એસ. એન. ડી. ટી. મહિલા વિશ્વવિદ્યાલય
મુદ્રાલેખ | 'સંસ્કારીતા સ્ત્રી પરાશક્તિ' (સુસંસ્કૃત સ્ત્રી એ અનંત શક્તિનો સ્રોત છે)[૧] |
---|---|
પ્રકાર | જાહેર વિશ્વવિદ્યાલય |
સ્થાપના | ૫ જુલાઈ ૧૯૧૬ |
કુલપતિ | ભગત સિંહ કોશયારી |
ઉપકુલપતિ | પ્રો. શશીકલા વણઝારી |
વિદ્યાર્થીઓ | માત્ર સ્ત્રીઓ માટે |
સ્થાન | મુંબઈ, મહારાષ્ટ્ર, ભારત |
કેમ્પસ | મુંબઈ, પુના |
જોડાણો | વિશ્વવિદ્યાલય અનુદાન આયોગ (UGC) |
વેબસાઇટ | sndt |
એસ. એન. ડી. ટી. મહિલા વિશ્વવિદ્યાલય ભારતના મુંબઈ શહેરમાં આવેલું એક મહિલા વિશ્વવિદ્યાલય છે. તેનું પૂરું નામ શ્રીમતી નાથીબાઈ દામોદર ઠાકરસી મહિલા યુનિવર્સિટી (વિશ્વવિદ્યાલય) છે. યુનિવર્સિટીનું મુખ્ય મથક દક્ષિણ મુંબઈના ચર્ચગેટમાં આવેલું છે, જ્યારે તેનું મુખ્ય કેમ્પસ મુંબઇના સાંતાક્રુઝ-જુહુ વિસ્તારમાં છે. એસ.એન.ડી.ટી.ના ત્રણ કેમ્પસ છે: બે મુંબઈમાં અને એક પુનામાં. યુનિવર્સિટીએ મહારાષ્ટ્ર, આસામ, ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ, સુરત અને ગોઆમાં પણ કૉલેજો સંલગ્ન કરી છે.[૨]
ઇતિહાસ
[ફેરફાર કરો]વર્ષ ૧૮૯૬ દરમ્યાન ભારતમાં મહિલાઓના શિક્ષણમાં નવા યુગની શરૂઆત થઈ જ્યારે ધોન્ડો કેશવ કર્વેએ પુનાના હીંજે નજીક વિધવાઓ અને લાચાર સ્ત્રીઓ માટે એક આશ્રમની સ્થાપના કરી. તેમને સમજાયું કે આ મહિલાઓને આત્મનિર્ભર, સ્વાવલંબી અને આત્મવિશ્વાસપૂર્ણ બનાવવા માટે શાળાકીય શિક્ષણ જરૂરી છે. કર્વેએ ત્યાં એક શિક્ષણ કાર્યની શરૂઆત કરી, જે આગળ જતાં છોકરીઓ અને મહિલાઓ માટે એક નિયમિત શાળા બની. મહિલાઓ પ્રત્યે સદીઓ-જુના રિવાજો અને રૂઢિચુસ્ત વલણ દ્વારા સંચાલિત સમાજમાં, શાળાએ સામાજિક અને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.
તેના મિત્રોએ તેમને ટોક્યોમાં આવેલી જાપાન મહિલા યુનિવર્સિટી પર એક પુસ્તિકા મોકલી હતી. કર્વેનું એક મહિલા યુનિવર્સિટી સ્થાપવાનું સ્વપ્ન હતું. ડિસેમ્બર ૧૯૧૫ માં કર્વેએ મુબઈમાં રાષ્ટ્રીય સમાજ સુધારણા કોંગ્રેસના પ્રમુખ તરીકેના સંબોધનમાં, તેમના આ સ્વપ્નને વાસ્તવિક આકાર આપવાના નિર્ણયની જાહેરાત કરી. ૨ જુલાઈ ૧૯૧૬ ના દિવસે પાંચ વિદ્યાર્થીનીઓના પ્રવેશ સાથે પ્રથમ કૉલેજ શરૂ થઈ; તે ધીરે ધીરે મહિલા વિશ્વવિદ્યાલય તરીકે આકાર પામી. કર્વેએ ભંડોળ માટે સરકારની મંજૂરીની રાહ ન જોઈ અને સખાવતી દાતા ના દાનથી યુનિવર્સિટી શરૂ થઈ. ૧૯૨૦માં યુનિવર્સિટીનું નામ શ્રીમતી નાથીબાઈ દામોદર ઠાકરસી મહિલા યુનિવર્સિટી રાખવામાં આવ્યું.[૩]
૧૯૩૬ માં, તેનું મુખ્યાલય મુંબઈમાં ખસેડવામાં આવ્યું. વધુને વધુ મહિલાઓને ઉચ્ચ શિક્ષણ પૂરું પાડતી, આ વિશ્વવિદ્યાલયનો વિકાસ ચાલુ રહ્યો. ૧૯૫૧માં, વિશ્વવિદ્યાલયને વૈધાનિક માન્યતા આપવામાં આવી હતી અને તેનું નામ શ્રીમતી નાથીબાઈ ઠાકરસી મહિલા વિશ્વવિદ્યાલય રાખવામાં આવ્યું, જે હવે એસએનડીટી મહિલા વિશ્વવિદ્યાલય (એસએનડીટી વીમેન્સ યુનિવર્સીટી) તરીકે પ્રખ્યાત છે. આ વિશ્વવિદ્યાલયને દેશભરમાં અધિકારક્ષેત્ર ધરાવવાનો દુર્લભ વિશેષાધિકાર મળ્યો છે.[૪]
૫ જુલાઈ ૨૦૧૬ ના દિવસે યુનિવર્સિટીએ તેના અસ્તિત્વના ૧૦૦ વર્ષ પૂર્ણ કર્યા. તે ભારત અને દક્ષિણ પૂર્વ એશિયાની પ્રથમ મહિલા યુનિવર્સિટી છે.[૫]
વિશેષતા
[ફેરફાર કરો]આજે, યુનિવર્સિટીમાં ૭૦,૦૦૦ થી વધુ વિદ્યાર્થીનીઓ અહીં પ્રવેશ મેળવે છે. ચર્ચગેટ, સાન્તાક્રુઝ - જુહુ, પુના ખાતે તેના ત્રણ કેમ્પસ છે. [૬] યુનિવર્સિટીમાં ૩૯ યુનિવર્સિટી વિભાગ, ૧૫ વિદ્યાવિભાગો છે. તેમાં ૧૭૪ અંડરગ્રેજ્યુએટ કૉલેજો છે અને તેની ૮ સંસ્થાઓએ પીએચ. ડી. ડિગ્રી માટે માન્યતા મેળવી છે. યુનિવર્સિટીએ છોકરીઓ માટે ત્રણ માધ્યમિક શાળાઓનું સંચાલન કરવાનું ચાલુ રાખ્યું છે, જે તેને વારસામાં મળી છે. આ યુનિવર્સિટી શિક્ષણ, સંશોધન અને વિસ્તરણમાં સક્રિય રીતે સંકળાયેલી છે. એસ. એન. ડી. ટી. એ મહારાષ્ટ્રની પ્રથમ યુનિવર્સિટી છે જેણે વર્ષ ૨૦૦૦ માં ભારતની રાષ્ટ્રીય આકારણી અને માન્યતા કાઉન્સિલ (એન.એ.એ.સી) પાસેથી ફાઇવ સ્ટાર રેટિંગ મેળવ્યું હતું અને ૨૦૧૫ માં એ ગ્રેડ સાથે તેની ફરી પુનઃરેટિંગ આપવામાં આવી હતી.
અભ્યાસક્રમો
[ફેરફાર કરો]શૈક્ષણિક વર્ષ ૨૦૧૫-૧૬માં, યુનિવર્સિટીએ ડિપ્લોમાથી પીએચડી સુધીના ૨૫૦ શૈક્ષણિક કાર્યક્રમો શીખવ્યા હતા. અહીં ૫ ફેકલ્ટીઓ છે જેના હેઠળ શૈક્ષણિક કાર્યક્રમો આપવામાં આવે છે.
નોંધપાત્ર ભૂતપૂર્વ વિદ્યાર્થી
[ફેરફાર કરો]- અનિતા ડોંગરે, ડિઝાઈનર
- મસાબ ગુપ્તા, ડિઝાઈનર
- નીતા લુલ્લા, ડિઝાઈનર
- જયા મેહતા, ગુજરાતી કવિયત્રી અને વિવેચક[૭]
- ચિત્રા મુદ્ગલ, જાણીતી હિંદી લેખિકા
- રાની મુખર્જી, ભારતીય અભિનેત્રી
- હીરા પાઠક, ગુજરાતી કવિયત્રી અને વિવેચક
- શ્રુતી સાડોલીકર, ભારતીય શાસ્ત્રીય સંગીત ગાયિકા
- સોનાક્ષી સિન્હા, ભારતીય અભિનેત્રી
- ભારતી વૈશમપાયન, ભારતીય શાસ્ત્રીય સંગીત ગાયિકા
- વસુબહેન, ગુજરાતી લેખિકા
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Motto of SNDT". મૂળ માંથી 2022-03-03 પર સંગ્રહિત. મેળવેલ 2019-11-07.
- ↑ "Affiliated Colleges". SNDT University. મૂળ માંથી 1 માર્ચ 2023 પર સંગ્રહિત. મેળવેલ 3 July 2012.
- ↑ "History of SNDT". મૂળ માંથી 2020-12-06 પર સંગ્રહિત. મેળવેલ 2019-11-07.
- ↑ "Shreemati Nathibai Damodar Thackersey Women's University - SNDT Women's University Churchgate, Mumbai, Maharashtra | University Profile | Courses Offered | Affiliated Colleges". targetstudy.com. મેળવેલ 2019-11-07.
- ↑ "SNDT South East Asia's 1st Women University Completes A Glorious 100 Years". sheroes.com. મૂળ માંથી 2019-11-07 પર સંગ્રહિત. મેળવેલ 2019-11-07.
- ↑ "Campuses of SNDT". મૂળ માંથી 2021-06-17 પર સંગ્રહિત. મેળવેલ 2019-11-07.
- ↑ Brahmabhatt, Prasad (2010). અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ - આધુનિક અને અનુઆધુનિક યુગ [History of Modern Gujarati Literature – Modern and Postmodern Era]. Ahmedabad: Parshwa Publication. પૃષ્ઠ 141–142. ISBN 978-93-5108-247-7.