નર્મદાશંકર મહેતા

વિકિપીડિયામાંથી
દીવાન બહાદુર

નર્મદાશંકર મહેતા
જન્મનર્મદાશંકર દેવશંકર મહેતા
(1871-08-23)23 August 1871
અમદાવાદ, બ્રિટિશ ભારત.
મૃત્યુ21 March 1939(1939-03-21) (ઉંમર 67)
વ્યવસાયલેખક, ઇતિહાસકાર અને વ્યવસ્થાપક.
ભાષાગુજરાતી
રાષ્ટ્રીયતાભારતીય
સંતાનોયશોધર મહેતા

દીવાન બહાદુર નર્મદાશંકર દેવશંકર મહેતા (૨૩ ઓગસ્ટ ૧૮૭૧ – ૨૧ માર્ચ ૧૯૩૯) એક ગુજરાતી લેખક, તત્વજ્ઞાનના ઇતિહાસકાર અને વહિવટકર્તા હતા. તેઓ આનંદશંકર ધ્રુવના વિદ્યાર્થી હતા અને બાલાશંકર કંથારીયાના ભત્રીજા હતા.

જીવનચરિત્ર[ફેરફાર કરો]

તેમનો જન્મ અમદાવાદમાં ૨૩ ઓગસ્ટ ૧૮૭૧ ના દિવસે સાઠોદરા નગર બ્રાહ્મણ પરિવારમાં દેવશંકર અને રૂક્ષ્મણી (રૂક્મિણી)ને ઘેર થયો હતો, તેમના પિતા દેવશંકર મહેસૂલ અધિકારી હતા.[૧]

ઈ. સ. ૧૮૮૮માં મેટ્રિકની પરીક્ષા પાસ કર્યા બાદ તેઓ ૧૮૯૪માં અંગ્રેજી અને સંસ્કૃત સાહિત્ય સાથે મુંબઈ યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા. તેઓ ગુજરાત કૉલેજ, અમદાવાદમાં ફેલો તરીકે નિયુક્ત થયા જ્યાં તેઓ આનંદશંકર ધ્રુવના વિદ્યાર્થી બન્યા. તેમના માર્ગદર્શન હેઠળ તેમણે સંસ્કૃત સંસ્કૃતિ અને ભારતીય દર્શનનો અભ્યાસ શરૂ કર્યો.[૧] ૧૮૯૬માં તેઓ અમદાવાદમાં ક્લાર્ક તરીકે મહેસૂલ વિભાગમાં જોડાયા અને પાછળથી મ્યુનિસિપાલિટીના ડેપ્યુટી કમિશનર તરીકે નિયુક્ત થયા. તેમના જીવનના અંતિમ તબક્કે, તેમણે ખંભાત રાજ્યના દીવાન તરીકે સેવા આપી હતી.[૧]

૧૯૩૪માં તેમને લકવાનો હુમલો થયો જેના કારણે પાંચ વર્ષ પછી, ૨૧ માર્ચ ૧૯૩૯ના દિવસે તેમનું મૃત્યુ થયું.[૧] તેઓ ગુજરાતી લેખક બાલાશંકર કંથારિયાના ભત્રીજા હતા.[૧]

સાહિત્ય કૃતિઓ[ફેરફાર કરો]

તેમણે ગુજરાતી, અંગ્રેજી અને સંસ્કૃતમાં સાહિત્ય કૃતિઓ રચી હતી. તેમણે હિન્દુ ધર્મ અને ભારતીય દર્શન વિશે વિવિધ સામયિકોમાં સો જેટલા લેખો પ્રકાશિત કર્યા હતા.[૨] તેમના લખાણો સ્પષ્ટ વિચારો વાળા, ચુસ્ત વૈજ્ઞાનિક, વસ્તુલક્ષી અભિગમ અને સ્પષ્ટ શૈલી ધરાવતા હતા.[૩]

તેમણે ૧૮૮૫માં સતી નાટક લખીને તેમની સાહિત્યિક કારકિર્દીની શરૂઆત કરી હતી. ૧૮૯૨માં તેમણે તોટકાચાર્ય કૃત શ્રુતિસમુદ્ધરાણા અને અપ્પયા દિક્ષીતા કૃત વૈરાગ્યશતકનો ગુજરાતી અનુવાદ કર્યો હતો. તેમની કૃતિ હિન્દ તત્ત્વજ્ઞાનનો ઇતિહાસ (ભારતીય દર્શનનો ઇતિહાસ) અનુક્રમે ૧૯૨૪ અને ૧૯૨૫માં બે ભાગમાં પ્રકાશિત થયો હતો. તે હિન્દુ દર્શનની ઐતિહાસિક ગાથા છે. ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં આ પ્રકારનું આ પ્રથમ પુસ્તક હતું. કેટલાક વિદ્વાનોના મતે, તેઓ સુરેન્દ્રનાથ દાસગુપ્તા અને સર્વેપલ્લી રાધાકૃષ્ણન કરતાં પણ ભારતીય તત્વજ્ઞાનના દર્શનનો ઐતિહાસિક ક્રમ વધુ યોગ્ય રીતે જાળવે છે અને તેઓ કેટલાક એવા ઐતિહાસિક તથ્યો નોંધે છે જેમાં અન્ય વિદ્વાનો નિષ્ફળ ગયા છે. ૧૯૩૨માં તેમણે ઉપનિષદવિચરણ અને શક્તિ સંપ્રદાય (શક્તિવાદનો ઇતિહાસ) પ્રકાશિત કર્યો. સુપ્રજન શાસ્ત્ર અને સંધ્યાકર્મ વિવરણ તેમની અન્ય કૃતિઓ છે.[૧]

અનંતરાય રાવળ દ્વારા સંપાદિત ધર્મતત્ત્વ-વિચાર ચાર ખંડ ધરાવે છે જે તેમના મરણોપરાંત ૧૯૭૨, ૧૯૭૭, ૧૯૭૮ અને ૧૯૮૦ માં પ્રકાશિત થયા હતા. આ પુસ્તકમાં સાહિત્ય, ધર્મ અને દર્શન પરના નર્મદાશંકરના લખાણો છે.[૧]

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ ૧.૫ ૧.૬ શુક્લા, જયેશકુમાર આર. (January 2002). ઠાકર, ધીરુભાઈ (સંપાદક). ગુજરાતી વિશ્વકોશ. XV (1st આવૃત્તિ). અમદાવાદ: ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ 510–511. OCLC 248968453.
  2. Datta, Amaresh, સંપાદક (1989). Encyclopaedia of Indian Literature: k to navalram. New Delhi: Sahitya Akademi. પૃષ્ઠ 2657. ISBN 978-81-260-1804-8.
  3. Jhaveri, Mansukhlal Maganlal (1978). History of Gujarati Literature. New Delhi: Sahitya Akademi. પૃષ્ઠ 142. OCLC 462837743.

પૂરક વાચન[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]