લખાણ પર જાઓ

રસિકલાલ ભોજક

વિકિપીડિયામાંથી
રસિકલાલ ભોજક
જન્મની વિગત
રસિકલાલ ચીમનલાલ ભોજક

(1926-12-29)29 December 1926
મૃત્યુ17 September 1990(1990-09-17) (ઉંમર 63)
રાષ્ટ્રીયતાભારતીય
વ્યવસાયસ્વરકાર, સંગીતકાર
સંસ્થાસ્વરમ્
જીવનસાથીજશોદાબેન
સંતાનોમેહુલ (પુત્ર), હીના (પુત્રી)
માતા-પિતા
  • ચીમનલાલ (પિતા)
  • ઈચ્છાબેન (માતા)
પુરસ્કારોગૌરવ પુરસ્કાર

રસિકલાલ ચીમનલાલ ભોજક (૨૯ ડિસેમ્બર ૧૯૨૬ - ૧૭ સપ્ટેમ્બર ૧૯૯૦) ગુજરાતી ભાષાના જાણીતા સ્વરકાર હતા. તેમના સમયના લગભગ તમામ જાણીતા ગીતકારોની રચનાઓની સ્વરગૂંથણી તેમણે કરી હતી. ‘સ્વરમ્’ નામની સંસ્થા સાથે તેઓ છેક છેલ્લા સમય સુધી જોડાયેલા રહ્યા હતા. વર્ષ ૧૯૮૮નો ગુજરાત સરકારનો ગૌરવ પુરસ્કાર તેમને એનાયત થયો હતો[], જે તેમની નાદુરસ્ત તબિયતને કારણે તેમને રુબરુ આપી શકાયો ન હતો અને ૧૯૯૦માં તેમના મરણોપરાંત તેમના ઘરે પહોંચાડવામાં આવ્યો હતો. ગુજરાતી સુગમ સંગીતના જનક તરીકે જેમનું નામ લેવાતું હોય છે તેવા જગદીપભાઈ વીરાણીના તેઓ સમકાલીન હતા[].

રસિકલાલ ભોજકનો જન્મ ૧૯૨૬ની ૨૯ ડિસેમ્બરના રોજ ભાવનગર રજવાડાના રેવન્યુ કમિશ્નર ચીમનલાલ ભોજકના ઘરે થયો હતો. પિતા સંગીતના ખૂબ શોખીન હતા. રાજકોટની આલ્ફ્રેડ હાઇસ્કૂલમાં અભ્યાસ દરમિયાન શાળાકક્ષાએ યોજાતી સંગીતસ્પર્ધામાં તેઓ નાનપણથી જ ભાગ લેતા અને વિજેતા પણ થતા. ભાવનગર રજવાડાના દરબારી સંગીતકાર અને તેમના પિતરાઈ ભાઈ દલસુખરાય ભોજક પાસે તેમણે શાસ્ત્રીય સંગીતની પ્રારંભિક શિક્ષા લીધી. ઇતિહાસ અને રાજ્યશાસ્ત્રના વિષયો સાથે સ્નાતક થયા પછી વડોદરાના ડાયમંડ જ્યુબિલી બ્રૉડકાસ્ટિંગ સ્ટેશનની સ્વરપરીક્ષામાં તેઓ ઉત્તીર્ણ થયા. મુંબઈની પ્રસિદ્ધ એચ.એમ.વી. ગ્રામોફોન કંપનીએ તેમનાં ૪ ગુજરાતી ગીતો રેકર્ડ કરતાં તેમને ગુજરાતભરમાં ખ્યાતિ મળી ગઈ હતી. વર્ષ ૧૯૮૯માં તેમણે અમદાવાદમાં શાસ્ત્રીય અને સુગમ સંગીતની શિક્ષા આપતી સ્વરમ્ સંસ્થાની સ્થાપના કરી હતી.

કારકિર્દી

[ફેરફાર કરો]

સ્નાતક સુધીનો અભ્યાસ કર્યા પછી સ્વર અને સંગીત સાથેનો તેમનો નાતો તેને આકાશવાણી અમદાવાદ ભણી દોરી ગયો. ૧૯૫૦માં આકાશવાણી અમદાવાદ કેન્દ્ર પર કલાકાર તરીકે તેમની નિમણૂક થઈ. ૧૯૫૧માં સુગમ સંગીત વિભાગમાં સંગીત નિયોજક તરીકે તેમની પસંદગી થઈ અને ૧૯૫૨માં તેઓ સંગીત-એકમના નિર્માતા બન્યા. એ જ વર્ષે નટમંડળના ઉપક્રમે રજૂ થયેલા જયશંકર 'સુંદરી' દિગ્દર્શિત સંગીતપ્રધાન નાટક મેના ગુર્જરીનું સંગીત તેમણે સ્વરબદ્ધ કર્યું હતું. આકાશવાણી અમદાવાદ અને રાજકોટ કેન્દ્ર ખાતે સુગમ સંગીત વિભાગના વડા તરીકે પણ સેવાઓ આપી.

૧૯૫૯માં ઇન્દોર ખાતે સંગીત પ્રોડ્યુસર તરીકે તેમની બદલી થઈ. ૧૯૬૨માં શહીદ ભગતસિંહની માતાનાં બહુમાનમાં યોજાયેલા સંગીતકાર્યક્રમમાં હરિકૃષ્ણ પ્રેમી રચિત કથાગીત ‘શહીદ કી માં’ની રચનાને તેમણે દર્દીલી સુરાવલીમાં હૃદયસ્પર્શી કંઠે રજૂ કર્યું જેનાથી તેમને દેશવ્યાપી ખ્યાતિ મળી. મધ્ય પ્રદેશના બસ્તર અને છત્તીસગઢ જિલ્લાના પ્રાદેશિક લોકસંગીતની લાક્ષણિકતા આત્મસાત્ કરી પોતાની સ્વરરચનાઓમાં તેમણે ઘણી વખત ઉપયોગ કર્યો છે.

૧૯૬૫માં ફરી પાછી અમદાવાદ ખાતે બદલી થઈ ત્યારે નવરાત્રી દરમિયાન ગરબાની રજૂઆત કરી, તેનું સહ-પ્રસારણ કરી, વિકાસ-પ્રસાર માટેનો નવતર પ્રયોગ કર્યો હતો. શિવમહિમ્ન:સ્તોત્ર, સંભવામિ યુગે યુગે, રામચરિતમાનસ, ગીતગોવિન્દ, તથા નરસિંહ અને દયારામની કેટલીયે રચનાઓને શ્રોતાવર્ગ સમક્ષ ભાવવાહી સ્વરોમાં પ્રસારિત કરવામાં તેઓ અગ્રેસર રહ્યા હતા. તેઓએ ગઝલો પણા સ્વરબદ્ધ કરી હતી જેમાં શોભા જોષી પાસે ગવડાવેલી ગીતનુમા ગઝલ 'નીંદ નહીં આયે, ચૈન નહીં આયે' ખૂબ મશહુર છે.

૧૯૬૦ના દશકમાં ગુજરાત યુનિવર્સિટીમાં યોજાતા યુવક મહોત્સવોમાં તેઓ સુગમ સંગીત વિભાગના નિર્ણાયક તરીકે પણ સેવા આપતા[].

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. બળદેવભાઈ કનીજિયા (જાન્યુઆરી ૨૦૦૧). "ભોજક, રસિકલાલ ચીમનલાલ". ગુજરાતી વિશ્વકોશ. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ, અમદાવાદ. મેળવેલ ૪ ઓગસ્ટ ૨૦૨૨. CS1 maint: discouraged parameter (link)
  2. આવસત્થી, ડૉ. કમલેશ (નવેમ્બર ૨૦૦૬). મેરા જીવન સંગીત (પ્રથમ આવૃત્તિ). અમદાવાદ: ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય. પૃષ્ઠ ૧૦. ISBN 81-89166-65-4.
  3. આવસત્થી, ડૉ. કમલેશ (નવેમ્બર ૨૦૦૬). મેરા જીવન સંગીત (પ્રથમ આવૃત્તિ). અમદાવાદ: ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય. પૃષ્ઠ ૨૯. ISBN 81-89166-65-4.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]