ભોજા ભગત

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

ભોજા ભગતનો જન્‍મ ઇ.સ. ૧૭૮પમાં (વિક્રમ સંવત ૧૮૪૧માં) વૈશાખ સુદી પૂનમ (બુધ્‍ધ પૂર્ણિમાં)ના રોજ સૌરાષ્ટ્રમાં જેતપુરની બાજુમા દેવકી ગાલોણ નામના ગામમાં થયો હતો. તેઓ જ્ઞાતિએ લેઉવા કણબી હતા. તેમની અટક સાવલીયા હતી. જન્‍મથી માંડીને ૧૨ વર્ષની ઉંમર સુધી ભોજાભગત ફકત દૂધ પીને જ રહેલા. આ બાળકની ‘દૂધાહારી બાલયોગી’ તરીકેની ખ્‍યાતી સમગ્ર સૌરાષ્‍ટ્ર પંથકમાં વિસ્‍તરી હતી.

ગિરનારી સંત ગુરૂની પ્રસાદી લઇને સોરઠના આ સિદ્ધ પુરૂષ અમરેલીના ફતેપુર આવ્યા. ઠેબી નદીના કિનારે ભોજા ભગતે આશ્રમ બાંધ્‍યો. ભોજા ભગતની ચમત્‍કારીક સિદ્ધિ, દિગંતમાં રેલાતી કીર્તિ અને મુમુક્ષભાવે સેવકો દ્વારા કરાતી તેમની ઉપાસના કેટલાક તેજોધ્‍વેષી પામર માનવીઓની આંખમાં કણાની જેમ ખૂંચવા લાગી. દિવાન વિઠ્ઠલરાવના કાનમાં ઝેર ભરવામાં આવ્‍યું. ભોજલરામ ભકતને પકડી જાહેરસભામાં ચમત્‍કાર બતાવવા કહ્યું. ‘ હું તો એક સામાન્‍ય માનવી છું. રિધ્ધિ-સિધ્ધિ કાંઇ જ મારી પાસે નથી. હું કોઇ જ ચમત્‍કાર જાણતો નથી.’ એમ કહેતા, દિવાને ભોજા ભગતને જેલમાં પૂર્યા. ૧૫ દિવસ સુધી સવાર-બપોર-રોઢો અને સાંજે ભોજન આપવા છતાં યોગ અને કુંડલીની શકિતથી તેઓએ મળમૂત્રના દ્વાર બંધ કર્યા. દિવાનને ખબર પડી અને ભોજા ભગતની માફી માંગી. ભોજા ભગતે દિવાન વિઠ્ઠલરાવને ભરી સભામાં દોઢસો પદ સંભળાવ્‍યા. તેમનો કાવ્‍ય પ્રવાહ ‘ચાબખા’થી આરંભાયો છે એટલે ત્‍યાર પછી પ્રભાતિયા, હોરી, કીર્તન, ધૂન, સરવડા, કાફી અને ગોડીના પદોની તેમની રચનાઓમાં અધ્‍યાત્‍મ તાનનો મહાસાગર ધૂધવતો દેખાય છે અને કાવ્‍ય કલાના ઉંચા શિખરો પ્રગટ થતા લાગે છે. ભોજા ભગત ‘ચાબખાના કવિ’ તરીકે ઓળખાયા છે.આ એ દિક્ષાગુરૂ હતા જેમના દ્વારા જલારામબાપા અને વાલમરામબાપા જેવા મહાન સંત રત્‍નો સમાજને મળ્યા છે. આજે પણ અમરેલી થી ૩ કી.મી. દૂર ફતેપુર ગામના આશ્રમમાં શ્રી ભોજાભગતની પ્રસાદીની વસ્‍તુઓ શ્રી હનુમાનજીનું મંદિર તથા શિવલીંગ મોજુદ છે અને દર્શન આપે છે. (લોકોકિત આધારિત).

વિકિસ્રોત
વિકિસ્રોતમાં ભોજા ભગતને લગતું સાહિત્ય ઉપલબ્ધ છે.