સરદારસિંહજી રાણા
સરદારસિંહજી રાણા | |
---|---|
સરદારસિંહજી રાણા તેમની જર્મન પત્ની સાથે | |
જન્મની વિગત | ૧૦ એપ્રિલ ૧૮૭૦ કંથારિયા, લિંબડી સ્ટેટ, બ્રિટિશ ભારત |
મૃત્યુ | ૨૫ મે ૧૯૫૭ વેરાવળ, ભારત |
શિક્ષણ | બેરિસ્ટર |
શિક્ષણ સંસ્થા |
|
વ્યવસાય | ભારતીય ક્રાંતિકારી, વકીલ, પત્રકાર, લેખક, ઝવેરી |
સંસ્થા | ધ ઇન્ડિયન હોમ રુલ સોસાયટી, ઇન્ડિયા હાઉસ, પેરિસ ઇન્ડિયન સોસાયટી |
પ્રખ્યાત કાર્ય | ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામ |
જીવનસાથી | સોનબા રેસી (લ. 1904; મૃત્યુ 1931) |
માતા-પિતા | રાવજી દ્વિતિય, ફુલાજીબા |
વેબસાઇટ | sardarsinhrana |
સરદારસિંહજી રાવજી રાણા (૧૮૭૦-૧૯૫૭), જેઓ એસ.આર. રાણા તરીકે પણ જાણીતા હતા, એક ભારતીય રાજકીય કાર્યકર, પેરિસ ઇન્ડિયન સોસાયટીના સ્થાપક સભ્ય અને ઇન્ડિયન હોમ રુલ સોસાયટીના ઉપ-પ્રમુખ હતા.[૧][૨]
જીવન
[ફેરફાર કરો]તેમનો જન્મ ૧૦ એપ્રિલ ૧૮૭૦ના રોજ (હિંદુ પંચાંગ મુજબ ચૈત્ર સુદ નોમ) કાઠિયાવાડના કંથારીયા ગામમાં રાવજી દ્વિતિય અને ફુલાજીબાના રાજપૂત કુટુંબમાં થયો હતો.[૩] તેમણે ધૂળી સ્કૂલમાંથી અભ્યાસ કર્યો અને પછીથી તેઓ આલ્ફ્રેડ હાઇસ્કૂલ, રાજકોટમાં જોડાયા હતા જ્યાં તેઓ મહાત્મા ગાંધીના સહાધ્યાયી હતા. ૧૮૯૧માંમાં મેટ્રિક પૂરું કર્યા પછી તેમણે મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજમાં અભ્યાસ કર્યો અને ૧૮૯૮માં તેઓ બોમ્બે યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા.[૨] તેમણે પુનાની ફર્ગ્યુસન કોલેજમાં પણ અભ્યાસ કર્યો હતો, જ્યાં તેઓ લોકમાન્ય ટિળક અને સુરેન્દ્રનાથ બેનર્જીના સંપર્કમાં આવ્યા હતા. ૧૮૯૫માં પુણેમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સંમેલનમાં તેમણે સ્વયંસેવક તરીકે સેવા આપી અને તેઓ હોમરુલ આંદોલનમાં જોડાવા માટે પ્રભાવિત થયા. અભ્યાસ પૂર્ણ કર્યા પછી તેઓ બેરિસ્ટરનો અભ્યાસ કરવા માટે લંડન ગયા. ત્યાં તેઓ શ્યામજી કૃષ્ણ વર્મા અને મેડમ કામાના સંપર્કમાં આવ્યા. લંડનમાં ઈન્ડિયા હાઉસની સ્થાપનામાં તેમણે મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. તેમણે ભીંગડા ગામના સોનબા સાથે લગ્ન કર્યા અને તેમને બે પુત્રો રણજીતસિંહ અને નટવરસિંહ હતા.[૪][૫]
૧૮૯૯માં રાણા બેરિસ્ટરની પરીક્ષા આપ્યા પછી પેરિસ જવા રવાના થયા. તેમણે પેરિસના વિશ્વ પ્રદર્શનમાં આવેલા ખંભાતના ઝવેરી ઝવેરચંદ ઉત્તમચંદને અનુવાદક તરીકે સેવા આપી હતી. તેઓ મોતીના ઝવેરાતમાં નિષ્ણાત બન્યા અને ઝવેરાતનો વ્યવસાય શરૂ કર્યો. તેમણે પેરિસમાં ૫૬, રિયૂ લા ફેયેટ પર નિવાસ કર્યો . તે સમયે જ રાણા ભારતીય રાષ્ટ્રવાદી રાજકારણીઓ સાથે સંપર્કમાં આવ્યા હતા, જેમાં લાલા લાજપતરાય પણ હતા, જેમણે પેરિસની મુલાકાત લીધી હતી અને રાણા સાથે રહ્યા હતા.[૬] [૭] ૧૯૦૫માં, રાણા ઇન્ડિયન હોમરુલ સોસાયટીના સ્થાપક-સભ્ય બન્યા, જેમાં તેઓ ઉપ પ્રમુખ હતા. મુન્ચેરશાહ બુર્જોરજી ગોદરેજ અને ભીખાજી કામા સાથે મળીને ઇન્ડિયન હોમરુલ સોસાયટીના યુરોપી વિસ્તરણ તરીકે પેરિસ ઇન્ડિયન સોસાયટીની સ્થાપના કરી. શ્યામજી કૃષ્ણ વર્માએ કર્યું તેમ, રાણાએ પણ ભારતીય વિદ્યાર્થીઓ માટે રૂ. ૨૦૦૦ની ત્રણ શિષ્યવૃત્તિની જાહેરાત કરી[૮] જે મહારાણા પ્રતાપ, છત્રપતિ શિવાજી અને અકબર યાદમાં હતી. ડિસેમ્બર, ૧૯૦૫માં ધ ઇન્ડિયન સોશિયોલોજીસ્ટના અંકમાં તેણે અન્ય ઘણી શિષ્યવૃત્તિઓ અને પ્રવાસ સગવડોની જાહેરાત કરી હતી.[૪]
તેમણે ભારતીય સ્વતંત્રતા ચળવળને ઘણી રીતે મદદ કરી હતી. ૧૯૦૯માં મદનલાલ ધિંગરાએ તેમની પિસ્તોલનો ઉપયોગ કર્ઝન વેઇલી હત્યા કરવા માટે કર્યો હતો. તેમણે વિનાયક દામોદર સાવરકરને તેમના પ્રતિબંધિત પુસ્તક, ઇન્ડિયન વોર ઓફ ઇન્ડિપેન્ડન્સને પ્રકાશિત કરવામાં મદદ કરી હતી. તેમણે ૧૯૧૦માં આર્મીટ્રેશન, ધ હેગની કાયમી અદાલતમાં માર્સેઇલ આશ્રય કેસમાં પણ મદદ કરી હતી. લાલા લાજપત રાયે પાંચ વર્ષ તેમના ઘરે રહ્યા હતા અને તે દરમિયાન તેમણે નાખુશ ભારત લખ્યું હતું. તેમણે સેનાપતિ બાપતને મોસ્કોમાં બોમ્બ બનાવવાના અભ્યાસ માટે મુસાફરી કરવામાં મદદ કરી હતી. તેમણે સુભાષચંદ્ર બોઝને જર્મન રેડિયો પર પ્રેક્ષકોને સંબોધિત કરવામાં મદદ કરી હતી. તેમણે બનારસ હિંદુ યુનિવર્સિટીની સ્થાપનામાં પણ મદદ કરી હતી.[૪]
મેડમ કામા સાથે મળીને તેઓએ ફ્રેન્ચ અને રશિયન સમાજવાદી આંદોલન [૯] સાથે ગાઢ સંબંધો વિકસાવ્યા અને તેમની સાથે ૧૮ ઓગસ્ટ ૧૯૦૭ના રોજ સ્ટટગાર્ટ ખાતેની બીજી સમાજવાદી કોંગ્રેસમાં હાજરી આપી, જ્યાં કામા દ્વારા "ભારતીય સ્વતંત્રતા ધ્વજ" રજૂ કરવામાં આવ્યો. ત્યાર પછી તેઓ બંદે માતરમ (પેરિસથી કામા દ્વારા પ્રકાશિત) અને ધી તલવાર (બર્લિનથી)માં નિયમિત પ્રદાન આપતા રહ્યા. આ પ્રકાશનો ભારતમાં ગુપ્ત રીતે લઇ જવાતા હતા.[૧૦]
પ્રથમ વિશ્વ યુદ્ધના પહેલાના વર્ષોમાં રાણાના અંગત અને રાજકીય જીવનમાં મોટા વળાંકો આવ્યા. પેરિસમાં તેઓ રેસી નામની એક જર્મન સ્ત્રી સાથે રહેતા હતા, જેમની સાથે તેમણે લગ્ન નહોતા કર્યા.[૨] ૧૯૦૪માં તેમની પ્રથમ પત્નીએ કહ્યા પછી તેમણે લગ્ન કર્યા હતા.[૪] તેમના બંને પુત્રો તેમની સાથે રહેવા માટે પેરિસ ગયા. ફ્રેંચ સરકાર દ્વારા ૧૯૧૧માં તેમના પુત્ર રણજીતસિંહ અને તેમની જર્મન પત્ની સાથે તેમને માર્ટિનિકમાં દેશનિકાલ કરવામાં આવ્યા હતા. ફ્રેન્ચ સેરેટીના દબાણ હેઠળ પેરિસ ઇન્ડિયન સોસાયટીની પ્રવૃત્તિઓ પર કાપ મૂકાયો હતો અને છેવટે ૧૯૧૪માં સોસાયટી સ્થગિત કરવામાં આવી. તેમના પુત્ર રણજીતસિંહનું ૧૯૧૪માં અવસાન થયું. તેમની પત્નીને પણ કેન્સરના ઓપરેશન માટે ફ્રાંસમાં પ્રવેશવાની મંજૂરી નકારી દેવામાં આવી હતી.[૧૧] ૧૯૨૦માં તેઓ ફ્રાંસ પાછા ફર્યા અને ૧૯૩૧માં તેમની જર્મન પત્નીનું કેન્સરથી મૃત્યુ થયું. તેઓ ૧૯૪૭માં તેમના પુત્રના અસ્થિ વિસર્જન માટે હરદ્વાર આવ્યા હતા અને ૨૩ એપ્રિલ ૧૯૪૮ના રોજ પાછા ફર્યા. ૧૯૫૫માં તેમની તબિયત ખરાબ થતાં તેણે પોતાનો વ્યવસાયને સંપેટ્યો અને ભારત પરત ફર્યા. પાછળથી તેમને લકવાનો હુમલો પણ થયો હતો. ૨૫ મે ૧૯૫૭ના રોજ તેઓ વેરાવળના સર્કિટ હાઉસમાં અવસાન પામ્યા.
વારસો અને સન્માન
[ફેરફાર કરો]૧૯૫૧માં ફ્રેન્ચ સરકાર દ્વારા તેમને ચેવાલિઅર એનાયત કરાયો હતો. તેમના મુખચિત્રો ગુજરાત વિધાનસભા અને વેરાવળમાં તેમનું મૃત્યુ સ્થળ પર મૂકવામાં આવ્યા છે.[૪]
તેમના પ્રપૌત્ર રાજેન્દ્રસિંહ ઘનશ્યામસિંહ રાણા ૧૯૯૬થી ૨૦૧૪ સુધી ભાવનગરના સંસદ સભ્ય રહ્યા હતા.[૪]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ Sareen 1979
- ↑ ૨.૦ ૨.૧ ૨.૨ Pathak 1958 .
- ↑ Chopra 1988.
- ↑ ૪.૦ ૪.૧ ૪.૨ ૪.૩ ૪.૪ ૪.૫ Trivedi, Ketan (October 2016). "સ્વાતંત્ર્ય સંગ્રામના આ સરદારને ઓળખો છો?". Chitralekha.
- ↑ Gohil, Dharmendrasinh Vaghubha (18 May 2015). "1-7". Contribution of Sardarsinh Rana in Freedom struggle of India 1870 to 1947 (Thesis). Department of History, Maharaja Krishnakumarsinhji, Bhavnagar University. પૃષ્ઠ 4–324. hdl:10603/41755.
- ↑ Bakshi 1990 .
- ↑ Radhan2002.
- ↑ Brown 1975 .
- ↑ Gupta 1972.
- ↑ Sen 1997.
- ↑ Popplewell 1995.
ગ્રંથસૂચિ
[ફેરફાર કરો]- Kanani, Amin (1990), Lajpat Rai. Swaraj and Social Change., Deep and Deep Publications.
- Chopra, Pran Nath (1988), Indian Freedom Fighters Abroad: Secret British Intelligence Report, Criterion Publications..
- Gupta, Manmath Nath (1972), History of the Indian revolutionary movement., Somaiya Publications.
- Phatak, N. R (1958), Source Material for a History of the Freedom Movement in India., Govt Central Press.
- Popplewell, Richard J (1995), Intelligence and Imperial Defence: British Intelligence and the Defence of the Indian Empire 1904–1924., Routledge, ISBN 0-7146-4580-X.
- Radhan, O.P (2002), Encyclopaedia of Political Parties, Anmol, ISBN 81-7488-865-9.
- Sareen, Tilak Raj (1979), Indian Revolutionary Movement Abroad, 1905-1921., Sterling.
- Sen, S.N. (1997), History of the Freedom Movement in India (1857-1947), South Asia Books, ISBN 81-224-1049-9.