પ્રબોધ પંડિત

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

પ્રબોધ બેચરદાસ પંડિત (૨૩ જૂન ૧૯૨૩ - ૨૮ નવેમ્બર ૧૯૭૫) ગુજરાતના ભાષાવિજ્ઞાની હતા.

જીવન[ફેરફાર કરો]

તેમનો જન્મ ભાવનગર જિલ્લાના વળા ગામે. પ્રાથમિક શિક્ષણ પ્રીતમનગર, અમદાવાદની મ્યુનિસિપલ શાળામાં તથા અમરેલીમાં. ૧૯૩૫માં ફરી અમદાવાદમાં નવચેતન માધ્યમિક શાળામાં પ્રવેશ. ૧૯૩૯માં ત્યાંથી જ મૅટ્રિક ૧૯૪૨ની ચળવળ દરમિયાન જેલવાસ. ૧૯૪૩માં સંસ્કૃત અને અર્ધમાગધી વિષયો સાથે બી.એ. ૧૯૪૬માં ભારતીય વિદ્યાભવન, મુંબઈથી સંસ્કૃત મુખ્ય અને ભાષાવિજ્ઞાન ગૌણ વિષયમાં એમ.એ. ૧૯૪૯માં લંડનમાં સ્કૂલ ઑવ ઓરિએન્ટલ ઍન્ડ આફ્રિકન સ્ટડીઝમાં પ્રસિદ્ધ ભાષાશાસ્ત્રી ડૉ. રાલ્ફ ટર્નરના માર્ગદર્શન હેઠળ પીએચ.ડી. ત્યાં જ ઐતિહાસિક ભાષાશાસ્ત્ર ઉપરાંત ધ્વનિવિજ્ઞાનના અભ્યાસક્રમો કર્યા. ૧૯૫૦માં અમદાવાદની એલ.ડી.આર્ટસ કૉલેજમાં સંસ્કૃતના અધ્યાપક. ૧૯૫૫ થી ૧૯૫૬ સુધી અમેરિકાની યેલ યુનિવર્સિટીમાં સિનિયર ફેલો. ૧૯૫૬ થી ૧૯૬૪ સુધી ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્ય ભવનમાં ભાષાવિજ્ઞાનના અધ્યાપક. ૧૯૬૪-૬૫માં પૂનાની ડેક્કન કૉલેજમાં અધ્યાપક. ૧૯૬૬ થી ૧૯૭૫ સુધી દિલ્હી યુનિવર્સિટીમાં ભાષાવિજ્ઞાનના અધ્યાપક. આ દરમિયાન ૧૯૬૭માં ગ્રીષ્મવર્ગ માટે મીશીગન, ૧૯૬૮ માં પરિસંવાદ માટે નાઈરોબી અને ૧૯૬૯ માં કૉર્નેલ યુનિવર્સિટીમાં મુલાકાતી અધ્યાપક તેમ જ બર્કલી યુનિવર્સિટીમાં પૂર્ણ સમયના અધ્યાપક. ૧૯૬૭ નું સાહિત્ય અકાદમી, દિલ્હીનું પારિતોષિક. ૧૯૭૩ નો રણજિતરામ સુવર્ણચંદ્રક.

સર્જન[ફેરફાર કરો]

ગુજરાતી સાહિત્યમાં ભાષાવિજ્ઞાનના શુદ્ધ અભિગમથી કાર્ય કરનાર આ લેખકે પ્રાથમિક કક્ષાના ભાષાભ્યાસને વૈજ્ઞાનિક પદ્ધતિ પર મૂક્યો છે અને મૂલગામી દ્રષ્ટિથી ભાષાવિજ્ઞાનક્ષેત્રે કેટલુંક સંગીન પ્રકારનું પ્રદાન કર્યું છે. વીસમી સદીમાં ભાષાવિજ્ઞાનમાં જે ક્રાંતિકારી પરિવર્તનો થતાં રહ્યાં અને છેલ્લાં દાયકાઓમાં એની ક્ષિતિજો વિસ્તરતી રહી એ સર્વ આંતરરાષ્ટ્રીય પ્રવાહો સાથેનો ભાષાવિજ્ઞાનના આ અભ્યાસીનો સાવધ સંપર્ક અનુભવાય છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિ અને પદ્ધતિથી લખાયેલા એમના લેખોનો ઘણો બધો ભાગ અગ્રંથસ્થ હોવા છતાં એમના પ્રકાશિત છ ગ્રંથો મૂલ્યવાન છે.

‘પ્રાકૃત ભાષા’ (૧૯૫૪) હિંદીમાં અપાયેલાં ત્રણ વ્યાખ્યાનોનો સંચય છે. ‘ગુજરાતી ભાષાનું ધ્વનિસ્વરૂપ અને ધ્વનિપરિવર્તન’ (૧૯૬૬)માં ભાષાના સ્વરૂપ અને ઇતિહાસને સાંકળવાનો પ્રશસ્ય પ્રયત્ન થયો છે. અહીં પ્રસ્તુત થયેલું ગુજરાતીના ‘મર્મર સ્વરો’ વિશેનું વિશ્લેષણ આ લેખકનું ભાષાવિજ્ઞાનક્ષેત્રે મૌલિક પ્રદાન છે. ભાષાના સાંકેતોથી માંડી છેક બોલીનું સ્વરૂપ અને બોલીઓના ક્રમિક વિભાજન સુધીના વિષયોને અહીં આવરી લેવામાં આવ્યા છે. ગુજરાતીમાં ભાષાવિજ્ઞાનક્ષેત્રે આ પુસ્તક કીમતી છે. ‘ભાષાવિજ્ઞાનના અર્વાચીન અભિગમો’ (૧૯૭૩)માં નવા વિચારો અને નવા પ્રવાહો આવતાં ભાષાસંશોધનનો જે દ્રષ્ટિકોણ બદલાઈ ગયો છે તેને અનુલક્ષીને ઇતિહાસ, સમાજ તેમ જ માનવના ચિત્તતંત્રની વાગ્વિષયક ક્ષમતા જેવાં વિવિધ ક્ષેત્રોને સ્પર્શતા, ભાષાવિષયક પ્રશ્નો અહીં પ્રસ્તુત કર્યા છે. ‘ષડાવશ્યકબાલાવબોધવૃત્તિ’ (૧૯૭૬) એમનો શોધપ્રબંધ છે. ‘વ્યાકરણ : અર્થ અને આકાર’ (૧૯૭૮)માં ચોમ્સ્કી તેમ જ ફિલમોરનાં મૉડેલોને અનુલક્ષીને એમણે સંરચનાવાદી અભિગમથી ગુજરાતી વ્યાકરણ અંગેના અભ્યાસ માટે નવી પદ્ધતિઓને અખત્યાર કરી છે. ‘પંચરંગી સમાજમાં ભાષા’ (૧૯૮૩) મૂળે એમના અંગ્રેજીમાં લખાયેલા ‘લૅન્ગ્વેજ ઇન એ પ્લુરલ સોસાયટીનો’ ગુજરાતી અનુવાદ છે.

ગુજરાતી ભાષાનું ધ્વનિ સ્વરૂપ અને ધ્વનિપરિવર્તન (૧૯૬૬) : ડૉ. પ્રબોધ પંડિતનો કુલ દસ પ્રકરણમાં વહેંચાયેલો ગુજરાતી ભાષાવિચાર અંગેનો વૈજ્ઞાનિક ગ્રંથ. ‘ભાષાના સંકેતો’ નામના પહેલા પ્રકરણમાં લેખકે ભાષાના સ્વરૂપ અંગેની તાત્ત્વિક ચર્ચા કરી છે. લેખકના મતે ભાષાને ભાષા તરીકે જોવાની જ તેનું સ્વરૂપ સમજી શકાય. પ્રત્યેક ભાષાની અનંત ધ્વનિવ્યવસ્થામાંથી ભાષાવિજ્ઞાની જે તે ભાષાના મર્યાદિત ઘટકો જ એકઠા કરે છે. ભાષાના સંકેતો ધ્વનિઓના બનેલા છે, તેથી તે તપાસવા માટે ઉચ્ચારણપ્રક્રિયાની તપાસ જરૂરી બને છે. બીજા પ્રકરણમાં ‘ઉચ્ચારણપ્રક્રિયા’ શીર્ષક તળે ઉચ્ચારણકાર્યમાં કાર્યશીલ થતા અવયવો અને તેમનાં કાર્યોનું આકૃતિઓ સાથે વિગતે વર્ણન આપ્યું છે. ત્રીજા પ્રકરણ ‘ધ્વનિઘટક’માં ધ્વનિઘટકના સંપ્રત્યયની તથા તે નિર્ધારિત કરવાની પદ્ધતિઓની ચર્ચા કરવામાં આવી છે. ચોથા પ્રકરણમાં ગુજરાતી ભાષાના ધ્વનિતંત્રનું વર્ણન કરવામાં આવ્યું છે. ભાષાના અનંત ધ્વનિઓમાંથી ભાષાવિજ્ઞાની ભાષાના ધ્વનિઘટકો કઈ રીતે તારવે છે તેની તપાસનો આ એક ઉત્તમ નમૂનો છે.

પુસ્તકનાં પાંચથી આઠ સુધીનાં ચાર પ્રકરણો ઐતિહાસિક ભાષાવિજ્ઞાનની ચર્ચાનાં છે. પરિવર્તનની પ્રક્રિયા, ધ્વનિપરિવર્તન, સાદ્દશ્યમૂલક પરિવર્તન વગેરેની ચર્ચા જુદી જુદી ભાષાઓનાં ઉદાહરણો સાથે કરવામાં આવી છે. ‘ગુજરાતી સ્વરવ્યવસ્થાનું પરિવર્તન’ નામના આઠમા પ્રકરણમાં સંસ્કૃતકાળની સ્વરવ્યવસ્થાથી ગુજરાતી સ્વરવ્યવસ્થા કઈ રીતે જુદી પડે છે તેની વિશદ ચર્ચા થઈ છે. આ વ્યવસ્થા સમજાવવામાં લિપિની ભૂમિકા તેમ જ લહિયાઓની ભૂલો કેવી રીતે મદદરૂપ નીવડે છે અને આવી ઘટનાઓની સંગતિ માટે તર્કનિષ્ઠ વિચારસરણીની કેવી જરૂર પડે છે તેની પ્રતીતિ આ પ્રકરણ કરાવે છે. છેલ્લાં બે પ્રકરણો બોલીવિષયક ચર્ચાનાં છે. કોઈ પણ ભાષાસમુદાયમાં કાલગત પરિવર્તનની જેમ સ્થળગત પરિવર્તન હોય છે તે અહીં સ્પષ્ટ કર્યું છે.

ભાષા વિશેની ભાષા કેવી હોઈ શકે તેના ઉદાહરણરૂપ આ ગ્રંથ છે. ગુજરાતી ભાષાના ધ્વનિ સ્વરૂપની ચર્ચા કરેતો આ ગ્રંથ ગુજરાતી ભાષાના તદવિષયક સાહિત્યમાં એના વૈજ્ઞાનિક અભિગમને કારણે અત્યંત નોંધપાત્ર છે.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]