લખાણ પર જાઓ

દશાવતાર

વિકિપીડિયામાંથી
દશાવતાર - ઘડિયાળના કાંટે ઉપરની ડાબે બાજુથી - મત્સ્ય, કુર્મ, વરાહ, કૃષ્ણ, કલ્કિ, પરશુરામ, રામ અને નરસિંહ. મધ્યમાં વિષ્ણુ અને લક્ષ્મી.

દશાવતાર એટલે વિષ્ણુના દસ અવતાર. શ્રીમદ્ ભાગવતમ્‌માં વિષ્ણુના મુખ્ય દસ અવતારોનો ઉલ્લેખ છે. હિંદુ ધર્મમાં ભગવાન વિષ્ણુને સૃષ્ટિના પાલક ગણવામાં આવે છે. જ્યારેજ્યારે માનવજાતિને કે દેવોને કષ્ટ કે ભય ઉત્પન્ન થાય છે ત્યારેત્યારે વિષ્ણુ અવતાર લે છે અને સંકટ ટાળે છે. વિષ્ણુના આવા મુખ્ય દસ અવતારોને દશાવતાર કહેવામાં આવે છે. જેમાં નીચેના દસ (બલરામ અને બુદ્ધના ભેદને ધ્યાનમાં લેતા ૧૧) અવતારોનો સમાવેશ થાય છે, જે પૈકીનો કલ્કિ અવતાર ભવિષ્યમાં થવાનો છે અને બાકીના બધા જ અવતારો અવતરી ચુક્યા છે.

૧. મત્સ્ય - માછલીનાં રૂપમાં
૨. કુર્મ - કાચબાનાં રૂપમાં
૩. વરાહ - ભૂંડ કે ડુક્કરનાં રૂપમાં
૪. નરસિંહ - અડધું શરિર મનુષ્યનું અને અડધું સિંહનું
૫. વામન - બાળકનાં રૂપમાં (ઘણી વખત ઠીંગણું રૂપ દર્શાવાય છે)
૬. પરશુરામ - મનુષ્ય રૂપે, ગુસ્સામાં, ક્રુર અને હાથમાં કુહાડી ધારણ કરેલા
૭. રામ - મનુષ્ય રૂપે, સૌમ્ય
૮. કૃષ્ણ - મનુષ્ય રૂપે, મુત્સદી (મોટેભાગે પ્રેમમુર્તિ તરીકે ચિત્રણ)
૯. બુદ્ધ - મનુષ્ય રૂપે, યોગી
૧૦. કલ્કિ - મનુષ્ય રૂપે, યોદ્ધા
  .(બલરામ) - મનુષ્ય રૂપે, કૃષ્ણના ભાઈ

કેટલાક સંપ્રદાયોમાં બલરામને વિષ્ણુનો મુખ્ય અવતાર નથી ગણવામાં આવતો, બલ્કે બુદ્ધને વિષ્ણુના અવતાર માનવામાં આવે છે, જ્યારે અમુક સંપ્રદાયો બલરામને વિષ્ણુના દશાવતાર પૈકીનો એક ગણાવે છે.

ભગવદ્ ગીતાના જ્ઞાનકર્મસંન્યાસયોગ નામના ચોથા અધ્યાયમાં ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે, "જ્યારે જ્યારે ધર્મની ગ્લાનિ થાય છે, ત્યારે ત્યારે ધર્મને ઉપર ઉઠાવવા માટે હું જન્મ લઉં છું". ભગવાન આગળ કહે છે, "દુરિજનોના વિનાશ માટે, સજ્જનોના ઉદ્ધાર માટે અને ધર્મની પુન:સ્થાપના કરવા માટે હું હર યુગમાં પ્રગટ થઉં છું".

यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत ।
अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् ॥७॥
परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम् ।
धर्मसंस्थापनार्थाय सम्भवामि युगे युगे ॥८॥

-ભગવદ્ ગીતા, અધ્યાય ૪, શ્લોક ૭-૮

આમ વિષ્ણુએ (કૃષ્ણ અવતાર દરમ્યાન) પોતાના મુખેથી એ વાત કહી છે કે તે વિવિધ યુગોમાં નાનાવિધ અવતાર લઈને પૃથ્વી પર અવતરે છે.

દશાવતાર પૈકીના પહેલા ચાર અવતારો સત્યયુગમાં થઈ ગયા. તે પછીના ત્રણ ત્રેતાયુગમાં થયા અને પછીના એક દ્વાપરયુગમાં અને છેલ્લા બે અવતાર કલિયુગમાં, જે પૈકીનો એક અવતાર હજુ ભવિષ્યમાં થશે. શ્રીમદ્ ભાગવતમ્ અને વિષ્ણુ પુરાણ મુજબ કલિયુગના અંતમાં ભગવાન કલ્કિ રૂપે અવતરશે અને પૃથ્વિ પરથી અનિષ્ટોનો નાશ કરશે. ત્યાર બાદ મહાપ્રલય આવશે અને નવા યુગચક્રની શરૂઆત થશે.

માતાના અવતારો

[ફેરફાર કરો]

વલ્લભ ભટ્ટ રચિત 'આનંદનો ગરબો'માં આ દસ અવતારોને 'મા'ના અવતારો તરીકે વર્ણવ્યા છે. જો કે તેની પાછળનું કારણ એ છે કે વલ્લભ ભટ્ટે તેમને વિષ્ણુ મંદિરમાં થયેલા અનુભવ પછી નક્કી કર્યું હતું કે તેમની આખી ઉંમર સુધી પરમેશ્વરને મા કહીને જ પ્રાર્થના તથા વર્ણન કરવું કેમકે તે માનતા હતા કે જેટલી દેવિઓ કહેવાય છે, તેનાં નામ તથા તેનાં રૂપ તે, પરમેશ્વરનાં જ નામ અને રૂપ છે.[]

મચ્છ કચ્છ વરાહ, નૃસિંહ વામન થઈ મા
અવતારો તે તારાહ, તુજ મહાત્મ્ય મ્હી મા. ૩૬
પરશુરામ શ્રીરામ રામ, બની બળ જેહ મા
બુદ્ધ કલંકી નામ, દશ વિધ ધારી દેહે મા. ૩૭

- આનંદનો ગરબો

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. દલપતરામ. ગુજરાતી ભાષાના કવિયોનો ઇતિહાસ:વલ્લભભટ. અમદાવાદ. CS1 maint: discouraged parameter (link)