મોઢેશ્વરી

વિકિપીડિયામાંથી

મા.ઢ. માં એટલે સાત્ત્વિક શકિત અને ઢ એટલે સંપન્ન. જેનામાં ભરપૂર સાત્ત્વિક શકિત છે, જે અનેક પ્રકારની ચેતનાઓથી સંપન્ન છે, જે શકિતનો આરાધક છે, જેણે આત્મનિર્ભરતા, આત્મસમર્પણ, નીડરતા જેવા ચાર ગુણોથી મોઢ શબ્દ સાકાર કર્યો છે. નાનાં અમથાં ગામડાઓમાંથી નીકળી શહેરોમાં પોતાની શકિતનો પરચો વિધાકીય ક્ષેત્રે, સામાજિક ક્ષેત્રે, વ્યાપાર ક્ષેત્રે આપ્યો છે. જેના માથા ઉપર માતંગીના અઢાર હાથની શકિત છે, તેવા મોઢ બ્રાહ્મણો, વૈશ્યો તથા ક્ષત્રિયો તથા કુળદેવી મોઢેશ્વરી માતા છે.

ધર્મારણ્ય[ફેરફાર કરો]

મોઢેરાની આસપાસના પ્રદેશને ત્રેતાયુગમાં ‘સત્યમંદિર’, દ્વાપરયુગમાં ‘વેદભુવન’, ‘કળિયુગમાં ‘મોહરેકપુરી’ અને કળિયુગના મઘ્ય ભાગમાં મોઢેરા તરીકે ઓળખવામાં આવે છે. પુરાણોમાં તેને ‘ધર્મારણ્ય’ નામ આપવામાં આવ્યું છે. વ્યાસજી ઋષિઓને કહે છે કે , ‘પૃથ્વીવ્યાં નૈમિષં શ્રેષ્ઠં તરછ્રેષ્ઠં ધર્મસંજ્ઞકમ્’ હે! ઋષિઓ આ પૃથ્વી ઉપર તપ કરવા માટે બે જ સ્થળો શ્રેષ્ઠ છે. એક નૈમિષારણ્ય અને બીજું ધર્મારણ્ય. આ ભૂમિ ઉપર ધર્મરાજા (યમરાજા) એ એક હજાર વર્ષ તપ કરીને શિવને પ્રસન્ન કર્યા હતા. શિવજીએ ધર્મરાજાને વરદાન માગવા કહ્યું ત્યારે ધર્મરાજાએ શિવને પ્રાર્થના કરી હે, ‘ભોળાનાથ આપને આપવું જ હોય તો આ સ્થળને મારા નામ સાથે જૉડી દો.’ આથી શિવજીએ આ સ્થળને ‘ધર્મારણ્ય’ નામ આપ્યું. ત્યાર પછી આ ભૂમિ ઉપર ‘વૈવસ્વત મનુ’ એ તપ કર્યું. સૂર્યની પત્ની ‘સંજ્ઞા’ એ પણ તપ કર્યું, રામચંદ્ર ભગવાન પણ જયારે રાવણ ઉપર વિજય પ્રાપ્ત કરીને આવ્યા ત્યારે વશિષ્ઠજીએ રાવણને મારવાથી લાગેલા બ્રહ્મહત્યાના પાપને દૂર કરવા રામના ઇષ્ટદેવ સૂર્યનારાયણની સ્થાપના કરાવી હતી.

મોઢેશ્વરીની ઉત્પત્તિ[ફેરફાર કરો]

ધર્મારણ્યની રક્ષા માટે દેવોએ ‘શ્રીમાતા’ની નિયુકિત કરી હતી. એક સમયે ‘કણાટર્’ નામના દૈત્યનો ત્રાસ આ ભૂમિ ઉપર ખૂબ જ વધી ગયો, આ દૈત્ય સ્ત્રીઓને ઉપાડી જતો, લોકોને લૂંટી લેતો, બાળકોને ખાઇ જતો. આથી બ્રાહ્મણો આ દૈત્યના ત્રાસથી બચવા શ્રીમાતાના ચરણમાં ગયા. માતાજીને પ્રસન્ન કર્યા. આથી શ્રીમાતાએ બ્રાહ્મણોને અભયવચન આપતાં કહ્યું કે હે બ્રાહ્મણો! તમે મારા શરણે આવ્યા છો, માટે હું આપ સર્વને આ દૈત્યના ત્રાસમાંથી મુકત કરીશ. આપ સર્વે નિશ્ચિંત બનો. ત્યાર પછી શ્રીમાતાએ પોતાનું વિરાટ સ્વરૂપ ધારણ કર્યું. માતાજીનાં નેત્રો લાલ બન્યાં. શ્યામવર્ણ, સિંહ ઉપર સવારી, લાલ ફૂલની માળા, મોઢામાંથી અગ્નિજવાળાઓવાળું માતાજીનું અદ્ભૂત સ્વરૂપ પ્રગટ થયું. અઢાર હાથમાં રકતમાળા, ધનુષબાણ, ખેટક, ખડગ, કુહાડી, ગદા, સર્પ, પરિઘ, શંખ, પાશ, કટારી, છરી, ત્રિશૂલ, મધપાત્ર, અક્ષમાળા, શકિત, તોમર, મધકુંભ ધારણ કરેલાં હતાં, કડાં તથા બાજુબંધ પહેરેલાં હતાં સાથે કૂતારાઓ હતા. માનું આવું સુંદર સ્વરૂપ જૉઇએ બ્રાહ્મણો હર્ષમાં આવી ગયા. માતાજીની સ્તુતિ કરવા લાગ્યા. માતાજીએ ક્રોધમાં આવીને કણાટર્ દૈત્યની છાતીમાં પોતાનું ત્રિશૂળ માર્યું. દૈત્યનો નાશ થયો. ત્યારથી શ્રીમાતાનું ‘માતંગી’ સ્વરૂપ પૂજનીય બન્યું. સમસ્ત મોઢ બ્રાહ્મણોએ તેમને કુળદેવી તરીકે સ્થાપ્યાં. ધર્મવાવ બનાવી માતાજીની સ્થાપના કરી અને સુખપૂર્વક રહેવા લાગ્યા.

મોઢ બ્રાહ્મણ, વૈશ્ય, ક્ષત્રિયની ઉત્પત્તિ[ફેરફાર કરો]

એક વાર પૃથ્વી ઉપર જળપ્રલય આવ્યો. તેવા સમયે ધર્મારણ્યમાં ‘શિવશર્મા’ નામનો બ્રાહ્મણ રહેતો હતો. તે જળપ્રલય જૉઇને પોતાની પત્ની ‘સુશીલા’ને સાથે લઇ લાકડાનો તરાપો બનાવીને ‘ત્રિશંકુ’ પર્વત ઉપર જતો રહ્યો. ત્યાં તેની પત્નીએ સુંદર પુત્રને જન્મ આપ્યો. કાળક્રમે બાળક થોડો મોટો થયો. એવામાં બ્રાહ્મણનું અવસાન થયું. તેની પત્ની પણ બાળકને ભગવાનના સહારે મૂકીને સતી થઇ. થોડા સમય પછી બાળક કલ્પાંત કરવા લાગ્યો. તેનું કલ્પાંત સાંભળી બ્રહ્મા, વિષ્ણુ, મહેશ પ્રગટ થયા. તેઓ બાળકને સાથે લઇને જતા રહ્યા. બાળકને ત્રણ દેવનું જ્ઞાન આપ્યું. બાળક મોટો થતાં એક દેવકન્યા સાથે તેનાં લગ્ન કર્યા. આ બ્રાહ્મણના ત્યાં ત્રણ પુત્રોનો જન્મ યો. તેઓનું નામ ‘દેવશર્મા’, ‘બ્રહ્મશર્મા’ તથા ‘વિષ્ણુશર્મા’ પાડયું. આ ત્રણેય પુત્રોના ત્યાં આઠ આઠ પુત્રોનો જન્મ થયો. આમ કુલ ૨૪ બન્યા. તેમનો વંશ કુલ ૧૮૦૦૦ બન્યા. આમ ત્રણ વેદો ભણવાથી ત્રૈવેદ મોઢ બન્યા તથા કુલ ૨૪ સંખ્યાથી ચાતુર્વેદીય મોઢ બન્યા. તેમણે ધર્મારણ્યની પૂર્વમાં ધર્મેશ્વરની સ્થાપના કરી, પિશ્ચમમાં સૂર્યમંદિર, ધર્મકૂપ, સૂર્યકુંડ તથા દક્ષિણ દરવાજે ગણપતિની સ્થાપનાઓ કરી. બ્રહ્માજીએ આ બ્રાહ્મણોની રક્ષા માટે ગાયની ખરીમાંથી ‘ગોભવા’ નામે વૈશ્યો તથા ક્ષત્રિયો ઉત્પન્ન કર્યા. આજે પણ મોઢેરાની પાસે ‘ગાંભુ ગામ છે. આમ બ્રાહ્મણ, વૈશ્ય તથા ક્ષત્રિય મોઢ ઉત્પન્ન થયા.

કાળક્રમે વિધર્મીઓના હાથથી માતાજીની મૂર્તિને બચાવવા બ્રાહ્મણોએ માતાજીને ‘વાવ’માં પધરાવ્યાં. વિધર્મીઓની ધર્મભ્રષ્ટ નીતિથી બચવા ધર્મારણ્યના બ્રાહ્મણોએ ગુજરાત, સૌરાષ્ટ્ર, ઇંદોર, ભોપાલ, ઉજજૈન વગેરે અલગ અલગ સ્થળોએ પોતાનો વસવાટ કર્યો. ગાયકવાડે રામરાજયની સ્થાપના કરી ત્યારબાદ તેમની મંજૂરી મેળવી ઇ.સ. ૧૯૬૨માં માતાજીનો જીર્ણોદ્ધાર શરૂ થયો. ઇ.સ. ૧૯૬૬માં મહા સુદ, ૧૩ના દિવસે માતાજીની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા થઇ ધર્મશાળા, કોટ, સિંહદ્વારનું નિર્માણ થયું.