગર, નેભાભગત વગેરે જેવા તેજસ્વી ભકતોની વાણી માધવપુરનાં ગામડાઓમાંથી વહી છે.

માધવપુરમાં મુખ્ય તો માધવરાયજીનું મંદીર આવેલુ છે. આ ઉપરાંત કપિલમુનિની દેરી, પાંચ પાંડવની દેરી, ગુજરાતમાં જમણી શુંઢના ગણેશના મંદીરો જુજ છે. તેમાંનુ એક મંદીર આવેલુ છે, આ મંદીરમાં ગણેશનાં ઘણા શિલ્પો છે. જેથી તે ગણેશજાળુ તરીકે પ્રખ્યાત છે. ગદાવાવ, બ્રહ્મકુંડ, પાળીયા, બળદેવજીનો મંડપ, રેવતીકુંડ, રામદેવપીરનું મંદીર દર્શનીય છે. આ ઉપરાંત વૈષ્ણવોનાં મહાપ્રભુજી ની ૮૪ બેઠકોમાંની ૬૬ મી બેઠક અહીં માધવપુરમાં આવેલી છે. શ્રી ઓશો આનંદ આશ્રમ પણ આવેલો છે. જયાં દેશ વિદેશમાંથી આ આશ્રમની મુલાકાતે આવે છે. ગામથી થોડે દુર મધુવંતી નદીને કિનારે સુર્યમંદીર આવેલું છે. જયાં ભાદરવા સુદ અગિયારસે નદીકાંઠે મેળો ભરાય છે. તે દિવસે શ્રધ્ધાળુ ભકતો વરાહકુંડ, ગોમતીકુંડ, જ્ઞાનવાવ, મધુવંતી નદી તથા સમુદ્રસંગમે સ્નાન કરી કૃતકૃત્યતા અનુભવે છે.

શ્રી માધવરાયજીનું પૌરાણિક મંદીર[ફેરફાર કરો]

માધવપુર ઘેડમાં શ્રી માધવરાયજીનું પૌરાણિક મંદીર આવેલું છે,આ ભગ્નમંદીર સોલંકી ઢબનું ચૌદમી પંદરમી સદીનું ગણાય છે. મંદીર ઉતમ શિલ્પખચિત છે. તેની પ્રાચીનતા અને કલાસમૃધ્ધિ નયનાર્ષક છે. સમુદ્રકિનારા પર રેતીથી અર્ધ દટાઈને ઇતિહાસ જાળવીને હજુ પણ આ મંદીર બેઠુ છે. મંદીરનું શિખર વર્તુળાકાર છે. પુર્વે ઉત્ખન્ન દરમિયાન મંડોવરનો મહત્વનો નીચેનો ભાગ દટાયેલો મળી આવ્યો હતો. તેની આસપાસ જીર્ણવાવ, સપ્તમાતૃકા અને અન્ય મંદીરના ભગ્નાવશેષો પણ મળીઆવેલા છે. માધવરાયજીનાં આ મંદીરને ૧૬ થાંભલા છે. ૧૬ થાંભલાયુકત મંડપ "સિંહમંડપ" તરીકે જાણીતો છે. તેમાંના આઠ થાંભલા શિખરને ટેકવે છે. બાકીનાં આઠ સ્તંભ મંડપ તથા પ્રવેશની છતને ટેકવે છે.

માધવરાયજીનું આ જુનુ મંદીર પુરાતત્વનાં અવશેષરૂપે સાચવવામાં આવેલુ છે. નવું મંદીર લગભગ સતરમી સદીમાં બનાવેલુ છે. જે પોરબંદરનાં રાણા વિકમાતજી અને રૂપાળીબાએ બંધાવી આપેલ છે. આ નવા મંદીરમાં જુના મંદીરની જ પ્રતિમા (મુર્તિઓ) પધરાવવામાં આવેલ છે. કહેવાય છેકે સૌરાષ્ટ્રનાં વિખ્યાત બહારવટીયા મુળુ માણેક અને જોધા માણેક અહીં આવીને પ્રાચીન મંદીર પર ભગવાન કૃષ્ણની ધજા ફરકાવી ગયેલા હતા. હાલ આ મંદીરનો વહીવટ શ્રી માધવરાયજી મંદીર ટ્રસ્ટ સંભાળે છે. દર વર્ષે ભરાતા મેળા અને રૂક્ષ્મણી વિવાહનુ સુંદર આયોજન પણ ટ્રસ્ટ જ કરે છે.

માધવપુરની આસપાસનાં ધાર્મિક સ્થળો[ફેરફાર કરો]

  • આ ગામથી થોડે દુર મધુવન (રૂપેણવન) આવેલું છે. આ વનમાં મધુ નામનો દૈત્ય રહેતો હતો અને કૃષ્ણએ તેનો સંહાર કરેલો. દૈત્યનાં નામ ઉપરથી મધુવન નામ પડ્યુ તેમજ મધુ દૈત્યનો સંહાર કર્યો એટલે કૃષ્ણ મધુસુદન કહેવાયા તેવી લોકવાયકા છે. અહીં નિલકંઠ મહાદેવનું પ્રાચીન સ્થાનક આવેલ છે.
  • આ ગામની નજીકમાં દિવાસા ગામ છે. જે ગામમાં દાડમા દૈત્યની જગ્યા આવેલી છે. કૃષ્ણએ દાડમા દૈત્યનો અહીં સંહાર કર્યો હતો તેમ મનાય છે. દિવાસા ગામમાં જુના સમયનો દરબારગઢ પણ આવેલો છે, જેની શિલાઓ ખુબજ મોટી અને જુની હોય તેવુ જણાય છે.
  • ઘેડ પંથકમાં બળેજ ગામ આવેલુ છે. બળેજનાં મંદીરમાં જુનાં સમયનુ પથ્થરનું અદભુત તોરણ જોવાલાયક છે. જૈતમાલનો પાળિયો પણ શૌર્યગાથાઓની યાદ અપાવે છે.
  • ઘેડમાં માંગરોલનાં રસ્તે મુળ માધવપુર ગામમાં અગિયારમી સદીનું ભગ્ન વિષ્ણુ મંદીર આવેલુ છે. જે તેનાં ઘુંમટનાં નાગદમનની કલાકૃતિ છે તે શિલ્પનો શ્રેષ્ઠ નમુનો છે. આમ પુરાવશેષોની દ્રષ્ટિએ માધવપુર પંથક સમુધ્ધ છે, તો માધવરાયજી મંદીરને કારણે તે જીવંત તિર્થધામછે.
  • માધવપુરની બાજુમાં આવેલા ઘોડાદર ગામે જય ગંજપીરની જગ્યા આવેલી છે. જયાં ફાગણ વદ ૧ એટલેકે ધુળેટી નાં દિવસે મેળો ભરાય છે, જે મેળાને લોકો આસ્થાનો મેળો કહે છે. આ મેળાની વિષેસતા એ છે કે લોકો આ દિવસે ગંજપીરને સાકર, ખજુર અને શ્રીફળની માનતા ચડાવે છે. આ મેળામાં લોકો એકસાથે ખુબજ મોટી સંખ્યામાં માનતા ચડાવતા હોવાથી સાકર, ખજુર અને શ્રીફળને પ્રસાદ તરીકે જમાડવામાં આવે છે. માનતાનાં આ પ્રસાદને ઘોડાદર ગામની બહાર લઈ જવાની મનાઈ છે અને જો કોઈ લઈ જાય તો તે ગામની બહાર જઈ શકતા નથી. જેથી જે પ્રસાદ વધે તે પશુઓને ખવડાવી દેવામાં આવે છે. આમ લોકો પોતાના કાર્ય સફળ થયાનો આનંદ વ્યકત કરે છે. અને આ મેળો સવારથી શરૂ થાય અને સાંજે પુર્ણ થાય છે.

માધવપુરનો મેળો[ફેરફાર કરો]

પ્રારંભ[ફેરફાર કરો]

અહીં માધવપુરમાં ચૈત્ર સુદ ૯ એટલેકે રામનવમીના દિવસે લગ્નોત્સવને કેન્દ્રમાં રાખીને ભકિત-કીર્તનનો પાંચ દિવસનો માધવપુરનો મેળો ભરાય છે. જે ચૈત્ર સુદ ૧૩ નાં દિવસે પુર્ણ થાય છે. કહેવાય છે કે આ મેળાની શરૂઆત લગભગ તેરમી સદીની આસપાસથી થઈ હશે.

ઐતિહાસિક કથા અને મહત્વ[ફેરફાર કરો]

માધવપુર ઘેડમાં ભરાતા મેળાની કથા ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણી નાં લગ્ન પ્રંસંગની સાથે જોડાયેલ છે.[૧] પુરાણ કથા મુજબ વિદર્ભનાં રાજકુંવરી રૂક્ષ્મણીનું ગરવા ગિરનારની ગોદમાં મહાશિવરાત્રિ નાં દિવસે ભરાતા ભવનાથનો મેળા માંથી અપહરણ કરીને શ્રીકૃષ્ણ માધવપુર લઈ આવેલ. ત્યારબાદ અહીં માધવપુરમાં તેમના લગ્ન થયા હતાં. ત્યાર પછીથી તેમની યાદમાં દરવર્ષે અહીં ભારતીય શાસ્ત્રોકત વિધીથી લગ્નની ધામધુમથી ઉજવણી કરવામાં આવે છે. આ લગ્નમાં દેશવિદેશથી દરેક જ્ઞાતિનાં લોકો જોડાય છે, જેથી અલગ અલગ ક્ષેત્રનાં લોકો આ મેળામાં આવતાં હોવાથી દરેક પ્રદેશનાં પોશાકો, ભાષા, રિતરીવાજ તેમજ કૌશલ્ય જોવા મળે છે. આ લગ્ન પ્રંસંગની ઉજવણી બધાજ લોકો સાથે રહીને કરે છે.

પ્રંસંગો અને ઉજવણી[ફેરફાર કરો]

ભગવાન વિષ્ણુ નાં અવતાર એવા ભગવાન શ્રીકૃષ્ણને લાડ લડાવવા તેમનાં લગ્નની યાદની ઉજવણી માધવપુર ઘેડમાં પાંચ દિવસ ચાલે છે. આ મેળાનું આયોજન અને બધી વ્યવસ્થા શ્રી માધવરાયજી મંદીર ટ્રસ્ટ તરફથી કરવામાં આવે છે. જેમાં આજુબાજુનાં ગામનાં સેવકો તથા મંડળોને અલગ અલગ સમિતીઓ બનાવીને જુદાજુદા વિભાગની જવાબદારીઓ સોપવામાં આવે છે. આ ઉપરાંત બહેનોને લગતી જવાબદારીઓ ત્યાનાં ધુનમંડળની મહિલાઓ ને સોપવામાં આવે છે. મેળામાં ફજર ફારકાઓ, વિવિધ પ્રકારની ચકરડીઓ, મેળામાં આવેલા રબારી, ઘેડીયા કોળી, મેર વગેરે જેવી જ્ઞાતિનાં લોકો પોતાનાં પરંપરાગત પોશાકની વેશભુષાથી સજ્જ થઈને અલગ અલગ જાતનાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજે છે.

શ્રી ગોપાલ લાલજીનું ફુલેકું[ફેરફાર કરો]

શ્રી ગોપાલ લાલજી એટલે કે ભગવાન શ્રીકૃષ્ણનું બાળસ્વરૂપ. માધવપુરનો આ લોકમેળો ચૈત્ર સુદ ૯ એટલે કે રામનવમીનાં દિવસે સવારથી જ શરૂ થઈ જાય છે. જેથી ખુબજ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે. જેમ જેમ સમય પસાર થતો જાય છે તેમ તેમ મેળાની રંગત જામતી જાય છે. તો બીજી બાજુ મંદીરમાં ભગવાનનાં ફુલેકાની તૈયારી શરૂ થઈ જાય છે. રામનવમીની સાંજે આ ફુલેકાની શરૂઆત થાય છે. જેમાં હજારોની સંખ્યામાં લોકો જોડાય છે અને કિર્તનો અને લોકગીતો ની રમઝટો બોલે છે. આ ફુલેકું શ્રી માધવરાયજીનાં મંદીરેથી નીકળીને પુર્વનાં દરવાજા બહાર ઉતર બાજુનાં પૌરાણિક બ્રહ્મકુંડનાં પુર્વ કાંઠા પર આવેલ પાંચ પાંડવની દેરીઓ પાસે લાવવામાં આવે છે. આ દરમિયાન થોડાથોડા અંતરે રાસમંડળીઓ જમાવટ કરે છે. તે સમયે શ્રી ગોપાલ લાલજી મહારાજની મુર્તિનાં દર્શન કરીને લોકો કૃતાર્થ થાય છે. આમ ફરતા ફરતા કિર્તનોની રમઝટ વચ્ચે વરણાગી (પાલખી) અગીરેક વાગ્યાનાં સમયે પરત પોતાનાં નીજ સ્થાને પહોંચે છે. ફુલેકાનો આ ક્રમ ચૈત્ર સુદ ૯, ચૈત્ર સુદ ૧૦ અને ચૈત્ર સુદ ૧૧ આમ ત્રણ દિવસ ચાલે છે.

જાનનું આગમન અને સ્વાગત[ફેરફાર કરો]

ભગવાનનાં ફુલેકાનાં ત્રણ દિવસની ઉજવણી પુર્ણ થયા બાદ ચૈત્ર સુદ ૧૨નાં દિવસની સવારે પોરબંદરનાં રાજવી પરીવાર દ્વારા મોકલાવામાં આવેલ ધજા લઈને માધવપુરની બાજુમાં આવેલ કડછ ગામનાં લોકો આવે છે. સૌ પ્રથમ મંદીરનાં ભકતજનો તરફથી ધજાનું વાજતે ગાજતે સામૈયું કરવામાં આવે છે. ત્યારબાદ આ ધજા શ્રી માધવરાયજી મંદીર ઉપર શાસ્ત્રોકત વિધી કરીને પછી ચડાવવામાં આવે છે. આ પ્રંસંગ પત્યા બાદ લોકમેળોતો ચાલુ જ રહે છે.

સાંજનાં ચારેક વાગ્યાનાં સમયે શ્રી માધવરાયજીનાં નવા મંદીરનાં પ્રાંગણમાં મોટો સમીયાણો ગોઠવવામાં આવે છે. ત્યાંથી બે ઘોડાઓવાળા લાકડાનાં શણગારેલા રથમાં ભગવાનનાં બે ફુલેકા નીકળે છે. આ પ્રંસંગ પછી તરત જ ભગવાનશ્રી કૃષ્ણની જાન પરણવા માટે વરઘોડા સ્વરૂપે મંદીરેથી નીકળે છે અને તે જયાં શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીનાં લગ્ન થયા હતાં તે જગ્યા રૂક્ષ્મણીમઠ ખાતે પહોંચે છે. આવા ખુશીનાં લગ્નોત્સવ પ્રંસંગે લોકો ઢોલ, શરણાઈ, નગારા તેમજ અલગ અલગ પ્રકારનાં વાંજીત્રો વગાડીને કિર્તન અને લગ્નગીતો ગાતા જાય છે અને આનંદવિભોર બની જાય છે. દુલ્હેરાજાનાં રથને ગામનાં પાદરથી હિમારીનાં વડ સુધી દોડાવવામાં આવે છે અને ત્યાં વડ પાસે થોડો સમય રોકવામાં આવે છે. ત્યારબાદ વરઘોડાનાં રથની સાથે માનવમેદની મધુવન પહોંચે છે. જયાં વરરાજાની જાનનું ભવ્યાતીભવ્ય રજવાડી ઠાઠમ ઠાઠથી સ્વાગત (સામૈયું) કરવામાં આવે છે.

લગ્નવિધી પ્રંસંગ[ફેરફાર કરો]

વરરાજાની જાનનાં સ્વાગત પછી દુલ્હેરાજા ભગવાન શ્રીકૃષ્ણને વિવાહ મંડપમાં લઈ આવવામાં આવે છે. જયાં વરરાજાને પોખવાની ભવ્ય વિધી કરવામાં આવે છે. આ વિધીનો લાભ લેવા માટે લોકો દ્વારા પૈસાની ઉચી બોલી બોલાય છે, જે પૈસાનો વધારે ચડાવો કરે તેને આ લાભ આપવામાં આવે છે. આ વિધી પુર્ણ થયાબાદ ભારતીય સંસ્કૃતિ મુજબ પરંપરગત શાસ્ત્રોકત વિધીથી લગ્નવિધી શરૂ થાય છે. આ દરમિયાન કન્યાપક્ષ એટલેકે માંડવાપક્ષનાં મહેમાનો અલગ બેસે છે અને વરપક્ષનાં મહેમાનો તેની સામેની બાજુએ પોતાનુ સ્થાન લે છે. લગ્નવિધી દરમિયાન બન્ને પક્ષ તરફથી વારાફરતી ફટાણાઓ (લગ્નગીત) ગવાય છે.

જેમ જેમ લગ્નવિધી આગળ ચાલતી જાય છે તેમાં કંસાર પીરસવાની વિધી, મંગલફેરાની વિધીઓ આગળ ચાલે છે. જે રીતે હિન્દુસમાજમાં લગ્ન માટેની જે વિધીઓ છે તેનો સંપુર્ણ અમલ થાય છે. આવા શુભ પ્રંસંગે બધાને પ્રસાદની પણ વ્યવસ્થા સરસ રીતે કરવામાં આવે છે. આમ કિર્તનો અને લગ્નગીતોની રમઝટ વચ્ચે લગ્નવિધી પુર્ણ થાય છે.

કન્યાવિદાય પ્રંસંગ[ફેરફાર કરો]

સામાન્ય રીતે જાન વિદાયનાં સમયે જેવી રીતે બે વેવાઈઓ સામ સામે બાથ ભીડીને કરૂણ પ્રંસંગે એકબીજાને દિલાસો આપે છે, તે જ રીતે માધવપુરનાં પાદરમાં આવા દ્રશ્યો ખડા થાય છે. આમ તે રાત મધુવનમાં પસાર કરે છે અને સવારે જાન પરણીને પરત જાય છે.

ભગવાન શ્રીકૃષ્ણની જાન પરણીને પરત નીજ મંદીરે આવે છે. અહીં આવ્યાબાદ ફરીથી જાનનાં આગમન પ્રંસંગને અનુરૂપ રજવાડી ઠાઠથી સામૈયા થાય છે. જેમાં પણ ઢોલ શરણાઈ અને સંગીતનાં શુરો રેલાવીને લોકો આનંદમાં ડુબી જાય છે. આ પ્રંસંગની સમાપ્તીની સાથે જ મેળો પણ પુર્ણ થાય છે. આ દરમિયાન માધવપુર પધારેલા સૌલોકો આ લગ્નોત્સવનો અને મેળાનો આનંદ માણે છે. ખરેખર આવા મેળાઓ મનુષ્યનાં જીવનને આનંદથી ભરી દે છે અને આનંદમય જીવન જીવવાની પ્રેરણા આપે છે.

સંદર્ભ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]