સ્વામિનારાયણ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
સ્વામિનારાયણ (ઘનશ્યામ પાન્ડે)
સ્વામિનારાયણ
જન્મ તિથિ૩ એપ્રિલ ૧૭૮૧
જન્મ સ્થાનછપૈયા, ઉત્તર પ્રદેશ, ભારત
પૂર્વાશ્રમનું નામઘનશ્યામ પાન્ડે
મૃત્યુ તિથિ૧ જૂન ૧૮૩૦
મૃત્યુ સ્થાનગઢડા, ગુજરાત, ભારત
સન્માનભગવાન
સ્વામિનારાયણ

સ્વામિનારાયણ અથવા સહજાનંદ સ્વામી (૩ એપ્રિલ ૧૭૮૧ - ૧ જૂન ૧૮૩૦) સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક હતા. આ પંથમાં શ્રી સ્વામિનારાયણને નર-નારાયણના અવતાર ગણવામાં આવે છે. તેમનું મૂળ નામ ઘનશ્યામ પાન્ડે હતું અને તેમનો જન્મ ઉત્તર પ્રદેશના છપૈયા ગામે ૧૭૮૧માં થયો હતો. ૧૭૯૨માં તેમણે ભારતભ્રમણ શરુ કર્યું અને રામાનંદ સ્વામીને ગુરુ બનાવ્યા. રામાનંદ સ્વામીએ ઉદ્ધવ સંપ્રદાયની ગાદી તેમને સોંપી. તેમણે અનુયાયીઓને સ્વામિનારાયણ મંત્ર આપ્યો અને સ્વામિનારાયણ તરીકે પ્રસિદ્ધ થયા. તેમના અનુયાયીઓ તેમને ભગવાનના અવતાર માનવા લાગ્યા અને આમ ઉદ્ધવ સંપ્રદાયમાંથી સ્વામિનારાયણ સંપ્રદાય બન્યો.

હાલ આ સંપ્રદાયનો વ્યાપ ઘણાં દેશોમાં વધ્યો છે, ખાસ કરીને તેમના બ્રિટિશ સરકાર સાથેના સંબંધ વધુ વિકસ્યા છે.(સંદર્ભ આપો) આ સંપ્રદાયમાં હિન્દુ જ નહીં પણ મુસલમાન અને પારસીઓ પણ જોડાયા છે.(સંદર્ભ આપો) શ્રી સ્વામિનારાયણે તેમના જીવનકાળમાં છ મંદિરો તથા ૫૦૦ સન્યાસીઓ બનાવ્યા હતા. ૧૮૨૬માં તેમણે શિક્ષાપત્રી લખી અને ૧ જુન ૧૮૩૦ના દિવસે ગઢડા ખાતે તેમણે દેહત્યાગ કર્યો. મૃત્યુ પહેલા તેમણે તેમના ભત્રીજાને આચાર્યપદે સ્થાપી સંપ્રદાયનો કારભાર સોંપ્યો.

અનુયાયીઓ તેમણે કરેલા સમાજોત્થાન, સ્ત્રી કલ્યાણ, અને યજ્ઞમાં અપાતી બલી પ્રથા બંધ કરાવવા જેવા કાર્યો માટે તેમનું પૂજન કરે છે. જ્યારે મહર્ષિ દયાનંદ વગેરે તેમની ભગવાન તરીકે પોતાને ઓળખાવવા માટે આલોચના પણ કરે છે. આજે આ સંપ્રદાયમાં લગભગ ૨ કરોડ લોકો જોડાયેલા છે.[૧]

જન્મ[ફેરફાર કરો]

અયોધ્યા પાસે આવેલા છપૈયા ગામમાં ધર્મદેવ અને ભકિત માતાની કૂખે સંવત ૧૮૩૭ના ચૈત્ર સુદ ૯ને સોમવાર ૩ એપ્રિલ ૧૭૮૧ની રાત્રિએ ૧૦ વાગીને ૧૦ મિનિટે શ્રી સ્વામિનારાયણનો જન્મ થયો.[૨] વળી યોગાનુયોગે તે દિવસે રામનવમી પણ હતી. આથી આ દિવસને સ્વામિનારાયણ સંપ્રદાયના લોકો સ્વામિનારાયણ જયંતી તરીકે પણ ઉજવે છે.[૩] તેમનું બાળપણમાં નામ ઘનશ્યામ પાડવામાં આવ્યું.[૨] તેમને બે ભાઈઓ હતા, જેમાં મોટાભાઈનું નામ રામપ્રતાપ પાન્ડે અને નાનાભાઈનું નામ ઇચ્છારામ પાન્ડે હતું.[૪] તેમણે સાત વર્ષની ઉમરે હિન્દુ ધર્મના ગ્રંથોનો અભ્યાસ કરી તેમાં પારંગત થયા હતા.[૫] અને ગૃહત્યાગ કરી વનમાં અને આખા ભારતનાં તીર્થોમાં આશરે ૧૨૦૦૦ કિ.મી.નું પગપાળા વિચરણ કર્યું અને પીપલાણા મુકામે રામાનંદ સ્વામી પાસેથી વિ.સં ૧૮૫૭ની કારતક સુદ અગિયારસને ૨૮ ઓક્ટોબર ૧૮૦૦ના રોજ તેમણે દીક્ષા લીધી. રામાનંદ સ્વામીએ સહજાનંદ સ્વામી અને નારાયણમુનિ એમ બે નામ પાડયાં અને પોતાની સેવામાં રાખ્યા.

નિલકંઠવર્ણી, ભારતભ્રમણ

સંપ્રદાય સ્થાપન[ફેરફાર કરો]

સંવત ૧૮૫૮ માગશર સુદ-૧૩ના રોજ રામાનંદ સ્વામી અંતર્ધાન થયા. ત્યાર બાદ સહજાનંદ સ્વામીએ પોતાનું ‘સ્વામિનારાયણ’ નામ પાડયું. એ અરસામાં વડતાલનો જૉબનપગી, ઉપલેટાનો વેરાભાઈ જેવા ભયંકર લૂંટારાઓને સ્વામિનારાયણ પોતાના અનુયાયી બનાવ્યા. બાળકીઓને દૂધ પીતી કરવાના રિવાજ સામે શ્રી સ્વામિનારાયણે લાલબત્તી ધરી અને અનેકને સમજાવી સમાજમાંથી આ પ્રથા નાબૂદ કરવાની ચળવળ જગાવી(સંદર્ભ આપો). વળી તેમણે સતી પ્રથા, પશુબલિ અને વ્યસનોનો પણ વિરોધ કર્યો. તેમણે ૧૨૦૦થી પણ વધુ લોકોને દિક્ષા આપી અને અનેક અનુયાયીઓ બનાવ્યા. સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રથમ મંદિરની સ્થાપના અમદાવાદમાં કરવામાં આવી. આ મંદિરમાં નરનારાયણ દેવની સ્થાપના કરી.

શ્રી રામાનંદ સ્વામી દ્વારા સંપ્રદાયની સ્થાપના[ફેરફાર કરો]

સ્વામિનારાયણ સંપ્રદાય રામાનંદ સ્વામીને ઉદ્ધવજીનો અવતાર માને છે. તેમનો જન્મ વિ.સં.૧૭૯૫ (ઇ.સ.૧૭૩૫)માં અયોધ્યામાં બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. તેમનું નાનપણનું નામ રામ શર્મા હતું. ઉપનયન સંસ્કાર પછી તેમણે નાની ઉંમરમાં જ ઘર છોડ્યું. તીર્થયાત્રા કરી સૌરાષ્ટ્રમાં તળાજા ગામે કાશીરામ નામના શાસ્ત્રવેત્તા પાસે સંસ્કૃત ગ્રંથોનો અભ્યાસ કર્યો. તે પછી ગિરનારમાં રહેલાં આત્માનંદ મુનીને મળ્યા. તેમની પાસે દીક્ષા લઇ રામાનંદ નામ ધારણ કર્યું. તેઓ શ્રીરંગમમાં શ્રી રામાનુજાચાર્યની ગાદીએ ગયા અને ત્યાં તેમની ભક્તિ કરી ત્યારે કહેવાય છે કે સ્વપ્નમાં શ્રી રામાનુજાચાર્યે તેમને વૈષ્ણવી દીક્ષા અને મંત્ર આપ્યાં. ત્યાં રહેલા રામાનુજ સંપ્રદાયના શિષ્યો સાથે વિખવાદ થતા રામાનંદ સ્વામી ત્યાંથી ચાલી નીક્ળ્યા અને વૃંદાવન આવ્યા. શ્રી સ્વામિનારાયણનાં માતા-પિતા ધર્મદેવ અને ભક્તિમાતા પણ તેમને વૃંદાવનમાં જ મળ્યા અને તેમની પાસેથી દિક્ષા લઈ તેમના શિષ્ય બન્યા.

અવતાર તરીકે માન્યતા અને અનુયાયીઓ[ફેરફાર કરો]

સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ તેમને વિષ્ણુ ભગવાનના અવતાર માને છે અને તેમના કાર્યોને કલિયુગનો ઉદ્ધાર માને છે.

નરનારાયણ દેવ, કાલુપુર, અમદાવાદ

રેમન્ડ વિલીયમ્સ નામના ઇતિહાસવિદ્‌ની નોંધ મુજબ જ્યારે સ્વામિનારાયણ મૃત્યુ પામ્યા ત્યારે તેમના અનુયાયીઓની સંખ્યા ૧૭ લાખ હતી અને આજે આ સંખ્યા બે કરોડ જેવી છે.[૬][૭][૮][૧]. વચનામૃતમાં તેમણે જણાવ્યા મુજબ, મનુષ્ય ભગવાનને પ્રત્યક્ષ જોઈ નથી શકતો તેથી ભગવાન અવતાર લઈ તેને દર્શન આપે છે.[૯] જો કે, પુરાવા તથા આધાર ન હોવા છતા, તેમના અનુયાયીઓ તેમને વિષ્ણુ ભગવાનના અવતાર માને છે.[૧૦]. સાંપ્રદાયિક વાર્તા મુજબ દુર્વાસાઋષિના શ્રાપ ને લીધે શ્રીહરિએ સ્વામિનારાયણ રુપે અવતાર લીધો એવું કહેવામાં આવે છે.[૧૧] વળી, કેટલાક અનુયાયીઓ તેમને કૃષ્ણના અવતાર પણ ગણાવે છે[૯]. સ્વામિનારાયણે પોતાને જ રેજીનાલ્ડ હેબર અને લોર્ડ બિશપ સમક્ષ કલકત્તા ખાતે ભગવાનનો અંશ ગણાવ્યા હતા.[૧૨][૧૩]

જીવન ચરિત્ર[ફેરફાર કરો]

સ્વામિનારાયણ પાંચ વર્ષનાં થયા ત્યારે પિતા ધર્મદેવે તેમને ભણાવવાનું શરૂ કર્યું. પિતા પાસેથી બાળ ઘનશ્યામ ચાર વેદ, રામાયણ, મહાભારત, શ્રીમદ્ ભાગવતમ્, પુરાણો, શ્રી રામાનુજાચાર્ય પ્રણિત શ્રી ભાષ્ય, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ વગેરે ભણાવ્યા. આ બધાં શાસ્ત્રોનો સાર તેમણે સંગ્રહિત કરી, પોતાને માટે એક ગુટકો બનાવી લીધો.(સંદર્ભ આપો) માતા અને પિતાનાં દેહોત્સર્ગ બાદ અગિયાર વર્ષના બાળ ઘનશ્યામ ગૃહત્યાગ કરીને વન વિચરણ કરવા નીકળી પડ્યા. વનવિચરણ દરમિયાન ઘનશ્યામનો તપસ્વીના જેવો વેષ હોવાથી તેઓ નીલકંઠ તરીકે ઓળખાયા. નીલકંઠવર્ણીએ સાત વર્ષ સુધી દેશનાં જુદાજુદા વિભાગોમાં પગપાળા પ્રવાસ કર્યો. સૌ પ્રથમ તેઓ હિમાલયમાં પુલહાશ્રમમાં ગયા. ત્યાર બાદ બુટોલપત્તન થઇ આગળ જતાં નેપાળમાં ગોપાળ યોગીનો મેળાપ થયો. તેમની પાસે એક વર્ષ રહી અષ્ટાંગ યોગ શીખ્યા(સંદર્ભ આપો). ત્યાર બાદ તેમણે વિવિધ ક્ષેત્રોમાં ફરી અનુયાયીઓ બનાવ્યા અને અંતે રામાનંદ સ્વામી સાથે મેળાપ થયો.

રામાનંદ સ્વામી દ્વારા દિક્ષા[ફેરફાર કરો]

ગુરુ રામાનંદ સ્વામીએ નીલકંઠવર્ણીને વિ.સં.૧૮૫૭ કાર્તિક સુદી એકાદશીને દિવસે (તા.૨૮-૧૦-૧૮૦૦) મહાદિક્ષા આપી અને તેમનાં સહજાનંદ સ્વામી તથા નારાયણ મુનિ એમ બે નામ પાડ્યાં. મહાદિક્ષા આપ્યા પછી ગુરુ રામાનંદ સ્વામીએ વિ.સં.૧૮૫૮ કાર્તિક સુદી એકાદશી (તા.૧૬-૧૧-૧૮૦૧)નાં રોજ પોતાના આશ્રિતો-અનુયાયીઓ સમક્ષ પોતે સ્થાપેલા ઉદ્ધવ સંપ્રદાયનું આચાર્યપદ સહજાનંદ સ્વામીને સોંપ્યું. સંવત ૧૮૫૮માં કારતક સુદ એકાદશી ૧૬ નવેમ્બર ૧૮૦૧ના દિવસે જેતપુરમાં રામાનંદ સ્વામીએ સહજાનંદ સ્વામીને પોતાની ગાદી સુપરત કરી. સહજાનંદ સ્વામીએ ગુરુને પ્રણામ કર્યા ત્યારે રામાનંદ સ્વામીએ પ્રસન્ન થઇને વરદાન માગવા કહ્યું ત્યારે સહજાનંદ સ્વામીએ આ બે વરદાન માગ્યાં:

 • તમારા ભક્તને એક વીંછીનું દુ:ખ થવાનું હોય તો તેને બદલે એ દુ:ખ મને ભલે રુંવાડે રુંવાડે કોટિગણું થાઓ પણ તે ભક્તને ન થાઓ.
 • તમારા ભક્તનાં કર્મમાં રામપાત્ર આવવાનું લખ્યું હોય તો તે રામપાત્ર મને આવો પણ તે ભક્ત અન્નવસ્ત્રે દુ:ખી ન થાઓ.

રામાનંદ સ્વામીએ આ સંપ્રદાયને સહજાનંદ સ્વામીના હાથમાં સોંપ્યા બાદ એક મહિના બાદ મૃત્યુલોક ત્યાગ્યો. (સં.૧૮૫૮ માગશર સુદ તેરસ તા.૧૭-૧૨-૧૮૦૧)(સંદર્ભ આપો)

દર મહિનાની સુદ ૯ ના દિવસને સ્વામિનારાયણ જ્યંતિ હોય છે.

સંપ્રદાયનો મત – વિશિષ્ટાદ્વૈત[ફેરફાર કરો]

હિંદુધર્મના સંપ્રદાયોમાં દરેક સંપ્રદાયને પોતાની તાત્વિક-સૈદ્ધાંતિક પીઠિકા હોય છે જેને મત પણ કહે છે. જીવ, માયા, ઇશ્વર, અક્ષર (બ્રહ્મ) અને પરમેશ્વર (પરબ્રહ્મ) વચ્ચેનાં પરસ્પર સંબંધનું સ્વરૂપ કેવું છે તે અંગેની માન્યતા એટલે મત. આ સૈદ્ધાંતિક માન્યતા કે મતની ભિન્નતાને લીધે જ વિવિધ સંપ્રદાયોનું અસ્તિત્વ છે. શ્રી સ્વામિનારાયણે પોતાના સિદ્ધાંત તરીકે શ્રી રામાનુજાચાર્યજીના વિશિષ્ટાદ્વૈત મતનાં સિદ્ધાંતનું અનુમોદન કર્યું. પરંતુ રામાનુજાચાર્યના સિદ્ધાંતને તેમણે એક નવા આયામ સાથે સ્વીકાર્યો છે, જેને કારણે તેમના સિદ્ધાંતમાં તેમના દર્શનની એક આગવી છાંટ ઉભી થાય છે. મોક્ષ કે આત્યંતિક કલ્યાણની સ્થિતિમાં મુક્ત જીવ અને પરમેશ્વરના સંબંધના સ્વરૂપ અંગેનો આ પ્રકારનો ખ્યાલ વિશિષ્ટાદ્વૈત મતનું હાર્દ છે.

આચાર સંહિતા[ફેરફાર કરો]

સ્વામિનારાયણ સંપ્રદાયમાં ત્યાગીઓના ત્રણ પ્રકારો પાડવામાં આવ્યા છે. બ્રહ્મચારી, સાધુ અને પાર્ષદ. બાહ્મણ હોય અને ત્યાગી બને તે બ્રહ્મચારી ગણાય છે. તેમના અને સાધુઓને પાળવાના નિયમો લગભગ એકસરખા છે. માત્ર બ્રહ્મચારી દેવસેવા કરે અને નીચેનું વસ્ત્ર સફેદ તથા ઉપરનું વસ્ત્ર ભગવું પહેરે તેવી પ્રથા છે. સાધુઓ ભગવા વસ્ત્ર પહેરે છે. પાર્ષદો સફેદ વસ્ત્રો પહેરે છે. ત્યાગીઓ માટે મુખ્યત્વે પાંચ નિયમો બતાવ્યા છે; નિષ્કામ, નિર્લોભ, નિ:સ્વાદ, નિ:સ્નેહ અને નિર્માન. વળી ગૃહસ્થનાં પણ દારૂ ન પીવો, ચોરી ન કરવી, માંસ ન ખાવું, વ્યભિચાર ન કરવો અને વટલાવું નહી કે વટલાવવું નહીં એવા પાંચ નિયમો સૂચવ્યા છે.

સંપ્રદાયના શાસ્ત્રો[ફેરફાર કરો]

૧. શિક્ષાપત્રી શ્રી સ્વામિનારાયણે સ્વયં સંવત ૧૮૮૨ મહા સુદિ પંચમીને દિવસે સ્વહસ્તે શિક્ષાપત્રી લખી. શિક્ષાપત્રીમાં વ્યવહાર અને આચારની નિયમાવલી છે. શિક્ષાપત્રીને સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ શ્રુતિ તરીકે માને છે.

૨. વચનામૃત જુદાં જુદાં સ્થળે અને સમયે શ્રી સ્વામિનારાયણે તેમનાં અનુયાયીઓની સભામાં જે જ્ઞાનચર્ચા કરી તેમની વાણીનો સંગ્રહ છે. વચનામૃતોનો ક્રમ વિષયાનુસાર નહિ પણ સમયાનુસાર છે. તેમાં ૨૬૨ ઉપદેશો-વચનામૃતોને પ્રમાણ ગણવામાં આવ્યાં છે. આ વચનામૃતોનો સંગ્રહ અને સંપાદન કરવાનું કાર્ય મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી અને શુકાનંદ સ્વામીએ કર્યું. અમદાવાદ દેશમાં પાછળથી નવા ૧૧ વચનામૃતો શોધાયા હતા. જેથી અમદાવાદ દેશમાં ૨૭૩ ઉપદેશો-વચનામૃતોને પ્રમાણ ગણવામાં આવ્યાં છે.

૩. સત્સંગીજીવન સંસ્કૃતમાં રચાયેલા અને પાંચ ભાગમાં (જેને પ્રકરણ નામ અપાયા છે) વહેંચાયેલા આ ગ્રંથનું સ્થાન સંપ્રદાયમાં ઉપરનાં બે ગ્રંથો બાદ કરતાં પ્રથમ નંબરનું છે. “સંપ્રદાયનાં ધર્મશાસ્ત્ર” તરીકે આદર પામેલા આ ગ્રંથમાં શ્રી સ્વામિનારાયણના જીવન ચરિત્ર ઉપરાંત શિક્ષાપત્રી તથા સંપ્રદાયના મૂળભૂત સિદ્ધાંતોનો સમાવેશ થાય છે.

૪. ભક્તચિંતામણી નિષ્કુળાનંદ સ્વામીએ લોકભોગ્ય ભાષામાં સત્સંગી-જીવન જેવો પણ સરળ ગુજરાતી પદ્યમાં ભક્તચિંતામણી નામનો ગ્રંથ લખ્યો. તેમાં શ્રી સ્વામિનારાયણનું સંપૂર્ણ જીવનવૃતાંત તથા તેમનું વિચરણ, સરળ અને ભાવવાહી શૈલીમાં, હોવાથી સામાન્ય અક્ષરજ્ઞાન ધરાવતા લોકોને પણ તે સુગમ બન્યો છે.

૫. સત્સંગીભૂષણ વાસુદેવાનંદ મુનિએ આ ગ્રંથ સંસ્કૃત ભાષામાં રચ્યો છે. તેમાં ભગવાન શ્રી સ્વામિનારાયણનું જીવન ચરિત્ર અને તેમના અવતાર પ્રયોજનનું ભક્તિપૂર્ણ વર્ણન છે. સત્સંગીજીવન ધર્મપ્રધાન હોઇને ધર્મશાસ્ત્ર ગણાય છે તેમ સત્સંગીભુષણ ભક્તિપ્રધાન હોઇને સંપ્રદાયમાં ભક્તિશાસ્ત્ર તરીકે સ્થાન પામ્યો છે.

૬. શ્રી હરિદિગ્વિજય નિત્યાનંદ સ્વામીએ આ પદ્યકાવ્ય સંસ્કૃતમાં રચેલ છે. તેમાં સંપ્રદાયની અને ખાસ કરીને વિશિષ્ટાદ્વૈત તત્ત્વ સિદ્ધાંતની વિદ્વત્તાપૂર્ણ છણાવટ છે.

આ ઉપરાંત અનેક શાસ્ત્રોની રચના સંપ્રદાયના સંતોએ કરેલી છે. શ્રી સ્વામિનારાયણે સંપ્રદાયની પુષ્ટિ અને વૃદ્ધિ માટે સંપ્રદાય સંબંધી શાસ્ત્રોને ખૂબ જ મહત્વ આપ્યું છે.

આચાર્યો[ફેરફાર કરો]

શ્રી સ્વામિનારાયણે ગુરુ રામાનંદ સ્વામી પાસેથી આ સંપ્રદાયનીં ધુરા સંભાળી ત્યારે સંપ્રદાયનાં અનુયાયીઓની સંખ્યા અને વ્યાપ મર્યાદિત હતો. શ્રી સ્વામિનારાયણે સંપ્રદાયનાં મોટા સંતો સાથે વિચાર-વિમર્શ કરી આચાર્યપણાની ગાદી માટે ગૃહસ્થ આચાર્યની યોજના પસંદ કરી અને તેમાં પણ પોતાના જ કુળમાંથી (જે ધર્મકુળ કહેવાતું કેમકે તેમના પિતા હરિપ્રસાદજી ધર્મદેવ તરીકે ઓળખાતા) આચાર્યની પસંદગી કરવાથી સંપ્રદાયના અનુયાયીઓની નિષ્ઠા તેમના પ્રત્યે જળવાઇ રહે તેમ હતું. આ યોજના અનુસાર શ્રી સ્વામિનારાયણે સં.૧૮૮૨ (ઇ.સ.૧૮૨૬)ના કારતક સુદી એકાદશીના રોજ વડતાલમાં લક્ષ્મીનારાયણ દેવના મંદિરમાં મોટા ભાઈ રામપ્રતાપજીના પુત્ર અયોધ્યાપ્રસાદજી તથા નાનાભાઈ ઇચ્છારામજીના પુત્ર રઘુવીરજીને દત્તક લઇ સંપ્રદાયનાં આચાર્યપદે સ્થાપ્યા. તેમણે નરનારાયણ દેવ (અમદાવાદ) અને લક્ષ્મીનારાયણ દેવ (વડતાલ) એ બે મંદિરોને મુખ્ય રાખી ઉત્તર અને દક્ષિણ એ રીતે બે દેશ-વિભાગો કર્યા. તે મુજબ રઘુવીરજી લક્ષ્મીનારાયણ દેશના અને અયોધ્યાપ્રસાદજી નરનારાયણ દેશના આચાર્ય નક્કી થયા.

બંને આચાર્યો વચ્ચે ત્યાગી અને ગૃહસ્થ અનુયાયી સંબંધમાં, સીમા સંબંધમાં કે મિલ્કત સંબંધમાં ભવિષ્યમાં કલેશ ન થાય તે હેતુથી બંને ગાદીના આચાર્યના પ્રદેશ વિસ્તાર, આર્થિક હકુમતો વગેરેના લેખ કરીને વહેંચી આપ્યા જેને દેશ વિભાગનો લેખ કહે છે.

આ બધી બાબતોમાં આચાર્યપદ માટેની મૂળભૂત લાયકાત ભગવાન શ્રી સ્વામિનારાયણે ધર્મમાં અપ્રમાદ ગણાવેલ છે. ધર્મની ગાદી પર બેસીને જે પ્રમાદ રાખે તે ધર્મની ગાદી પર રહેવાને લાયક નથી. જ્યાં ધન હોય ત્યાં પ્રમાદ રહે છે અને ગાદી માત્ર કહેવા પૂરતી રહી જાય છે. તેથી આચાર્ય જ્યાં સુધી અમે(ભગવાન શ્રી સ્વામિનારાયણે) કહેલા નિયમોમાં વર્તે ત્યાં સુધી જ માનવા યોગ્ય છે. આમ આચાર્યથી પણ વડી ધર્મની સત્તા છે અને તે પ્રમાણે ન વર્તનાર આચાર્ય પદે હોય તો તેને સંત્સંગીઓ દૂર કરી શકે તેવી લોકશાહીયુક્ત જાગૃત પ્રણાલિકા એ આ સંપ્રદાયની આગવી વિશિષ્ટતા છે.

આલોચના[ફેરફાર કરો]

સંપ્રદાય સ્થાપનાના થોડા દશકો બાદ મહર્ષિ દયાનંદે શ્રી સ્વામીનારાયણને ભગવાન તરીકે સ્વીકારવામાં પ્રશ્ન ઉઠાવ્યો હતો. તેમના મત પ્રમાણે આ સંપ્રદાય વેદોના મતથી ભિન્ન છે અને મુક્તિદાયક નથી. વળી આ સંપ્રદાયના અનુયાયીઓ પર અનીતિથી ધન એકઠું કરવું અને પૈસા અને સત્તાનો દુરુપયોગ કરવાનું આળ પણ લાગ્યું છે.[૧૪] સ્વામી દયાનંદના વિધાન મુજબ, કે જે ૧૮૭૫માં અપાયું હતું, તેમણે કહ્યું હતું કે, "આ એક ઐતિહાસિક તથ્ય છે કે શ્રી સ્વામીનારાયણે અનુયાયીઓની સંખ્યા વધારવા પોતાની જાતને નારાયણ ગણાવી".[૧૫]

આ સંપ્રદાય વિશે એવી પણ આલોચના કરવામાં આવે છે કે તેમા સ્ત્રીઓ વિશે અન્યાયપૂર્ણ વર્તન અને વ્યવહાર થાય છે અને સ્ત્રીઓને સમાન હક્કથી વંચિત રાખવામાં આવે છે.[૧૬] આવા આળનો બચાવ કરવા ઘણા અનુયાયીઓ કહે છે કે સ્ત્રીઓને સમાન હક્ક આપવાથી વ્યવસ્થા ડગમગે અને નેતા સ્થાપી ન શકાય[૧૭]. આમ છતાં, ઘણા અનુયાયીઓ માને છે કે આ સંપ્રદાયમાં સ્ત્રીઓ ને એક ખાસ દરજ્જો આપવામાં આવે છે. સ્વયં સ્વામિનારાયણે પછાત જાતિના ઉદ્ધાર માટે પ્રયત્નો કર્યા હતા અને ભણતર પર બધાનો હક્ક હોવાની નીતિ અપનાવી હતી.[૧૮] વિધવાઓ માટે તેમણે કહ્યું હતું કે, જેઓ પવિત્રતા અને સંયમ ન જાળવી શકે તેઓ પુન:લગ્ન કરે પણે જેઓ સંયમમાં રહેવા માંગતા હોય, તેમને માટે પુરુષોના અધિકાર અને સામ્રાજ્યને વશ થઈ રહેવાનો આદેશ આપ્યો. આ વિરોધાભાસી વિધાન જણાય છતાં તેનાથી તેમને તે વખતના સમાજમાં આદર મળ્યો.[૧૯] વળી, તેમણે પુરુષ અનુયાયીઓને આજ્ઞા કરી છે કે સ્ત્રીઓ પાસેથી ધર્મ ઉપદેશ ગ્રહણ કરવો નહીં. સ્વામિનારાયણે વિધવાઓને ઘરનાં પુરુષોના આધિપત્યમાં રહેવાનું અને અન્ય કોઇ પુરુષ પાસેથી કોઇ પણ ક્ષેત્રનું જ્ઞાન મેળવવાની મનાઈ કરી હતી.[૨૦]

સંદર્ભ[ફેરફાર કરો]

 1. ૧.૦ ૧.૧ "Niche Faiths". Indian Express. ૨૬ મે ૨૦૦૭. Retrieved ૬ મે ૨૦૦૯. 
 2. ૨.૦ ૨.૧ Williams 2001, p. 13
 3. Williams 2001, p. 141
 4. Makarand R. Paranjape (૨૦૦૫). Dharma and development: the future of survival. Samvad India. p. ૧૧૧. ISBN 978-81-901318-3-4. Retrieved ૧૨ સપ્ટેમ્બર ૨૦૦૯. 
 5. M. Gupta (૨૦૦૪). Let's Know Hindu Gods and Goddesses. Star Publications. p. ૩૩. ISBN 978-81-7650-091-3. Retrieved ૧૫ મે ૨૦૦૯. 
 6. Williams 2001, p. 68
 7. Rinehart, Robin (૨૦૦૪). Contemporary Hinduism. ABC-CLIO. p. ૨૧૫. ISBN 978-1-57607-905-8. Retrieved ૧૦ મે ૨૦૦૯. 
 8. Marcus J. Banks (1985). Review: A New Face of Hinduism: The Swaminarayan Religion. By Raymond Brady Williams. Cambridge University Press: Cambridge, 1984. Pp. xiv, 217. Modern Asian Studies 19 pp 872-874
 9. ૯.૦ ૯.૧ Carl Olson (૨૦૦૭). The many colors of Hinduism: a thematic-historical introduction. Rutgers University Press. p. ૩૩૬. ISBN 0-8135-4068-2. Retrieved ૧૨ સપ્ટેમ્બર ૨૦૦૯. 
 10. Williams 2001, p. 17
 11. "Bhagwan Swaminarayan Introduction: Badrikashram Sabha". Ahmedabad Gadi Official site. ૨૦૦૮. Retrieved ૧૪ સપ્ટેમ્બર ૨૦૦૯.  [મૃત કડી]
 12. Raymond Brady Williams (૨૦૦૪). Williams on South Asian religions and immigration. p. 81. ISBN 978-0-7546-3856-8. Retrieved ૭ મે ૨૦૦૯. 
 13. Williams 2001, p. 96
 14. Narayan, Kirin (૧૯૯૨). Storytellers, Saints and Scoundrels. Motilal Banarsidass,India. pp. ૧૪૧–૧૪૩. ISBN 81-208-1002-3. 
 15. Narayan, Kirin (૧૯૯૨). Storytellers, Saints and Scoundrels. Motilal Banarsidass,India. p. ૧૪૩. ISBN 81-208-1002-3. 
 16. Hardiman, David (1988-09-10). "Class Base of Swaminarayan Sect". Economic and Political Weekly. ૨૩ (૩૭): ૧૯૦૭–૧૯૧૨. JSTOR 4379024. 
 17. Williams 2001, p. 165
 18. Rudert, A. (૨૦૦૪). "Inherent Faith and Negotiated Power: Swaminarayan Women in the United States". Cornell University. Retrieved ૧૦ મે ૨૦૦૯.  |chapter= ignored (help)
 19. Williams 2001, p. 167
 20. M M Rahman (૨૦૦૬). Encyclopaedia of Historiography. Anmol Publications PVT. LTD. pp. ૧૪૫–૧૪૬. ISBN 978-81-261-2305-6. Retrieved ૧૦ જૂન ૨૦૦૯.