સ્વામિનારાયણ સંપ્રદાય

વિકિપીડિયામાંથી


સ્વામિનારાયણ સંપ્રદાય હિંદુ ધર્મનો એક ભાગ છે. જેના સ્થાપક અને પ્રચારક સ્વામિનારાયણ ભગવાન હતા. આ સંપ્રદાયના અનુયાયીઓ સ્વામિનારાયણ ભગવાનને પરબ્રહ્મ માની તેમની ઉપાસના કરે છે. વચનામૃત, શિક્ષાપત્રી, સત્સંગી જીવન, સ્વામીની વાતો આ સંપ્રદાયના મુખ્ય ગ્રંથો છે.[૧]

સ્વામિનારાયણ ભગવાન, સંતો અને ભક્તો સાથે

ભારતીય જનમાનસ પર આ સંપ્રદાયની ઊંડી અસર થઈ છે. ગઢડા આ સંપ્રદાયનું મુખ્ય તીર્થ સ્થળ છે. સંપ્રદાયના અનેક પેટા વિભાગો પણ છે, આ બધામાં BAPS સંસ્થા સૌથી જાણીતી છે, આ સંસ્થાના પ્રમુખ સ્વામી, મહંત સ્વામી વિશ્વ પ્રસિદ્ધ સંતો છે.[૨] હિંદુ ધર્મ ની સંસ્કૃતિ, પરંપરા, સાહિત્ય, તત્વજ્ઞાન અને સ્થાપત્યમાં આ સંપ્રદાય પોતાનું આગવું મહત્વ ધરાવે છે.

હાલમાં આ સંપ્રદાય સાથે ૪ કરોડ જેટલા અનુયાયીઓ જોડાયેલા છે.

મંદિર નિર્માણ[ફેરફાર કરો]

સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરો શિલ્પ અને સ્થાપત્ય કલાના ઉત્તમ નમુનારુપ છે.ગુજરાતની સ્થાપત્ય કલામાં આ સંપ્રદાય ઘણૂં મોટું યોગદાન ધરાવે છે.ભગવાન સ્વામિનારાયણે અમદાવાદ, ભૂજ, ધોલેરા, જૂનાગઢ, ગઢપૂર, મૂળી, વડતાલ વગેરે સ્થળોએ ભવ્ય મહામંદિરોનું નિર્માણ કરાવ્યુ. આ મંદિરો વર્તમાનમાં આસ્થાના કેન્દ્રો બન્યા છે. આ ઉપરાંત દેશ અને દુનિયામાં ૧૧૦૦ થી વધુ મંદિરોનું નિર્માણકાર્ય થયું છે જેમાં ગુજરાતમાં સૌથી વધુ મંદિરો થયા છે. ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં કહે છે કે, અમે ત્યાગનો પક્ષ મોળો કરીને ભગવાનની ઉપાસના પ્રર્વતાવ્યા સારું મંદિરો કરાવ્યા છે. સૌ પ્રથમ મંદિર અમદાવાદમાં હાલના કાલુપરમાં બનાવેલુ અને છેલ્લુ મંદિર ગઢડામાં.

મંદિર નિર્માણક્ષેત્રે આ સંપ્રદાય સંપૂર્ણપણે સ્વાયત્તતા ભોગવે છે. આજે દરેક સંપ્રદાયના મંદિરોના નિર્માણમાં તન-ધનની સેવા તો જે તે સંપ્રદાયના અનુયાયીઓ જ કરતા હોય છે પરંતુ આ સંપ્રદાય આર્થિક રીતે જ નહિ બૌદ્ધિક રીતે પણ પુર્ણ સ્વાયત્ત થયેલો જણાય છે. પ્રારંભકાળથી જ જોઇએ તો અમદાવાદ મંદિરનું ચિત્ર અર્થાત્ નક્શો પણ સ્થપતિ [આર્કિટેક] શ્રી નારાયણજીભાઈ સુતાર પાસે કરાવીને આનંદાનંદ સ્વામીને નિર્માણની સંપુર્ણ જવાબદારી સોંપવામાં આવેલી.અત્રે ઉલ્લેખનીય છે કે આ મંદિર માટેની જગ્યા અંગ્રેજ અધિકારી ડનલોપ સાહેબે ફાળવી આપેલી.વડતાલ મંદિર માટે વડોદરાના પુરુષોત્તમ અને દામોદર, અમદાવાદના કુબેરજી, મારવાડી હીરાજી,નડિયાદના કેવળદાસ વિગેરે સ્થપતિઓ પાસે રેખાચિત્ર તૈયાર કરવ્યા હતા;તેમાંથી હીરાજીના રેખાચિત્ર પ્રમાણે મંદિર તૈયાર કરવાની જવાબદારી બ્રહ્માનંદ સ્વામીને સોંપવામાં આવેલી.ગઢપુર મંદિર માટેનું રેખાચિત્ર શ્રી નારાયણજી સુતાર પાસે જ કરાવેલું અને જેઠા શિલ્પી પાસે તે પ્રમાણે મંદિર તૈયાર કરાવ્યું.ટુંકમાં મંદિર નિર્માણમાં તન,મન અને ધનની સાથે સાથે આયોજન પણ સંપ્રદાયના અનુયાયિઓ દ્વારા જ થતું.ત્યાગી સમાજ પણ મંદિર નિર્માણની પ્રવૃતિને ભક્તિ માનીને સક્રિય ભાગ ભજવતો.ભુજ મંદિર વૈષ્ણવાનંદ સ્વામી,ધોલેરા મંદિર નિષ્કુળાનંદ સ્વામી ,જુનાગઢ અને મુ઼ળી મંદિર બ્રહ્માનંદ સ્વામીની દેખરેખ નીચે તૈયાર થયા છે. ત્યારપછિના સમયમાં પણ દરેક મંદિરના નિર્માણમાં ત્યાગીઓ જ સક્રિય રહ્યા છે. પ્રારંભમાં થોડા વર્ષો સુધી મંદિરોનો વહિવટ પાર્ષદો કરતાપણ છેલ્લા ૧૦ - ૧૨ દાયકાઓથી તો તે પણ સંતો જ કરે છે.

આચાર્ય સ્થાપના[ફેરફાર કરો]

ભગવાન શ્રી સ્વામિનારાયણે ગુરુ રામાનંદ સ્વામી પાસેથી આ સંપ્રદાયનીં ધુરા સંભાળી ત્યારે સંપ્રદાયનાં અનુયાયીઓની સંખ્યા અને વ્યાપ મર્યાદિત હતો. પરંતું ભગવાન શ્રી સ્વામિનારાયણે સંપ્રદાયનાં સુત્રો હાથમાં લીધા પછી ટુંક સમયમાં જ આ સંપ્રદાય લોકશુદ્ધિનું એક પ્રબળ પરિબળ બની ગયો. આ બૃહદ સંપ્રદાયની જવાબદારી ઉત્તરોત્તર ભવિષ્યમાં જળવાઇ રહે તે ખુબ જ જરૂરી હતુ. ભગવાન શ્રી સ્વામિનારાયણે સં. ૧૮૮૨ (ઇ.સ.૧૮૨૬) ના કારતક સુદી એકાદશીના રોજ વડતાલમાં લક્ષ્મીનારાયણ દેવના મંદિરમાં મોટા ભાઈ રામપ્રતાપજીના પુત્ર અયોધ્યાપ્રસાદજી તથા નાનાભાઈ ઇચ્છારામજીના પુત્ર રઘુવીરજીને દત્તક લઇ સંપ્રદાયનાં આચાર્યપદે સ્થાપ્યા. તેમણે નરનારાયણ (અમદાવાદ) અને લક્ષ્મીનારાયણ (વડતાલ) એ બે મંદિરોને મુખ્ય રાખી ઉત્તર અને દક્ષિણ એ રીતે બે દેશ-વિભાગો કર્યા. તે મુજબ રઘુવીરજી લક્ષ્મીનારાયણ દેશના અને અયોધ્યાપ્રસાદજી નરનારાયણ દેશના આચાર્ય નક્કી થયા.

સંપ્રદાયની વિશુદ્ધ પરંપરા જળવાઈ રહે એ માટે અમદાવાદ અને વડતાલ એમ બે જગ્યાએ ગાદી સ્થાનો સ્થાપ્યા અને તેના પર અયોધ્યાપ્રસાદજી અને રઘુવીરજી મહારાજની આચાર્યપદે નિયુક્તિ કરી તેમાં સમયની ગતિએ કરવટ બદલી છે.

સ્વામિનારાયણીય ચિત્રકલા[ફેરફાર કરો]

ચિત્રકલા ભારતીય ઇતિહાસનું એક અવિસ્મરણીય પૃષ્ઠ છે. ભગવાન સ્વામિનારાયણ સાહિત્ય, સંગીત અને ચિત્રકલાના પોષક હતા. તેમણે રાજસ્થાની ચિત્રકલાને અનુસરીને સંપ્રદાયમાં ચિત્રકલાનો વિકાસ કરાવ્યો. સંપ્રદાયના પ્રથમ ચિત્રકાર આધારાનંદ સ્વામી અને નારાયણજી સુતાર છે. સંપ્રદાયમાં મંદિરોમાં વિવિધ સ્વરુપો પધરાવીને ભગવાન સ્વામિનારાયણે ચિત્રકલાને વિકાસનો મોકળો માર્ગ આપ્યો. મંદિરોમાં દિવાલોમાં વિશાળ ભીંતચિત્ર દોરવાની પરંપરા છે. હરિમંદિરોમાં પણ સર્વત્ર ચિત્રપ્રતિમા જ પધરાવવામાં આવે છે એટલે ચિત્રકલાને અહિં પુરતું પ્રોત્સાહન મળ્યું છે એટલું જ નહિ આ સંપ્રદાયના દરેક અનુયાયીઓ નિત્ય સવારે વ્યક્તિગત પૂજા કરે છે પરિણામે તાડપત્ર કે કાગળ પરના લઘુચિત્ર આ સંપ્રદાયના પ્રારંભકાળથી જ શરુ થયેલા જણાય છે. આજે ઘણા મોટા મંદિરોમાં આવા નાના ચિત્રોને ઇતિહાસના રુપમાં સાચવવામાં આવે છે. પોથીચિત્રના રુપમાં આ સંપ્રદાયમાં આધારાનંદ સ્વામીએ જમયાતના ગ્રંથ સચિત્ર તૈયાર કર્યો છે જેમાં ગરુડ પુરાણ આધારિત યમયાતનાનું વર્ણન છે.તે ઉપરાંત નિષ્કુળાનંદ સ્વામી દ્વારા પણ આજ વિષયવસ્તુ પર આધારિત સચિત્ર ગ્રંથયમદંડ રચાયો છે જે પ્રસિદ્ધ પણ વધુ છે. ઇતિહાસની દ્રષ્ટિએ સંપ્રદાયના આ પોથીચિત્રો ગુજરાતની પોથી ચિત્રકલાના અંતિમ અવશેષરુપ છે. ગુજરાતમાં ત્યારપછીના સમયમાં મુદ્રણકલાના વિકાસના કારણે પોથિચિત્રોની પરંપરા લુપ્તપ્રાય બની છે.

છેલ્લી બે ત્રણ શતાબ્દિઓથી ગુજરાત અને રાજસ્થાનમાં પ્રચલિત બનેલી કુંડલી ચિત્રના ક્ષેત્રમાં આ સંપ્રદાયના ચિતારાઓ ચમક્યા છે. હસ્તપ્રત ચિત્રના એક ભાગરુપે ભુંગળાની જેમ વાળીને તેમાં કુંડલી તૈયાર કરવામાં આવે છે. ભગવાન સ્વામિનારાયણની આવી કુંડલી વઢવાણના જ્યોતિષજ્ઞ લાધારામ ઠક્કર દ્વારા તૈયાર કરવામાં આવેલી તેને આધારાનંદ સ્વામીએ ૪૦ મીટર લાંબુ સચિત્રરુપ આપ્યું છે. આ કુંડલીચિત્ર ગાંધિનગર ગુરુકુલના વિદ્વાન શાસ્ત્રી સ્વામી શ્રીહરિપ્રકાશદાસજી પાસે સુરક્ષિત છે. તેઓએ તે પ્રિન્ટ પણ કરાવ્યું છે.આજે આ તમામ પ્રથાઓને કોઇ પ્રોત્સાહન મળતું નથી પણ ચિત્રકારો હજુ ઘણૂં આ સંપ્રદાયને જ નહિ પણ ચિત્ર જગતને ઘણુ મોટું યોગદાન આપી રહ્યા છે. ફતેહસિંહ વાળા આજે આ સંપ્રદાયના પ્રખ્યાત ચિતારા છે.સંતોમાં પણ ચિતારાની પરંપરા ચાલુ જ છે. આધારાનંદસ્વામીના શિષ્ય શ્રીહરિદાસજી સ્વામી પણ ચિત્રકાર હતા. મોગલ પદ્ધતિથી પ્રભાવિત તેમના ચિત્રો આજે પણ અમદાવાદ, ધોળકા મંદિરના સંત નિવાસમાં પ્રતિષ્ઠિત છે. તેમના શિષ્ય સ્વામી હરગોવિંદદાસજી પણ ચિતારા હતા અને તેમની કૃતિઓ ઉત્તર ગુજરાત, ભાલ અને ઝાલાવાડના મંદિરોમાં જોવા મળે છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Sansthan, Shree Swaminarayan Gurukul Rajkot. "ષડંગી સંપ્રદાય". Rajkot Gurukul (અંગ્રેજીમાં). મેળવેલ 2023-05-11.
  2. "સ્વામિનારાયણ સંપ્રદાય – Gujarati Vishwakosh – ગુજરાતી વિશ્વકોશ" (અંગ્રેજીમાં). મેળવેલ 2023-05-11.