કલ્પેશ્વર

વિકિપીડિયામાંથી
કલ્પેશ્વર મંદિર
ધર્મ
જોડાણહિંદુ
દેવી-દેવતાશિવ
સ્થાન
રાજ્યઉત્તરાખંડ
દેશભારત
કલ્પેશ્વર is located in Uttarakhand
કલ્પેશ્વર
ઉત્તરાખંડ રાજ્યમાં કલ્પેશ્વરનું સ્થાન
અક્ષાંશ-રેખાંશ30°34′37.35″N 79°25′22.49″E / 30.5770417°N 79.4229139°E / 30.5770417; 79.4229139
સ્થાપત્ય
સ્થાપત્ય શૈલીઉત્તર ભારતીય સ્થાપ્ત્ય શૈલી
નિર્માણકારપાંડવો
પૂર્ણ તારીખઅપ્રાપ્ય

કલ્પેશ્વર ખાતે ભગવાન શિવને સમર્પિત એક હિંદુ મંદિર છે, જે સમુદ્રસપાટીથી  2,200 m (7,217.8 ft) જેટલી ઊંચાઈ પર ભારત દેશના ઉત્તરાખંડ રાજ્યના ગઢવાલ પ્રદેશમાં મનોહર એવા ઉરગામ ખીણ પ્રદેશમાં આવેલ છે. આ મંદિરની સ્થાપનાની કડી પ્રાચીન દંતકથા અનુસાર હિંદુ ધર્મના મહાન કાવ્યગ્રંથ મહાભારતની કથાના નાયકો પાંડવો સાથે જોડાયેલ છે. ગઢવાલ પ્રદેશના કેદારખંડ ક્ષેત્રમાં પંચકેદાર યાત્રા દરમિયાન આ મંદિરની મુલાકાત પાંચમા અને અન્ય ચાર મંદિરો કેદારનાથ, તુંગનાથ, રુદ્રનાથ તથા મદમહેશ્વરની મુલાકાત કર્યા પછી છેલ્લા ક્રમે કરવાની હોય છે.[૧][૨][૩] પંચકેદાર મંદિરોમાં કલ્પેશ્વર એકમાત્ર એવું સ્થળ છે કે જ્યાં  સમગ્ર વર્ષ દરમિયાન મંદિર દર્શન અર્થે ખુલ્લું રહે છે. અહીં પથ્થરના નાના મંદિરમાં, એક ગુફા માર્ગ દ્વારા પ્રવેશ કરી, ભગવાન શિવની જટા (વાળ)નું  પૂજન કરવામાં આવે છે. તેથી ભગવાન શિવને જટાધારી પણ કહેવામાં આવે છે. અગાઉ આ સ્થળની મુલાકાત લેવા માટે 12 km (7.5 mi) જેટલું અંતર નજીક ઋષિકેશ-બદ્રીનાથ રાષ્ટ્રીય ધોરી માર્ગ પર આવેલા હેલંગ ખાતેથી જવું પડતું હતું, પરંતુ હવે સડક માર્ગ દ્વારા ઉપર આવેલા લ્યારી ગામ સુધી જઈ શકાય છે, જ્યાંથી પગપાળા માત્ર 3.5 કિ. મી. જેટલું અંતર ચાલી કલ્પેશ્વર પહોંચી શકાય છે. અડધા કાચા અને અડધા પાકા એવા આ માર્ગ પર મોટરસાયકલ અથવા કાર દ્વારા જઈ શકાય છે, પરંતુ ચોમાસા દરમિયાન વરસાદને કારણે આ માર્ગને ભારે નુકસાન થાય છે, આથી નાના વાહન ચલાવવું સલાહભર્યું નથી.

દંતકથા[ફેરફાર કરો]

પંચકેદારનાં મંદિરોની સ્થાપના સાથે મહાકાવ્ય મહાભારત ની ઐતિહાસિક કથામાં આવતા પાંડવોના નામની દંતકથા સાંભળવા મળે છે કે,  જ્યારે પાંડવો તેમના કુરુક્ષેત્ર યુદ્ધ  દરમિયાન થયેલ હત્યાના પાપનું પ્રાયશ્ચિત કરવા ભગવાન શિવ પાસે પહોંચ્યા, ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે ભગવાન શિવ એમને મળવા માગતા નથી તેમ જ એમણે છૂપાવા માટે વૃષભનું રૂપ ધારણ કર્યું હતું. પરંતુ જ્યારે ભગવાન શિવના આ સ્વરૂપને પાંડવ ભાઈઓ પૈકીના બીજા ક્રમના એવા ભીમે ઓળખી લીધું અને તેણે વૃષભની પુંછડી તેમ જ પગ પકડવા પ્રયાસ કર્યો. પરંતુ આ વૃષભ ગુપ્તકાશી ખાતે ભૂગર્ભમાં અદ્રશ્ય થઈ ગયા હતા. ત્યારબાદ, તે ફરીથી પાંચ અલગ અલગ સ્વરૂપોમાં પ્રગટ થયા: તેમની ખૂંધ કે ઢેકો કેદારનાથ ખાતે દેખાયા હતા, તેમના બાહુ (હાથ) તુંગનાથ ખાતે દેખાયા હતા, તેમના મસ્તકનો ભાગ રુદ્રનાથ ખાતે દેખાયો હતો, પેટ અને નાભિ મધ્યમહેશ્વર ખાતે દેખાયા અને તેમની જટા (વાળ) કલ્પેશ્વર ખાતે દેખાયા હતા.[૪] અન્ય દંતકથા કહે એમ છે કે આ સ્થળ લોકકથાનું કાર્ય કરતા સંતોને ધ્યાન કરવા માટેનાં મનપસંદ સ્થળ હતાં. એમાં ઋષિ અર્ઘ્યનો ખાસ ઉલ્લેખ કરવામાં આવે છે, કે જેમના દ્વારા અહીં તપશ્ચર્યા કરીને તે સમયની અતિસુંદર અપ્સરા (સુંદર યુવતી) ઉર્વશીની રચના કરી હતી. દુર્વાસા, એક પ્રાચીન ઋષિ, જે અત્રીમુનિ અને સતી અનસૂયાના પુત્ર હતા તથા તેમને ભગવાન શિવના એક અવતાર ગણવામાં આવે છે, જે પોતાના ક્રોધ માટે પ્રસિદ્ધ હતા, તેમણે આ મંદિર પાસે આવેલ કલ્પવૃક્ષ (ઈચ્છા પરિપૂર્ણ કરનારું દિવ્ય વૃક્ષ) હેઠળ ધ્યાન ધરી તપશ્ચર્યા કરી હતી. આ ઉપરાંત એમ કહેવાય છે કે દુર્વાસા મુનિ દ્વારા પાંડવોના માતા કુન્તીને માતા એક વરદાન આપ્યું હતું કે "તે પ્રકૃતિના કોઈપણ સ્વરૂપનું આહ્‌વાન કરી પ્રગટ કરી શકે છે અને તેની પાસે ગમે તે જોઈતી વસ્તુ પ્રાપ્ત કરી શકે છે". એકવાર, જ્યારે પાંડવો ગુપ્તવાસ દરમિયાન અહીં હતા, ત્યારે તેમને ચકાસવા માટે દુર્વાસાએ તેમના શિષ્યો સાથે તેમની મુલાકાત લીધી હતી અને આહાર લેવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. કમનસીબે ત્યાં મહેમાનો માટે કોઈ ખોરાક ઉપલબ્ધ ન હતો. પાંડવોની પત્ની દ્રૌપદીએ, ભગવાન કૃષ્ણની મદદ લીધી હતી. શ્રીકૃષ્ણએ અહીં પ્રગટ થયા હતા અને દ્રોપદીની સમસ્યા હલ કરી હતી.[૫]

આ મંદિર ખાતે પૂજારીઓ તરીકે આદિ શંકરાચાર્યના શિષ્યો દસનામી અને ગોસાંઈઓ કાર્યરત છે. તુંગનાથ ખાતે પણ પૂજારીઓ તરીકે ખાસિયા બ્રાહ્મણો કાર્યરત છે. આ પૂજારીઓ દક્ષિણ ભારતના કેરળ ખાતેથી લાવવામાં આવેલા નામ્બુદ્રી બ્રાહ્મણ સંપ્રદાયના ગણાય છે, જે બદ્રીનાથ ખાતે પૂજા-કાર્ય સંભાળે છે. કેદારનાથ ખાતે જંગામાઓ મૈસુર થી આવેલા લિંગાયતો છે. આ બધા મંદિરો ખાતે પૂજન-કાર્યની વ્યવસ્થા આદિ શંકરાચાર્ય દ્વારા ગોઠવવામાં આવી હતી. આ પૂજારીઓ પણ આદિ શંકરાચાર્ય દ્વારા નિયુક્ત કરવામાં અવ્યા હતા, એવું માનવામાં આવે છે. રુદ્રનાથ ખાતે પૂજારીઓ તરીકે  દસનામી અને ગોસાંઈઓ કાર્યરત છે.[૬]

ભૂગોળ[ફેરફાર કરો]

હિમાલય પર્વતમાળાના ગઢવાલ પ્રદેશમાં સાંજના સમયે દૃશ્યમાન બરફીલાં શિખરો

કલ્પેશ્વર મંદિર હિમાલય પર્વત શ્રેણીમાં ઉરગામ ખીણ ખાતે આવેલ છે, જે નજીકના ઉરગામ નામના ગામથી 2 km (1.2 mi) જેટલા ટૂંકા અંતરે આવેલ છે. કલ્પેશ્વર અને હેલંગ વચ્ચેના કાચા-પાકા માર્ગ પરથી અલકનંદા નદી અને કલ્પગંગા નદીનું સંગમ-સ્થળ જોઈ શકાય છે. કલ્પગંગા નદી અહીંની ઉરગામ ખીણમાં થઈને વહે છે.[૭][૮] આ ઉરગામ ખીણ એક ગાઢ જંગલ વિસ્તાર છે. આ ખીણ ખાતે સફરજનના વૃક્ષો અને સીડીની માફક બનાવેલાં ખેતરો દેખાય છે, આ ખેતરોમાં બટાકા ઉગાડવામાં આવે છે.[૯]

માર્ગદર્શન[ફેરફાર કરો]

કલ્પેશ્વર પહોંચવા માટે ઋષિકેશ થી ઉરગામ સુધી સડક માર્ગ ઉપલબ્ધ છે, જેનું ઋષિકેશથી અંતર 253 km (157.2 mi) જેટલું છે. ઋષિકેશ-બદ્રીનાથ વચ્ચેના રાષ્ટ્રીય ધોરી માર્ગ પર આવેલા હેલંગ થી ઉરગામનો રસ્તો બદલવો પડે છે. અગાઉ આ માટે માર્ગ અસ્તિત્વમાં ન હતો, આથી હેલંગ થી કલ્પેશ્વર વાયા ઉરગામ 10 km (6.2 mi) જેટલા અંતર માટે પગપાળા જવું પડતું હતું. પરંતુ વર્તમાન સમયમાં હેલંગ થી ઉરગામ સુધી જીપ ચાલી શકે તેવો કાચો-પાકો માર્ગ ઉપલબ્ધ છે. ઉરગામ થી કલ્પેશ્વરનું અંતર માત્ર ૨ (બે) કિલોમીટર જેટલું ચાલીને જવું પડે છે. કલ્પેશ્વરથી સૌથી નજીકનું વિમાનમથક જોલી ગ્રાન્ટ, દહેરાદૂન 272 km (169.0 mi) જેટલા અંતરે અને નજીકનું રેલ્વેમથક ઋષિકેશ 255 km (158.4 mi) જેટલા અંતરે આવેલ છે.

પગપાળા માર્ગમાં બટાકાનાં ખેતરોની વચ્ચે બુઢા કેદાર મંદિર જોવા મળે છે. ઉરગામ ખાતે ધ્યાન બદરી મંદિર પણ જોવા મળે છે, જે સપ્ત બદરી (સાત બદરી) તરીકે ઓળખાતાં સાત બદરીનાથનાં મંદિરો પૈકીનું એક મંદિર છે.[૧૦]

પંચકેદાર
Panch Kedar

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "Kalpeshwar". Shri Badrinath -Shri Kedarnath Temple Committee. મેળવેલ 2009-07-17.
  2. J. C. Aggarwal; Shanti Swarup Gupta (૧૯૯૫). Uttarakhand: past, present, and future. Chamoli district. Concept Publishing Company. પૃષ્ઠ 222. ISBN 978-81-7022-572-0. ISBN 81-7022-572-8.
  3. "Kalpeshwar: Panch Kedar- Travel Guide". chardhamyatra.org. મેળવેલ 2009-07-17.
  4. "Panch Kedar Yatra". મેળવેલ 2009-07-05.
  5. "Panch Kedar". મૂળ માંથી 2004-04-14 પર સંગ્રહિત. મેળવેલ 2009-07-15.
  6. Jha, Makhan. India and Nepal. M.D. Publications Pvt. Ltd. પૃષ્ઠ 143. ISBN 978-81-7533-081-8.
  7. "Sight seeing and Things to do in Kalpeshwar". મૂળ માંથી 2009-06-20 પર સંગ્રહિત. મેળવેલ 2009-07-17.
  8. "Kalpeshwar". મૂળ માંથી 13 August 2007 પર સંગ્રહિત. મેળવેલ 2009-07-17.
  9. "Trekking in India". મેળવેલ 2009-07-12.
  10. "Kalpeshwar temple". મૂળ માંથી 2011-10-08 પર સંગ્રહિત. મેળવેલ 2009-07-17.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]