નળાખ્યાન (પ્રેમાનંદ)

વિકિપીડિયામાંથી
નળાખ્યાન 
રચનાર: પ્રેમાનંદ
કવિ નર્મદ દ્વારા સંપાદિત 'નળાખ્યાન'નું શિર્ષક પાનુ; ૧૮૭૪
રચના સાલ૧૬૮૬
ભાષામધ્યકાલીન ગુજરાતી
વિષય(યો)રાજા નળની કથા
સ્વરૂપઆખ્યાન
ઓનલાઇન વાંચોનળાખ્યાન at Wikisource

નળાખ્યાન એ મધ્યકાલીન કવિ પ્રેમાનંદ કૃત આખ્યાન કાવ્ય છે. ૬૫ કડવાં ધરાવતા આ કાવ્યની રચના પ્રેમાનંદે ૧૬૮૬ (સંવત ૧૭૪૨ પોષ સુદ ૨, ગુરુવાર)માં કરી હતી. આ કાવ્યનું કથાવસ્તુ મહાભારતના આરણ્યક પર્વમાંના 'નલોપાખ્યાન'ની કથા ઉપર આધારીત છે. મૂળ કથામાં પ્રેમાનંદે સુધારા-વધારા કરીને તેને પોતાના સર્જકબળે વિકસાવ્યું છે.[૧][૨]

કથાવસ્તુ[ફેરફાર કરો]

પાંડવોના વનવાસ દરમિયાન કૈલાસ ગયેલો અર્જુન ઘણો સમય વિત્યા પછી પણ પાછો આવ્યો નથી એ ઘટનાથી યુધિષ્ઠિર ચિંતાતુર છે. ત્યાં આવી ચડેલા બૃહદશ્વ મુનિ આગળ યુધિષ્ઠિર આંસુ સારી બેસે છે. યુધિષ્ઠિરની વેદનાનું કારણ પૂછતા યુધિષ્ઠિર બ્ર્હદશ્વને પોતાના ભાઈના વિરહની વાત કરે છે. યુધિષ્ઠિરને દિલાસો આપવા માટે બૃહદશ્વ તેને નળ અને દમયંતીની કથા કહે છે.[૧]

નિષધ નગરના સૂર્યવંશી રાજા વીરસેનનો પુત્ર નળ અવિવાહિત છે. અનેક કન્યાઓના માંગા આવતાં હોવા છતાં નળને કોઈ કન્યા પસંદ પડતી નહોતી. મહર્ષિ નારદ નળ આગળ વિદર્ભ દેશના રાજા ભીમકની પુત્રી દમયંતીના સૌંદર્યની પ્રશંસા કરે છે. આથી નળ દમયંતીથી આકર્ષાય છે. નળ દમયંતીનો તીવ્ર વિરહ અનુભવે છે અને આ વિરહ શમાવવા માટે તે વનમાં જાય છે. વનમાં એક અલૌકિક હંસ નળની નજરે પડે છે જેના પ્રતિ નળ લોભાય છે અને તે ઊંઘતા હંસને પકડે છે. હંસને આમ કેદી બનેલો જોઈને તેની અનેક હંસીઓ આક્રંદ કરે છે. હંસ પોતાને જવા દેવા માટે નળને વિનંતી કરે છે અને વચન આપે છે કે તે હંસીઓને મળીને પાછો આવતો રહેશે. આમ, હંસીઓને મળી, હંસ વચન પાળવા નળ પાસે પાછો આવે છે. નળ તેને લઈને પોતાના નગરમાં પાછો આવે છે ત્યારે નગરજનો આશ્ચર્યમુગ્ધ બની જાય છે.[૧]

એક વાર હંસ પોતાની હંસીના વિરહની વાત નળ આગળ કરે છે, જે સાંભળતાં જ નળને દમયંતીની યાદ આવે છે. નળની વેદના પારખતો હંસ, નળનો દૂત બનીને દમયંતી પાસે જાય છે અને દમયંતી આગળ નળના રૂપની પ્રશંસા કરે છે, જેથી દમયંતી નળ પ્રત્યે આકર્ષાય છે. જ્યારે દમયંતીનો સ્વયંવર યોજાય છે ત્યારે નળ ત્યા જાય છે. આ સ્વયંવરમાં દેવો (ઇન્દ્ર, અગ્નિ, વરુણ અને યમ) પણ નળનુ રૂપ ધારણ કરીને દમયંતીને વરવા જાય છે. ચતુર દમયંતી પાંચ નળમાંથી સાચા નળને ઓળખે છે અને તેને પરણે છે. દેવો દમયંતીને વરદાનો આપીને પાછા જાય છે. નળદમયંતી પોતાનું સફળ વૈવાહિક જીવન જીવે છે. પરંતુ સ્વયંવરમા આવેલો અને દમયંતીને ન મેળવી શકવાથી નિરાશ થયેલો કલિ નળ અને દમયંતીના લગ્નજીવનમાં વિક્ષેપ પાડવા પ્રયત્નો કરે છે. કલિ નળના નગરમાં આવે છે અને એના શરીરમાં પ્રવેશ કરે છે. આ કારણથી નળની મતિ ભ્રષ્ટ થાય છે અને તે પોતાના પિતરાઈ ભાઈ પુષ્કર સાથે જુગાર રમે છે. કલિ જુગાર રમવાના પાસામાં પ્રવેશે છે અને નળને જુગારમા હરાવે છે.[૧]

નિંદ્રાધીન દમયંતીનો વનમધ્યે ત્યાગ કરતો નળ (ચિત્રકાર: રાજા રવિ વર્મા)

રાજપાટ હારી બેઠેલો નળ દમયંતી સાથે વનમાં જાય છે, જ્યાં કલિ તેનો પીછો છોડતો નથી. ભૂખતરસ વેઠતા નળ અને દમયંતી એક જળાશય પાસે આવે છે. નળ જળાશયમાંથી થોડાક માછલા પકડીને દમયંતીને સાચવવા આપે છે. સ્વયંવરમાં દેવો તરફથી દમયંતીને 'અમૃત સ્રવતા' હાથનું વરદાન મળેલુ હોવાથી મૃત મસ્ત્યો દમયંતીના હાથમાં આવતાં જ સજીવન બની પાછાં જળમાં જતા રહે છે. પાછા આવેલા નળને દમયંતી સાચી વાત જણાવે છે પણ નળ માનતો નથી અને 'ભૂખી હોવાથી તું માછલા ખાઈ ગઈ છે' એવું આળ મૂકી તે દમયંતીને આકરા વેણ બોલે છે. આખરે અઘોર અરણ્યમાં ઊંઘતી દમયંતીને અર્ધવસ્ત્રે એકલી મૂકીને નળ ચાલ્યો જાય છે. આ ક્ષણે નળ માનસિક સંઘર્ષ અનુભવે છે.[૧]

વનમાં એકલી રઝળતી અને અનેક સંકટો સહન કરતી દમયંતી એની માસી ભાનુમતીને ત્યાં પહોંચે છે. અહી પહોંચતા પૂર્વે તે વનમાં લાલચી વણજારાઓ, પારધી વગેરે દ્વારા થતી રંજાડનો ભોગ બને છે, પણ પોતાના બુદ્ધિચાતુર્યથી અને ઉમદા ગુણના કારણે તે આ કસોટીઓમાંથી પાર ઊતરે છે. માસી ભાનુમતીને ત્યાં દમયંતી ચાકરડી તરીકે રહે છે. દમયંતીનો પીછો કરતો કલિ અહિં આવે છે. મસિયાઈ બહેન ઇન્દુમતી સ્નાન કરવા જાય છે ત્યારે પોતાનો કીમતી હાર ટોડલા પર મૂકીને જાય છે. કલિ ટોડલામાં પ્રવેશે અને હાર ગુમ કરે છે અને હારની ચોરીનો આરોપ દમયંતી પર આવે છે. સત્ત્વ અને સત્યશીલ દમયંતી અત્યંત આર્દ્રભાવે ઇશ્વરનું સ્મરણ કરે છે. આથી ટોડલો ફાટે છે અને સંતાયેલો કલિ ત્યાંથી નાસે છે. હાર ત્યાંથી જ મળી આવતા દમયંતીની નિર્દોષતા સાબિત થાય છે.[૧]

દમયંતીના પિતા ભિમકે દમયંતીની શોધ માટે મોકલેલો સુદેવ ફરતો ફરતો ભાનુમતીના નગરમાં આવે છે. સુદેવ-દમયંતી એકબીજાને ઓળખી જાય છે. ભાનુમતી પણ દમયંતીને ઓળખે છે અને લજ્જા અનુભવે છે. દમયંતીને લઈને સુદેવ વિદર્ભ નગરમાં ભિમકને ત્યા પાછો ફરે છે. ત્યારબાદ દમયંતી સુદેવને નળની શોધ માટે મોકલે છે.[૧]

દમયંતીને ત્યજ્યા પછી નળ જંગલમાં કર્કોટક નાગ કરડવાથી વિરૂપ (બાહુક) બની જાય છે, અને બાહુક રૂપે તે ઋતુપર્ણ રાજાને ત્યાં તેના સારથી તરીકે રહે છે. સુદેવ ઋતુપર્ણની નગરીમાં આવી ઋતુપર્ણને દમયંતીના સ્વયંવરમાં પધારવાનું આમત્રણ આપે છે. બધી વાત જાણી ગયેલો નળ ઋતુપર્ણ સાથે તેના સારથી તરીકે દમયંતીના સ્વયંવરમાં જાય છે. વિરૂપ બની ગયેલ બાહુક પોતે જ નળ છે કે અન્ય કોઈ એ માટે તેની પરીક્ષા (વાજિ, વૃક્ષ, જલ અને અનલની પરીક્ષાઓ) લેવામાં આવે છે. ત્યારબાદ નળનાં બંને સંતાનોને નળની પાસે મોકલવામાં આવે છે, અને છેવટે દમયંતીને બાહુક એ જ નળ છે એ વાતનો અંદાજ આવી જાય છે.

આવકાર[ફેરફાર કરો]

વિવેચક ધીરુ પરીખના મત અનુસાર નળાખ્યાન પ્રેમાનંદના બધા જ આખ્યાનોમાં તેમજ સમગ્ર મધ્યકાલીન આખ્યાન-સાહિત્યમાં 'ઉચ્ચાસને સ્થિત' છે.[૧] વિવેચક ચીમનલાલ ત્રિવેદીના મત અનુસાર આ કાવ્યનું મુખ્ય સંવેદન 'કરુણા' છે. તેમના મત અનુસાર આ કાવ્યમાં લગ્નજીવનના આદર્શો પ્રતિબિંબિત થયેલા છે.[૩]

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ ૧.૫ ૧.૬ ૧.૭ પરીખ, ધીરુ (૧૯૯૭). "નળાખ્યાન". માં ઠાકર, ધીરુભાઈ (સંપાદક). ગુજરાતી વિશ્વકોશ. ખંડ ૯ (પ્રથમ આવૃત્તિ). અમદાવાદ: ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૭૯૫–૭૯૬. OCLC 248969185.
  2. જોશી, ઉમાશંકર (૧૯૮૯). "પ્રેમાનંદ–૨". માં કોઠારી, જયંત; ગાડીત, જયંત (સંપાદકો). ગુજરાતી સાહિત્યકોશ (મધ્યકાળ). ખંડ ૧. અમદાવાદ: ગુજરાતી સાહિત્ય પરિષદ. પૃષ્ઠ ૨૬૨. OCLC 26636333.
  3. Trivedi, Chimanlal (1997). "Nalakhyan (The Tale of Nala)". માં George, K. M. (સંપાદક). Masterpieces of Indian Literature. 1. New Delhi: National Book Trust. પૃષ્ઠ 331–334. ISBN 81-237-1978-7.