રાવજી પટેલ

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
Nuvola apps ksig.png
રાવજી પટેલ
જન્મ રાવજી છોટાલાલ પટેલ
(1939-11-15)15 નવેમ્બર 1939
ભાતપુર, આણંદ જિલ્લો
મૃત્યુ ઓગસ્ટ 10, 1968(1968-08-10) (28 વયે)
અમદાવાદ, ગુજરાત
વ્યવસાય કવિ, ટૂંકી વાર્તા લેખક, નવલકથાકાર
ભાષા ગુજરાતી
રાષ્ટ્રીયતા ભારતીય
સમયગાળા આધુનિક ગુજરાતી સાહિત્ય
સાહિત્યિક ચળવળ રે મઠ
નોંધનીય કાર્ય
  • અશ્રુઘર (૧૯૬૬) * ઝંઝા (૧૯૬૭) * અંગત (૧૯૭૦) * વૃત્તિ અને વાર્તા (૧૯૭૭)
મુખ્ય પુરસ્કારો ઉમા-સ્નેહરશ્મિ પુરસ્કાર (૧૯૬૬-૬૭)

રાવજી છોટાલાલ પટેલ (૧૫ નવેમ્બર, ૧૯૩૯, ૧૦ ઓગસ્ટ, ૧૯૬૮) આધુનિક યુગના ગુજરાતી કવિ, વાર્તાકાર અને નવલકથાકાર હતા.[૧] તેમનો જન્મ આણંદ જિલ્લાના ભાતપુર ગામમાં થયો હતો. તેમનું કુટુંબ ખેડા જિલ્લાના વલ્લવપુરા ગામનું વતની હતું. તેમનો એક માત્ર કાવ્યસંગ્રહ અંગત (૧૯૭૧)માં તેમનાં મૃત્યુ પછી પ્રકાશિત થયો હતો.

જીવન[ફેરફાર કરો]

પ્રાથમિક શિક્ષણ ડાકોરમાં લીધા બાદ તેમણે અમદાવાદની નવચેતન હાઈસ્કૂલમાંથી એસ.એસ.સી. કર્યું અને નાણાંકીય મુશ્કેલીઓને કારણે આર્ટસ કૉલેજમાં માત્ર બે વર્ષ સુધીનો અભ્યાસ કરી શક્યા. તેમણે અમદાવાદની કાપડ મિલમાં, ગૂજરાત વિદ્યાપીઠના પુસ્તકાલયમાં, કુમારના કાર્યાલયમાં એમ વિવિધ સ્થળે નોકરી કરી. તેઓ થોડો સમય સંદેશ અને ગુજરાત સમાચાર સાથે સંલગ્ન રહ્યા હતા. થોડો સમય અમીરગઢ અને આણંદમાં રહ્યા બાદ તેઓ માત્ર ૨૯ વર્ષની વયે ક્ષય રોગથી અમદાવાદમાં અવસાન પામ્યા.[૨][૩][૪]

સર્જન[ફેરફાર કરો]

ગ્રામીણ કૃષિચેતના અને આધુનિક ચેતનાના સંયોજનથી મનોહર ભાષારૂપો અવતારતી આ કવિની રચનાઓમાં અંગત વેદના અને મૃત્યુની અનુભૂતિઓ ઈન્દ્રિયવ્યત્યયોની તેમ જ પ્રતીકોની રમણીય સંદિગ્ધતાઓ રચે છે. ભાવતર્ક અને શબ્દસાહચર્યનાં અવલંબનો પર ઘૂંટાતા લયની તરેહો એનું મુખ્ય આકર્ષણ છે. ઊર્મિકાવ્યો અને ગીતકાવ્યોથી માંડી દીર્ઘકાવ્યો પર્યંત બુદ્ધિ કરતાં લાગણીનું ને આયાસ કરતાં સહજાનુભૂતિનું રંગદર્શી વર્ચસ નોખું તરી આવે છે. ક્યાંક કટાક્ષનો ભળતો સૂર પણ આસ્વાદ્ય છે. મૃત્યુ અને જિજીવિષાની ધરીઓએ આ કવિની સર્જકતાને વેગ આપ્યો છે. એમના મરણોત્તર કાવ્યસંગ્રહ ‘અંગત’ (૧૯૭૦)માં ‘આભાસી મૃત્યુનું ગીત’, ‘સ્વ. હુંશીલાલની યાદમાં’, ‘સંબંધ’ જેવી કેટલીક યશસ્વી રચનાઓનો સમાવેશ છે.

અશ્રુઘર (૧૯૬૬) એમની નવલકથા છે. ક્ષયગ્રસ્ત નાયકના રોગમૃત્યુની કરુણકથાનો, આમ તો સામાન્ય ગણી શકાય એવો વિષય કલ્પનસંવેગથી ભરીને ભાષાની કવિત્વપૂર્ણ અભિવ્યક્તિથી નિરૂપણમાં એકદમ વિશિષ્ટ બન્યો છે. એમની ‘ઝંઝા’ (૧૯૬૭) નવલકથા પૂર્વાર્ધના વિકાસ પછી ઉતરાર્ધમાં કથળતી જતી રીતિગતિનો અનુભવ કરાવે છે. છતાં ડાયરી, નવલ રચાતી હોય એવો રચનાપ્રપંચ અને કાવ્યાત્મક ગદ્ય-એ સર્વ, નાયક પૃથ્વી જે રીતે અભિવ્યક્ત થવા માગે છે તેમાં સક્ષમ નીવડ્યાં છે.

વૃત્તિ અને વાર્તા (૧૯૭૭) રઘુવીર ચૌધરીના ટૂંકા આમુખ સાથેનું એમનું મરણોત્તર પ્રકાશન છે. એમાં આઠમા પ્રકરણે અધૂરી રહેલી નવલકથા ‘વૃત્તિ’ અને અગિયાર ટૂંકીવાર્તાઓનો સમાવેશ થયો છે. ‘વૃત્તિ’માં જાનપદી અને નગરજીવનની ભૂમિકાની પડછે ઊપસેલું ભાષાકર્મ આસ્વાદ્ય છે; તો એમની વાર્તાઓમાં રચનારીતિનું વૈવિધ્ય ધ્યાન ખેંચે છે. ‘કીડી કેમેરા અને નાયક’ જેવી પ્રયોગશીલ વાર્તા કે ‘છબિલકાકાનો બીજો પગ’ જેવી પ્રભાવક વાર્તા નોંધપાત્ર છે.

અંગત (૧૯૭૧) રાવજી પટેલનો છાંદસ, અછાંદસ, ગીત, ગઝલ અને દીર્ઘ રચનાઓને સમાવતો મરણોત્તર કાવ્યસંગ્રહ. ઉત્તમ અને લોકપ્રિય તત્વોના સંમિશ્રણમાંથી જન્મેલું રાવજીની કવિતાનું ક્લેવર ‘દગ્ધ ઋષિકવિ’નું છે. અહીં નગરમાં આવી પડવાથી છિનવાઈ ગયેલા ગ્રામીણ અસબાબની ઝંખા છે. ક્ષયની શય્યાગ્રસ્ત રુગ્ણતા અને નિષ્ક્રયતા સાથે બહારના જગતના થયેલા વિયોગની વેદના છે તેમ જ મૃત્યુનું વૈયક્તિતક વેદન છે. રાવજીની કવિતામાં શબ્દબળ સાથે રહેલું ઈન્દ્રિયબળ પણ નોંધપાત્ર છે. અહીં પરંપરાનું જમા પાસું છે, તો શબ્દના અર્થને પરંપરાની તર્કસીમામાંથી છોડાવવાની જહેમત પણ છે. મૃત્યુનો હળવો ઉપહાસ રચતી ‘સ્વ. હુંશીલાલની યાદમાં’, ભિન્ન ભિન્ન મિજાજમુદ્રાઓ અને બદલાતાં વાસ્તવ પરિમાણો બતાવતી ‘સંબંધ’ અને આરંભથી અંત સુધી ઈન્દ્રિયગત ચમત્કૃતિઓની હારમાળા સર્જતી ‘મારી આંખે કંકુના સૂરજ આથમ્યા’ મહત્વની રચનાઓ છે.

અશ્રુઘર (૧૯૬૬) રાવજી પટેલની પહેલી નવલકથા. ક્ષયથી પીડાતા કથાનાયક સત્યનું પાત્ર કથાના કેન્દ્રમાં છે. સૅનેટોરિયામથી વતન ભણી અને ફરીને વતનથી સૅનેટોરિયમ ભણીની નાયકની યાત્રા વચ્ચે આપ્તજનની હૂંફ જેવું પાત્ર છે નાયિકા લલિતાનું. પરંતુ લલિતાની પ્રથમ પ્રાપ્તિથી માંડી લલિતાની અંતિમ પ્રાપ્તિ વચ્ચે વેદનાની જે ગતિવિધિ નવલકથાકારે ઉપસાવી છે, ભાવવળાંકો અને ભાવસંક્રમણો જે રીતે નિરૂપ્યાં છે, અભિવ્યક્તિની જે તાજગી અને ભાષાની જે કાવ્યાત્મકતા ઉપસાવી છે તે આ નવલકથાને આકર્ષક ઠેરવે છે.

ઝંઝા (૧૯૬૬) રાવજી પટેલની નવલકથા. ક્યાંક બેએક પત્રનો આશ્રય લેવાયો છે, એ સિવાય મુખ્યત્વે મુખ્યપાત્ર પૃથ્વીની ડાયરીરૂપે આ કથા રજૂ થઈ છે. આ કથામાં નાયકનું અસ્તિત્વ સંબંધોનાં સંવેદનો વચ્ચે ઉપસાવવાનો પ્રયત્ન છે. સંબંધોને જ લક્ષમાં રાખી નાયકનો શરૂનો ગૃહત્યાગ અને અંતનો ગૃહપ્રવેશ મૂલવી શકાય. પૂર્વાર્ધ સુધી વિકસતી રહેલી આ નવલકથાનું ઈન્દ્રિયસંવેદ્ય ગદ્ય એનું બળુકું અંગ છે.

તેમનું અમર ગીત મારી આંખે કંકુના સુરજ આથમ્યા ગુજરાતી સાહિત્યમાં એક સીમાચિહ્ન સમાન છે.[૨] આ ગીત ગુજરાતી સાહિત્યના પ્રવાહ અને શૈલીમાં ઘણો ફેરફાર લાવ્યું જે હવે આધુનિક ગુજરાતી સાહિત્ય ગણાય છે.

સન્માન[ફેરફાર કરો]

૧૧ ફેબ્રુઆરી ૨૦૧૭ના રોજ ઉદ્ઘાટિત રાવજી પટેલ દ્વાર, ડાકોર

તેમને ૧૯૬૬-૬૭ના વર્ષ માટે ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક એનાયત થયું હતું.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Joshi, S. (૧૯૬૯). "Life against Death: The Poetry of Ravji Patel". Books Abroad 43 (૪): ૪૯૯–૫૦૩. doi:10.2307/40123774 . JSTOR 40123774 . 
  2. ૨.૦ ૨.૧ Saccidānandan (૨૦૦૧). Indian Poetry: Modernism and After : a Seminar. Sahitya Akademi. p. ૯૪. ISBN 978-81-260-1092-9. 
  3. Brahmabhatt, Prasad (૨૦૧૦). અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ - આધુનિક અને અનુઆધુનિક યુગ (History of Modern Gujarati Literature – Modern and Postmodern Era). Ahmedabad: Parshwa Publication. p. ૫૪-૫૯. ISBN 978-93-5108-247-7. 
  4. K. Satchidanandan (૧ જાન્યુઆરી ૨૦૦૦). One Hundred Indian Poets. National Book Trust, India. p. ૪૩૫. ISBN 978-81-237-2865-0. Retrieved ૩૦ જાન્યુઆરી ૨૦૧૭. 
  • Dhirubhai Thakar. Arvacheen Gujarati Sahityani Vikas Rekha Vol. 5: Adhunik ane Anuadhunik Pravaho, Ahmedabad: Gurjar Granthratna Karyalaya, 2006, ISBN 81-89166-36-0
  • ચલચિત્ર: કાશીનો દીકરો ઉપર ઉલ્લેખ કરેલું ગીત સમાવે છે.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]