લખાણ પર જાઓ

ઉત્તમલાલ ત્રિવેદી

વિકિપીડિયામાંથી
ઉત્તમલાલ ત્રિવેદી
જન્મ(1872-12-16)16 December 1872
અમદાવાદ, બ્રિટીશ ભારત
મૃત્યુ9 December 1923(1923-12-09) (ઉંમર 50)
વ્યવસાયલેખક અને અનુવાદક
ભાષાગુજરાતી
રાષ્ટ્રીયતાભારતીય
શિક્ષણબી.એ., એલએલ.બી
માતૃ શિક્ષણ સંસ્થાગુજરાત કૉલેજ

ઉત્તમલાલ કેશવલાલ ત્રિવેદી (૧૬ ડિસેમ્બર ૧૮૭૨ – ૯ ડિસેમ્બર ૧૯૨૩) ભારતના એક ગુજરાતી લેખક અને અનુવાદક હતા.

જીવનચરિત્ર

[ફેરફાર કરો]

ત્રિવેદીનો જન્મ ૧૬ ડિસેમ્બર ૧૮૭૨ના રોજ બ્રિટિશ ભારતના અમદાવાદ ખાતે થયો હતો. ૧૮૮૭માં મેટ્રિકની પરીક્ષા પાસ કર્યા બાદ તેમણે ગુજરાત કૉલેજમાં પ્રવેશ મેળવ્યો જ્યાંથી તેઓ ૧૮૯૧ના વર્ષમાં સ્નાતક (બી.એ.) થયા. ત્યાર બાદ એલ.એલ.બી.ની પરીક્ષા ઉતીર્ણ કરી રાજકોટમાં કાયદાનો અભ્યાસ શરૂ કર્યો. ૧૯૦૪માં તેઓ વકીલ તરીકે કામ કરવા બોમ્બે ગયા. થોડા સમય પછી તેઓએ પોતાની જ્ઞાતિના કેટલાક અન્ય લોકો સાથે વ્યવસાય ક્ષેત્રે જોડાયા પણ તેમાં આર્થિક નુકસાન થયું.[][]

ત્રિવેદી મુંબઈમાં કેળવણી પરિષદ, સાહિત્ય પરિષદ અને નગર મંડળ જેવી ઘણી સામાજિક અને સાહિત્યિક સંસ્થાઓ સાથે સંકળાયેલા હતા. તેમણે થોડા સમય માટે ફાર્બસ ગુજરાતી સભાના સચિવ તરીકે સેવા આપી હતી. તેમણે સમકાલીન રાજકીય મુદ્દાઓ ઉપરાંત સામાજિક, રાજકીય અને સાહિત્યિક મુદ્દાઓ અંગે છાપાઓને પત્રો લખ્યા હતા. તેઓ ગોવર્ધનરામ ત્રિપાઠી, આનંદશંકર ધ્રુવ, નરસિંહરાવ દિવેટિયા અને કેશવ હર્ષદ ધ્રુવ સહિતના અનેક લેખકો સાથે ગાઢ સંપર્કમાં હતા.[][]

તેમના લેખો મુખ્યત્વે વસંત અને સમાલોચક નામના ગુજરાતી સામયિકોમાં પ્રકાશિત થયા હતા. બાદમાં તેઓએ આ સામયિકોના સંપાદક તરીકે કામ પણ કર્યું હતું. તેમણે પારસી એને પ્રજામિત્ર, સાંજ વર્તમાન, હિન્દુસ્તાન અને ઇન્ડિયન રીવ્યુ સહિતના સામયિકોમાં લેખો પ્રકાશિત કર્યા હતા. તેમણે ૧૯૧૯માં થોડા સમય માટે ડેઇલી મેઇલના સંપાદક તરીકે પણ સેવા આપી હતી.[][]

ગોવર્ધનરામની મહાકાવ્ય-નવલકથા સરસ્વતીચંદ્રની ત્રિવેદીની ટીકા એક નોંધપાત્ર કૃતિ માનવામાં આવે છે. તેમણે 'સરસ્વતીચંદ્ર અને આપણો ગૃહસંસાર' નામના લેખોની શ્રેણી લખી હતી જેમાં તેમણે કથાવસ્તુ અને ચારિત્રીકરણની દૃષ્ટિએ સરસ્વતીચંદ્રનું વિશ્લેષણ અને મૂલ્યાંકન કર્યું હતું. ત્રિવેદીએ નર્મદના જાહેર જીવન અને મણિલાલ દ્વિવેદીના સાહિત્યિક જીવન પર પણ લખ્યું હતું. ત્રિવેદીએ લખેલા અન્ય લેખોમાં જી.એમ. ત્રિપાઠી : અ હિન્દુ આઇડિયાલિસ્ટ, હિસ્ટોરિકલ સર્વે ઓફ નેશનલ ઇન્ડિયન પોલિટિક્સ એન્ડ ઇન્ડિટ્યુશનલ થિયરી ઓફ હિન્દુ લો સામેલ છે.[][]

તેમણે લોકમાન્ય ટિળક દ્વારા લિખિત ગીતા રહસ્યનો ગુજરાતીમાં અનુવાદ કર્યો. તેમના અન્ય અનુવાદોમાં બ્રિટિશ હિન્દુસ્તાનનો અર્થિક ઇતિહાસ (૧૯૯૦) અને અકબર (૧૯૨૩)નો સમાવેશ થાય છે.[][] ત્રિવેદીના લખાણોનો સંગ્રહ રામપ્રસાદ બક્ષી અને રમણલાલ જોશીએ ૧૯૭૧માં ગુજરાતી સંહિતા પરિષદ દ્વારા પ્રકાશિત ઉત્તમલાલ ત્રિવેદીની ગદ્યરિદ્ધિ શીર્ષક હેઠળ સંકલિત અને સંપાદિત કર્યો હતો.[]

૯ ડિસેમ્બર ૧૯૨૩ના રોજ તેમનું અવસાન થયું હતું.[]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ Joshi, Ramanlal (1993). Variations on a Theme: Essays on Gujarati Literature. Ahmedabad: Shri Ramanlal Joshi Felicitations Committee. પૃષ્ઠ 59–60.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ Lal, Mohan, સંપાદક (1992). Encyclopaedia of Indian Literature: Sasay to Zorgot. New Delhi: Sahitya Akademi. પૃષ્ઠ 4398–4399. ISBN 978-81-260-1221-3.
  3. ૩.૦ ૩.૧ ૩.૨ જોશી, રમણલાલ (1997). ઠાકર, ધીરુભાઈ (સંપાદક). ગુજરાતી વિશ્વકોશ. VIII. અમદાવાદ: ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ 775. OCLC 164810484.

આ પણ જુઓ

[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]