બાપુલાલ નાયક

વિકિપીડિયામાંથી
બાપુલાલ નાયક
ઈ.સ ૧૯૧૫ના નાટક "સ્નેહ સરિતા" માં જયશંકર ભોજક 'સુંદરી' સાથે બાપુલાલ નાયક (ડાબે). તેમણે ઘણાં સફળ નાટકોમાં સાથે કામ કર્યું હતું.
જન્મની વિગત(1879-03-25)25 March 1879
ગેરીતા, મહેસાણા, વડોદરા રજવાડું, બ્રિટિશરાજ.
મૃત્યુની વિગત4 December 1947(1947-12-04) (ઉંમર 68)
ઉંધાઈ મહેસાણા નજીક, વડોદરા રજવાડું, બ્રિટિશરાજ
જન્મ સમયનું નામનારાયણ ભાબળદાસ નાયક
વ્યવસાયરંગભૂમિ કળાકાર, નિર્દેશક, વ્યવસ્થાપક
સક્રિય વર્ષ૧૮૯૦ - ૧૯૪૬
માતા-પિતાનરભીબેન, ભાબળદાસ

બાપુલાલ નાયક (૨૫ માર્ચ ૧૮૭૯ - ૪ ડિસેમ્બર ૧૯૪૭) એ એક ભારતીય રંગમંચ અભિનેતા, પ્રારંભિક ગુજરાતી રંગભૂમિના દિગ્દર્શક અને વ્યવસ્થાપક હતા. પરંપરાગત લોક નાટક કલાકારોના કુટુંબમાં જન્મેલા બાપુલાલ નાની ઉંમરે મુંબઈ ગુજરાતી નાટક મંડળીમાં નામની થિયેટર કંપનીમાં જોડાયા. તેમના અભિનયની શરૂઆતની ભૂમિકામાં ખૂબ પ્રશંસા થઈ હતી. તેઓ રંગમંચ આયોજન અને વ્યવસ્થાપનમાં સામેલ હતા અને બાદમાં તે કંપનીમાં ભાગીદાર બન્યા. તેમની ખ્યાતિ ખૂબ ફેલાઈ અને સ્ત્રી ભૂમિકા ભજવનારા જયશંકર ભોજક 'સુંદરી' સાથે તેમણે અનેક સફળ નાટકો આપ્યા. તેમણે મૂળશંકર મુલાણી, ગજેન્દ્રશંકર પંડ્યા અને નૃસિંહ વિભાકર દ્વારા લખાયેલા નાટકોમાં અભિનય કર્યો હતો. તેમણે અનેક નાટકો લખ્યા અને દિગ્દર્શન કર્યા અને આખરે થિયેટર કંપની ખરીદી. પાંચ દાયકા સુધી ચાલેલી કારકિર્દી પછી, તેઓ નિવૃત્ત થયા. નિવૃત્ત થયા પછી તેમની કંપનીને સિનેમાના આગમન સાથે ભારે નુકસાન થયું.

જીવનચરિત્ર[ફેરફાર કરો]

ઈ.સ. ૧૯૦૪માં મુંબઈના ગેઈટી થિયેટરમાં કમલતા નાટકમાં બાપુલાલ નાયક (ડાબે) અને જયશંકર ભોજક 'સુંદરી'

બાપુલાલનો જન્મ મહેસાણા નજીક ગેરીતામાં ૨૫ માર્ચ ૧૮૭૯ ના દિવસે થયો હતો અને તેના માતાપિતા ભાબળદાસ ખેમચંદ નાયક અને નરભીબેને તેમનું નામ નારાયણ રાખ્યું હતું.[૧] [૨] [૩] તેમણે તેમના વતનના ગામ ઉંધઇની ગુજરાતી શાળામાં પાંચમા ધોરણ સુધી અભ્યાસ કર્યો. તેમના પિતા દ્વારા તેમને બાપુલાલ એવું હુલામણું નામ આપવામાં આવ્યું હતું. ફેબ્રુઆરી ૧૮૯૦ માં, અગિયાર વર્ષની ઉંમરે, તેમણે ભવાઇ (લોક નાટ્ય) અને ખેતીકામની પારંપરિક પરંપરા છોડી દીધી, અને દયાશંકર વિસનજી ભટ્ટની મુંબઈ ગુજરાતી નાટક મંડળીથી મહિને ત્રણ રૂપિયાના પગારે નાટ્ય કારકિર્દીની શરૂઆત કરી.[૪] હરિશ્ચંદ્ર (૧૯૮૦) નાટકમાં તેમને ઇન્દ્રના પુત્ર જયંતની ભૂમિકા આપવામાં આવી હતી. ત્યાર બાદ તેઓ મૂળશંકર મૂલાણી દ્વારા લિખિત નાટક રાજબીજ (૧૮૯૧)માં દેખાયા. આ નાટક ખાસ તેમના માટે જ લખાયું હતું અને મુંબઈના ગેઈટી થિયેટર ખાતે તેનું પ્રીમિયર ભજવાયું. આ નાટક સફળ રહ્યું. મૂળારાજ સોલંકી (૧૮૯૫) નાટકમાં મૂળરાજ ના પાત્રનો તેમનો અભિનય વખણાયો. પછીના દાયકામાં, તેમણે રામચરિત્ર (૧૯૮૯), લક્ષાધિપતિ-નો રામનમાં, જયરાજ (૧૮૯૮) અને અન્ય નાટકોમાં અભિનય કર્યા. આ સાથે તેઓ રંગમંચ વ્યવસ્થાપન અને એક થિયેટર કંપનીના સંચાલનમાં સામેલ થયા. ૧૮૯૯ માં, તે અને મુલાણી, મુંબઈ ગુજરાતી નાટક મંડળીમાં ભાગીદાર બન્યા, તે બન્નેનો ૬-૬% હિસ્સો હતો. તેમણે અજબકુમારી (૧૮૯૯) નામના ખૂબ વખણાયેલ નાટકમાં પણ ભૂમિકા ભજવી હતી. તેમની સામે સ્ત્રી પાત્ર ભજવાનાર અભિનેતા જયશંકર ભોજક 'સુંદરી' હતા, તેઓ તે સમયે તાજેતરમાં તેમની કંપનીમાં જોડાયા હતા. આ જોડી ટૂંક સમયમાં પ્રખ્યાત બની અને તેમણે સૌભાગ્ય સુંદરી (૧૯૦૧), વિક્રમ ચરિત્ર (૧૯૦૧, તેમના દ્વારા નિર્દેશિત) દાગે હસરત (૧૯૦૧), જુગલ જગારી (૧૯૦૩ ), કમલતા (૧૯૦૪), સ્નેહ સરિતા (૧૯૧૫), મધુબંસરી (૧૯૧૭). સહિત અનેક સફળ નાટકો આપ્યા. ૧૯ મી સદીના અંતમાં, તેમને મૂળશંકર અને દયાશંકર વિસનજી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું. તેમણે સોરબજી કાત્રક પાસેથી દિગ્દર્શન શીખ્યું. તેમણે ઘણા કલાકારોને તાલીમ પણ આપી. [૫]

નંદ-બત્રીસી (૧૯૦૬) એ તેમના દ્વારા લખાયેલું પહેલું નાટક હતું જે ખૂબ પ્રશંસા પામ્યું હતું. આ સિવાય તેમણે ચંદ્રભાગા (૧૯૦૯) નામે એક પ્રહસન નાટક, નવલશા હીરજી (૧૯૦૯), આનંદલહરી (૧૯૧૯) અને સૌભાગ્યનો સિંહ (૧૯૨૫) જેવા નાટકો લખ્યા. [૪] જ્યારે મુલાણીનાં ત્રણ નાટકો નિષ્ફળ ગયા ત્યારે તેમણે નૃસિંહ વિભાકર દ્વારા લખાયેલા રાષ્ટ્રવાદી નાટકોને ભજવવાનું નક્કી કર્યું. આ નાટકોએ વાર્તા અને વિષયવસ્તુ સાથે પ્રયોગ કર્યો પણ ભજવવાનો અધિનિયમ યથાવત્ રહ્યો. આ સમયગાળા દરમિયાન, મહાત્મા ગાંધી દક્ષિણ આફ્રિકાથી ભારત આવ્યા હતા અને ભારતીય સ્વતંત્રતા ચળવળ વેગ પકડી રહી હતી.[૫] તેમણે એપ્રિલ ૧૯૨૨ માં મુંબઇ ગુજરાતી નાટક મંડળી હસ્તગત કરી.[૧][૨]

બાપુલાલ નાયકે તેમના નાટકોનું દિગ્દર્શન શરૂ કર્યું અને નાટકોમાં સાહિત્યને સ્વીકારવાનું શરૂ કર્યું.[૫] તેમણે ૧૯૧૧ માં લખેલી રમણભાઈ નીલકંઠના નાટક રાઈનો પર્વત પર પસંદગી ઉતારી અને ૧૯૨૬ માં તેનું મંચન કર્યું. નાટકના ગીતો રસિકલાલ પરીખે લખ્યા હતા અને તેના ચાર શો યોજાયા હતા. બાદમાં તેમણે ચાંપશી ઉદેશી દ્વારા લખાયેલા ચાર નાટકો, ગજેન્દ્રશંકર પંડ્યા દ્વારા લખાયેલા ચાર નાટકો તેમજ ઘણા પારસી થિયેટરની રીતના નાટકો કર્યા. ગજેન્દ્રશંકર પંડ્યાની નાટક કૉલેજ કન્યાનું બાપુલાલ દ્વારા ભજવવામાં આવ્યું હતું અને સ્ત્રી વિષેના તેના કેટલાક સંવાદને કારણે વિવાદ ઊભો થયો હતો; નરસિંહરાવ દિવેટિયા, ચંદ્રવદન મહેતા અને હંસા જીવરાજ મહેતાએ નાટક સામેના જાહેર વિરોધનું નેતૃત્વ કર્યું હતું.[૪]

સિનેમાના આગમન સાથે થિયેટરે તેના પ્રેક્ષકોને ગુમાવવાનું શરૂ કર્યું. ભારે નુકસાન વેઠવાના કારણે બાપુલાલને ૧૯૩૮ માં તેમની કંપની વેચવાની ફરજ પડી હતી. ૧૯૪૪ માં, તેમણે ફાઇનાન્સરની સહાયથી તેમની કંપનીને પુનર્જીવિત કરવાનો પ્રયાસ કર્યો. ૧૯૪૬ માં પ્રફુલ્લ દેસાઈ દ્વારા લખાયેલ તેમના છેલ્લા નાટક લડકવાયોનું મંચન કર્યા પછી તેઓ નિવૃત્ત થયા. તેમણે તેમની કારકિર્દી દરમિયાન સો કરતાં વધુ નાટકોમાં અભિનય કર્યો, સુડતાલીસ નાટકોનું નિર્દેશન કર્યું અને છ નાટકો લખ્યા.[૧][૪][૨] તેમણે કેટલીક કવિતાઓ પણ લખી હતી. ૪ ડિસેમ્બર, ૧૯૪૭ ના દિવસે વદોદરા રજવાડાના મહેસાણા નજીકના ઉંધાઈમાં તેમનું અવસાન થયું.

ટિપ્પણી[ફેરફાર કરો]

સાંજ વર્તમાન નામના વર્તમાન પત્રના કટાર લેખક, પી કે નૈયરે, તેમને ૧૯૧૭ માં "વિશ્વના શ્રેષ્ઠ અભિનેતા" કહ્યા.[૨] રસિકલાલ પરીખ, ચંદ્રવદન મહેતા અને પ્રાગજી ડોસાએ તેમના દિગ્દર્શનની શ્રેષ્ઠતાની પ્રશંસા કરી છે.[૪]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ ભોજક, દિનકર (૧૯૯૦). ઠાકર, ધીરુભાઈ (સંપાદક). ગુજરાતી વિશ્વકોશ. ૧૦. અમદાવાદ: ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ, અમદાવાદ. પૃષ્ઠ ૯૫–૯૬. OCLC 165832685.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ Choksi, Mahesh; Somani, Dhirendra, સંપાદકો (2004). ગુજરાતી રંગભૂમિ: રિદ્ધિ અને રોનક. Ahmedabad: Gujarat Vishwakosh Trust. પૃષ્ઠ 38, 219–223.
  3. Nayak, Suresh (January 1980). Gujarati Rangbhumina Abhinay Shilpi Bapulal Nayak (1st આવૃત્તિ). Suresh Nayak. પૃષ્ઠ 6, 8. OCLC 7173414.
  4. ૪.૦ ૪.૧ ૪.૨ ૪.૩ ૪.૪ બારાડી, હસમુખ (2003). History of Gujarati Theatre. India-The Land and The People. Meghani, Vinod વડે અનુવાદિત. National Book Trust, India. પૃષ્ઠ 60–63. ISBN 978-81-237-4032-4.
  5. ૫.૦ ૫.૧ ૫.૨ Baradi, Hasmukh (2004). Lal, Ananda (સંપાદક). The Oxford Companion to Indian Theatre. New Delhi: Oxford University Press. ISBN 0195644468. OCLC 56986659 – Oxford Reference વડે.

પૂરક વાચન[ફેરફાર કરો]